ઇસ્લામના પ્રસિદ્ધ દ્વિતીય ખલીફ હઝરત ઉમર રદી.ના પુત્ર હઝરત અબ્દુલ્લાહ રદી. વર્ણન કરે છે કે જ્યારે હઝરત ઉમર રદી. લોકોને કોઈ કામથી દૂર રહેવાની આજ્ઞાા આપતા તો પોતાના ઘરવાળાઓ પાસે આવતા અને કહેતા, “મને કોઈ વ્યક્તિના વિષે જો એ જાણ થાય કે તેણે એ કામ કર્યું છે જેનાથી દૂર રહેવાની મેં લોકોને આજ્ઞાા આપી છે તો હું તેને બમણી સજા આપીશ.”
આ મહાન વ્યક્તિત્વ ન્યાયપ્રિય ખલીફા હઝરત ઉમર બિન ખત્તાબ રદી.ના જીવન વૃત્તાંતના રેકર્ડમાં સુરક્ષિત છે. હઝરત ઉમર રદી.ને એ વાત ખૂબજ અપ્રિય હતી કે તેઓ અથવા તેમના પરિવાર-ખાનદાનમાંથી કોઈ વ્યક્તિ તે જ કામ કરતો જોવા મળે, જેનાથી તેમણે પોતાની પ્રજાને રોકી છે. અને એટલે જ તેમણે તેવા વ્યક્તિ માટે બમણી સજાની વાત કહી. કેમકે તે સામાન્ય પ્રજાજન નથી બલ્કે આદેશ આપનાર ખલિફાના પરિવારનો વ્યક્તિ છે. તેઓ નહોતા ઇચ્છતા કે તેઓ અથવા તેમના પરિવારના કોઈ વ્યક્તિની ગણત્રી કુઆર્નની આ આયાત મુજબ થઈ જાય.
“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! તમે કેમ તે વાત કહો છો જે કરતા નથી? અલ્લાહના નજીક આ અત્યંત અપ્રિય કૃત્ય છે કે તમે કહો તે વાત જે કરતા નથી.” (સૂરઃસફ્ફ ૨-૩)
જી-હા, આ ઉમ્મતના સરદાર ઉમર રદી.ના ઐતિહાસિક આલ્બમની એક જીવંત-ઝળહળતી તસ્વીર છે. પરંતુ આ ચિત્ર એક મુસ્લિમ સ્ત્રીનું પણ હોઈ શકે છે. કોઈ સ્ત્રી આવા જ કોઈ મહાન શાસકની પત્ની હોય અને પોતાના ઘરમાં જ રહીને પોતાના શાસક પતિ પ્રતિ પોતાની જવાબદારીઓને સમજતી હોય અને તે મુસ્લિમ સમાજથી સંબંધિત પોતાની જવાબદારીઓનો એહસાસ અને પરખ ધરાવતી હોય, જે તેના પતિને પોતાના માટે આદર્શ નમૂનો સમજતા હોય તે સ્ત્રીનું વ્યક્તિત્વ પણ તેવું જ હોવું જોઈએ જે તેના પતિનું છે. કેમકે જો દેશનો ખલિફા કે શાસક અથવા તેની પત્ની એક સામાન્ય ભૂલ પણ કરે તો ન જાણે કેટલી નજરો તેમના તરફ ઉઠશે અને ન જો કેટલી જીભો તેમના વિરુદ્ધ બોલતી થઈ જશે. જ્યારે સ્ત્રી પોતાની જવાબદારીઓનો હક અદા કરશે તો તેના પર આ વાત લાગુ પડે છે કે, “દરેક મહાન પુરુષના પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે.”
ઇસ્લામના પ્રસિદ્ધ ઇમામ અબુહનીફા રહ. ક્યાંક જઈ રહ્યા હતા. રસ્તો કાદવ કીચડવાળો હતો. આપનાથી આગળ એક વ્યક્તિ પણ જે રસ્તો ચાલી રહ્યો હતો કે અચાનક તે લપસ્યો. ઇમામ બોલી ઉઠયા કે, હે ભાઈ, સંભાળ તારા કપડાં ગંદા થઈ જશે. તે વ્યક્તિએ માર્મિક ઉત્તર આપ્યો, હે ઈમામ! હું જો લપસીને પડયો તો મારા કપડાં જ બગડશે પણ આપ સંભાળજો.. જો આપ લપસી પડયા તો સમગ્ર ઉમ્મત લપસી જશે.
અર્થ એ કે સમાજ અને દેશને દોરવણી આપનારે ખૂબજ સાવચેત રહેવું પડે. નહીંતર વર્તમાન રાજકારણે રાજકીય પુરુષો અને તેમની સ્ત્રીઓ અને પરિવારને એવા રવાડે ચડાવ્યા છે કે તેઓ રાષ્ટ્રની સંપત્તિને પોતાની સમજીને લૂંટફાંટ કરે છે. પોતાને પ્રથમ મહિલાનું જે સ્થાન મળ્યું હોય છે તેનો ઉપયોગ પોતાના લાભ-હિત અને સંસાધનો વધારવામાં કર્યે જાય છે. ઇસ્લામમાં આ વલણ વર્તન માટે કોઈ અવકાશ નથી. ઇસ્લામ આને બર્બાદી અને તબાહીનું કારણ સમજે છે કે જેના હાથમાં લોકોએ શાસન દ્વારા પોતાની અમાનતો સોંપી હોય તે જ તેને હડપ કરવા લાગી જાય. એટલે જ સાધન-સંસાધનો અને તેનો ઉપયોગના ઉદ્દેશો પવિત્ર અને સાફ-સ્વચ્છને પારદર્શક હોવા જોઈએ. કેમકે ગંદા વાસણથી ગંદી વસ્તુ જ બહાર આવે છે અને વાસણ સ્વચ્છ હોય તો વસ્તુ પણ સ્વચ્છ અને નિર્મળ હશે.
એટલે જ દાવતના ક્ષેત્રમાં કામ કરનારી મુસ્લિમ સ્ત્રીઓની એ જવાબદારી બને છે કે તેઓ પોતાના પતિનો સંપૂર્ણ સાથ આપે. તેના સંગાથે રહીને તેને દરેક કામમાં મદદ કરે અને સામાન્ય પ્રચલિત બાબતોમાં અત્યંત સાવચેતી અને તકેદારીનું પ્રદર્શન કરે. સામાન્ય પ્રજાજનનો સ્વભાવ એ હોય છે કે તેઓ પોતાના શાસક કે માર્ગ દર્શકના કામમાં એક નાનકડુ દિદ્ર પણ જોવાનું પસંદ નથી કરતા. આ જ રીતે શાસકની પત્ની અને પરિવારનો પણ મામલો છે કે તેમની પોતાની જવાબદારીઓ પ્રતિ એક નજીવી ભૂલ પણ સામાન્ય લોકો માટે ખૂબ મોટી ભૂલ અને દોષ બની જાય છે.
ઇસ્લામની આ જ તે તાલીમાત અને શિક્ષણ છે જેને હઝરત ઉમર રદી.એ પોતાના ઉપરોક્ત વ્યક્તિત્વમાં દર્શાવ્યું છે. જેનું પ્રશિક્ષણ તેમણે અલ્લાહના અંતિમ પયગંબર સ.અ.વ.ના પ્રશિક્ષણના પવિત્ર ઝરણાથી પ્રાપ્ત કર્યું હતું. આમ તરબીયત અને પ્રશિક્ષણની જવાબદારીઓ અદા કરનારાઓએ પણ આ વ્યક્તિત્વના આદર્શ નમૂના રૂપ બનવું જોઈએ. /