Sunday, October 6, 2024
Homeકેમ્પસ વોઇસસાયબર સ્કૂલ્સ : શિક્ષણના નવા સ્વરૂપ

સાયબર સ્કૂલ્સ : શિક્ષણના નવા સ્વરૂપ

લે. સૈયદ હબીબુદ્દીન

એક જમાનો હતો કે જ્યારે તમારે નવાબ બનવા માટે લખવું-વાંચવું પડતું હતું, અને જો તમે ખેલ-કૂદ કરતા રહેતા તો ખરાબ બની જતા. આભાર માનો કે આજે તમે એવા યુગમાં જીવી રહ્યા છો કે ઈ-લર્નિંગ, ઓડિયો-વીડિયો લેકચર્સ અને ગૂગલીંગથી આગળ વધીને ગેમ્સ દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરવાની તકો પેદા થઈ ગઈ છે. જમાનાએ એવો વળાંક લીધો છે કે હવે તમે હસતાં હસતાં અને મનોરંજનની સાથે શિક્ષણ પ્રાપ્ત કરી શકશો. શિક્ષણ અને માહિતીપ્રદ ટેકનોલોજીના સુંદર સંગમના લીધે ઈ-લર્નિંગના ક્ષેત્રે હોશ ઉડાવી દેનારા ચમત્કારો સર્જાઈ રહ્યા છે.

ડિજિટલ યુગ અગાઉ શિક્ષણ અસ્તિત્વમાં આવ્યું, પછી રેડિયો, ટીવી લેકચર્સ વિ.ના રૃપમાં ઈ-લર્નિંગની શરૃઆત થઈ. ઈ.સ. ૨૦૦૦ પછીથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીના પ્રભાવ હેઠળ ઓન લાઈન અને ઈ-લર્નિંગ કોર્સિસનો જન્મ થયો. સોફ્ટવેર અને હાર્ડવેર ઇન્ડસ્ટ્રીની જબરજસ્ત પ્રગતિએ ઝડપી અને ખૂબ જ સહેલાઈથી ઉપયોગ કરાતા કોમ્પ્યુટરોને અસ્તિત્વ આપ્યું, જેના કારણે સાયબર સ્કૂલ્સનો જન્મ થયો. આજે તમે દુનિયાભરની યુનિવર્સિટીઓથી ડઝનબંધ ઑન લાઈન કોર્સિસ ખૂબ જ સહેલાઈથી કરી શકો છો.

ઝડપથી ફેલાઈ રહેલા આ ઑન લાઈન કોર્સિસ દ્વારા કોર્સના મેટરને પણ આધુનિક શૈલીમાં ઢાળીને રુચિકર અને મોટા ભાગે મનોરંજક શૈલીમાં રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ઑન લાઈન કોર્સિસ અને ઈ-લર્નિંગ સંબંધિત કંપનીઓ બજારમાં એકબીજાની હરિફાઈમાં લાગેલ છે, જેના લીધે અભ્યાસક્રમની સામગ્રીને વધુને વધુ સારી બનાવવા અને તેની દિલચસ્પ સમજૂતી આપવાની દોટ લાગેલ છે. આ જ દોટે શિક્ષણ-સામગ્રીના Gamificationનો પાયો નાખ્યો. આ શિક્ષણ-પ્રણાલીમાં શિક્ષણ-સામગ્રીને કોમ્પ્યુટર કે મોબાઈલ ઉપર એક ગેમ રમતાં રમતાં ભણી શકાય છે, જેમાં એક જ વિષય વાંચનારાઓની ગ્રુપ કોમ્પ્યુનીટી હોય છે. તમે વિચારોની આપ-લે કરી શકો છો. શિક્ષકો તથા અન્ય નિષ્ણાંતોની મદદ લઈ શકો છો. શિક્ષણ-સામગ્રીના Gamificationએ ખૂબ જ ઝડપથી લોકપ્રિયતા હાસલ કરી છે.

