Thursday, September 12, 2024
Homeપયગામસૌહાર્દપૂર્ણ સમાજની રચનામાં ઇસ્લામનું શિક્ષણ

સૌહાર્દપૂર્ણ સમાજની રચનામાં ઇસ્લામનું શિક્ષણ

એક વ્યક્તિએ પૂછ્યું કે ઇસ્લામમાં સારું શું છે? હું પ્રશ્ન સાંભળી અવાક રહી ગયો.પૂછનાર માણસ સારો હતો તેના મનમાં નિર્દોષ ભાવ હતો.મેં તેને પ્રશ્ન કર્યો કેમ આવું પૂછો છો? ઇસ્લામ વિષે કંઇક સારું સંભાળવા મળતું જ નથી, મીડિયા પણ ખુબ જ બિહામણું ચિત્ર રજુ કરે છે. જયારે મારું માનવું છે કે ઇસ્લામ ધર્મ ખોટો હોય તો દુનિયામાં સૌથી તીવ્ર ગતિએ ફેલાતો ધર્મ ન હોઈ શકે. બધા જ ધર્મોમાં માનવતાની વાત છે. તેને ઇસ્લામની કેટલીક વાતો કરી તો તે ખુબજ પ્રભાવિત થયો. મને લાગ્યું કે ઇસ્લામનો માનવીય અભિગમ લોકો સમક્ષ આવવો જોઈએ. તેથી વાંચક મિત્રો સમક્ષ આ શીર્ષક ઉપર ટૂંકમાં પ્રકાશ નાખીશ.

લોકો જયારે સદભાવની કે કોમી ભાઈચારાની વાત કરે તો કહે છે કે બધા ધર્મોનો સાર એક જ છે કે સાચા માનવ બનો. માર્ગ જુદા છે અંતે મંઝીલ તો એક જ છે. શું સારું છે શું ખોટું છે, શું શ્રેષ્ઠ છે શું નથીની ચર્ચા નિરર્થક છે તેથી સમાજમાં અંતર ઉભુ થાય છે. એવા પણ લોકો છે જેઓ કહે કે ભાઈ હું ધર્મોમાં નથી માનતો માનવતામાં માનું છું. એમના માનસમાં ક્યાંય આ વસ્તુ ઘર કરેલી હોય છે કે ધર્મ હિંસા અને અશાંતિનું કારણ છે. મારો અભિપ્રાય આ છે કે ધર્મ જ માનવ ને માનવ તરીકે જુએ છે, અને ચરિત્ર નિર્માણનું શિક્ષણ આપે છે. તેથી તેમાં હિંસા કે ક્રુરતાને કોઈ સ્થાન ન હોઈ શકે. આદમ પરથી આદમી આવ્યો છે અનેે મનુથી માનવ શબ્દનું સર્જન થયું છે, વિજ્ઞાન(ડાર્વિન) તો માણસને વાંદરાની સંતાન કહે છે આ થીયરી આ જ સુધી મારા ગળે ઉતરી નથી. જે માનવીય મુલ્યોનું જતન અને ફેલાવો કરવામા આવે છે તે તો ધર્મની દેણ છે વિજ્ઞાનની નહી. વિજ્ઞાન આજ સુધી નેતિકતાનું કોઈ ઘોષણાપત્ર આપી શકયું નથી અને જે કઈ સારી વાતો છે તે ધાર્મિક શિક્ષણમાં મોજુદ છે જ. તેથી સ્વીકારવું પડશે કે ધર્મનું શિક્ષણ ઝગડાનું ન હોઈ શકે. પરંતુ આ વાસ્તવિકતા પણ સ્વીકાર કરવી પડશે કે જે અણ બનાવ બને છે કે હિંસા ફાટી નીકળે છે ત્યાં બે સમુદાયો સામે સામે હોય છે. તે સમુદાયો જાતી આધારિત પણ હોઈ શકે અને ધર્મ આધારિત પણ. અને આ કૃત્ય આચરનારા લોકોની સંખ્યા પ્રમાણમાં ખુબ ઓછી છે જેને નિયંત્રિત કરી શકાય. પરંતુ સારા લોકોની અલ્પદૃષ્ટિ, એક બીજા વિષેની અજ્ઞાનતા કે નિષ્ક્રિયતાના કારણે રમખાણો થાય છે.

હિંસાનું મૂળ કારણ ધર્મનો રાજનીતિ દ્વારા ઉપયોગ છે. ધર્મ જ્યારે નેતાઓનું હથિયાર બની જાય ત્યારે પરિસ્થિતિ ખરાબ થઇ જાય છે. ધર્મનો એક અર્થ ફરજ છે. જેમ કહેવાય છે માનવધર્મ, રાજધર્મ, પતિધર્મ વગેરે. વ્યક્તિ જયારે ફરજ ચુકવણી કરતો હોય ત્યારે તે ધર્મનું અંગીકાર કરતો હોય છે. ધર્મ ગુરુઓની જવાબદારી છે કે તેઓ ધર્મને રાજનીતિના હાથા ન બનવા દે.

ઇસ્લામ પ્રાકૃતિક જીવન વ્યવસ્થાનું નામ છે. તેનું શિક્ષણ કોઈ એક વિશેષ સમુદાય કે જાતિના લોકો માટે નથી બલકે  વિશ્વકલ્યાણ માટે છે.માનવ ને માનવતા ના ઉચ્ચ શિખર પર વિરાજમાન કરવા ઈસ્લામે સુંદર માર્ગદર્શન કર્યું છે. ઇસ્લામની મૂળ આસ્થા એક અલ્લાહ(ઈશ્વર) પર અને તેના ગુણો પર વિશ્વાસ રાખવો છે. આ આસ્થામાંજ માનવતાનું ઝરણું વહે છે. અલ્લાહના જે ગુણો છે જો વ્યક્તિ તેનું ઊંડું જ્ઞાન ધારણ કરે તો નૈતિકતાના શિખરે પહોચી જાય છે. આ શ્રધ્ધા દર્શાવે છે કે જયારે સંસારનો સર્જનહાર, પાલનહાર અને સ્વામી ન માત્ર માનવથી જ બલ્કે સમગ્ર જીવ સૃષ્ટિની જરૃરિયાતો પૂરી કરે છે, વ્યક્તિ તેને માનતો હોય કે ન માનતો હોય અથવા તેની સાથે બીજાને ભાગીદાર ઠેરવતો હોય, તેનાથી પ્રાર્થના કરતો હોય કે બીજા કોઈથી તે બધાને આપે છે. અલ્લાહ જયારે આટલો કૃપાળુ છે તો તેની ઉપર વિશ્વાસ ધરાવતી વ્યક્તિ ટૂંકી દૃષ્ટિની કેવી રીતે હોઈ શકે.!! ઈમાન(શ્રદ્ધા) ધરાવનાર વ્યક્તિ જયારે એમ માનતો હોવ કે અલ્લાહ રહીમ(દયાળુ) છે, મુમીન (શાંતિ આપનાર, સર્વ શક્તિમાન, આદિલ (પ્રમાણિક) છે તો તે ક્રૂર, નિર્દયી,અહંકારી, અન્યાયી કેવી રીતે હોઈ શકે. ઈમાનનો દાવો કરવા છતાં તેનામાં વિનમ્રતા, સહિષ્ણુતા કે પ્રેમના ગુણો ન દેખાતા હોય તો તેને પોતાના ઈમાન (શ્રધ્ધા)ની સમીક્ષા કરવી જોઈએ. વ્યક્તિ જો માત્ર ઇસ્લામની એકેશ્વરની ધારણાને સાચી રીતે સમજી જાય તો સામાજિક પ્રાણીથી સાચો માનવ બની જાય. વ્યક્તિ જો ઈમાન (શ્રદ્ધા)ની વાસ્તવિકતાને પામી લે તો સમાજમાં કોમી સોહાર્દ અને સદભાવના સહજ રીતે પેદા થઇ જાય. ઈમાનવાળી વ્યક્તિનો સહાયક અને મિત્ર અલ્લાહ/ ઇશ્વર પોતે હોય છે. કુઆર્નમાં અલ્લાહ પોતે કહે છે,

“જે લોકો ઈમાન લાવે છે, તેમનો સમર્થક અને સહાયક અલ્લાહ છે અને તે તેમને અંધકારમાંથી પ્રકાશમાં કાઢી લાવે છે અને જે લોકો ઇન્કારનો માર્ગ અપનાવે છે, તેમના સમર્થકો અને સહાયકો તાગૂત છે અને તેઓ તેમને પ્રકાશમાંથી અંધકાર તરફ ખેંચી લઈ જાય છે. આ આગમાં જનારા લોકો છે, જ્યાં તેઓ હંમેશાં રહેશે.” (૨ઃ૨૫૭)

નુર (પ્રકાશ), સત્ય, પ્રેમ, ન્યાય, શાંતિ, નૈતિકતા વગેરે માટે વપરાતો પારિભાષિક શબ્દ છે જયારે જુલ્માત (અંધકાર)એ અસત્ય, જુલમ, અત્યાચાર, અનૈતિકતા, અન્યાય, ઘૃણા વગેરેનું પ્રતિક. કેહવાય છે હૃદય અલ્લાહનું ઘર છે હવે વિચરો કે જે દિલમાં અલ્લાહને સ્થાન હોય તે પાષાણ હદયી, ઘમંડી, ષડ્યંત્રકારી કેવી રીતે હોઈ શકે!!! જાણી જોઇને અપરાધ કેવી રીતે કરી શકે!!! અલ્લાહને પ્રેમ કરનારી વ્યક્તિ એ જ હોઈ શકે જેનું ચરિત્ર અને સંસ્કાર સારા અને અનુકરણીય હોય. તેથી હદીસમાં આવે છે જે ક્ષણ વ્યક્તિ કોઈ ગુનો કરે જેને ક્ષણ માટે ઈમાન તેના દિલમાંથીનીકળી જાય છે.

સમાન વસ્તુઓ પર લોકો ભેગા થઇ શકે કે આપ દેશ બહસાંસ્કૃતિક અને બહુધર્મીય છે અને લગભગ બધા જ ધર્મો અલ્લાહ (ઈશ્વર)માં શ્રધ્ધા ધરાવે છે ઈસ્લામે બધાને એક કડીમાં પરોવવા કહ્યું,

“હે નબી! કહો, ‘હે ગ્રંથવાળાઓ! આવો એક એવી વાત તરફ જે તમારા અને અમારા વચ્ચે સમાન છે, એ કે આપણે અલ્લાહ સિવાય કોઈની બંદગી ન કરીએ, તેના સાથે કોઈને ભાગીદાર ન ઠેરવીએ અને આપણામાંથી કોઈ અલ્લાહ સિવાય કોઈ બીજાને પોતાનો રબ (પ્રભુ) ન બનાવી લે.’ – આ આમંત્રણનો સ્વીકાર કરવાથી જો તેઓ મોઢું ફેરવે તો સ્પષ્ટ કહી દો કે ”સાક્ષી રહો, અમે તો મુસ્લિમ (માત્ર અલ્લાહની બંદગી અને આજ્ઞાપાલન કરનારા) છીએ.” (૩ઃ૬૪)

સૌભાગ્યની વાત છે કે આપણો દેશ તો ધર્મપ્રધાન છે. પરંતુ પછી પ્રશ્ન થાય છે કે તેમની વચ્ચે સંઘર્ષ કેમ ઉભો થાય છે. તેનો સીધો જવાબ આ જ છે કે કાં તો તેઓ અલ્લાહને પૂર્ણ રીતે સમજ્યા નથી, અથવા તેઓ પોતાના ઈમાનના દાવામાં સાચા નથી. અથવા સ્વાર્થ અને ભૌતિકવાદની માનસિકતા આચરણ કરવામાં રુકાવટ બની ગઈ છે. બીજું, વ્યક્તિ કેટલીક સાચી વસ્તુ જાણી લે છે પરંતુ તેના ઉપર કેવી રીતે અમલ કરવો તે સમજાતું નથી. તે કોઈ આદર્શ ને પોતાની આંખોથી જોવા માંગે છે. કેહવાતા વૈજ્ઞાનિકો કે દાર્શનીકો કે ફિલોસોફરો પાસે માનવતા અને ચારીત્ર નિર્માણના સિદ્ધાંત નથી અને જે થોડા ઘણા છે તેના મુજબ કોઈ નમુનો જોેવા મળતો નથી. અલ્લાહ પર સાચા ઈમાનથી કેવા વ્યક્તિત્વનું નિર્માણ થાય છે તે ઈશદૂત હઝરત મુહમ્મદ સ.અ.વ.ના જીવનથી જાણી શકાય છે. તેથી કુઆર્ન કહે છે,

“હકીકતમાં તમારા માટે અલ્લાહના રસૂલ (ઈશદૂત)માં એક ઉત્તમ આદર્શ હતો, દરેક તે વ્યક્તિ માટે જે અલ્લાહ અને આખિરત (પરલોક)ના દિવસની અપેક્ષા રાખતો હોય અને અલ્લાહનું પુષ્કળ પ્રમાણમાં સ્મરણ કરે. ” (૩૩ઃ૨૧)

દરેક પ્રેમીનું ધ્યેય હોય છે કે તે જેને પ્રેમ કરે છે તે પણ તેને ચાહે. અલ્લાહનો પ્રેમ ઇચ્છનાર વ્યક્તિ માટે અલ્લાહ કુરાન માં ફરમાવે છે,

“હે નબી ! લોકોને કહી દો, જો તમે ખરેખર અલ્લાહને પ્રેમ કરતા હોવ તો મારું અનુસરણ કરો, અલ્લાહ તમારા સાથે પ્રેમ કરશે અને તમારી ભૂલોને માફ કરી દેશે. તે મોટો ક્ષમા આપનાર અને દયાળુ છે.” (૩ઃ૩૧)

હઝરત મુહમ્મદ સ.અ.વ.નું સમગ્ર જીવન અનુકરણીય છે તેમના જીવનની કોઈ વસ્તુ ખાનગી હોય કે જાહેર, ઓઝલ નથી. એક ઝલક …

એક વૃદ્ધા હઝરત મુહમ્મદ સ.અ.વ. વિશે ફેલાયેલ દુષ્પ્રચારથી પ્રભાવિત થઇ પોતાનું ઘર છોડી બીજી જગ્યાએ સ્થળાંતરિત થવા રસ્તા પર આવી રાહ જુએ છે કે કોઈ માણસ તેની પોટલી તેના માથા પર મૂકી દે પરંતુ કોઈ મદદ કરતો નથી, ત્યારે  જ એક નવયુવાન ત્યાંથી પ્રસાર થાય છે, ડોસીમાં તેમને પોટલી ઉચકી ને તેના માથા પર મુકવા જણાવે છે.પરંતુ તે સ્વયં પોતાનાના માથે મૂકી કહે છે માં તમને ક્યાં જવું છે ચાલો છોડી દઉ. બંને મંજિલ તરફ આગળ વધે છે, નવયુવાનના ચરિત્ર ને સંસ્કારથી પ્રભાવિત થઈ તે તેમને દિલની વાત કરતા મુહમ્મદ (સ.અ.વ.)નું ખામીઓ બતાવી તેને તેમનાથી સાવચેત રહેવા કહે છે. મંજીલ પર પહોચી એ નવયુવાન પાછા ફરે છે તો વૃદ્ધા પૂછે છે કે બેટા તમે સારા વ્યક્તિ લાગો છો તમારુ નામ તો કહેતા જાઓ. નવયુવાન મલકાતા મુખે માત્ર આટલુંુ જ કહે છે કે માં, હું તે જ મુહમ્મદ છું. કેવી કમાલની વિશાળ હૃદયતા ને સહિષ્ણુતા છે.

એ જ રીતે દરરોજ આપ (સ.અ.વ.) ઉપર કચરો નાખવાના નિત્યક્રમમાં ત્રણ દિવસ ખાલી જાય છે તો  આપ સ.અ.વ. તેમની પૃચ્છા કરવા જાય છે. દુશ્મનોથી પણ કેવો પ્રેમ ભાવ! આપને બુરાઈથી નફરત હતી માનવથી નહિ અને આ જ ઇસ્લામનું શિક્ષણ છે. આવા ઘણા દ્રષ્ટાંતો આપના જીવનચરિત્ર માંથી મળી આવે છે.

ખાલીદ બિન વાલીદ (રદી.) કે જેમણે શરૃઆતમાંઇસ્લામને ખુબ નુકસાન પહોચાડ્યું વિષે કહતા કે ખાલીદ તો ખુબ સમજુ માણસ છે તે અત્યાર સુધી મારી સત્યતાને ન સમજી શક્યો.મક્કા વિજય થાય છે તો ઇસ્લામના મોટો દુશ્મન અને મક્કા વાસીઓ ના સરદાર એવા અબુ સુફિયાન વિશેઘોષણા કરે છે કે જે વ્યક્તિ તેના ઘરમાં હોય તેને અમારુ શરણ છે.ન માત્ર આટલું જ બલકે તેમની ટકોર કરનારા,નિંદા કરનારા, બેઈજ્જત કરનારા,મારઝૂડ કરનારા, મુસલમાનોને ક્રૂર રીતે કત્લ કરનારા, આપનું અપમાન કરનારા, આપ સ.અ.વ.ની હત્યાના ષડયંત્ર કરનારા, આપ સ.અ.વ.ને મક્કા છોડવા મજબુર કરનારા, અહી સુધી કે મદીનામાં પણ શાંતિથી ન રહવા દેનારા લોકો આપની સામે આવ્યા તો  કહ્યું જાઓ આજે બધાને ક્ષમા કરવામાં આવે છે. ઈતિહાસ ઉઠાવીને જોઈ લો સેના જયારે વિજય પામી કોઈ નગરમાં પ્રવેશ કરે છે તો કેવા કેવા કૃત્યો કરે છે, કેવી હિંસા અને હત્યાઓનું બજાર લાગે છે, સ્ત્રીઓ અને દીકરીઓને કેવી રીતે બેઆબરૃ કરવામાં આવે છે. આજેય જોઈ શકાય છે કે શક્તિશાળી દેશોની સેના કેવા ‘કારનામાં’ કરે છે. પરંતુ ઈસ્લામે ઈતિહાસના નવા પૃષ્ઠો લખ્યા છે. માનવતાને તેની ઉચ્ચતા સુધી પહોચાડી છે.

સામાન્ય સ્થિતિ માં માનવતાનું ઇસ્લામ શિક્ષણ તો શ્રેષ્ઠ છે જ પરંતુ યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ તેના સિદ્ધાંતો અદ્વિતીય છે. આપ સ.અ.વ.નું આદેશ છે કે સ્ત્રીઓ અને બાળકો પર હાથ ન ઉપાડો, વૃધો અને અપંગોને ન મારો, પાકને કે ખેતરને ન સળગાવો, જાહેર મિલ્કતને નુકસાન ન પહોચાડો, નિર્દોષની હત્યા ન કરો, દુશ્મન શરણ માંગે તો શરણ આપો વગેરે જે તમારાથી લડે તેનાથી લડો અહી સુધી કે યુદ્ધ કેદીઓ પ્રત્યે પણ દયા, એક રાત્રે આપ બેચેન હતા પડખા બદલતા હતા કોઈએ કારણ પૂછ્યું તો કહ્યું યુદ્ધમાં કેદીઓ બનાવવામાં આવ્યા તેમના હાથ ચુસ્ત બાંધવામાં આવ્યા હોય એવું લગે છે તેને ઢીલા કરી દો.

સહિષ્ણુતા એવી કે એક વાર એક ખ્રિસ્તી પ્રતિનિધિ મંડળ મસ્જીદમાં આવ્યું. તેમને પોતાની રીતે અલ્લાહની બંદગી કરી તો આપે તેની પરવાનગી આપી. એક વ્યક્તિથી આપે નિયત સમય માટે કરજ લીધું હતું. સમય પહલા એ આવી જાય છે, અને તેમની સાથે ખુબ જ ખોટો વ્યવહાર કરે છે, આપની આસપાસ આપને પોતાના જીવથી વધારે પ્રેમ કરનારા અનુયાયીઓ ઉભા છે, જેઓ તેનો વ્યવહાર જોઈ અંદરોઅંદર ગુસ્સે થઇ રહ્યા છે પરંતુ આપ શાંતિથી આખો દિવસ તેની ખરી ખોટી  સાંભાળતા રહે છે. આપની મહાનતાનો અંદાજ આ હદીસ પરથી લગાવી શકાય કે મને નૈતિકતાની પરાકાષ્ટાને સંપૂર્ણ કરવા મોકલવામાં આવ્યો છે અને આપનું અનુકરણીય જીવન તેનો ખુલ્લો નમુનો છે.

માનવ લાગણીઓની પ્રતિમા છે, અને તેમાં ધાર્મિક ભાવના ખૂબ જ વધારે હોય છે. કોઈ પણ વ્યક્તિ ઈશનિંદા સહન કરી શકતી નથી. તેના કારણે સમાજમાં હિંસા અને અશાંતિ થઈ જાય છે. ઇસ્લામે તાલીમ આપી કે કોઈના પૂજ્યોને અપશબ્દો ન કહોઃ

“અને (હે મુસલમાનો !) આ લોકો અલ્લાહ સિવાય જેમને પોકારે છે, તેમને અપશબ્દો ન કહો, ક્યાંક એવું ન થાય કે આ લોકો શિર્ક (અનેકેશ્વરવાદ)થી આગળ વધીને અજ્ઞાનતાના કારણે અલ્લાહને અપશબ્દો કહેવા લાગે. અમે તો આવી જ રીતે દરેક જૂથ માટે તેના કર્મોને મોહક બનાવી દીધા છે, પછી તેમને પોતાના રબના જ તરફ પાછા ફરવાનું છે, તે વખતે તે તેમને બતાવી દેશે કે તેઓ શું કરતા રહ્યા છે.” (૬ઃ૧૦૮)

મુહમ્મદ સ.અ.વ.એ મુસલમાનોને આવું જ શિક્ષણ આપ્યુ છે. એકવાર એક વ્યક્તિ આપની સેવામાં આવી અને પૂછ્યું કે ઇસ્લામ શું છે? આપે કહ્યું કે ઇસ્લામ ભૂખ્યાને જમાડવાનું નામ છે. બીજા એક પ્રસંગે આપથી આ જ પ્રશ્ન થયો તો આપ સ.અ.વ.એ કહ્યું ઉચ્ચ નૈતિકતાનું નામ ઇસ્લામ છે. મુસલમાનોના સુંદર પ્રશિક્ષણને પણ ઈમાન સાથે જોડીને દર્શાવ્યું. આપ સ.અ.વ.એ કહ્યું, “કોઈ વ્યક્તિ મો’મિન નથી હોઈ શકતી કે જ્યાં સુધી તે પોતાના ભાઈ માટે પણ એ જ વસ્તુ પસંદ ન કરે જે પોતાના માટે કરે છે.” કેટલી મોટી અને સુંદર વાત છે બલ્કે માનવ-સમાજના નિર્માણનો સચોટ સિદ્ધાંત છે. દરેક વ્યક્તિ પોતાના માટે સત્ય, શાંતિ, સુરક્ષા, સમૃદ્ધિ, ન્યાય, સમાનતા, આદર સન્માન, વગેરે ઇચ્છે છે તો આપ સ.અ.વ. કહે છે કે જે તમે લોકોથી પોતાના માટે ઇચ્છો છો એ પહેલાં તેમને આપો. ખુશહાલ સમાજના નિર્માણ માટે આપે ફરમાવ્યું “એ વ્યક્તિ મો’મિન નથી હોઈ શકતો જે પોતે પેટ ભરીને જમે અને તેનો પાડોશી ભૂખ્યો સૂઈ જાય. પ્રશ્ન કરવામાં આવ્યો પાડોશ એટલે? આપ સ.અ.વ.એ કહ્યું ચારે દિશામાં ૪૦- ૪૦ ઘરો. અને આ વ્યવહારને લાયક માત્ર મુસલામનો નથી બલ્કે દરેક માનવી છે એ ભલે કોઈ પણ જાતિ, ધર્મ કે સમુદાયથી સંબંધ ધરાવતો હોય. આપણું ભારત કે જ્યાં એક તૃત્યાંશ લોકોને બે ટંક જમવા માટે નથી, આ એક કથન ઉપર આચરણ કરવા લાગે તો કોઈ ભૂખમરાનો શિકાર ન થાય.

માનવને માનવથી જોેડવા માટે આપ સ.અ.વ.એ ફરમાવ્યું, “એક બીજાથી ઈર્ષ્યા ન કરો, ન તેમનાથી દુશ્મની કરો, ન તેમને બૂરા કહો અલ્લાહના બંદા અને ભાઈ ભાઈ બની ને રહો.” આપ સ.અ.વ.એ પૂછ્યું કે શું તમને નમાઝ, રોઝા, ઝકાત, હજથી સારી વસ્તુ ન કહું? બેસેલા અનુયાયીઓએ કહ્યું હા, અલ્લાહના રસૂલ (દૂત) જરૃર કહો. આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે બે લડનાર વ્યક્તિઓમાં સુલહ (મેળજોલ) કરાવવું તેનાથી શ્રેષ્ઠ છે.” આપ સ.અ.વ.એ આ પણ કહ્યું કે એ વ્યક્તિ મો’મિન નહી જેના હાથ અને વાણીથી તેનો ભાઈ સુરક્ષિત ન હોય.”

ભાઈચારા અને વસુદેવ કુટુંબકમની જે ભાવના આપણે સ્થાપિત કરવા માંગીએ છીએ તેના માટે ઇસ્લામે મજબૂત પાયો આપ્યો જે દરેક ઊંચનીચ છૂતછાત, વંશવાદ, જાતિવાદ, ભાષાવાદ અને રંગભેદને જડથી ઉખેડી ફેકે છે. પયગંબર મુહમ્મદ સ.અ.વ.એ  ફરમાવ્યું કોઈ આરબને બિન આરબ પર, કોઈ બિન આરબને આરબ ઉપર, કોઈ ગોરાને કાળા ઉપર, કાળાને ગોરા ઉપર કોઈ શ્રેષ્ઠતા નથી. તમે બધા આદમની સંતાન છો અને આદમ માટીથી પેદા કરવામાં આવ્યા હતા. કુઆર્ન પણ તેનો ઉલ્લેખ કરતાં કહે છે,

“આ બદ્દુઓ કહે છે કે ”અમે ઈમાન લાવ્યા.” આમને કહો, ”તમે ઈમાન નથી લાવ્યા બલ્કે એમ કહો કે, અમે આજ્ઞાંકિત થઈ ગયા.” ઈમાન હજુ તમારા હૃદયોમાં પ્રવેશ્યું નથી. જો તમે અલ્લાહ અને તેના રસૂલ (ઈશદૂત)નું આજ્ઞાપાલન અપનાવી લો તો તે તમારા કર્મોના બદલામાં કોઈ કમી નહીં કરે, નિશ્ચિતપણે અલ્લાહ મોટો ક્ષમાશીલ અને દયાળુ છે.” (૪૯ઃ૧૪)

સમાજમાં વિશ્વાસ અને પ્રેમની જ્યોતિ પ્રગટાવવા કહ્યું,

“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! બહુ અનુમાન કરવાથી બચો, કેમ કે કેટલાક અનુમાનો ગુના હોય છે. ખણખોદ ન કરો અને તમારામાંથી કોઈ કોઈની પીઠ પાછળ નિંદા (ગીબત) ન કરે. શું તમારામાં કોઈ એવો છે જે પોતાના મૃત ભાઈનું માંસ ખાવાનું પસંદ કરશે ? જુઓ, તમે પોતે આનાથી સૂગ કરો છો. અલ્લાહથી ડરો, અલ્લાહ મોટો તૌબા (ક્ષમા) કબૂલ કરનાર અને દયાળુ છે.” (૪૯ઃ ૧૨)

માનવની ગરિમા સાચવતાં કહ્યું કે અમે માનવને ઈજજતદાર બનાવ્યો છે. માનવ તરીકેના ગોરવને કોઈ ઝૂંટવી શકે નહિ. લોકો આરોપ લગાડે છે કે ઇસ્લામી રાજ્યમાં બિન મુસ્લિમના જાનની કોઈ કિમત હોતી નથી. હઝરત મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું કે કોઈ મુસ્લિમે કોઈ નિર્દોષ બિનમુસ્લિમની હત્યા કરી તો કાલે કયામતના દિવસે હું તે વ્યક્તિ (બિનમુસ્લિમ)ની વકાલત કરીશ. એકવાર એક નનામી આપના સામેથી પસાર થઈ, પયગમ્બર મુહમ્મદ સ.અ.વ. તેને જોઈને ઊભા થઇ ગયા. આપના અનુયાયીઓએ કહ્યું કે તે તો યહૂદીની મૈયત છે. તે સાંભળી આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે શું તે માનવ નથી.!! કુઆર્ન એક માનવની હત્યાને સમગ્ર માનવતાની હત્યા તરીકે જુએ છે.

”જેણે કોઈ વ્યક્તિના ખૂનના બદલે કે ધરતી પર બગાડ ફેલાવવા સિવાય કોઈ અન્ય કારણસર હત્યા કરી, તેણે જાણે કે સમગ્ર માનવ-જાતની હત્યા કરી અને જેણે કોઈને જીવન પ્રદાન કર્યું, તેણે જાણે કે સમગ્ર માનવ-જાતને જીવન પ્રદાન કર્યું.” (૫ઃ૩૨)

“કોઈ જીવની હત્યા ન કરો જેને અલ્લાહે હરામ (અવૈધ) ઠેરવ્યો છે,” (૧૭ઃ૩૩)

ધર્મો અને સમુદાયોને જોડવા માટે જરૂરી છે કે અવાર-નવાર એકબીજાથી મળતા રહે, સંવાદ કરે, જે કઈ તેમના પાસે સુંદર અને સારું છે તે બીજાથી આદાન-પ્રદાન કરે. આ બાબતે ઇસ્લામ ખૂબ વિશાળ છે. આપ સ.અ.વ.એ ફરમાવ્યું કે હિકમત (તત્ત્વદર્શિતા, જ્ઞાન, સુંદર વ્યવહાર) મોમિનનો વારસો છે જ્યાં પણ મળે તેને મેળવી લે. તેમજ લોકોને એકબીજા સાથે હળી મળી ને કામ કરવા શિક્ષણ આપવા કહ્યું.,

“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! ખુદાપરસ્તી (અલ્લાહના આજ્ઞાપાલન)ની નિશાનીઓનો અનાદર ન કરો – હરામ (પ્રતિષ્ઠિત) મહિનાઓમાંથી કોઈને હલાલ (વૈધ) ન કરી લો, કુરબાનીના પશુઓ પર હાથ ન નાખો, ન તો તે પશુઓ પર હાથ નાખો જેમની ડોકમાં અલ્લાહને સમર્પણની નિશાની તરીકે પટ્ટાઓ નાખેલા હોય, ન તે લોકોને સતાવો જેઓ પોતાના રબ (માલિક)ની કૃપા અને પ્રસન્નતાની શોધમાં પ્રતિષ્ઠિત ઘર (કા’બા) તરફ જઈ રહ્યા હોય. હા, જ્યારે એહરામની હાલત સમાપ્ત થઈ જાય તો તમે શિકાર કરી શકો છો – અને જુઓ, એક જૂથે જે તમારા માટે પ્રતિષ્ઠિત મસ્જિદ (કા’બા)નો માર્ગ બંધ કરી દીધો છે, તો આ બાબતે તમારો ગુસ્સો તમને એટલા ઉત્તેજિત ન કરી દે કે તમે પણ તેમના મુકાબલામાં અનુચિત અતિરેક કરવા લાગો. નહીં, જે કાર્યો સદાચાર અને તકવા (ઈશપરાયણતા અને સંયમ)ના છે તેમાં સૌના સાથે સહયોગ કરો અને જે ગુના અને અત્યાચારના કાર્યો છે તેમાં કોઈના સાથે સહયોગ ન કરો. અલ્લાહથી ડરો, તેની સજા ઘણી આકરી છે.” (૫ઃ૨)

ઇસ્લામની એક વિશેષતા આ છે કે તે મુસલમાનોને આદેશ આપે છે કે જે રીતે હઝરત મુહમ્મદ સ.અ.વ. અને કુઆર્ન પર ઈમાન ધરાવો છો તે જ રીતે તેની પહેલા અવતરિત થઇ ગયેલા ઈશગ્રંથો અને ઈશદૂતો પર પણ ઈમાન લાવો. તેમાં ફેર કરશો તો  ઈમાનમાંથી નીકળી જશો. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છેઃ

“જે ગ્રંથ તમારા ઉપર અવતરિત કરવામાં આવ્યો છે (અર્થાત્ કુઆર્ન) અને જે ગ્રંથો તમારા અગાઉ અવતરિત કરવામાં આવ્યા હતા તે સૌના ઉપર ઈમાન લાવે છે, અને આખિરત ઉપર શ્રદ્ધા રાખે છે.” (૨ઃ૪)

“હે નબી ! કહો, અમે અલ્લાહને માનીએ છીએ, તે શિક્ષાને માનીએ છીએ જે અમારા પર અવતરિત કરવામાં આવી છે, તે શિક્ષાઓને પણ માનીએ છીએ જે ઇબ્રાહીમ, ઇસ્માઈલ, ઇસ્હાક, યાકૂબ અને યાકૂબના સંતાનો પર અવતરિત થઈ હતી, અને તે માર્ગદર્શન પર પણ ઈમાન ધરાવીએ છીએ જે મૂસા અને ઈસા અને બીજા પયગંબરોને તેમના રબ તરફથી પ્રદાન કરવામાં આવ્યું. અમે તેમના વચ્ચે ભેદ કરતા નથી અને અમે અલ્લાહના આજ્ઞાંકિત (મુસ્લિમ) છીએ.” (૩ઃ૮૪)

માનવીનું નિર્માણ કેવી રીતે?

ઇસ્લામે ન માત્ર સુંદર અને સરળ સિદ્ધાંતો આપ્યા બલ્કે તેની ખાતરી કરવા માટે પૂરી વ્યવસ્થા બનાવી છે. ઇસ્લામનું શિક્ષણ છે કે આ દુનિયા પરીક્ષા ખંડ છે અને અહીં માનવોની પરીક્ષા છે કે તે જીવનને આ સિદ્ધાંતોથી શણગારે છે કે પછી પોતાની મરજીનું જીવન વ્યતીત કરવા માંગે છે. નૈતિકતા અને માનવીય મૂલ્યોની સુરક્ષાને આખેરત સાથે જોડી દીધું છે. પયગંબર હઝરત મુહમ્મદ સ.અ.વ.એ એકવાર પ્રશ્ન કર્યો મુફલિસ (દરિદ્ર) કોણ? આપના અનુયાયીઓએ જવાબ આપ્યો કે જેની પાસે ધન-દોલત ન હોય, પગગંબર મુહમ્મદ સ.અ.વ.એ ફરમાવ્યું કે મારી ઉમ્મત (સમુદાય)માં દરિદ્ર તે વ્યક્તિ છે જે કયામતના દિવસે નમાઝ, રોઝા, ઝકાત (પુણ્યોનો મોટો ભંડાર) લઈને આવશે, પરંતુ તેણે દુનિયામાં કોઈને ગાળો આપી હશે, કોઈના પર વ્યભિચારનો આરોપો લાગડયો હશે, કોઈનું ધન પચાવી પાડયું હશે, કોઈની હત્યા કરી હશે, કોઈ મારપીટ કરી હશે. તેના પુણ્યો પીડિતોમાં વિભાજીત કરી દેવામાં આવશે. જોે  તેના પુણ્ય પૂરા થઇ જશે અને પીડિતાનો હિસાબ બાકી રહશે તો પીડિતોના પાપ તેના ખાતામાં નાખી દેવામાં આવશે. તેનું ખાતું ખાલી થઇ જવાથી તેને નરકમાં નાખી દેવામાં આવશે. તેથી સાવચેત રહેશો કે વ્યક્તિ જે કરમ કરશે કાલે કયામતના રોજ તેનો હિસાબ આપવો પડશે. અને આ ભૌતિક જીવન પ્રથમ અને અંતિમ જીવન છે તેની કોઈ સપ્લીમેન્ટ્રી નથી. જો જો ચૂક ન થઇ જાય. * (પૂર્ણ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments