Thursday, September 12, 2024
Homeપયગામસેલ્ફીથી આંતરિક સેલ્ફ સુધી

સેલ્ફીથી આંતરિક સેલ્ફ સુધી

આજકાલ ફોટો પાડવાનો ટ્રેન્ડ દરિયાના મોજાંની જેમ થાંભવાનો નામ જ નથી લેતો. એક પછી એક સતત ચાલ્યા જ કરે છે. આમાં એક પ્રકારનો આનંદ લોકોને મળે છે. આ મજા બીજાના ફોટા પાડવાની નથી બલ્કે પોતાના જ ફોટા લેવાની છે. અને એવું નથી કે આ શોખ કોલેજના લબરમૂછિયાઓમાં જ હોય છે. નાના બાળકોથી લઈ મી. પી.એમ. સુધી આ જીવલેણ રોગથી પીડાય છે. મારી ત્રણ વર્ષની બેબીને પણ સેલ્ફી લેવાની મજા પડે છે. કહેવાય છે કે વિકાસ તો છેક ૭૦ વર્ષ પછી ગાંડો થયો છે પરંતુ આ સેલ્ફી જનરેશન તો બાળપણમાં જ ઘેલી થઈ છે.

વિકાસનું ગાંડપણ તો સરકારી બાબુઓની નીતિઓ, કોન્ટ્રાક્ટરોના કૃત્યો, મંત્રીઓના નિવેદનો, ભીડની કોમવાદી માનસિકતા, ભક્તોની અંધભક્તિ, અધિકારીઓની બેદરકારી અને મંત્રીઓના મંત્રી એવા પ્રધાનમંત્રીની જુમલેબાજીનું પરિણામ છે. પરંતુ સેલ્ફીના ગાંડપણમાં કોઈ કારણ નથી. કોઈ નીતિ કે રીતિ જવાબદાર નથી. પરંતુ હા, એક કારણ છે. અને તે છે પોતાની જાતને સુંદર દેખાડવાની ઘેલછા. પોતાના મિત્રો સાથે પોતાના સગા-વહાલાઓ સાથે અરે પોતાના પાલતુ પશુઓ સાથે એ સેલ્ફી પડાવવાની મજા લે છે. ક્યારે નામાંકિત વ્યક્તિ સાથે પોતાની સેલ્ફી લઈ પોતાની જાતને કોઈ મોટી હસ્તી બતાવવાનો પ્રયાસ કરે છે. અને સેલ્ફીની મજા કેમ ન લે; આપણે તો સેલ્ફી પી.એમ.ના દેશની જનતા છીએ.

આજના યુગમાં સોશ્યલ મીડિયા તો આગમાં ઘી હોમવાનું કામ કરે છે. બસ વધુ ને વધુ ‘like’ના ચક્કરમાં નવા નવા એંગલથી નવી નવી સ્ટાઇલમાં ફોટા પડાવી અપલોડ કરે છે. અરે ચાલતી ટ્રેનની આગળ, તો ક્યારેક કોઈ ચટ્ટાન પરથી પગ લટકાવીને, તો ક્યારે ટાવરની ઉપર, તો ક્યારે દીવાલ પર અને ઘણાં કિસ્સામાં સંતુલન બગડતા કે નાની સરખી બેદરકારીના લીધે જીવ જતો રહે છે. સેલ્ફી લો પણ એવી મૂર્ખામી તો ન કરો કે જીવ ગુમાવવાનો વારો આવે. હવે તો સેલ્ફી સ્ટિક પેન સુંદર ફોટા લેવામાં મદદરૃપર બને છે. તમે વધારે લોકોને તમારી સેલ્ફીમાં સમાવી શકો છો. સેલ્ફી કલ્ચર પણ વ્યક્તિની સેલ્ફસેટર્ડ હોવાની માનસિકતાને છતી કરે છે.

વ્યક્તિ પ્રાકૃતિક રીતે સુંદરતા પ્રિય છે. તેને સારા ફોટા જોવા, સારા દૃશ્ય જોવાનું ગમે છે. એ દરેક નયન રમ્ય ચિત્રમાં પોતાને જોવા માંગે છે. અથવા પ્રાકૃતિક દ્રશ્ય સાથે પોતાની સેલ્ફી લઈ પોતાને વધુ સારો બનાવવામાં વ્યસ્ત રહે છે. આ જાત પ્રેમ છે, જાત પ્રેમ જ્યારે હદ વટાવે તો સમસ્યા ઊભી થાય છે. જાત પ્રેમ ખોટો નથી, પોતાની જાતના પણ આપણા ઉપર અધિકાર છે, અને એ અધિકારો આપણે નહીં આપીએ તો બીજું કોણ આપશે. પરંતુ પોતાની જાત સુધી સીમિત થઈ જવું ખોટું છે. આપણે જે સમાજમાં રહીએ છીએ તેનું ચિત્ર કેટલું બિહામણું છે, આપણે નજીકથી જોઈશું તો હોરર ફિલ્મ જેવી ફિલિંગ આવશે. ઘભરામણ થશે અને બીક લાગશે. શું આપણે આપણા સમાજના ચિત્રને આટલું સુંદર ન બનાવી શકીએ કે તેની સાથે સેલ્ફી લેવાનું મન થાય. જાપાનના વડાપ્રધાન અહમદાબાદમાં આવી ગયા. કેટલું સરસ શણગારવામાં આવ્યું હતું. દરેક જગ્યાએ સેલ્ફી લેવાનું મન થાય. શું આપણે આવી સ્વચ્છતા ને શોભા જાળવી રાખી નથી શકતા? સીદી સૈયદની જાળી, કેટલા વર્ષોમાં કિસ્મત ચમકી, વર્લ્ડ હેરિટેજમાં નામ હોવા છતાં કોઈ કાળજી લેવાતી ન હતી. એ તો આભાર શિંજો આબેનું કે તેનું આ મસ્જિદ જોવાનું મન થયું. જે રૃટ પર આપણા મહેમાન મંત્રી ગુજરવાના હતા ત્યાં કૃત્રિમ સુંદરતા જોવા મળી તેના સિવાયના અહમદાબાદની હાલત તો એવી ને એવી હતી.!!!