ભારતમાં ઑનલાઈન શિક્ષણની સ્થિતિ

શાળા, કોલેજો અનો કોર્પોરેટમાં ઑન લાઈન શિક્ષણનું આપણને અસ્તિત્વ દેખાઈ રહ્યું છે. ભારત સરકાર Information & Communication Technology (IICT)ને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મહત્ત્વ આપતી આવી છે. ઇ.સ. ૨૦૦૪માં કેન્દ્ર સરકારે EDUSAT નામના ઉપગ્રહને લોન્ચ કર્યો, જે ફકત શૈક્ષણિક હેતુઓ માટે ફાળવેલો છે. આ ઉપરાંત AAKASH નામી ટેબલેટને સસ્તા દરે લોકોને ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આ ઉપરાંત NIIT અને IGNOUએ પહેલ કરતાં વર્ચ્યુઅલ ક્લાસિસની શરૃઆત કરી. યશવંત રાવ ચૌહાણ ઓપન યુનિવર્સિટી અને તામિલ વર્ચ્યુઅલ યુનિવર્સિટી પણ ભારતમાં ઑન લાઈન શિક્ષણના વિકાસમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે.

પરંતુ આ તમામ પગલાઓ છતાં ભારતીય વિદ્યાર્થીઓનો ઑન લાઈન કોર્સિસમાં સમાવેશ સંતોષકારક નથી. આંકડાઓ આપણને જણાવે છે કે ઑન લાઈન કોર્સિસમાં પ્રવેશનું પ્રમાણ અન્ય ઓશિયાઈ દેશોની તુલનામાં ભારતમાં બહુ ઓછું છે.

વર્તમાન પરિસ્થિતિના અનેક કારણો પૈકી, ગ્રામ્ય વિસ્તારોમાં સાધનોની અપ્રાપ્યતા એક મોટું કારણ છે. ભારતમાં હજી સુધી ઑન લાઈન કોર્સિસને સરકારી સ્તરે પ્રોત્સાહન હાસલ નથી થઈ શકયું. નોકરીઓ માટે પ્રસિદ્ધ કરાનારા વિજ્ઞાપનોમાં પણ માત્ર ફોર્મલ એજ્યુકેશનની માંગ હોય છે. ટેકનિકલ માહિતીની કમીના કારણે ભારતના લોકો e-Chaupal જેવી યોજનાઓથી સંતોષકારક લાભ નથી લઈ શક્યા.

ભારતમાં ઑનલાઈન શિક્ષણનો વ્યાપ

વર્તમાન સમયમાં ઑન લાઈન શિક્ષણ મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ જોડાણ ઉપર આધાર રાખે છે. જો આપણે ભારતમાં મોબાઈલનો ઉપયોગ કરનારાઓની સંખ્યાને જોઈએ તો આપણને અંદાજો આવશે કે ટૂંકમાં જ ભારતીય શિક્ષણ મોટી હદ સુધી ઑન લાઈન શિક્ષણ ઉપર આધારિત થઈ જશે અને ફોર્મલ એજ્યુકેશન હાંસલ કરનારા વિદ્યાર્થીઓ પણ પોતાના વિષયની ઊંડી સમજ કેળવવા માટે ઈ-લર્નિંગ ઉપર આધારિત હશે. Kleiner Perkins Caufield & Byers (KPCB)ના સર્વેક્ષણ મુજબ ભારતમાં ઇન્ટરનેટનો ૫૦ ટકા ટ્રાફિક મોબાઈલ દ્વારા થાય છે. અને ભવિષ્યવાણી કરવામાં આવી છે કે ટૂંક સમયમાં જ મોબાઇલ ઇન્ટરનેટના ઉપયોગ સંદર્ભે ડેસ્કટૉપને પાછળ છોડી દેશે. ગાર્ટ્ઝના એક સર્વેક્ષણ મુજબ મોબાઇલ દ્વારા ૩૦ બીલિયન ડૉલરથી વધુ વ્યાપાર અપેક્ષિત છે. અને હાલમાં સરેરાશ એક વિદ્યાર્થી ૮ કલાક દરરોજ ઑન લાઈન પર ગાળે છેે. આ ઉપરાંત ઈ-લર્નિંગ ઇન્ડસ્ટ્રી FITCHના જણાવ્યા મુજબ ભારતમાં ઇ.સ. ૨૦૧૧માં ૩.૩ ટ્રિલિયન ડૉલર અને ઇ.સ. ૨૦૧૫માં લગભગ ૫.૯ ટ્રિલિયન ડૉલર માર્કેટ સાઈઝ સાથે મૌજૂદ હતી, અને તેમાં દિન-પ્રતિદિન વધારો થતો જઈ રહ્યો છે. Docebo Reportના જણાવ્યા મુજબ કે જે ઇ.સ. ૨૦૧૪માં જાહેર કરાયો હતો, પૂર્વીય યુરોપ, આફ્રીકા અને લેટિન અમેરિકાની સરખામણીમાં એશિયામાં ઈ-લર્નિંગના વિકાસનો દર ૧૭.૩% હતો. જેમાં ભારતે ચાવીરૃપ ભૂમિકા ભજવી હતી.

ઇન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશનના જણાવ્યા મુજબ ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા બમણી થઈ જશે અને ગ્રામ્ય વિસ્તારોમાં ઇન્ટરનેટના ઉપયોગમાં ૪૦%નો વધારો થશે. આ આંકડાઓ આપણને જણાવે છે કે નજીકના ભવિષ્યમાં ઈ-લર્નિંગ અને ઑન લાઈન શિક્ષણ ભારતમાં સામાન્ય બાબત બની જશે અને આનું સૌથી વધુ લોકપ્રિય માધ્યમ મોબાઈલ હશે. આ રીતે મોબાઈલના ‘એપ’ અને ઈ-લર્નિંગ ઉપર આધારિત ગૅમ્સ આપણી શાળાઓમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરી લેશે. પરંતુ શિક્ષણ-પ્રણાલીમાં આવી રહેલ ક્રાંતિની સાથે આપણે ઈ-લર્નિંગ અને ઑન લાઈન કોર્સિસમાં પારદર્શિતા અને પ્રમાણભૂતતા પેદા કરવાની આવશ્યકતા છે, અને આ અંગે નીતિ-નિયમો ઘડવાની જરૂરત છે. જનહિત ખાતર આપણે ડિજિટલ સામગ્રીને જાહેર અને વિના મૂલ્યના સ્ત્રોત રૃપે ઇન્ટરનેટ દ્વારા પ્રસિદ્ધ કરવી જોઈએ. ઇન્ટરનેટ દ્વારા શિક્ષણ સામગ્રી સુધી પહોંચવામાં આ વાતની ભરપૂર કોશિશ કરવી જોઈએ કે વિદ્યાર્થીઓ ઇન્ટરનેટ ઉપર જોવા મળતી નૈતિક-બગાડની સામગ્રીથી સુરક્ષિત રહે.

ડિજિટલ સામગ્રીની શિક્ષણ-વિદો દ્વારા ચકાસણી થવી જોઈએ અને શિક્ષણ-સામગ્રી માટે સ્તર નક્કી કરવું જોઈએ. કોઈપણ ડિજિટલ સામગ્રીના શિક્ષણ-મૂલ્યો બતાવનારા સ્તરો નક્કી કરવા જોઈએ, કે જેથી ડિજિટલ દોડમાં વિદ્યાર્થીઓ Animation અને ગૅમ્સના ચક્કરમાં Learning Outputથી વંચિત ન રહી જાય. સામાન્ય રીતે ડિજિટલ સામગ્રીથી અધ્યયન માનવીને લખવાની આવડતથી લાભાન્વિત થવાનો મોકો નથી આપતો જે Learning Processમાં સ્વીકાર્ય નથી. આથી આપણે આ વાતની ભરપૂર કોશિશ કરવી જોઈએ કે ઈ-લર્નિંગનો ઉપયોગ આપણા માટે જ્ઞાન-પ્રાપ્તિમાં મદદરૃપ બને નહીં કે આપણી જ્ઞાન-પ્રાપ્તિની કાબેલિયતોને ખતમ કરી દે.

આ રીતે ઈ-લર્નિંગની તકોની સાથે ઇન્ટરનેટ ઉપર અનેક સાયબર સ્કૂલ અને સાયબર ટીચર ફેલાયેલ છે. જરૂરત આ વાતની છે કે આપણે તેનાથી ઇચ્છિત લાભ ઉઠાવીએ અને બીજાઓને તેના દ્વારા જ્ઞાનથી વાકેફ કરાવીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments