Thursday, October 10, 2024
Homeપયગામહું માનવી માનવ થાઉં તો ઘણું

હું માનવી માનવ થાઉં તો ઘણું

મંદિરનો ઘુમ્મટ હોય કે મસ્જીદનો મીનારો, દેવળની છત હોય કે ચર્ચનો ક્રોસ બધે જે આકાશ જોવા મળે છે તે સમાન હોય છે, તેમાં પૂજા, ઇબાદત અને બંદગી માટે જતા લોકોનું શારીરિક બંધારણ સમાન હોય છે. એક જ પ્રકારની આંખો, એક જ પ્રકારના હાથ પગ અને તેમની નસોમાં વહેતું રકત પણ લાલ રંગનું હોય છે. વળી ધર્મોની આસ્થા, માન્યતા, બંદગીની રીત ભલે જુદી હોય પરંતુ માનવતાનું શિક્ષણ બધે સમાન છે. છતાં આ વિશાળ પૃથ્વી ઉપર વસતા લોકો ધર્મના નામે ઝગડા કરે ત્યારે ખુબ જ અજુગતું લાગે છે. આવું કેમ થાય છે એ સમજાતું નથી.

પૃથ્વી પર દરેક જીવ જે જન્મે છે તેની વિશિષ્ટતા સાથે જન્મ લે છે. ચકલીના બચ્ચાને ઉડતાં શીખવાડતા કોઇ કલાસની જરૃર હોતી નથી, ન તો માછલીના ઇંડા માંથી નીકળતા બચ્ચાને તરતા શીખવાડવામાં આવે છે. માનવ પણ પ્રાકૃતિક રીતે માનવતા સાથે જ જન્મ લે છે, પરંતુ માનવ અને બીજા જીવો માં એક મોટું અંતર છે, સંસારમાં જોવા મળતા સજીવો પ્રાકૃતિક નિયમોને અનુસરે છે જે તેને બંધન કરતા છે, જયારે માનવ પાસે કર્મ કરવાની શકિત છે તે ઇચ્છે તો પોતાની જાત ને માનવ રેહવા દે અનેે ઇચ્છે તો દાનવ પણ બનાવી શકે છે. કુઆર્ન જન્મ અને મૃત્યુ ના અસ્તિત્વ ઉપર પ્રકાશ પાડતા કહે છે કે, “જેણે મૃત્યુ અને જીવનનો આવિષ્કાર કર્યો જેથી તમને લોકોને અજમાવીને જુએ કે તમારામાંથી કોણ સારાં કર્મ કરનાર છે, અને તે પ્રભુત્વશાળી પણ છે અને ક્ષમા કરવાવાળો પણ.”(સૂરઃ મુલ્ક-૨)

આજે આપણા દેશ ઉપર એક પાંખી નજર નાખતાં માલુમ પડે છે, કે દેશમાં માનવતાને ધીરે ધીરે દેશ નિકાલ આપવામાં આવી રહ્યો હોય તેવું લાગે છે. સ્થિતિ ખુબ જ ગંભીર છે. દલિતોને જોઇએ તો તેમના ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, ઊંચ નીચ અને છૂત-છાત જેવા ભેદભાવો આપણા સમાજ ઉપર કલંક સમાન છે. અને કેટલીય જગ્યાએ તો સ્થિતિ જાનવરોથી પણ બદતર છે, કુતરાઓને લોકો પોતાના ખોળામાં રાખે છે અને સરસ ખાવાનું આપે છે પરંતુ માનવને કુવામાંથી પાણી લેવા દેતા નથી. એ જ ઇષ્ટ દેવમાં શ્રદ્ધા રાખવા છતાં મંદિરમાં પ્રવેશ આપતા નથી. એક ભણેલો ગણેલો દલિત ભાઈ ઉચ્ચ કહેવાતા લોકોની કોલોનીમાં ઘર ખરીદી શકતો નથી, આજે તે વરઘોડા પર બેસી લગ્ન કરી શકતો નથી. એવા પણ ગામ છે કે દલિત સરપંચ હોવા છતાં દેશનો ધ્વજ ફરકાવી શકતો નથી. તેમની મહિલાઓ સાથે પણ અણછાજતું વર્તન કરવામાં આવે છે. માથે મેલું ઉઠાવવાની પ્રથા આજે પણ ઘણા સ્થાને જોવા મળે છે. તેમને નિમ્ન જ નહિ નીચ સમજવામાં આવે છે.

માણસને જીવવા માટે માત્ર રોટી, કપડા અને મકાનની જ જરૃર નથી તેને જોઇએ છે આત્મ-સમ્માન. તે ગૌરવપૂર્ણ માન-સમાન અધિકારી છે અને આ વસ્તુ તેને માનવી તેમજ બંધારણીય રીતે પણ મળવી જોઇએ. હિંદુ શાસ્ત્રોના જાણકાર એક સ્વામીજીથી વર્ણવ્યવસ્થા અનેે છુતછાત વિષે પ્રશ્ન કર્યો તો તેમણે જવાબ આપ્યો કે આ વ્યવસ્થા પહેલા યોગ્યતાઓ અને પ્રતિભાના આધારે હતી પાછળથી તે જન્મજાત થઇ ગઇ, અને અસ્પૃશ્તા તો ન જ હોવી જોઇએ. એટલે પ્રાચીન ધર્મમાં વસ્તુઓનો ઉમેરો થયો. ઇસ્લામ દરેક માનવીને સમાનતાની નજરે જુએ છે. અને માનવ ગરિમાનું સંપૂર્ણ સન્માન જાળવી રાખે છે.

ઇસ્લામના અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરમાવ્યું કે તમે બધા આદમની સંતાન છો અને આદમ માટીથી પેદા કરવામાં આવ્યા. આરબને બિન આરબ ઉપર બિન આરબને આરબ ઉપર, અને ગોરાને કાળા ઉપર તથા કાળાને ગોરા ઉપર કોઇ શ્રેષ્ટતા નથી, શ્રેષ્ટ એ છે જેનામાં ઇશભય હોય, એટલે ઇશ્વરના આદેશોનો આજ્ઞાકારી હોય અને તેની અવજ્ઞાથી ડરતો હોય.

આદિવાસિઓ અને મહિલાઓની સ્થિતિ પણ આપણા દેશમાં ખૂબ જ દયનીય છે. આદિવાસિઓના જળ, જંગલ, જમીન સરકાર કબજે કરી રહી છે, તેમના વિકાસ માટે સરકાર પાસે નક્કર યોજના નથી, તેમના ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને અન્યાયની ભાવનાએ તેમને નકસલવાદી બનાવી દીધો છે. મહિલાઓને લગતા ગુનાઓમાં દિવસેને દિવસ વધારો થતો જઇ રહ્યો છે. ભ્રુણહત્યાઓ ચિંતાની હદ સુધી વધી ગઇ છે, સ્ત્રી અને પુરૃષના અનુપાતમાં ઘરખમ ઘટાડો થઇ રહ્યો છે. દહેજ હત્યાઓ, નોકરીની જગ્યાએ યોન-શોષણ, ઘરેલું હિંસા, વ્યભિચાર અને બળાત્કાર વધતા જઇ રહ્યા છે. આ દુષ્કૃત્યોમાં માત્ર સરકાર જવાબદાર નથી કયાંકને કયાંક આપણે પણ એટલા જ જવાબદાર છીએ. શું આપણા ધર્મો, બંધારણે કે મહાન પુરૃષોએ આવું શિક્ષણ આપ્યું છે. જયાં સુધી ઇસ્લામ ધર્મની વાત છે તેણે ન્યાય પુર્વક વર્તવવાની સખ્તીથી તાકીદ કરી છે. કુઆર્નમાં છે, “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! અલ્લાહ માટે સચ્ચાઈ ઉપર કાયમ રહેવાવાળા અને ન્યાયની સાક્ષી આપવાવાળા બનો, કોઈ જૂથની દુશ્મનાવટ તમને એટલા ઉત્તેજિત ન કરી દે કે તમે ન્યાયથી ફરી જાઓ. ન્યાય કરો, આ તકવા (અલ્લાહથી ડરવા) સાથે વધુ સુસંગત છે. અલ્લાહનો ડર રાખીને કામ કરતા રહો, જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી પૂરેપૂરો વાકેફ છે.” (સૂરઃ માઇદહ-૮) અને “હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! ન્યાયના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનારા બનો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરુધ્ધ અસર સ્વયં તમારા પર અથવા તમારા માતા-પિતા અને સગાઓ પર જ કેમ ન પડતી હોય. મામલાથી સંબંધ ધરાવનાર પક્ષ ચાહે ધનવાન હોય કે ગરીબ, અલ્લાહ તમારાથી વધુ તેમનો શુભેચ્છક છે, આથી પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરીને ન્યાયથી હટો નહીં અને જો તમે અધૂરી અને પક્ષપાતપૂર્ણ વાત કહી અથવા સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કંઈ તમે કરો છો અલ્લાહને તેની ખબર છે.” (સૂરઃ નિસા-૧૩૫)

કાનૂનના રખેવાળોથી આ આશા રાખવામાં આવે છે કે તેઓ ન્યાયપૂર્વક વર્તશે અને સમાજમાં શાંતિ માટે અપરાધીઓને સજા કરશે. પરંતુ અહીં પણ પરિસ્થિતિ ખૂબજ ખરાબ છે. તેમની અંદર માનવતા મરી પરવારી છે, પોલીસનું નામ આવતાંની સાથે આવું લાગે છે કે કોઇ રાક્ષસી સમૂહની વાત થાય છે, સામાન્ય નાગરિકો સાથે તેમનું જે વર્તન છે તે છૂપું નથી. રિમાન્ડના નામે થર્ડ ડીગ્રી ટોર્ર્ચરીંગ ભલભલાની ઊંઘ બગાડી નાંખે છે. તેમના વિષે સંભાળતા જ શરીરના રૃવાંટા ઉભા થઇ જાય છે. હજારો નિર્દોષો આજે જેલના સળિયા પાછળ પોતાની જવાની બરબાદ કરવા મજબૂર છે. અને ઘણા માસુમોનું એન્કાઉન્ટર થતાં મૃત્યુ પામ્યા છે, આરોપીથી અપરાધીની જેમ વર્તવામાં આવે છે, અપરાધીને સજા મળવી જોઇએ પરંતુ એટલો ખ્યાલ રહે કે તે પણ માનવી છે, અને તેના માનવ હકોનું ઉલ્લંઘન થવું ન જોઇએ. પયગમ્બર હઝરત મુહમ્મદ સલ્લાહુ અલૈહિ વસલ્લમએ કેદીઓ સાથે માનવતાનો વ્યવહાર કરવા કહ્યું છે. તેમના જીવનના ઘણા પ્રસંગો છે જેમાં આપે એટલું સારૃં વર્તન કર્યું કે તેઓ મુસલમાન થઇ ગયા.

સરકારની આર્થિક નીતિઓના કારણે ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. અને વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ પર બેસેલા છે. વિશ્વ વિદ્યાલયો રાજનીતિના અડ્ડા બની રહ્યા છે અને શાંતિપૂર્ણ પ્રદર્શનો હિંસક બની રહ્યો છે. ભ્રષ્ટાચાર પટાવાળાથી લઇને પ્રધાનમંત્રી સુધી પહોચ ધરાવે છે. રોજેરોજ નવાનવા કાંડો બહાર આવી રહ્યા છે. સરકારી બાબુઓ સેટીંગ કરે છે અને લાંચ વગર કંઇ કરતા નથી, એન્જીનીયરો પૂલ બાંધવામાં ગડબડ કરે છે અને નાગરિકોની ચિંતા કરતા નથી, ડૉકટરો દર્દીની કીડની વેચી રહ્યા છે, વેપારીઓ ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ કરી રહ્યા છે અને ખેડૂતો માનવજાતિ માટે હાનિકારક જંતુનાશકો અને બીયારણોનો ઉપયોગ કરી રહ્યા છીએ. સામાન્ય નાગરિકો પાણી માટે વલખા મારી રહ્યા છે અને માલેતુજાર લોકો માટે ક્રિકેટ માટે લાખો બેરલ પાણી વેડફવાનું પ્લાનીંગ છે. મંત્રીઓને પાર્લામેન્ટમાં લડતા જોઇ કયારેક એવું લાગે છે કે આપણે સાઉથ આફ્રિકાના જંગલની ડીસ્કવરી નિહાળી રહ્યા છે. કયાંક સગી જનની નવજાત શિશુને મંદિરના પગથિયે મૂકીને જતી રહે છે તે કયાંક પોતાના જીવના જોખમે જન્મ આપનારી અને પોતાનું સુખ ત્યાગી પાલન પોષણ કરનારા માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવામાં આવી રહ્યા છે.

શું ખાવું અને શું ન ખાવું ના નામે હત્યા કરી દેવામાં આવી રહી છે, શું બોલવું અને શું ન બોલવું ના નામે વાતાવરણ ખરાબ કરી  દેવામાં આવે છે. આપણી સંવેદના એટલી મરી ગઇ છે કે રસ્તે જતા કોઇ અજાણી વ્યકિતની નિઃસહાય સ્થિતિમાં સડકના કિનારે પડેલો દેખાય તો પણ લોકો તેની મદદ માટે આગળ આવતા નથી. એક કીડી પણ બીજી કીડીનો ખ્યાલ રાખે છે પરંતુ સમગ્ર જીવોમાં શ્રેષ્ઠ કેહવાતો આ માનવ પશુઓથી પણ વધારે લાગણીહીન થઇ ગયો છે. આવું કેમ થઇ રહ્યું છે, શું તેના ખમીરમાં જ આ પ્રકૃતિ રહેલી છે?, “અમે મનુષ્યને સર્વોત્તમ બંધારણ પર પેદા કર્યો,” (સૂરઃ તીન-૪)

ગરીબથી લઇ અમીર સુધી અને ખાનગી નોકરિયાતથી લઇ સરકારી બાબુ સુધી, સ્ત્રી હોય કે પુરૃષ માનવ મુલ્યોનેે પોતાની ઉપર વધારાનો ભાર સમજી રહ્યાં છે. તેથી જ સાચા માનવોની અછત વર્તાઇ રહી છે. આનું કારણ એ જ છે કે માનવને જે વિચાર અને આચરણની સ્વતંત્રતા આપવામાં આવી છે તેનો તે દુરૃપયોગ કરી રહ્યો છે અને ભૌતિકવાદ અને સ્વાર્થપણાના દરિયામાં ગરકાવ થઇ ગયો છે. સ્વકેન્દ્રીય માનસિકતાએ તેને સંવેદનહીન કરી દીધો છે. કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે, “પછી અમે તેને પાછો ફેરવીને સૌ અધમોથી અધમ બનાવી દીધો,” (સૂરઃ તીન-૫)

માનવતાનો વિકાસ કેવી રીતે થઇ શકે છે.

નૈતિક મૂલ્યોએ માનવતાનો પ્રાણ છે, બલ્કે બંનેમાં સૂર્ય અને પ્રકાશ જેવો સંબંધ છે. નૈતિકતાનો વિવિધ ધર્મો અને સમુહોમાં પોતપોતાનું શિક્ષણ છે, કયાંક નારી નગ્ન રહે તો  નૈતિકતાને આંચ આવતી નથી તો કયાંક અંગ પ્રદર્શન કરવામાં વાંધો નથી તો કયાંક પોતાનો હેતું સિદ્ધ કરવા કોઇ પણ કાર્ય  નૈતિકતાની પરિભાષામાં આવે છે તો કયાય નુકસાન થાય તો પણ સિદ્ધાંતને વણી રહેવાની વિચારધારા છે વગેરે. શું  નૈતિકતા છે અને શું નથી તેની કસોટી શું હોઇ શકે? ઇસ્લામ ધર્મમાં મહાન પયગમ્બર  હઝરત મુહમ્મદ સલ્લાહુ અલૈહિ વસલ્લમએ ફરમાવ્યું “મને નૈતિકતાની પરાકાષ્ટાને સંપૂર્ણ કરવા મોકલવામાં આવ્યો છે” આપ ખૂબ જ માનવતાવાદી હતા. અનાથોનું ધ્યાન રાખતા, વિધવાઓની મદદ કરતા, બેસહારાને સહારો આપતા, પીડિતોની પીડા દૂર કરતા, પીડિત માટે ઉભા થતા, એટલા ઉદાર હૃદયના હતા કે મક્કાના જે લોકોએ આપને ગાળો આપી, આપની મશ્કરી કરી, આપને માનસિક ત્રાસ આપ્યો, આપની બંદગીમાં ખલેલ પહોંેચાડી, આપ પર પત્થરો વરસાવ્યા, આપની હત્યાનું ષડયંત્ર રચ્યું, વગેરે … એટલા જુલમ કે આપને મદીના (હિજરત) સ્થળાંતર કરવું પડયું, પરંતુ જયારે મક્કામાં દુષ્કાળની પરિસ્થિતિ ઉભી થઇ તો આપે માનવતા દાખવી મદદ મોકલાવી. અને મક્કા વિજયના અવસરે બધાને જાહેર ક્ષમા આપી.  આપે પોતાના અનુયાયીઓનું સરસ પ્રશિક્ષણ કર્યું. માનવતાનું સિંચન કેવી રીતે થઇ શકે તેના માટે ઘણા બોધ આપ્યા અહીં એક બે કથન લખું છું.

પોતાના ભાઇ માટે એજ વસ્તુ પસંદ કરો જે પોતાના માટે પસંદ કરો છો. અને ફરમાવ્યું એ વ્યકિત મોમીન નથી હોઇ શકતી જેના હાથ અને વાણી થી તેનો ભાઇ સુરક્ષિત ના હોય.

“તમે વાણી અને લજ્જાસ્પદ અંગોની જામીન આપો હું તમને જન્નત (સ્વર્ગ)ની જામીન આપું છું તો. અને આ જ માર્ગ ઉપર આપના (સહાબી) અનુયાયીઓ ચાલતા રહ્યા દા.ત. હઝરત ઉમર રદી.એક આંધળી વૃધ્ધાને ત્યાં સેવા કરવા જતા પરંતુ જયારે પણ એ ગયા તો તેમણે જોયુંં કે ઘરનું બધું કામ થઇ ગયું છે. તેમને પૂછતાં તો એ કહેતી કે કોઇ વ્યકિત સવારે આવીને કામ કરી જાય છે. એક દિવસ જયારે આપ પહોચ્યા તો જોયું કે તે વૃધ્ધા રડી રહી છે અને ઘરમાં બધું અસ્ત વ્યસ્ત છે. ઉમર રદિ.એ આ સ્થિતિ બાબતે પ્રશ્ન કર્યો તો વૃદ્ધાએ કહ્યું કે ત્રણ દિવસ થઈ ગયા એ પુરુષ કામ કરવા આવ્યો નથી. એ સાંભળીને ઉમર રદિ.ની આંખોમાં પણ આંસુ આવી ગયા અને તેમને એ વૃધ્ધાને જવાબ આપતા કહ્યું કે અમ્મા , ત્રણ દિવસ થયા આપણા ખલીફા અબુબકરનું નિધન થઇ ગયુ છે. તેઓ ખલીફા હોવા છતાં ખિદમત માટે સમય કાઢતા હતા,આવા હતા અબુબકર અને તેમના જ પદ-ચિન્હેં પર  હઝરત ઉમર રદી. પણ ચાલ્યા. આવા લોકો ઇસ્લામના લોકસેવાના શિક્ષણનું પરિણામ હતા. ઇસ્લામી ઈતિહાસથી આવા ઘણા દાખલાઓ આપી શકાય પરંતુ લખાણ લાંબુ થઇ જશે.

પ્રશ્ન એ ઉભો થાય છે કે આવા માનવીઓનું નિર્માણ થશે કેવી રીતે? કઇ વ્યવસ્થા હશે? શું નૈતિકતા છે અને શું નથી કોણ નક્કી કરશે?  એક પરિવારમાં રહેવા માટેે પણ દરેક વ્યકિતને કેટલીક મર્યાદાનો ખ્યાલ રાખવો પડે છે, સમાજ માટે તેની અગત્યતા વધી જાય છે.અને જયારે બહુજન સમાજ કે વિવિધ ધર્મોના લોકોને એક સાથે રહેવાનું હોય તો તેનું મહેત્વ ખૂબ જ વધી જાય છે. ભય અને લાલચ માણસની પ્રકૃતિમાં છે જેને સાચી દિશા આપવામાં આવે તો માનવ મુલ્યો પેદા થઇ શકે છે. અલ્લાહ સામે ઉત્તરદાયિત્વની ભાવના ઉત્પન્ન કરવામાં આવે તો આ મુલ્યો થઇ શકે છે. સારા કાર્યો કરવાથી ઇનામ અને ખોટા કાર્યો અથવા સારા કાર્યો ખોટી દાનતથી કરવામાં આવશે તો પરલોકમાં તેની સજા ભોગવવી પડશે, એવી વિચાર ધારા પર દૃઢ વિશ્વાસ પેદા થાય તો માનવોનું સારા એવા પ્રમાણમાં નિર્માણ થઇ શકશે. અને જો આ વિચારધારા ઉપર વિશ્વાસ નબળો હશે તો તેના પરિણામો પણ એવા જ જોવા મળશે ભલે કોઇનું નામ અબ્દુલ્લાહ હોય કે અબ્દુર્રહમાન.

આપ સ.અ.વ.ના જમાનામાં સામાન્ય લોકોનું પ્રશિક્ષણ પણ ખૂબ ઊંચુ હતું. દા.ત. એક વાર એક માતાએ તેની દીકરીની પરીક્ષા લેવા માટે કીધું કે બેટી દૂધમાં પાણી ભેળવી દે. તો છોકરીએ કીધું કે ના, અમ્મી આપણા ખલીફા ઉમર ફારૃક રદી.નો આદેશ છે કે કોઇ પણ વસ્તુમાં ભેળસેળ કરવામાં ન આવે, તેની માતાએ કહ્યું કે અહીં ઉમર રદિ. કયાં જોઇ રહ્યા છે ત્યારે તેમની દીકરીએ સરસ જવાબ આપ્યો કે ઉમર રદિ. નથી જોઇ રહ્યા તો પણ  અલ્લાહ તો જોઇ રહ્યો છે.

આજે ચંદ્ર ઉપર જવું સરળ બની ગયું છે, દરિયામાં માછલીની જેમ માનવી તરતા શીખવી ગયો છે, પરંતુ માનવ હોવા છતાં માનવી બનવું તેના માટે મુશ્કેલ બની રહ્યું છે, આ આપણા બધા માટે એક પડકાર છે ચાલો, આપણે આ પડકારને ઝીલી લઇએ અને બીજામાં માનવીની શોધ કરવા કરતા પોતે “માનવ” બનીએ. *

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments