Sunday, September 8, 2024
Homeપયગામસૂફી સંમેલનની સાથે સાથે

સૂફી સંમેલનની સાથે સાથે

યુવાસાથી તમારા હાથમાં આવશે ત્યાં સુધી દિલ્હીમાં યોજનાર ચાર દિવસીય આંતરરાષ્ટ્રીય સૂફી સંમેલનની પૂર્ણહૂતી તેમજ તેમાં થયેલ પ્રેમ અને ભાઈચારાની રાજનૈતિક વાણીથી લાભાન્વિત થઈ ગયા હશો તથા તેના સારાનરસા આયામો તમારી સામે આવી ગયા હશે. આપણા વડાપ્રધાન પણ ‘મન કી બાત’માં જ સૌ પ્રથમ સૂફી ઇસ્લામની પ્રશંસા કરી હતી. તેઓે મનની વાત આખા ભારતને કહે છે પણ ભારતીયોની મનની વાત સાંભળતા નથી. અલ્લામા ઇકબાલની એક રચના છે તેમાં થોડુક પરિવર્તન કરીને અત્યારે તમને મનની વાત કહેવાની ઇચ્છા છે.

વજૂદએ મોમીન સે હે દુનિયા મેં રંગ

સમગ્ર દુનિયામાં ઇસ્લામ અને મુસલમાન જ ચર્ચામાં છે. અમેરિકાને દુનિયાના તેલ પર કબ્જો જમાવવા આતંકવાદના નામે મુસ્લિમ દેશો જ નિશાન બન્યા અને ઇઝરાયલને ગ્રેટર ઇઝરાયલ બનવાના સ્વપ્નમાં ઇસ્લામ જ આડે આવે છે. મહાસત્તાઓ જ્યારે પોતાના નિર્ધારિત લાભો માટે મુસલમાનોનો ઉપયોગ કરી શકતી હોય તો પછી આપણા દેશના ‘મહાનુભાવો’ કેમ ન કરી શકે. સાચું કહું જો ભારતમાં ઇસ્લામ ના આવ્યો હોત તો દલિત ભાઈઓને રીઝર્વેશન ન મળ્યું હોત. બલ્કે જીવવાના સમાન અધિકારથી પણ વંચિત રહ્યા હોત. મુસલમાનોનો ભય બતાવીને જ ‘હિન્દુત્ત્વ’ની રાજનીતિ દમ મારે છે. જોકે વાસ્તવિક્તા આ છે કે મુસલમાનો ન સંગઠિત છે ન જ તેમનામાં ઊંડો રાજનૈતિક સભાનતા છે. છતાં તેમની (કાલ્પનિક) સંગઠનશક્તિ બતાવીને હંમેશા હિંદુ ભાઈઓને સંગઠિત કરવાનું કાર્ય કર્યું છે, એટલે કહી શકાય કે હિંદુઓની એકતા પણ મુસલમાનોના અસ્તિત્વની દેણ છે.

મોદી સાહેબે ૨૦૧૪ની ચૂંટણીમાં સફળતા મેળવીને સાબિત કરી દીધું કે તેમને મુસલમાનોની જરાય જરૃર નથી. હંમેશા ચૂંટણી પહેલા એવું વાતાવરણ બનાવવામાં આવે છે કે મુસલમાનોના વોટો જ સરકાર બનાવવામાં મહત્ત્વના સાબિત થશે. ૧૫% મુસલમાનોની જેટલી ચર્ચા મીડિયામાં થાય છે તેની અડધી પણ ૮૫% માટે થાય છે, ના ૧૫% ના નામે ૮૫%ને મુર્ખ બનાવવામાં આવે છે. મીડિયાની ઊહાપોહમાં સામાન્યજન વહી જાય છે. મુસલમાનોને શક્તિશાળી બતાવીને જ હિંદુ વોટ બેંકનું રાજકારણ રમી શકાય. વાસ્તવિક્તા આ છે કે તેઓે ભૂતકાળમાં જે સંગઠનને વળગી રહ્યા છે તેમને ભારતની ભૂમિ પર મુસલમાનો પસંદ નથી. તેઓ તેમને માત્ર એક જ સ્વરૃપમાં સહન કરી શકે છે અને તે છે ઇસ્લામની પરીભાષા તેમની ઇચ્છા મુજબ. ઇસ્લામનું ભારતીયકરણ બલ્કે સંઘીકરણ સ્વરૃપમાં તેઓે ભારતીય મુસલમાનોને જોવા માંગે છે. જો એવા મુસલમાનો તેમને મળી જાય તો પોતાના માથે ચઢાવીને ફરશે. (વાસ્તવમાં ગુલામની જેમ રાખશે બલ્કે તેમની સ્થિતિ દલિતો કરતા પણ દયનીય કરી નાંખશે.) આવી સ્થિતિમાં આપણા પ્રધાનમંત્રીને ઓચિંતા જ સૂફી પ્રેમ જાગ્યો છે તે કંઇ સમજાતું નથી. (ધીમે રહીને કહું પબ્લિકને બધું સમજાય છે તે કઈ મૂર્ખ નથી.) હાથીના દાંત ખાવાના જુદા દેખાડવાના જુદા.

આંતરરાષ્ટ્રીય સ્તરનું અધિવેશન, લાખો લોકોને બોલાવવાનું આયોજન, ૪૦ દેશોથી મહેમાનોને આમંત્રણ, ૪ દિવસ દરેક પ્રકારની વ્યવસ્થા… અધધધ… ખર્ચાઓ આ સૂફીઓ ક્યાંથી પુરા પાડશે. કાર્યક્રમ માટે જાહેર કે ખાનગી રીતે બક્ષીસ કે ફાળો ઉઘરાવવાનીની કોઈ અપીલ નથી. સ્પષ્ટ છે આ કાર્યક્રમ માટે સંપૂર્ણપણે સરકાર ભંડોળ પુરૃં પાડી રહી છે. કહેવાતી હજ સબસીડી બંધ કરવા (જે વાસ્તવમાં સબસીડી છે જ નહીં) સંઘી પરિવાર ખૂબજ બુમરાણ મચાવે છે પરંતુ આ અધિવેશન માટે મૌન સેવી લીધું છે કેમકે તેના ફાયદાઓ ભવિષ્યમાં તેમને જ મળવાના છે.

સૂફી સંમેલનની ટીપ્પણી વચ્ચે આ વાત પણ ધ્યાનમાં રહે કે આ પ્રોગ્રામને તમામ બરેલવી મુસ્લિમો અને દરગાહના મુત્વલ્લીઓનું સમર્થન કે સહકાર નથી. ઑલ ઇન્ડિયા સુન્ની જામીઅત ઉલ્માએ લેખિત વિરોધ દર્શાવ્યું હતો. અને પ્રખ્યાત અજમેર દરગાહના દિવાન ઝેનુલ આબેદીને પણ સૂફી સંમેલનમાં હાજરી આપવાની ચોખ્ખી ન પાડી હતી. અમુક સરકારી મૌલવી અને જી હુજુરી કરનારા અથવા સીધા સાદા સૂફીઓ જ ઑલ ઇન્ડિયા ઉલમા અને મશાઈખ બોર્ડથી જોડાયા છે. સૈયદ મુહમ્મદ અશરફ કીછોછવી કે જે બોર્ડના પ્રમુખ છે એમનું કહેવું છે, “ભારત જેવા બહુસાંસ્કૃત, બહુભાષીય, બહુધર્મીય વાતાવરણમાં અમે ઇસ્લામ ઉપર અમલ કરીએ છીએ, કાયદાનું પાલન કરીએ છીએ ને શાંતિથી રહીએ છીએ, અમારાથી તેમને કે તેમનાથી અમને કોઈ તકલીફ નથી” તેમના આ નિવેદનથી જ અધિવેશનનો આશય દેખાય છે.

આ વાત સાચી કે મસલમાનો આ દેશને પોતાનો દેશ સમજે છે. દેશબંધુઓ ઉપર વિશ્વાસ કરે છે, અને શાંતથી રહે છે. ભારતનો સામાન્યજન પણ શાંતિથી રહે છે. પરંતુ બીજી બાજુ પણ પ્રમુખ સાહેબે નજર રાખવી જોઈએ, કદાચ ગુજરાત ભૂલી ગયા હોય, મુઝફ્ફરનગર અને આસામ તો યાદ હશે જ. બાબરી મસ્જિદની શહાદત પણ યાદ હશે અને વર્તમાન સરકારના બે વર્ષના સમયગાળામાં દેશના વિવિધ ભાગોમાં જે ઘટનાઓ બની છે તેમની જાણ પણ હશે જ. અને હા નિર્દોષોનું એન્કાઉન્ટર, ૧૪-૧૪ વર્ષ જેલોમાંથી બાઇઝ્ઝત બરી થતા યુવાનો, તેમના પરિવારજનોની કથળતી સ્થિતિ પણ નજર સમક્ષ આવી હશે. કદાચ મુસલમાનોની આ બધી સમસ્યાથી અવગત ન પણ હોય કેમકે સૂફી સંતોને તેનાથી શું મતલબ, તેમનું કામ તો માત્ર અલ્લાહ અલ્લાહ કરવાનું, વ્યક્તિત્વ વિકાસ અને ઈશભય પેદા કરવાનું છે, રાજનૈતિક કાવાદાવાથી તેમને કોઈ મતલબ નથી.

આ સૂફીઓને જોઈતું હતું કે આવા રાજનૈતિક સ્ટંટોથી દૂર રહેતા, બાબરીની શહાદત પછી મુસલમાનોને ખુશ કરવા નરસીંહમા રાવે આલા હઝરત અહમદ રઝા (રહ.)ની ટપાલ ટીકીટ બહાર પાડી હતી અને તેનું વિમોચન બરેલવી શરીફથી કરવા માંગતા હતા. પરંતુ ત્યાંના બરેલવી ભાઈઓએ દરગાહને ઘેરી લીધી અને તેનો વિરોધ કર્યો, અને જો સૂફી બંધુઓ વક્ફ અને દરગાહ બોર્ડની સદસ્યતા મેળવવા માટે આ કાર્યક્રમોનો ભાગ બનતા હોય તો તે તેમના માટે શોભનીય નથી. મુસ્લિમ વિદ્વાનો સાથે મળીને આ બાબતે ચર્ચા કરી શકાય.
વાંચક મિત્રો, એટલું તો જાણતા હશે કે આરએસએસના વિચારો ભારતમાં થઈ ગયેલ ઇસ્લામના સૂફી સંતો માટે પણ સારા નથી. ન તેમને પ્રેમની નજરથી જુએ છે. તેમનું કહેવું છે કે તેમના જ કારણે ભારતમાં ઇસ્લામ ધર્મનું પ્રચાર થયો છે. તેમના સમયના મુસ્લિમ રાજાઓ સાથે મળીને સૂફીઓએ હિંદુઓને મુસલમાન બનાવવાનું કાર્ય કર્યું હતું.

બિહાર અને દિલ્હીના ચૂંટણી પરિણામોએ મોદીની ઊંઘ હરામ કરી દીધી છે અને તેમને લાગ્યું કે મુસલમાનોને પણ સાથે રાખવા પડશે કે જેથી તેમની છબી સેક્યુલરની બની રહે અને મુસલમાનો વિરુદ્ધ બીજેપીના નેતાઓ અને સંઘના સ્વંયસેવકોને બોલવા અને મારવાનો જે છૂટો દોર આપી દીધો છે તેનું કઢંગુ ચિતરામણ કરી શકાય. વૈશ્વિક સ્તરે જે બદનામી થઈ રહી છે તેનો ડેમેજ કંટ્રોલ (નુકસાન નિયંત્રણ) કરી શકાય. દેશમાં અસહિષ્ણુંતાનો માહોલ રહેશે તો મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સ્વપ્ન બનીને જ રહી જશે. તેથી આર્ટ ઑફ લીવીંગના કાર્યક્રમો સાથે સૂફી ઇસ્લામની કોન્ફ્રેન્સો પણ કરવી પડશે કે જેથી ભારતની વિવિધતાની એકતાની માર્કેટીંગ કરી શકાય.

બીજી નજરે આ અધિવેશન મુસલમાનોને વિભાજીત કરવાનું ષંડયંત્ર હોઈ શકે છે. કેમકે સુબ્રહ્મણ્યમ સ્વામીનું ઓફિસીયલ નિવેદન જનતાએ સાંભળ્યું છે જેમાં તેમણે મુસલમાનોને વિભાજીત કરવા અને હિંદુઓને સંગઠિત કરવાનું કહ્યુંં હતું. ભારતમાં મોટી આબાદી બરેલવી મુસલમાનોની છે તેમને વિશ્વાસમાં લઈ પોતાના સ્થાપિત હિતો પાર પાડવા માગે છે. મસ્લકી વિભાજન જેટલું મજબૂત બનશે આવતા ઇલેકશનમાં જીતવાની તકો એટલી વધી જશે.

ત્રીજું, બીજેપી સરકાર પોતાના વચનો પૂર્ણ કરવામાં નિષ્ફળ નીવડી છે, સત્તા પર આવતા પહેલા જે મુદ્દાઓ મીડિયામાં ચગાવ્યા હતા તેમની દલદલમાં પોતે ફસાઈ ગઈ છે. રોજબરોજ ભ્રષ્ટાચારના સમાચારો, કાયદા વ્યવસ્થાની બદહાલી, વધતા જતા ગુનાઓની શ્રૃંખ્લા, કોમી રમખાણોના બનાવો, મોંઘવારીના આખલાનો ત્રાસ, ખેડૂતો અને દલિતોની દયનીય પરિસ્થિતિએ સાબિત કરી કીધું છે કે ગાજ્યા ઢોલ વધારે વાગ્યા નથી જેટલી તીવ્ર ગતિથી સત્તા મેળવી હતી ન્યુટનના નિયમ મુજબ તેટલી જ ગતિથી અદ્યોગતિ તરફ જઈ રહ્યા છે. માર્કેટીંગના જોરે ગ્રાહક પણ એક વાર છેતરાઈ શકે છે વારંવાર નહીં. તેથી જનતાનું ધ્યાન બીજે વાળવા અથવા તેમનો વિશ્વાસ જીતવા આવા કાર્યક્રમો કરાવી રહ્યા છે.

મસ્ત રખ્ખો ખેલ કુદ વ તમાશો મેં ઇન્હેં
તાકે લે ન સકે કોઈ હમારે કામો કા અહતેસાબ

ચોથું, મારો પ્રશ્ન છે કે શું માં ના માતૃત્વને વહેચી શકાય છે? જનની માં, પાલક માં, પ્રેમાળ માં … નહીં, માતૃત્વમાં બધુ શામેલ છે. આ વાત પણ સમજી લેવી જોઈએ કે જે રીતે ઇસ્લામને વિવિધ ખાનાઓમાં વહેચી શકાય નહીં એ એક સંપૂર્ણ વ્યવસ્થાનું નામ છે. સૂફી ઇસ્લામ જુદો અને પોલીટીકલ ઇસ્લામ જુદો, ખાનગી ઇસ્લામ જુદો અને સામાજિક ઇસ્લામ જુદો આ વિભાજન જ્ઞાનના અભાવને છતું કરે છે. સૂફી ઇસ્લામ પ્રેમ અને ભાઈચારાની વાત કરે છે અને બીજા પ્રકારો થકી શાંતિ ડહોળાય છે અને આતંકવાદ ફેલાય છે. આ વાત વાસ્તવિક્તાની તદ્દન વિરુદ્ધ છે. ઇસ્લામના અર્થમાં જ શાંતિ રહેલી છે. તેનો અર્થ સલામતી અને અલ્લાહને સંપૂર્ણ સમર્પણ કે તેના આજ્ઞાકારી થાય છે. પ્રધાનમંત્રીને જનતાને દિગ્મૂઢ કરવાની જરૃર નથી. મને એવું લાગે છે કે અધિવેશનમાં આ જ કરવામાં આવશે.

પ્રધાનમંત્રી તમારાથી મારું નિવેદન છે કે તઓ દેશમાં પ્રેમ અને શાંતિનું વાતાવરણ બનાવવા માંગે છે, જે તેમનો રાજધર્મ છે. તો બધાને ન્યાયપૂર્વક વર્તે, હિંસાખોરોને સખ્ત સજા આપે અને કાયદો વ્યવસ્થા જાળવી રાખે. કોઈપણ વ્યક્તિ જે પોતાની વાણીથી વિષ ઓકે છે તેના પર લગામ કસે. ૧૫ લાખ તો નાગરિકોના ખાતામાં નથી આવ્યા, ન જ કાળું ધન દેશમાં આવ્યું છે. કંઇ વાંધો નહીં પરંતુ જે ધન આપણી પાસે છે તેનો યોગ્ય ઉપયોગ કરે. આવા અધિવેશનમાં કરોડો ખર્ચવાની શી જરૃર હતી. લઘુમતીઓની પ્રીમેટ્રીક સ્કોલરશીપ આપી દેવાની જરૃર હતી અને મુસ્લિમ સમાજને જ ખુશ કરવા માંગતા હોવ તો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને જામીઆ મીલ્લિયાના લઘુમતી સ્ટેટસ પર તરાપ મારવાની જરૃર ન હતી. આ કાર્યક્રમ કરવાની જગ્યાએ ગુજરાતની આશરે ૫૫૦ મસ્જિદો અને દરગાહો જે તેમના સમયમાં શહીદ થઈ હતી તેમને વળતર રૃપે આપી દેવાની જરૃર હતી. બધા મુસ્લિમો અને બીજા લોકો ખુશ થઈ જતા (યાદ રહે કે આ વળતર ન આપવું પડે તેના માટે ગુજરાત સરકાર સુપ્રીમમાં ગઈ). એટલું તો કરી જ શકતા હતા કે વકફની મિલકતોનો જે ભ્રષ્ટાચાર ચાલે છે, યોગ્ય કાયદા થકી તેને રોકતા અને વકફની જમીનો ઉપર જે સરકારી અને ગેરસરકારી બાંધકામો થયા છે તેના દબાણ ખસેડતા. જો તમે આવું કરી શકશો તો સૂફી સમાજ જ નહીં સમગ્ર મુસ્લિમ અને ન્યાયપ્રિય સમાજ તમારાથી પ્રસન્ન થઈ જશે.

અલ્લાહ સૌ લોકોને ઇસ્લામનું નિષ્પક્ષ અધ્યયન કરવાની શક્તિ આપે.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments