સર્વશક્તિમાન અલ્લાહે મુસ્લિમઔ સમુદાયને તહેવારના ઉપહારઔ તરીકે બે ઇદ પ્રદાન કરેલ છે. એક ઇદુલફિત્ર અથવા રમજાન ઇદ અને બીજી ઇદુદદુહા. ઇદુલફિત્રનો અર્થ બંધનમાંથી મુક્તિની અથવા રોજાના સમાપનના ઉપહારની ખુશી છે. સતત એક મહિનાના પ્રશિક્ષણ અને કેળવણીને ઇબાદત તરીકે પુર્ણ કર્યાનો આનંદ અને અલ્લાહની અભિવ્યક્તિ અને આભાર દર્શાવવાનો પ્રસંગ છે. ઇસ્લામમાં બંદગી અને ઇબાદતની વ્યવસ્થા ચોક્કસ હેતુને પરિપુર્ણ કરવા માટે કરેલ છે. આ નમાઝ, રોઝા, ઝકાત, કે હજ્જ જે મુસ્લિમ સમુદાય માટે ફરજિયાત કરવામાં આવે છે તેનો હેતુ વ્યક્તિને સર્વાંગી રીતે અલ્લાહના આજ્ઞાાંકિત બંદા બનાવવા માટેની પ્રશિક્ષણ વ્યવસ્થા છે. પરંતુ આપણા સમાજની આ કમનસીબી છે કે ઇબાદતને રીવાજ અને રીવાજને ઇબાદત બનાવી લીધી છે. હવે પ્રશ્ન એ છે કે માનવી માટે પ્રશિક્ષણની જરૂરીયાત કેમ છે? આદમ (અ.સ) ને આ પૃથ્વી ઉપર ખલીફા તરીકે નિયુક્ત કર્યા પહેલા તેમની આજમાઇશ (પરીક્ષા)કરવામાં આવી હતી. અને તે દ્વારા એ પ્રતિત થયું હતું કે માનવીમાં બે કમજોરીઓ પ્રાકૃતિક છે. એક ભુલી જવું અને બીજું નિર્ધારની કમજોરી આને દૂર કરવા માટે તેના પ્રશિક્ષણની જરૃર છે. ઇબાદતની આ પધ્ધતિઓ આ કમજોરીઓને દૂર કરવા માટેની સંપુર્ણ વ્યવસ્થા છે.
રોજાની ઇબાદત એક મુસ્લિમને કઇ રીતે અલ્લાહનો આજ્ઞાાંકિત બંદો બનાવે છે? અને તેનું યોગ્ય પ્રશિક્ષણ કરે છે. તે સમજવાની જરૃર છે. રોજા અથવા શોમનો અર્થ રોકાઇ જવું થાય છે. નિશ્ચિત સમય માટે અલ્લાહના આદેશ મુજબ હલાલ વસ્તુઓને હરામ સમજી તેના ઉપયોગથી પોતાને રોકી લેવો એ રોજાનો હેતુ છે. સતત એક મહિનાના પરિશ્રમ અને બંધન દ્વારા વ્યક્તિમાં એ ગુણનું નિરૃપણ થાય છે કે તે પછીના દિવસોમાં અલ્લાહની અવજ્ઞાાથી બચી એ તમામ કાર્યોને ત્યાગ કરી દેશે જેને અલ્લાહે નિષેધ કરેલ છે. આ તપસ્યા તેના વ્યક્તિત્વને એટલી મજબૂતી પ્રદાન કરે છે કે તે શયતાન અને મનેચ્છાઓ સામેના યુધ્ધમાં વિજયી બની જાય છે. અને અલ્લાહના ખલીફા પદને ગૌરવ બક્ષે છે. અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા તે અલ્લાહના બંદાઓ સાથે અન્યાય કરતો નથી. તેમના હક્કો પોતાની ફરજ સમજી પુરા કરે છે. અને કુઆર્નના એ સંદેશને વ્યક્તિગત અને સામુહિક રીતે પોતાના જીવનનું મિશન બનાવે છે. જે સુરઃ નહલમાં અલ્લાહે દર્શાવેલ છે. ” અલ્લાહ ન્યાય (અદ્લ) અને ઉપકાર અને ભલાઇ (એહસાન) કરવા અને સગાઓ સાથે સદવર્તાવનો હુક્મ આપે છે, અને બુરાઇ અને અશ્લિલતા અને અત્યાચાર અને અતિરેકની મનાઇ કરે છે. તમને શિખામણ આપે છે જેથી તમે બોધ ગ્રહણ કરો. ” (સુરઃ નહલ). રોજાનો બીજો હેતુ મુસ્લિમને મોહસિન બનાવવાનો છે.જે વ્યક્તિએ પોતાના કોલ (જબાન) દ્વારા અલ્લાહના બંદો જાહેર કરેલ છે તેને હૃદયપુર્વક અલ્લાહના સાથે પ્રતિબદ્ધ કરી દેવાનો છે. રોજા દ્વારા જે (નિખાલસ્તા) ઇખ્લાસ અલ્લાહ સાથેનો સંબંધ (લિલ્લાહિયત) અને અલ્લાહની નઝ્દીકી (કુર્બે ઇલાહી) પેદા થાય છે તે વ્યક્તિને દંભ (નિફાક)થી બચાવે છે. તેના અંતરીય અન બાહ્ય વ્યક્તિત્વમાં એકરૃપતા લાવે છે. સર્વ શક્તિમાન અલ્લાહ અનુકુળ અને પ્રતિકુળ સંજોગોમાં અને સમયમાં દરેક વખતે તેની સાથે છે તેવી ભાવના પેદા કરે છે. આ રીતે રોજા તેના અલ્લાહનો સાચો (હકીકી) બંદો બનાવી દે છે. અને તેનું જીવન અલ્લાહમય બની જાય છે. તેનું નિરૃપણ સુરઃ અન્આમની આ આયત દ્વારા થાય છે. “કહો મારી નમાઝ મારી બંદગીની તમામ વિધીઓ મારૃ જીવવું અને મરવું બધું જ અલ્લાહ રબ્બુલઆલમીન (સૃષ્ટીના પાલનહાર) માટે છે જેનો કોઇ ભાગીદાર નથી. તેનો જ મને આદેશ આપવામાં આવ્યો છે અને સૌપ્રથમ આજ્ઞાાપાલનમાં માથું ઝુકાવનાર હું છું.” (સુરઃ અન્આમ ૧૬૩)
રમઝાનમાં અલ્લાહની રહેમત (દયા) મગફેરત (માફી) અને જહન્નમની આગથી નજાત (છુટકારા)ની ભરપુર નેમતો (ઉપહારો) મોમીનમાં આશા અને શક્તિનું સિંચન કરે છે અને આ ચારીત્ર્યની તાકાત તેને શેતાન અને તેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ બુરાઇ, ફિત્નાઓ, ફસાદ અને અશાંતિ સામે બાથ બીડવાનું સામર્થ્ય પુરૃ પાડે છે.
રોજા અને રમજાનની ઇબાદત દ્વારા આજ્ઞાાંકિત વ્યક્તિત્વમાં ચાર ગુણોનું નિરૃપણ સંપુર્ણ રીતે જોવા મળે છે. જેને અલ્લાહના રસલુ સલ્લ. પોતાની દુઆઓમાં અલ્લાહને હંમેશા સવાલ કરતા હતા. (૧) હિદાયત (૨) તક્વા (૩) પાકદામની (૪) બેનિયાઝી
(૧) હિદાયતઃ રમઝાન એ મહિનો છે જેમાં કુઆર્ન અવતરિત કરવામાં આવ્યું છે. જે માનવજાતિ માટે સંપુર્ણ માર્ગદર્શન છે અને એવું સ્પષ્ટ શિક્ષણ ધરાવે છે જે સીધો માર્ગ દેખાડનાર તથા સત્ય અને અસત્યનો ભેદ સ્પષ્ટ કરી દેનારું છે. (સુરઃ બકરહ)
આ માર્ગદર્શન માનવીને આલોક અને પરલોકની સફળતાનું જામીન દે છે. તેને ભુલ ભરેલ માર્ગથી અને અહંકારમાંથી કાઢી પ્રકાશ તરફ લઇ આવે છે. આ કુઆર્ની માર્ગદર્શન દ્વારા વ્યક્તિ સંકિર્ણતામાંથી નિકળી પાલનહારે બક્ષેલ નેમતનો ઉપયોગ કરી પ્રગતિ વિકાસ અને ઉત્થાન ના કુદરતી માર્ગ તરફ પ્રયાણ કરે છે. કુઆર્નમાં દિઘદૃષ્ટિ છે, વિદ્ધતા છે. (સુરઃઅન્આમ, સુરઃ આરાફ)
કુઆર્નમાં દિલોના રોગોનો ઇલાજ છે. (સુરઃ યુનુસ, બની ઇસરાઇલ)
કુઆર્ન નૂર છે. (સુરઃ માઇદા) આ હિદાયત અને માર્ગદર્શન દ્વારા આ જગતમાં ઇન્સાફ કાયમ થાય છે. અને દુનિયા શાંતિ અને સલામતીનું ઘર બની શકે છે.
(૨) તકવા (પરહેઝગારી): માનવીને સંયમ અને શિસ્ત ઉપર કાયમ રાખનારૃ પરીબળ એ અલ્લાહનો પ્રેમ અને તેનો ડર છે. જે વ્યક્તિને જાહેરમાં અને ખાનગીમાં તેનો આજ્ઞાાંકીત બંદો બનાવે છે અને તેને નાફરમાની અને બુરાઇઓથી બચાવે છે.
(૩) પાકદામની: પવિત્રતા એ માનવીને ઉચ્ચતા પ્રદાન કરે છે. અને તેને જીવનરૃપી પરીક્ષામાં તેને કઠીન માર્ગો સરળ કરી સફળતા અપાવે છે. “સફળ થયો તે જેને પવિત્રતા અપનાવી” (સુર ઃ શમ્સ) રોજા દ્વારા આંતરિક મન, હૃદય, કલ્બ, દીલ અને રૃહની સફાઇ થાય છે. મનેચ્છાઓની ગુલામીથી બચાવે છે અને મનેચ્છાઓને ખુદા બનતા રોકે છે.
(૪) બેનિયાઝી: નિરપેક્ષતા બંદાને અલ્લાહનોજ બંદો બનાવી રાખે છે. તેનું હૃદય વિશાળ થઇ જાય છે. તે કોઇ લાલચ, ભય કે ડરથી ગભરાતો નથી. તેનામાં હેતુ માટે શ્રદ્ધા અને નેક કાર્યો ઉપર ધૈર્ય સાથે અડગતાપુર્વક ટકી રહેવાની ક્ષમતા પેદા થાય છે. એ કંજૂસ સ્વાર્થી નથી બનતો પરંતુ અલ્લાહના દીન માટે અને તેના બંદાઓના હક પુરા કરવા માટે પોતાનું ધન અને સામર્થ્ય હૃદયપુર્વક ખર્ચ કરે છે.
રોજા અને રમઝાનની ઇબાદતો દ્વારા આપણને અલ્લાહે જે ઉપહાર પ્રદાન કરેલ છે તે કેટલો બહુમુલ્ય છે જેની પ્રસ્તુતિ ઇદની ખુશી દ્વારા જાહેર થાય છે રમઝાન જે મસાવાતનો મહિનો છે એટલે હમદર્દી, ખિદમત અને એક્તા સમાનતા અને પ્રેમનો આ સંદેશ ઇદનો અસલ પૈગામ છે.