હસ્તો ને મલ્કાતો ચેહરો જોવાની આપણને કેટલી મજા આવે છે. ગુસ્સાની અવસ્થામાં કે રડવાની સ્થિતિમાં અથવા નિરાશાની મુદ્રામાં કે મેલા મુખે સેલ્ફી લેતાં નથી. કેમ? કેમકે આવા ચિત્રો આપણને ગમતા નથી. આપણે એવી સ્થિતિમાં જ સેલ્ફી લઈએ છીએ કે આપણને ગમે અને બીજાને બતાવવાનું ગમે. સેલ્ફી માટે ચેહરા ઉપર સ્મિત લાવીએ છીએ. શું આપણે હંમેશાં મુસ્કુરાઇ ન શકીએ? આ બનાવટી મુસ્કાન ક્યાં સુધી યોગ્ય છે? કોઈ આપણી સેલ્ફી અને ફોટા જુએ તો એમને લાગે કે વ્યક્તિ ખુબ જ સારી અને હસમુખી છે પણ વાસ્તવમાં આપણે કોઈક બીજા હોઈએ છીએ.

હું પૂછવા માંગું છું કે આપણે કોને છેતરી રહ્યાં છીએ? પોતાના મિત્રોને? પોતાના સંબંધીઓને? પોતાના સમાજને? આપણે જ્યાં રહીએ છીએ એ બધા આપણા વ્યવહાર અને વર્તુણૂંક, સ્વભાવ અને ટેવો, ચરિત્ર અને સંસ્કારથી સારી રીતે વાકેફ છે. હા, ફેસબુકની દુનિયાથી કદાચ છેતરાઈ શકે. વર્ચ્યુઅલ દુનિયા કોઈ લાભ હોઈ શકે, પરંતુ વાસ્તવિક દુનિયામાં એ કેટલા ઉપયોગી છે તમે પોતે વિચાર કરો. પછી શા માટે તેનો વધુ પડતો નિરર્થક ઉપયોગ કરો છો. રોજ નવી નવી ઇમેજ મૂકવાથી શું મેળવો છો? આ લાઇક્સ મેળવવાના ગાંડપણે તમને વાસ્તવિક દુનિયાથી કાપી દીધા છે. પોતાના વ્હાલસોયા બાળકોથી અને સગા-સંબંધીઓથી દૂર કરી દીધા છે. સોશ્યલ મીડિયામાં હજારો મિત્રો હોવા છતાં મિત્ર વિહીન છો. ફેસબુક અને ટ્વિટર પર તમારા વિચારો પસંદ કરવામાં આવે છે. કદાચ તમે કોઈ ફેમ બની ગયા હોવ પરંતુ પોતાના કુટુંબને સમાજને તમારાથી શિકાયત છે. તમે જે છો તે છો, પરંતુ એમની નજરમાં તમે બહુ સન્માનપાત્ર નથી. તમે સેલ્ફી અને સેલ્ફમાં આટલા અટવાઈ ગયા છો કે બીજું કશું તમને દેખાતું નથી.

આપણે કેટલા ભૌતિકવાદી છીએ કે માત્ર દેખાતી વસ્તુઓ સાથે જ સેલ્ફી લઈએ છીએ. એને જ શેયર કરીએ છીએ. સેલ્ફી રસિકોએ ક્યારેય પોતાના અંદરની સેલ્ફી લીધી છે? બાહ્ય સેલ્ફીથી ફુરસદ મળે તો પોતાના આંતરિક સેલ્ફમાં એક નજર કરશો. તમારો અંતરાત્મા કેટલો અપવિત્ર છે. તમારા વિચારો કેટલા દૂષિત છે. તમારી દૃષ્ટિ કેટલી સીમિત છે. તમારા મન પર ગંદકીના કેટલા પડ છે. તમારા આત્મા પર નૈતિકતાના વસ્ત્રો છિન્ન-ભિન્ન છે. અહંકાર, ઈર્ષ્યા, હિંસા, દ્વેષભાવ, પક્ષ પાત વગેરેના ખાબોચિયામાં તમે પડયા છો. આવા વ્યક્તિત્વ સાથે સેલ્ફી લેવાનું ગમે? અસત્યના અંધકારે તમારી આંતર દૃષ્ટિ ઝૂંટવી લીધી છે.

તમારી સુંદરથી સુંદરતમ સેલ્ફી કેટલા લોકો યાદ રાખી શકે? કેટલી વ્યક્તિઓને મોહિત કરી શકે? તેનો પ્રભાવ ક્યાં સુધી રહી શકે? તેનો વ્યાપ ક્યાં સુધી જઈ શકે.!! પરંતુ જો તમે પોતાના આંતરિક સેલ્ફનો વિકાસ કર્યો હોય તો તેની સુગંધ હજારો લોકોનું મન મોહી લેશે. તમે નહીં રહો પરંતુ તમારી અસર અસીમ હશે.

આપણી સામાજિક વ્યવસ્થાની પણ ખામી છે. માતા-પિતા પોતાના બાળકમાં ભૌતિકતા જ પેદા કરે છે. કૃત્રિમ દેખાવના વાતાવરણમાં તેનો ઉછેર થાય છે. ચરિત્ર નિર્માણ તરફ જેટલું ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ તેટલું થતું નથી. પરિણામે બાળકનો વિકાસ તો થાય છે પરંતુ માનવીય મૂલ્યોનો વિકાસ થતો નથી. શરીર તો સેલ્ફી લેવા લાયક હષ્ટ પૃષ્ટ બની જાય પણ આત્મા તો બદસૂરત અને નિર્બળ જ રહી જાય છે.

યૌદ્ધો વિજય મનાવવા માગતો હોય તો તેને પોતાની જાતને યુદ્ધ કળાથી શણગારવી પડે. શસ્ત્રો અને સવારીના આધારે જંગ જીતી શકાતી નથી. હા, યોદ્ધા યુદ્ધ કળામાં પ્રવીણ હોય તો, તેનામાં ઉમંગ હોય, સંકલ્પની મજબૂતી હોય, તો શસ્ત્રોની ઉણપ સમસ્યા નથી બનતી. વાસ્તવિક જીવનમાં આપના આંતરિક સેલ્ફ જે વાસ્તવિક સાધન છે તે ખૂબ જ કમજોર છે. સંસાધનોની કમી નથી, નૈતિક શક્તિ દૃઢ વિશ્વાસ ને નૈતિક બળની કમી છે.

તમારી સાથે જે કંઈ ઘટે છે, જેને તમે ખોટું સમજો છો તેવું જ કાર્ય તમે પોતે કરતા હોવ છો. પોતાની ખામીના સમર્થનમાં કરો છો. બીજાની ખામી ઉપર ટીકા-ટિપ્પણી કરો છો. જેમ અરીસો તમારા સાચા સ્વરૃપને તમારી સામે મૂકે છે તેમ પોતાની જાતને સામે રાખી એક સેલ્ફી લો, પોતે આંકલન કરો જે ખોટું લાગે તેને દૂર કરો. આ પ્રક્રિયા સતત કરો અને પોતાની જાત ઉપર કેમરો મૂકો તમારી આંતરિક સેલ્ફના વિકાસથી એક નવા જ વ્યક્તિત્વનું સર્જન થશે.

માનવીય જીવન માત્ર ભૌતિક નિયમોને આધીન નથી, તેનું જીવન પશુઓની જેમ અથવા વનસ્પતિઓની જેમ નથી જે ઉત્પન્ન થાય, વિકાસ પામે, પોતાનો વંશ વધારે અને પછી નાશ પામે. તેઓ કોઈ નૈતિક નિયમોના પાબંદ નથી. તેમની કોઈ આંતરિક સેલ્ફ નથી જેને વિકસિત કરવાની જરૃર હોય. પરંતુ માનવીય સમાજ ઉપર વ્યક્તિનો પ્રભાવ પડે છે, જે સમાજના લોકો પોતાના આંતરિક સેલ્ફને શુદ્ધ કરી પ્રગતિ કરી શકતા નથી તે સમાજ આખરે વિનાશ પામે છે.

એડવેન્ચર્સ સેલ્ફી લેવામાં માર્યા ગયા તો જીવન બરબાદ થયું કહેવાશે પરંતુ પોતાના અંતરાત્માને શણગારવા મૃત્યુ પામશો તો પણ સફળ કહેવાશો.

મિટા દે અપની હસ્તી કો અગર કુછ મરતબા ચાહે

કે દાના ખાક મેં મિલકર ગુલે ગુજઝાર હોતા હૈ

તો મિત્રો સેલ્ફીની દુનિયાથી બહાર નીકળી આંતરિક સેલ્ફની દુનિયાનો પ્રવાસ કરો તો આશા છે આદર્શ માનવીનું નિર્માણ થઈ શકશે. /

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments