“વુમન એમ્પાવરમેન્ટ”, “સ્ત્રીઓના સમાન અધિકાર”, “સ્ત્રી સ્વતંત્રતા” વગેરે જેવા સૂત્રો સાંભળવામાં કેટલા સુંદર લાગે છે!! ધર્મોથી દાજેલી અને સમાજની માનસિકતાથી કચડાયેલી સ્ત્રીઓને આ પોકારમાં આશાનું કિરણ દેખાય. સ્ત્રી કે જેને લોકો પાપનું મૂળ કે આત્મા વગરનું અસ્તિત્વ સમજતા હતા, તેમની પરિસ્થિતિ ગુલામ જેવી હતી, તેમના ન કોઈ અધિકાર હતા અને ન તેમનું સન્માન બાકી હતું. આવી પરિસ્થિતિમાં પોતાના અસ્તિત્વને સ્વીકૃત બનાવવા એક તક ઊભરતી દેખાઈ. તેમની દૃષ્ટિ સ્ત્રી સ્વતંત્રતાની ચળવળ પાછળની માનસિકતા અને દૃષ્ટિકોણ સુધી ન પહોચી શકી. તેમનો હેતુ શું છે તે જાણ્યા અને સમજ્યા વગર તેને “સ્વતંત્રતા”ના ફાસ્ટ ટ્રેક પર દોડવાનું શરૂ કર્યું. તેને સમજાવવામાં આવ્યું કે સ્ત્રીના પછાતપણા અને શોષણનું મૂળ કારણ ધર્મ છે. તેઓ પુરુષ આધીન હોવાથી પોતાનો વિકાસ કરી શકી નથી. પુરુષ પ્રધાન સમાજ સ્ત્રીને અબળા અને કમજાર માને છે. સ્ત્રીને કોઈ હક્ક આપતો નથી. દુનિયામાં સુખ, સમૃદ્ધિ અને ભાવભર્યું જીવન જીવવું દરેક વ્યક્તિનો અધિકાર છે.
સ્ત્રી-વિરોધની આ લાગણીથી વશ થઈ પ્રાચીન સમયથી ચાલી આવતી દરેક માન્યતાને તે તોડવા લાગી. તેને લાગ્યું કે સમસ્યાનું મૂળ જા ધર્મ હોય તો ધર્મ પાખંડ અને આડંબરનું નામ છે. જીવનની નૌકા હંકારવામાં આધુનિક યુગમાં ધર્મની કોઈ જરૂર નથી. જ્યારેધર્મ જ બિન જરૂરી લાગ્યો તો જીવનમાંથી ઈશ્વર આપમેળે નીકળી ગયો. અને શરૂ થઈ ભૌતિકવાદની નવી દોટ. તે ઘરની ચાર દીવાલ ઓળંગીને બજારમાં આવી, દેશની ગ્રોથ વધારવામાં તેને સામેલ કરવામાં આવી. પુરુષોને રીઝવવા તેને અંગપ્રદર્શન કરવા તૈયાર કરવામાં આવી, જેને ફેશનનું નામ આપવામાં આવ્યું. તેને વસ્તુઓ વેચવા માટેનું સાધન અને જાહેરાતો માટે મોડલ બનાવવામાં આવી. અને જ્યારે ધન કમાવવું જ તેનો ઉદેશ્ય બની ગયો તો તેના માટે તે બધું કરવા તૈયાર થઈ ગઈ. અહીં સુધી કે પોતાની ઇજ્જત અને આબરૂનો સોદો કરવા પણ તૈયાર થઇ ગઇ. નાસ્તિક મૂડીવાદીઓ દ્વારા આપવામાં આવેલું નારી સ્વતંત્રતાનું આ માત્ર સૂત્ર ન હતું બલ્કે ઘરોની અંદર સુરક્ષિત સ્ત્રીઓ સુધી પહોંચવાની સ્વતંત્રતા મેળવવાનું ષડયંત્ર હતું. હાલમાં “Me Too”ની ભોગ બનેલી ઘણી સ્ત્રીઓ સામે આવી છે, જેમાં સ્ત્રી સ્વતંત્રતાની આવાહક એવી બોલીવુડ અને મીડિયા ક્ષેત્રથી જોડાયેલી સ્ત્રીઓ જ વધારે છે. સ્ત્રીએ પુરુષની નબળાઈ છે, અને બંને પાત્રને એક બીજા પ્રત્યે સ્વાભાવિક વિજાકીય આકર્ષણ હોય છે. અમુક નિયમો તેના ઉપર નિયંત્રણ રાખે છે, પરંતુ ધર્મ અને પરંપરાની સાથે બધા નિયમો સમાપ્ત થઈ જતાં અનૈતિક સંબંધો સ્થપાતા હોય છે. જેને આજની “સભ્ય” અને આધુનિક દુનિયા અનૈતિક સમજતી નથી. સોવિયત યુનિયનના અંતિમ વડા મિખાઈલ ગોર્બાચોવે કીધું હતું કે અમે સ્ત્રીઓને રોજગાર આપી દેશની આર્થિક પ્રગતિ જરૂર સાધી છે પરંતુ તેના કારણે પરિવારોને જે નુકસાન થયું છે તે આર્થિક લાભ કરતા ખૂબ વધારે છે.
મોર્ડન યુગે પણ સ્ત્રીને એક વસ્તુ બનાવી રજૂ કરી જેને સ્ત્રીએ પ્રસન્નતા પૂર્વક સ્વીકારી. સ્ત્રી અમુક અંશે પગભર થઈ પરંતુ તેની સામે સામાજિક નુકસાન અગણિત છે. પરિવાર વેર-વિખેર થઈ ગયા. બાળકોની સારી કેળવણી ન થતાં, કારણ કે તેમાં માતાનું યોગદાન સૌથી મહત્ત્વનું હોય છે, ખોટા માર્ગે દોરાયા.પતિ પત્ની વચ્ચે સંબંધોમાં તિરાડ ઊભી થઈ, છૂટાછેડાના બનાવો વધ્યા. સ્ત્રીઓ ઉપર બળાત્કારની ઘટનાઓમાં વધારો થયો. સિંગલ પેરેન્ટ્સ ફેમીલીની સંખ્યા વધવા લાગી. પરિણામે સ્ત્રી ડિપ્રેશનનો ભોગ બની. ડ્રગ્સ અને નશાકારક વસ્તુઓના રવાડે ચડી. જીવનમાં સુખ ન મળતાં કે જેના માટે આ માર્ગ અપનાવ્યો હતો, જીવન ટૂંકાવી દીધું.પતિ અને પત્ની વચ્ચે વફાદારીના પવિત્ર સંબંધ ઉપર શંકાના શસ્ત્રે પ્રહાર કર્યો, જેના કારણે હત્યા અને હિંસામાં વધારો થયો. સ્ત્રીઓ ફિલ્મી દુનિયાની ગ્લેમરસ જીવનથી પ્રભાવિત થતાં અંજાઈ ગઈ. પરંતુ તેમને ન તો સન્માન મળ્યું અને ન જ તેમની વાસ્તવિકતાને ઓળખવામાં આવી. ઇકબાલે વર્ષો પહેલાં કહ્યું હતુંઃ
તુમ્હારી તેહઝીબ અપને ખંજર સે આપહી ખુદકુશી કરેગી
જા સાખે નાઝુક પે આશિયાના બનેગા નાપાયેદાર હોગા.
લોકો સમજે છે કે સન્માનનો સંબંધ સત્તા અને ધન સાથે છે. આ વિચારે વ્યક્તિને સ્વાર્થી બનાવી દીધી અને તેના માટે લોકો સાચું-ખોટું , વેધ-અવેધ બધું કરવા તૈયાર થઈ ગયા. વાસ્તવમાં સન્માનનો સંબંધ જ્ઞાન અને ચરિત્રની પવિત્રતા સાથે છે. એક નહીં સેકડો ઉદાહરણો આપી શકાય કે અરબપતિઓ અને રાજાઓના મુકાબલામાં વિદ્વાન અને ધર્મનિષ્ઠ ચારિત્ર્વાન વ્યક્તિને જગતે પસંદ કર્યા છે.
પાશ્ચાત્ય સંસ્કૃતિએ સમાનતા, સન્માન અને સશક્તિકરણના જે માપદંડો નક્કી કર્યા હતા તેમાં માત્ર મૂડીવાદ અને ભૌતિક્વાદની માનસિકતા હતી, જેને પ્રાપ્ત કરવા છતાં વ્યક્તિ પોતાના હૃદયમાં એક ઉણપનો અનુભવ કરતી રહી. અને આ ઉણપ ઈશ્વરની યાદથી જ પૂર્ણ થઈ શકતી હતી. પરંતુ ધર્મથી આંધળી દુશ્મનીને તેના જીવનને વધુ વ્યાકુળ બનાવી દીધું. નારી સ્વતંત્રતાના લડવૈયાઓએ નારીની સામે જે આદર્શ મૂક્યો તે પુરુષ હતો. જે કાર્ય પુરુષ કરે છે એ બધા સ્ત્રી કરતી થાય તે જ તેમનો ધ્યેય હતો. પરિણામે ન પુરુષ બની શકી અને ન જ તેનું સ્ત્રીત્વ બાકી રહ્યું.
સ્ત્રી ઇતિહાસ પર એક નજર કરીએ તો કહી શકાય કે તેમની સાથે ન્યાય થયો નથી. પ્રાચીન-કાળમાં તેને જન્મતાં જ દૂધપીતી કરવામાં આવી અથવા સતી કરવામાં આવી; તો આજે સ્ત્રી ભ્રૂણની હત્યા કરવામાં આવે છે અને તે આત્મહત્યા કરવા પણ મજબૂર બને છે. કાલે વેશ્યાવૃત્તિના કોઠા સજતા હતા, તો આજે ફાઈવ સ્ટાર હોટલથી લઈ મસાજ પાર્લર સુધીના કેન્દ્રો ઉપલબ્ધ છે. કાલે તેને ગણિકાનું નામ આપવામાં આવતું હતું તો આજે તેને સેક્સ વર્કર, પોર્ન સ્ટાર જેવા બિરુદ આપવામાં આવે છે. કાલે પૈસાદાર લોકોના હાથનું રમકડું હતું તો આજે બોલીવુડની આઇટમ ગર્લ છે. પરિસ્થિતિ બદલાઈ છે, ટેકનોલોજી બદલાઈ છે, સૂત્રો બદલાયા છે, હેતુ બદલાયા છે. પરંતુ માનસિકતા બદલાઈ નથી. જ્યાં સુધી સ્ત્રી વિષે માનસિકતા ન બદલાય ત્યાં સુધી સ્ત્રી શોષણ અને જુલમની ભોગ બનતી રહશે.
ઇસ્લામ ધર્મનો માનવતા ઉપર એક મોટો ઉપકાર આ છે કે તેણે સ્ત્રીને ઉચ્ચ સ્થાન આપ્યું છે. તેના સ્ત્રીત્વને ઓળખી તેના મુજબ અધિકારો આપ્યા છે. ઇસ્લામની નજરમાં માનવ તરીકે બંને સમાન છે, અને તેમના સમાન અધિકારો છે. બંનેના આદર્શ ઈશ્વરીય ગુણ છે. બંને સમાન રીતે અલ્લાહના બંદા છે અને બંદા તરીકે બંનેને તેમના સર્જનહારની ઉપાસના કરવાનો અધિકાર છે. બંનેના જીવનનો હેતુ અલ્લાહને પ્રસન્ન કરવાનો અને સ્વર્ગપ્રાપ્ત કરવાનો છે. આ હેતુને સિદ્ધ કરવા અલ્લાહે બંનેની ફરજા દર્શાવેલ છે. બંને સમાન રીતે અલ્લાહની સામે ઉત્તરદાયી છે, જેમને કાલે કયામતના દિવસે પોતાના કર્મોનો હિસાબ આપવાનો છે. ઇસ્લામે પ્રતિષ્ઠા અને સન્માનને જ્ઞાન સાથે જાડયા છે. તેથી જ્ઞાન પ્રાપ્તિમાં પણ બંનેને સમાન રીતે આદેશ આપ્યો છે. અલ્લાહના રસૂલ સ.અ.વ. ફરમાવે છે, જ્ઞાન પ્રાપ્ત કરવું દરેક મુ્સ્લિમ સ્ત્રી અને પુરુષ પર ફરજ છે. ઇસ્લામે સ્ત્રીને જીવવાનો અને બોલવાનો અધિકાર આપ્યો છે, તેને સલાહ-સૂચન આપવાનો અધિકાર આપ્યો છે, તેને વર પસંદગી અને ખુલા (પતિથી છૂટા થવાની રીત)નો અધિકાર આપ્યો છે, આર્થિક સદ્ધરતા માટે તેને મહેર અને પતિ, પિતા પુત્રના વારસામાં અધિકાર આપ્યો છે. તેની પ્રથમ ફરજ તેના બાળકોની સારી કેળવણી અને પ્રશિક્ષણ છે. સમાજ માટે માનવ નિર્માણનું મહત્ત્વનું કામ અલ્લાહે તેના શિરે રાખ્યું છે. અને પ્રશિક્ષણ માટે પ્રેમ, વિનમ્રતા, મીઠાશ, લાગણી જેવા ગુણો પુરુષ કરતાં વિશેષ રીતે સ્ત્રીમાં મૂક્યા છે, તે ઘરમાં રહી એકાગ્રતા સાથે આ કામ કરી શકે તેથી તેના માથા પર આર્થિક ઉપાર્જનની જવાબદારી મૂકી નથી. પરિસ્થિતિને અનુરૂપ જા જરૂર લાગે તો તેના માટે કાર્ય કરી શકે છે, પરંતુ તેની ઇજ્જત અને આબરૂને નેવે મૂકીને નહીં. ચરિત્રની સુરક્ષા તેનો પ્રથમ ઉદ્દેશ્ય છે.
પરંતુ અફસોસ છે કે આજે ઘણી બધી મુસ્લિમ મહિલાઓને સ્વયં પોતાના દીન અને ઇસ્લામે આપેલા અધિકારો વિશે માહિતી નથી. આના સારૂ મોટા પાયે જાગૃતિ ફેલાવવાની જરૂર છે. આપણા બાળકો અને યુવાનો દિશાહીન જીવન ગુજારી રહ્યા છે. તેમને સાચા માર્ગે લાવવાના છે, આ કાર્ય પણ મહિલાઓએ વિશેષ રીતે કરવાની જરૂર છે. બીજું આ પણ વાસ્તવિકતા છે કે જે લોકો મહિલાના અધિકારો વિષે જાણે છે તેઓ તેને આપવા માટે તૈયાર નથી. આ માનવ નિર્મિત કાયદાઓ નથી અલ્લાહે આપેલા કાનૂન છે. જે વ્યવહારિક જીવનથી તેના વિરુદ્ધ સાક્ષી આપશો તો કાલે અલ્લાહને જવાબ આપવો પડશે. જેઓ પોતાના જીવનમાં અલ્લાહના અવતરિત કરેલા કાનૂન અને મર્યાદાઓની સુરક્ષા કરશે અલ્લાહ દુનિયા અને આખિરતમાં તેને સફળતા આપશે.
“આ અલ્લાહની નિર્ધારિત કરેલ સીમાઓ છે, જે અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.નું આજ્ઞાપાલન કરશે તેને અલ્લાહ એવા બાગોમાં દાખલ કરશે જેની નીચે ન્હેરો વહેતી હશે અને તે બાગોમાં તે હંમેશાં રહેશે અને આ જ મોટી સફળતા છે.” (સૂરઃનિસા, ૪ઃ૧૩) •