Saturday, April 20, 2024
Homeઓપન સ્પેસગુજકોટોક – શા માટે ?

ગુજકોટોક – શા માટે ?

ગુજરાત જન આંદોલન દ્વારા ગવર્નરને મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું અને આગ્રહ કરવામાં આવ્યું હતું કે આ કાયદા ઉપર તેઓ સહી ન કરે. યુવાસાથીના વાચકો માટે અત્રે એ મેમોરેન્ડમ પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે. – તંત્રી

ગુજકાત વિધાનસભાએ તાજેતરમાં ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ વિધેયક ૨૦૧૫ પસાર કર્યું છે. આ વિધેયક ઘડવા પાછળનો ઉદ્દેશ જણાવવામાં આવ્યો છે કે તે આતંકવાદી કૃત્યોની નિવારણ અને અંકુશ અને સંગઠિત ગુના સિન્ડીકેટની ગુનાહિત પ્રવૃત્તિઓને પહોંચી વળવા માટે અને તેની સાથે સંકળાયેલી અથવા તેણે અનુષંગિક બાબતો માટે ખાસ જોગવાઈઓ કરવા બાબતનો છે. અગાઉ જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પણ આવું જ વિધેયક (ગુજકોક) પસાર કરવામાં આવ્યું હતું, જે રાષ્ટ્રપતિ દ્વારા વર્ષ ૨૦૦૪માં એન.ડી.એ.ના અને વર્ષ ૨૦૦૮ અને ૨૦૦૯માં યુ.પી.એ.ના શાશનકાળ દરમિયાન વિધેયકમાં રહેલ કેટલીક વાંધાજનક જોગવાઈઓને લીધે રદ કરવામાં આવ્યું હતું. આમ, ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૦૩ થી ૨૦૧૫ સુધી ગુજકોક જેવો કોઈ જ કાયદો ન હતો કારણ કે તેની જરૂરીયાત ન હતી. અચાનક એવી તો શું જરૃરિયાત ઉભી થઈ કે ગુજરાત વિધાનસભાને સત્રના અંતિમ દિવસે અને છેલ્લી ઘડીએ વિપક્ષની ગેરહાજરીમાં આ વિધેયક પસાર કરવાની જરૃરિયાત ઉપસ્થિત થઈ?

આ વિધેયકનો સખ્ત વિરોધ કરવો જરૂરી છે કારણ કે આ કાળો કાયદો આપણાં સંવિધાનના મૂળભૂત સિદ્ધાંતો વિરૂદ્ધ છે. લોકશાહી માનવ અધિકાર અને કાયદાનું શાસન – ભારતના બંધારણના મૂળભૂત સિદ્ધાંતો છે, જેનો આ વિધેયક ભંગ કરે છે. એટલું જ નહીં આ વિધેયક આધુનિક સમાજના ફોજદારી કાયદા અને દંડ મૂળભૂત સિદ્ધાંતોનો પણ ભંગ કરે છે.

1. આ વિધેયકમાં તદ્દન બે ભિન્ન પ્રકારની પ્રવૃત્તિઓને એકીસાથી સાંકળી લેવામાં આવી છે. એટલે કે ‘આતંકવાદી’ અને ‘સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ’ને ભેળવી દેવામાં આવી છે. આતંકવાદી પ્રવૃત્તિ ખાસ કરીને રાજકીય, સામાજિક અને આર્થિક પરિસ્થિતિને પરિણામે ઉદભવે છે, જેમાં વ્યક્તિ પોતાના જીવની પણ પરવા કર્યા વગર જોખમ લેવા તૈયાર હોય છે. સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિ પાછળ વ્યક્તિનો ઉદ્દેશ ફકત નાણાંકીય લાભ મેળવવાનો જ હોય છે. આમ જ્યારે ‘આતંકવાદી કૃત્ય’ અને ‘સંગઠિત ગુનાહિત કૃત્ય’ બંને ભિન્ન પ્રકારના હોય અને બંનેના ઉદ્દેશ ભિન્ન હોય ત્યારે બંને પ્રત્યેનો અભિગમ અને બંનેને નાથવાના ઉપાય પણ ભિન્ન હોવા જોઈએ. આ ગૂંચવણ અને ગેરસમજને પરિણામે આ નવા કાયદાનો દુરુપયોગ થવાની પુરેપુરી શક્યતા રહેલી છે અને તેના દુરોગામી પરિણામો પણ ભયંકર નીવડી શકે છે.

2. આ વિધેયકમાં કેટલીક વાંધાજનક જોગવાઈઓ નીચે મુજબ છે;

* આ વિધેયકમાં કેટલીક વ્યાખ્યાઓ, શબ્દો અને વાક્ય રચનાઓ ખુબજ અસ્પષ્ટ છે, જેને પરિણામે બંધારણના અનુચ્છેદ ૧૪નો ભંગ થઈ શકે છે. (દા.ત. કલમ ૨ (૧) ‘સંપર્ક અથવા જોડાણનો’ તેમજ ‘કોઈપણ રીતે મદદ કરવામાં રોકાયેલ એવી વ્યક્તિ’)

* અનેક જોગવાઈઓનો બહોળો સમાવેશ કરવામાં આવ્યો છે. દા.ત. કલમ ૨(૧)(ચ)માં ‘સંગઠિત ગુના’ અને કલમ ૨(૧)(ઝ)માં ‘આતંકવાદી કૃત્ય’ની વ્યાખ્યામાં અનેક બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને પરિણામે પોલીસને કાયદાનો દુરૃપયોગ કરવાનો છૂટો દોર મળી જાય છે.

* વિશેષ કોર્ટની રચના અને વિશેષ પબ્લિક પપ્રોસિક્યુચરની નિમણુંક બાબતમાં રાજ્ય સરકારને પુરેપુરી સત્તા આપવામાં આવી છે, જેથી પોતાના મનપસંદ વ્યક્તિઓની નિમણુંક કરી શકાય.

* કલમ ૧૪માં સંદેશા વ્યવહાર આંતરવાની અને તેનો આરોપો સામે પુરાવા તરીકે સ્વીકાર અને ઉપયોગ કરવાની પુરેપુરી સત્તા પોલીસને આપવામાં આવી છે.

* આ કાયદાની કલમ ૧૫માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ આરોપી પાસેથી અગાઉ સી.આર.પી.સી.ની કલમ ૧૦૭ કે ૧૧૭ હેઠળ સારી વર્તણુંકનો બોન્ડ લખાવી લેવામાં આવ્યો હોય અથવા કોઈ આરોપીની નિવારક અટકાયતને લાગતા કોઈપણ કાયદા હેઠળ અટકાયત થઈ હોય તો તે બાબતને પણ કોર્ટ ધ્યાનમાં લેશે. નિવારક અટકાયત કરવાના બહાને કોઈપણ વ્યક્તિની કોઈપણ કારણ વગર અટકાયત કરવાની પોલીસની સત્તાનો દુરૃપયોગ હંમેશા થતો જ આવ્યો છે. હવે તેને વધુ વેગ મળશે.

* આ વિધેયકની કલમ ૧૬માં પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલ કબુલાતને પુરાવા તરીકે ગ્રાહય ગણવામાં આવેલ છે, જેનો ઉપયોગ કોર્ટમાં આરોપી વિરૂદ્ધ, સહ-આરોપી વિરૂદ્ધ અને ગુના સહાયક વિરૂદ્ધ થઈ શકે છે. એટલે કે પોલીસ આરોપીને કસ્ટડીમાં રાખી, અત્યાચાર ગુજારી, બળજબરીપૂર્વક કબુલાતનામું લખાવી શકે.

* આ વિધેયક હેઠળ આરોપીને આગોતરા જામીન મળશે નહીં.

* સી.આર.પી.સી.ની કલમ ૧૬૭ મુજબ આરોપીને ૧૫ દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકાય, જે વધુમાં વધુ ૬૦ દિવસ સુધી લંબાવી શકાય. આ વિધેયકની કલમ ૨૦(૨) હેઠળ ૧૫ દિવસની જગ્યાએ ૩૦ દિવસ અને ૬૦ દિવસના સ્થાને ૯૦ દિવસ કરવામાં આવેલ છે. જો તપાસ ૯૦ દિવસ સુધી પુરી ન થાય તો અટકાયત ૧૮૦ દિવસ સુધી લંબાવવાની સત્તા કોર્ટને આપવામાં આવી છે.

* રેગ્યુલર જામીન મેળવા માટે સખત જોગવાઈઃ આ વિધેયક હેઠળ રેગ્યુલર જામીન મેળવવા માટે આરોપીએ કોર્ટને સંતોષપૂર્વક પુરવાર કરવાનું રહેશે કે તે ગુનેગાર નથી. એટલે કે આરોપીએ જામીન મેળવવા પોતાની નિર્દોષતા પુરવાર કરવાની રહેશે, જે ન્યાય-સંહિતાના સિદ્ધાંતથી તદ્દન વિપરીત છે. ન્યાય-સંહિતાના સિદ્ધાંત મુજબ પબ્લીક પ્રોસીક્યુટરે નિઃશંક પુરવાર કરવાનું હોય છે કે આરોપી ગુનેગાર છે. આરોપીએ પોતાની નિર્દોષતા પુરવાર કરવાની હોતી નથી.

* પોલીસ સામે કાર્યવાહી થઈ શકે નહીં.

3. આ વિધ્યેકની કલમ ૨૫માં જણાવવામાં આવ્યું છે કે કોઈપણ પોલીસ કે સત્તાધિકારીએ શુદ્ધબુદ્ધિથી આ કાયદા હેઠળ જે કોઈ પગલા લીધા હશે અથવા કાર્યવાહી કરી હશે તો તે અધિકારી સામે કોઈ દાવો કે ફોજદારી કાર્યવાહી અથવા અન્ય કાનૂની કાર્યવાહગી થઈ શકશે નહીં. એટલે કે પોલીસને અત્યાચાર ગુજારવાનો છુટો દોર આપવામાં આવ્યો છે, પરંતુ પોલીસ સામે કાર્યવાહી થઈ શકે નહીં. પોલીસ કોઈપણ નિર્દોષ વ્યક્તિને ‘આતંકવાદી’ બતાવીને, બનાવટી એન્કાઉન્ટર ઉભુ કરીને, તેની હત્યા કરી નાખે તો પણ તે પોલીસ અધિકારી સામે કોઈપણ દીવાની કે ફોજદારી કે ખાતાકીય કાર્યવાહી થઈ શકે નહીં. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં કેટલાય એન્કાઉન્ટર બનાવટી સાબિત થયા બાદ અનેક પોલીસ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે આ કાયદા હેઠળ પોલીસને બનાવટી એન્કાઉન્ટર કરવાની પુરેપુરી છૂટ મળી ગઈ છે.

4. આ વિધેયકની કેટલીક જોગવાઈઓ એટલી તો ખતરનાક છે કે લોકશાહી બંધારણમાં આવી જોગવાઈઓને કોઈ જ સ્થાન હોઈ શકે નહીં. આ વિધેયક હેઠળ પોલીસને એટલી વિશાળ સત્તાઓ આપવામાં આવી છે કે સમગ્ર ફોજદારી ધારામાં જે ગુનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યા છે તેમાંના ઘણા ગુનાઓ આ વિધેયકમાં આવરી લેવામાં આવ્યા છે. એટલે કે આ વિધેયકને સમાંતર ફોજદારી ધારો બનવામાં આવ્યો છે. આ વિધેયક ફોજધારી ધારાનું સ્થાન લેવાથી નાગરિકો પ્રત્યે રાજ્ય સત્તાની અને ખાસ કરીને પોલીસની દાદાગીરી અને ક્રુરતા વધી જશે. પરિણામે ધીમે ધીમે લોકશાહીનું અને કાયદાના શાસનનું ધોવાણ થશે.
અમે દ્રઢતાપૂર્વક માનીએ છીએ કે –

– ગુજરાત રાજ્યમાં આવા આતંકવાદ-વિરોધી કાયદાની કોઈ જ જરૃરિયાત નથી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે પોતાના વર્ષ ૨૦૦૧-૨૦૦૨ના વાર્ષિક અહેવાલમાં આ પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે – ‘શું ખરેખર પોટા જેવો કાયદો ઘડવાની જરૃરિયાક હતી? પોટા કાયદો ઘડવાની કોઈ જ જરૃરિયાત હતી નહીં કારણ કે પોટા વિધેયક ૨૦૦૦ની કલમ (૩)માં જે કોઈ ગુનાઈત પ્રવૃત્તિઓનું વિવિરણ કરવામાં આવ્યું છે, તેમાંના મોટાભાગના તમામ ગુનાઓનું મહદ અંશે વિવરણ અને ઉલ્લેખ હાલના પ્રવર્તમાન કાયદાઓમાં છે જ’

ભારત સરકારના ગૃહ વિભાગના રીસર્ચ એન્ડ પોલીસી ડીવીઝનના ભૂતપૂર્વ ડિરેક્ટર કે.એસ.સુબ્રમણ્યમ નોંધ્યું હતું કે – ‘આપણી પાસે હાલમાં કાયદાઓ અપૂરતા છે તેવી ચિંતા કરવાની હાલના તબક્કે જરૃર નથી. પરંતુ તેનું ભ્રસ્ટ અમલીકરણ અને બેજવાબદાર સુપરવિઝન અંગે ગંભીર ચિંતા કરવનાની જરૃર છે.’

ખરેખર જોવા જઈએ તો હાલના કાયદાઓ અંગે જે ખરેખરની સમસ્યાઓ છે, તે સમસ્યાઓનો કોઈ જ ઉકેલ આ વિધેયકમાં નથી. એટલે કે (૧) ગુન્હાની ઊંડાણપૂર્વક અને યોગ્ય તપાસનો અભાવ (૨) કાર્યક્રમ પ્રોસીક્યુશન અને અસરકારક ટ્રાયલનો અભાવ (૩) કોર્ટ કાર્યવાહી અને સજામાં લાંબો વિલંબ – આ તમામ આપણી હાલની સમસ્યાઓ છે, જેનો ઉકેલ આ નવા વિધેયકથી આવી શકે નહીં.

આ પ્રકારના ત્રાસવાદ વિરોધ કાયદાઓના ઇતિહાસ ઉપર જો આપણે નજર નાખીએ તો જણાશે કે આરોપીને કસુરવાર ઠરાવવા જરૂરી હોય તેવા ઠોસ પુરાવાનો અભાવ. એટલે કે આરોપી સામે આતંકવાદનો ગુન્હો પુરવાર કરવા માટે જે ઠોસ પુરાવાની જરૃર હોય તેવા પુરાવા એકત્ર કરવામાં મળેલ નિષ્ફળતાને છાવરવા માટે આરોપીને જબરજસ્તીપૂર્વક ગુનો કબુલાવીને તેને ગુનેગાર ઠરાવીને સજા ફટકારવી તે આવા કાયદાઓનો ઉદ્દેશ રહેલો છે. મધ્યયુગમાં આવા કાયદાઓ હતા. પરંતુ શું ૨૧મી સદીમાં માનવ અધિકારના યુગમાં આવા કાયદાને સિવિલાઈઝડ ન્યાયવ્યવસ્થાનો કાયદો કહી શકાય?

– આ વિધેયક હેઠળનો ફાયદો ખરેખર કાયદાવીહીન કાયદો છે. એટલે કે આ કાયદામાં કાયદા જેવું કાંઇ જ નથી. આ કાયદાનો જન્મ કાયદાના ભંગથી થાય છે. આ કાયદાનો દુરૃપયોગ થવાની શક્યતા છે એટલું જ નહીં, આ કાયદો પોતે જ કાયદાનો દુરૃપયોગ છે. ગુજરાતમાં આપણે વર્ષ ૧૯૮૬ થી ૨૦૦૪ સુધીમાં ટાડા તેમજ પોટા જેવા કાયદાનો દુરૃપયોગ જોયો છે. અસંખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી પરંતુ અંતે એક ટકાથી પણ ઓછા કસુરવાર સાબિત થયા. એટલે કે મોટાભાગના નિર્દોષ લોકો ખોટેખોટા જેલમાં લાંબો સમય સબડયા. પોલીસ દ્વારા સત્તાનો દુરૃપયોગ થતો પણ આપણે જોયો છે. દા.ત. વર્ષ ૨૦૦૨ થી ૨૦૧૦ દરમિયાન કેટલાય નિર્દોષ મુસ્લિમ યુવાનો સામે કોઈપણ ગુનો નોંધ્યા વગર બિલકુલ ગેરકાયદેસર અટકાયત કરી, દિવસો સુધી કસ્ટડીમાં ગોંધી રાખી, તેમના ઉપર અત્યાચાર ગુજારી, તેઓને કોઈ ને કોઈ કેસમાં સંડોવી, બળજબરીપૂર્વક ગુનો કાબુલાવી, કાં તો તેમણે જેલમાં પુરવામાં આવ્યા છે કાં તો તેમની બનાવટી એનકાઉન્ટરમાં હત્યા કરવામાં આવી છે. આવી પોલીસના હાથમાં શું આ કાયદો આપી શકાય? શું તેમને સબાધિત સત્તા આપી શકાય? શું પોલીસનો વિશ્વાસ કરી શકાય?

5. આ વિધેયકનો ઉદ્દેશ જે જણાવવામાં આવ્યો છે, તે અસલી ઉદ્દેશ નથી. હવે આપણે આસલી ઉદ્દેશ ઉપર નજર નાખીએ, જે નીચે મુજબ છે.

આ વિધેયકનો અસલી ઉદ્દેશ લોકોમાં ભય અને ડર પેદા કરવાનો છે. એટલે કે જે વ્યક્તિ સરકારની ચમચાગીરી ન કરે અથવા કરવાની છોડી દે અને સરકારને સામે પડે તેવી વ્યક્તિઓને પાઠ ભણાવવાનો ઉદ્દેશ છે. જે લોકો સરકારની નીતિઓનો વિરોધ કરે, હડતાળ પાડે, આંદોલન કરે, તેઓને કચડી નાખવાનો ઉદ્દેશ છે.

કોઈપણ કારણ વગર કોઈ વ્યક્તિની અમર્યાદિત સમય સુધી અટકાયત કરીને ગોંધી રાખવાનો ઉદ્દેશ છે. એટલે કે પોલીસ સારી રીતે જાણે છે કે આરોપી ટ્રાયલને અંતે તો નિર્દોષ છૂટવાનો છે તેની ચિંતા નથી. પરંતુ અત્યારે તે જેલમાં સબડવો જોઈએ.

આ વિધેયકનો મુખ્ય અસલી ઉદ્દેશ ગુજરાતમાં પોલીસ રાજ સ્થાપવાનો છે.

આ વિધેયકનો અસલી ઉદ્દેશ પોલીસ દ્વારા તેનો દુરૃપયોગ કરી, લોકોમાં ફાટફૂટ પડાવી, રાજકારણીઓને ખુશ કરવાનો છે.

આ વિધેયકનો અસલી ઉદ્દેશ ગરીબોનો અવાજ દબાવી દેવાનો છે, લોકશાહીને ગળે ટુંપો દેવો છે.

આપણે અનુભવ કહે છે કે આવા કાળા કાયદાઓ તેમનો ઉદ્દેશ સિદ્ધ કરવામાં તદ્દન નિષ્ફળ નીવડ્યા છે. અસલી આતંકવાદીઓ ક્યારેય આવા ટાડા કે પોટા જેવા કાયદાથી ડર્યા નથી. અને ડરશએ નહીં. ડરશે તો નિર્દોષ લોકો ડરશે અને મરશે તો નિર્દોષ લોકો મરશે. આતંકવાદ ડરશએ નહીં અને મરશે પણ નહીં.

આવા કાયદાઓની રચના ખરેખર આતંકવાદને સમજયા વગર કે અધૂરી સમજ કે બિલકુલ ગેરસમજથી કરવામાં આવે છે. જેનું પરિણામ વિપરીત આવે છે. એક તરફ રાજસત્તા આતંકવાદને રોકી શક્તિ નથી તો બીજી તરફ રાજસત્તા પોતે જ આતકવાદી પરિસ્થિતિનું નિર્માણ કરે છે. પીડિત વ્યક્તિઓ ઉપર રાજસત્તા એટલી હદ સુધી ત્રાસ ગુજારે છે કે અંતે તે રીઢો ‘આતંકવાદી’ બની જાય છે.

એક વાત સ્પષ્ટ છે કે કોઈપણ પ્રકારનો આતંકવાદ હોય, કોઈપણ કોમનો હોય કે ધર્મનો હોય કે રાજ્યનો હોય, તેનો સખતમાં સખ્ત વિરોધ કરવો જોઈએ. આતંકવાદને ક્યારેય સમર્થન આપી શકાય નહીં. પરંતુ સવાલ એ છે કે શું કાયદો ઘડવાથી આતંકવાદ અંકુશમાં આવી શકે ખરો? જવાબ છે – ના. કારણકે આતંકવાદ કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી. તે સામાજિક-રાજકીય સમસ્યા છે, જેનું નિરાકરણ કાયદામાં નહીં પણ બીજે ક્યાંક શોધવાની જરૃર છે. સુપ્રિમ કોર્ટ પી.યુ.સી.એલ.ના કેસમાં નોંધ્યું છે – ‘કાયદાના શાસન હેઠળ માનવ અધિકારનું રક્ષણ અને તેનું જતન, આતંકવાદને રોકવા માટે ખુબજ જરૂરી છે.’ (2004)-9-SSC-580.

જસ્ટીસ કુષ્ણ ઐયરે કહ્યું છે – “આપણે કોઈપણ ભોગે આતંકવાદ સામે તો લડવું જ પડશે, પરંતુ બર્બરતાનું પરિણામ વિપરિત આવશે. તેથી, લોકોને એકત્રિત કરી તેમને પ્રેરિત કરો – તમામ ધર્મના લોકોના સંગઠિત કરો, તેમને પ્રેરિત કરો, તેમને સાંભળો, તેમની સમસ્યા સમજો, વહીવટ કે સરકાર સંચાલનમાં તેમનો સમાવેશ કરો, તેમના દિલ જીતી લો – તો ભારતની જીત નિશ્ચિત છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments