Friday, March 29, 2024
Homeપયગામમુસ્લિમ પર્સનલ લૉ : એક ચર્ચા

મુસ્લિમ પર્સનલ લૉ : એક ચર્ચા

લોકસભા ચૂંટણી ૨૦૧૪ના પરિણામ મુજબ બીજેપીને સ્પષ્ટ બહુમતિ મળી. તેની સરકાર બનતા જ કેટલાક કંટ્રોવર્સીયલ ઇસ્યુ છેડવાનું તેમણે શરૃ કર્યો. પાકા રાજનેતાઓ (કલીયુગના)ની આ ખૂબી હોય છે કે તેઓ પોતાની મેલી મુરાદ પૂરી કરવા કે મૂળ સમસ્યાઓ અને મુદ્દાઓથી જનતાને ભ્રષ્ટ કરવા બીજા નિમ્ન કક્ષાના એવા મુદ્દાઓ મીડિયામાં ચકાવતા રહે છે. જેથી પ્રજાના હિંતેચ્છુ હોવાની છાપ ઉભી થાય. અથવા રાજકિય લાભ મળતો રહે. વર્તમાન સરકારે મોંઘવારી, ભ્રષ્ટાચાર, બળાત્કારની રોકથામ, રોજગાર, વિકાસ વગેરે જેવી બાબતોમાં યુ.પી.એ.-૨ને નિષ્ફળ સાબિત કરી સત્તા હસ્તગત કરી છે. પરંતુ ‘અચ્છે દિન આને વાલે હૈં’ ના જે સ્વપ્ન ભાજપ સરકારે બતાવ્યા હતા તેની શરૃઆત પણ થઈ ગઈ છે. રૃપિયાની કિંમત ગબડી પડી છે, ગેસ, ડીઝલના ભાવ વધ્યા છે. બળાત્કારના બનાવો વધી રહ્યા છે વગેરે, પરંતુ મીડિયામાં તેને ખાસ સ્થાન નથી કેમ કે તે પણ સરકારની જેમ મૂડિવાદીઓની કટપુતળી છે. વર્તમાન સરકાર આર.એસ.એસ.ની રાજકીય પાંખ છે. તે વાત બિલ્કુલ સ્પષ્ટ છે અને તે તેના એજન્ડાને બર લાવવા માટે કટિબદ્ધ છે. કોમન સીવિલ કોડ, રામમંદિર નિર્માણ, કલમ ૩૭૦નું વિધાન, બંધારણમાં ફેરફાર વગેરે ઘણા એવા મુદ્દા છે જે ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવા માટેના માઈલસ્ટોન છે. તેથી વર્તમાન સરકાર તેના વફાદારીની સાબિતી આપવા આવા મુદ્દાઓને ઉઠાવતી રહેશે. આમાનું એક ‘મુસ્લિમ પર્સનલ લૉ’માં પરિવર્તન કે સમાન સીવિલ કૉડને લાગૂ કરવાનો છે. આ કોઈ નવી માંગ નથી. ૧૯૮૫માં શાહબાનો કેસ સમય પણ આ મુદ્દા ખૂબ ચગ્યો હતો. બીજેપીના મંત્રી જ નહી પણ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચીફ રિટાયર્ડ જસ્ટીસ કાત્જુએ પણ બાફ્યુ કે મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓના પછાત પણાનું કારણ તેમનો પર્સનલ લૉ છે અને તેમણે કોમન સીવિલ કૉડની હિમાયત કરી.

ઇસ્લામની વાસ્તવિક્તા :

ઇસ્લામ બીજા ધર્મોની જેમ એવો કોઈ ધર્મ નથી જે માત્ર કર્મકાંડ અને પૂજાપાઠ સુધી સીમિત હોય. બલ્કે તે એક સંપૂર્ણ જીવન વ્યવસ્થાનું નામ છે. આ જીવન વ્યવસ્થા કોઈ નબી કે વલીની ઘોલી નથી બલ્કે તે પાલનહારની આપેલી છે જે માનવ તેમજ સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર છે. મુસલમાનોને અલ્લાહના અસ્તિત્વ પર જેટલો વિશ્વાસ છે તેટલો આ બાબત ઉપર પણ છે કે અલ્લાહના આપેલા કાયદાઓ શંકાથી પર અને ત્રુટિરહિત છે. એટલું જ નહિ મુસલમાનોનું પણ ઈમાન છે કે આ કાયદાઓ જમાના સાથે બદલાતા નથી તે કયામત સુધી અચલ છે. તેમને લાગૂ કરવાની રીતોે બદલી શકાય પરંતુ સિદ્ધાંતો બદલી શકાતા નથી. જો કોઈ વ્યક્તિ આ કાયદાઓમાં પરિવર્તનની વાત કરશે તો તે મુસલમાનોના ઈમાન સાથે રમત જેવી હશે અને મુસલમાનો આવી રમત સહન કરી શકતા નથી.

મુસ્લિમ પર્સનલ લૉ શું છે?

કાયદા વ્યવસ્થાને મુખ્યતો બે ભાગોમાં વહેંચી શકાય. ક્રીમીનલ લૉ અને સીવિલ લૉ. મોઘલ યુગમાં ઇસ્લામના કાયદા દેશના કાયદા હતા અને ઇસ્લામના ફોજદારી તથા નાગરિક કાયદાઓ મુજબ ન્યાયલયો ચુકાદા આપતી હતી. પરંતુ બિન મુસ્લિમોને તેમના લગ્ન-વિવાહ વારસા અને જાગીર વગેરેની બાબતમાં તેમની ધાર્મિક અને સંસ્કૃતિ મુજબ અમલ કરવાની સંપૂર્ણ છૂટ હતી. અંગ્રેજ ન્યાયધિશો પણ ઇસ્લામી કાયદા મુજબ ચુકાદા આપતા હતા. સમાયાંતરે તેમાં પરિવર્તન થયા અને ઇ.સ. ૧૮૬૨માં ઇસ્લામના ફોજદારી કાયદાઓ ખત્મ કરી દેવામાંં આવ્યા અને ઇન્ડિયન પીનલ કૉડના નામથી કાયદાઓ ઘડવામાં આવ્યા તેમજ નિકાહ, તલાક, વારસા વગેરે કોટુંમ્બિક બાબતો સુધી ઇસ્લામી કાનૂનને સીમિત કરી દેવામાં આવ્યા. બિન મુસ્લિમ ભાઈઓની સંસ્કૃતિના પ્રભાવ હેઠળ કેટલાંક મુસલમાનો પણ જાણે-અજાણે ઇસ્લામી કાયદાના બદલે નવુત્પન્ન કાયદા મુજબ નિર્ણયો લેવા માંડયા. તેથી ૧૯૩૭માં મુસ્લિમ વિદ્વાનોની માગને સ્વીકારી એમ.પી.એલ. લાગૂ કરવામાં આવ્યા. જેને શરીયત એક્ટ પણ કહેવામાં આવે છે. આ એક્ટમાં લગ્ન-વિવાહ, મહર, ખાદ્ય-ખોરાકી, તલાક, ખુલઅ, નિકાહનું રદ કરવું, બાળઉછેર, વારસા અને વકફ શામેલ છે અને નિર્ણય કરવામાં આવ્યો કે જ્યાં બંને પક્ષો મુસ્લિમ હોય ત્યાં ચુકાદા મુસ્લિમ પર્સનલ લૉ મુજબ આપવામાં આવશે.

સરકારનો રાજધર્મ :

બિનસાંપ્રદાયિકની એ વિશેષતા હોય છે કે તે કોઈ વિશેષ ધર્મ કે સંસ્કૃતિને પ્રધાન્ય નથી આપતી. બધાને સમાન નજરે જુએ છે અને ન્યાયથી કામ લે છે. માત્ર કાયદા વ્યવસ્થાની જાળવણી માટે ન્યાય જરૂરી નથી બલ્કે આ માનવીય સ્વભાવનો પ્રાકૃતિક ગુણધર્મ છે. વર્તમાન સરકારે તો ‘સબકા સાથ સબકા વિકાસનું સૂત્ર આપ્યુ છે. આ સૂત્ર ત્યારે જ સાર્થક થઈ શકે છે, જ્યારે વંચિતો, લઘુમતિઓ અને ગરીબોને સાથે લેવામાં આવે. આગળ વધવાની સમાન તકો આપવામાં આવે અને તેમના અધિકારોની સુરક્ષા કરવામાં આવે. કોઈ પણ સરકારનો એ રાજધર્મ છે કે તે વંશ, જાતિ, ધર્મ, ભાષાની વાડા બંદીથી ઉપર ઉઠીને પ્રજાના સર્વાંગી વિકાસ માટે પગલા લે.

ભારતની વિશેષતા :

આપણો દેશ વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓનું પારણુ છે અને અહીં કોઈ એક કોમ, ધર્મ કે ભાષાના લોકોની સરકાર નથી. ભારતનું બંધારણ ન સાંપ્રદાયિક છે ન અહિં તાનાશાહી છે. તે એક ધર્મ નિરપેક્ષ અને બિન સાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા તેની વિશેષતા છે અને વિશેષતા ત્યાં સુધી જ બાકી છે જ્યાં સુધી વિવિધ ધર્મોનું પાલન કરતા, વિવિધ સંસ્કૃતિને અનુસરતા અને વિવિધ ભાષા બોલતા લોકોને તેમના ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતાના પ્રચાર-પ્રસાર તથા અમલ કરવાની સ્વતંત્રતા હોય. આ વાસ્તવિક્તા છે કે આપણા દેશની સામાજિક વ્યવસ્થા ન્યાયલયો થકી કે સરકારી તંત્ર વડે નથી ચાલતી બલ્કે જેતે સમુદાયના તેમના બનાવેલા કેટલા કાયદાઓ છે. જેને બદલવા ખૂબજ મુશ્કેલ છે.

મુસ્લિમ પર્સનલ લૉનું મહત્વ :

મુસ્લિમ પર્સનલ લૉમાં જે કૌટુંબિક કાયદાઓ આવરી લેવામાં આવ્યા છે તેમાં પરિવર્તનનો અધિકાર કોઈને નથી. ઇસ્લામી રાજ્યનો ખલીફા પણ તેને બંધનકર્તા હતો. અહિં સુધી કે જે કાયદાઓ અલ્લાહ તરફથી માનવ જાતિની ભલાઈ માટે આપવામાં આવ્યા છે તેમાં સમયનો પયગમ્બર પણ તેની ઇચ્છાથી પરિવર્તન કરી શકતો નથી. આ મર્યાદાઓનું પાલન કરવું દરેક મુસ્લિમ સ્ત્રી-પુરૃષ પર ફરજિયાત છે. જે કોઈ તેનું ઉલ્લંઘન કરશે તેને નરકની આગની સજા ભોગવી પડશે.

કુઆર્નમાં અલ્લાહે ફરમાવ્યું છે,
“તલાક બે વાર છે. પછી સીધી રીતે સ્ત્રીને રોકી લેવામાં આવે અથવા ભલાઈપૂર્વક તેને વિદાય કરી દેવામાં આવેે; અને વિદાય કરતી વખતે એવું કરવું તમારા માટે ઉચિત નથી કે જે કંઈ તમે તેને આપી ચૂક્યા છો, તેમાંથી કેટલુંક પાછું લઈ લો, સિવાય કે પતિ-પત્નીને અલ્લાહની નિર્ધારિત સીમાઓ પર અડગ ન રહી શકવાનો ભય હોય. આવી સ્થિતિમાં જો તમને એ ભય હોય કે તેઓ બંને અલ્લાહની નિર્ધારિત સીમાઓ ઉપર અડગ રહેશે નહીં, તો એ બંનેના વચ્ચે આ મામલો કરી લેવામાં વાંધો નથી કે સ્ત્રી પોતાના પતિને કંઈક બદલો ચૂકવી દઈ પોતે છૂટી થઈ જાય. આ અલ્લાહે ઠરાવેલી મર્યાદાઓ છે, તેનું ઉલ્લંઘન ન કરો અને જે લોકો અલ્લાહની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે તેઓ જ અત્યાચારી છે.” (૨ઃ૨૨૯). “અને જે અલ્લાહ અને તેના રસૂલની અવજ્ઞા કરશે અને તેણે ઠરાવેલી સીમાઓનું ઉલ્લંઘન કરશે તેને અલ્લાહ આગમાં નાખશે જેમાં તે હંમેશાં રહેશે અને તેના માટે અપમાનજનક સજા છે.” (૪ઃ૧૪). “નહીં, હે મુહમ્મદ ! તમારા રબના સોગંદ ! આ લોકો કદાપિ મોમિન (ઈમાનવાળા) થઈ શકશે નહીં જ્યાં સુધી પોતાના પરસ્પરના ઝઘડાઓમાં તેઓ તમને ફેંસલો કરવાવાળા ન માને, પછી તમે જે કંઈ ફેસલો કરો તેના માટે પોતાના હૃદયમાં સહેજ પણ સંકોચ ન અનુભવે, બલ્કે તેને સંપૂર્ણપણે માની લે.” (૪ઃ૬૫)

વાસ્તવિક્તા આ છે કે જો આ કાયદાઓ ઉપર નિષ્પક્ષ વિચાર મનન કરવામાં આવે તો તે બીજા કાયદાઓથી શ્રેષ્ઠ જણાશે. કેમકે આ કાયદાઓ માનવ અને સ્વભાવની સર્જન કરનારા પરમ કૃપાળુ ઈશ્વર તરફથી આપવામાં આવ્યા છે. તેઓ બિલ્કુલ પ્રાકૃતિક અને ન્યાયિક છે.

પશ્ચિમવાદીઓની દલિલો :

એક દલીલ આ આપવામાં આવે છે કે ભારતમાં પહેલા ઇસ્લામના ફોજદારી કાયદાઓ લાગૂ હતા પછી તેમને ખત્મ કરી દેવામાં આવ્યા તો આ પર્સનલ લૉને પણ ખત્મ કરી શકાય. તે તો આવું છે જેમ એક વ્યક્તિ પાસે તેની માલિકીના બે મકાનો હોય અને કોઈ બીજો વ્યક્તિ તેની શક્તિનો ઉપયોગ કરીને પચાવી પાડે તો કોઈ સલાહ આપે કહે કે તારુ એક મકાન કબજે થઈ ગયુ છે તો બીજાનો કબજો પણ આપી દે.

આ વિવેચકોને આ વાત પણ યાદ રાખવી જોઈએ કે ફોજદારી કાયદાઓનો સંબંધ સરકાર સાથે છે. જો તેને વ્યક્તિગત છૂટ આપી દેવામાં આવશે તો લૉ એન્ડ ઓર્ડરની સમસ્યા સર્જાઈ શકે છે. જ્યારે કે પર્સનલ લૉનો સંબંધ વ્યક્તિ અને સમાજ સાથે છે. તેના અમલની કોઈ સમસ્યા ઊભી થતી નથી.

કેટલાંક એમ પણ કહે છે કે મુસ્લિમ સમાજના પછાતપણાનું કારણ ૧૪૦૦ વર્ષ પૂર્વ ઘડાયેલ કાયદાઓ છે જો તેને ખત્મ કરી દેવામાં આવે તો મુસ્લિમ સમાજ વિકાસ કરી શકે છે. અને એકી સાથે ત્રણ તલાક જેવા દાખલા આપી આ કાયદાની ક્રુરતા કે સ્ત્રી ઉપર અત્યાચારને દર્શાવવામાં આવે છે. મારે તેમને આટલું જ કહેવું છે કે વિકાસનો સંબંધ પર્સનલ લૉ સાથે નથી સરકાર દ્વારા આપવામાં આવતી તકો અને ન્યાય સાથે છે. અને રહ્યું તલાકનો દાખલો તો તે પર્સનલ લૉની ખામી નથી બલ્કે કાયદાનો દુરૃપયોગ અને જાણકારીનો અભાવ છે. તેના પ્રભાવકારી અમલ માટે મુસ્લિમ વિદ્વાનો સાથે બેસી કોઈ નિયમ બનાવી શકાય. હું ચોક્કસ પણે કહી શકું કે જો કોઈ બિન મુસ્લિમ ભાઇ તલાક કેમ, ક્યારે, કઈ પરિસ્થિતિમાં અને કઈ રીતે આપવી તે વાંચી લેે તો પોતે તેમાં સંમત થઈ જાય.

જે લોકો ધર્મને ઝગડાના મૂળ બતાવી સમાન સીવિલ કૉડની વાત કરે છે તેમને મારે કહેવું છે કે, જે રીતે યુનિફોર્મ વરશિપ કૉડ અસંભવ છે કોઈ એવી રીત કે પદ્ધતિ બનાવી શકે નહિ કે બધા જ ધર્મના લોકોને આ જ ક્રિયાકાંડ કરવા અથવા આવી જ રીતે ઇબાદત કરવી. તેવી જ રીતે વિવિધ ધર્મોના લોકો માટે કોમન સીવિલ કૉડ લાગુ કરવું અપ્રાકૃતિક અને અતાર્કિક છે. ઘડિયાળની મશીનમાં સિલાઈ મશીનના સાધનો નાંખી ચલાવી શકાય નહીં. એક ઘડિયાળમાં જે સાધનો અને ખાસ નિયમ મુજબ ગોઠવવામાં આવે તો જ ઘડિયાળ ઇચ્છિત પરિણામ આપી શકે. બીજા સંજોગોમાં ઘડિયાળનું સંતુલન બગડી જશે અને તે તેનું કાર્ય કરી શકશે નહીં. તેવી જ રીતે એક ધર્મના પર્સનલ લૉમાં બીજી સંસ્કૃતિ કે કોમના કાયદાઓ ઠોકી બેસાડી શકાય નહીં.

આ ઝગડાને ખત્મ કરવા માટે કોમન કોડના સ્થાને કોમી ઉપાસ્ય ગૃહોનો વિચાર કરવામાં આવે તો કેવું!!? ના મંદિર રહે, ન મસ્જિદ, ન ગુરૃદ્વારા રહે, ન ચર્ચ. ધર્મસ્થાન ખત્મ તો ઝગડા ખત્મ!!? કહેવાતા બુદ્ધિજીવીઓને સાચી દિશામાં વિચાર કરવો જોઈએ. ઝગડા કે રમખાણોનું મૂળ કારણ ધર્મ કે પર્સનલ લૉ નથી ધર્મિક લોકો દ્વારા ધર્મનો દુરૃપયોગ છે. ધર્મ પ્રેમ શીખવે છે, ન્યાયનું શિક્ષણ આપે છે, સહિષ્ણુંતાની તાલીમ અને ભાઈચારાનો સંદેશ આપે છે.

મુસ્લિમોનું વલણ :

એક મુસ્લિમ માટે નમાઝ અદા કરવી ફરજીયાત છે. તે જ તેના સાચા મુસ્લિમ હોવાની નિશાની છે. પરંતુ તે તેની ઈમાનની નિબર્ળતા કે આળસના લીધે નમાઝ અદા ન કરતો હોય તો તેને તે બાબતે શરમની અનુભૂતિ થાય છે. પરંતુ તે તેના ફરજિયાત પણાનો અસ્વિકાર કરી શકતો નથી. ન સ્વિકાર કરી શકે છે કે કોઈ વ્યક્તિ નમાઝનો વિરોધ કરે. તેવી જ રીતે અમુક લોકો અભણતા કે સ્વાર્થના લીધે બીજા કાયદા મુજબ ચુકાદો માગતાં હોય તો પણ મુસ્લિમ પર્સનલ લૉમાં પરિવર્તન કે બળજબરી કે કોમન સીવિલ કૉડને સ્વીકાર કરી શકતો નથી. કેમકે તે આટલું તો જાણે છે કે આ કાયદા જ શ્રેષ્ઠ અને દુનિયામાં ન્યાય અને આખિરતમાં સફળતા આપનારા છે.

બંધારણની કલમ ૨૫ :

આપણા દેશના બંધારણની કલમ ૨૫ મુજબ તમામ લોકોને સમાન રીતે સંપૂર્ણપણે પોતાના ધર્મને અપનાવવાની તેના ઉપર અમલ કરવાની તથા તેના પ્રચાર-પ્રસારના અધિકાર પ્રાપ્ત છે. ગોલવાલકરે પણ આ વાત માન્ય રાખી હતી કે સીવિલ કૉડ ભારતના પરિપેક્ષ્યમાં લાગુ કરવું શક્ય નથી. અને ડૉ. આંબેડકરને પણ વિશ્વાસ હતો મુસ્લિમોની ઇચ્છા વગર સમાન સીવિલ કૉડ અપ્રાયોગિક છે. છતાં જો મુસ્લિમ પર્સનલ લૉને બદલવાની વાત કરવામાં આવે તો તે ગેરબંધારણીય અને મૂળભૂત ઉદ્ધાર કરવા માગતી હોય તો તેને આ પર્સનલ લૉના પ્રભાવકારી અમલ માટે પગલા લેવા જોઈએ. આપણા બંધારણમાં મુસ્લિમો જ નહિ બીજા ધર્મ અને કોમોના તેમના પર્સનલ લૉ પણ માન્ય રખાયેલા છે.

બંધારણની કલમ ૪૪ની આડમાં :

મુસ્લિમ પર્સનલ લૉને ખત્મ કરી સીવિલ કૉડને લાગૂ કરવાની જે ચર્ચા સમાયાંતરે ઊભી કરવામાં આવે છે તેના મૂળ પશ્ચિમી સંસ્કૃતિ અને જીવનનો ભૌતિકવાદી દૃષ્ટિકોણ છે પરંતુ આપણા દેશના બંધારણની કલમ ૪૪માં જે માર્ગદર્શક સિદ્ધાંત આપવામાં આવ્યા છે તે કન્ફ્યુઝન પેદા કરનારી છે. જેમાં કહેવામાં આવ્યું છે. “રાજ્ય પ્રયત્ન કરશે કે સમગ્ર દેશમાં નાગરિકો માટે સમાન સીવિલ કૉડ હોય.” પરંતુ માર્ગદર્શક સિદ્ધાંત ઉપર બંધારણીય હક જે આર્ટિકલ ૨૫માં બતાવ્યા છે તેને ઉચ્ચતા પ્રાપ્ત છે જ્યાં સુધી માર્ગદર્શક સિદ્ધાંતની વાત છે તો તેમાં દારૃબંધી પણ શામેલ છે. છતાં ભારતના કેટલા રાજ્યોમાં દારૃબંધી છે તે તમે જોઈ શકો છો!! જ્યારે કે તેને લાગૂ કરવામાં કોઈ પર્સનલ લૉ કે ધર્મ અડચણરૃપ નથી.

એ વાત અત્યારે યાદ રાખવી જરૂરી છે કે બંધારણ બનાવતી સભામાં જ્યારે આ કલમ ૪૪ પર વિચાર થઈ રહ્યો હતો તે સમય લોકસભાના મુસ્લિમ સદસ્યોએ આ કહ્યું હતું કે જનતા કોઈ સમુદાય, ભાગ કે પક્ષને આ વાત માટે મજબૂર કરાશે નહિ કે તેમના પર્સનલ લૉને છોડી દે. આ કલમમાં જ સુધારા કરવાની જરૃર છે.

મુસ્લિમ પર્સનલ લૉને ખત્મ કરવાના કારણો :

એક વર્ગ એવો છે જે વિવિધ ધર્મોના લોકોને એક કોમ તરીકે જુએ છે તેઓ ઇચ્છે છે કે તેમના વચ્ચે વિરોધાભાસ કે મતભેદ ઓછામાં ઓછા હોય કે જેથી એક સંયુક્ત સંસ્કૃતિ બની શકે. તેઓ પણ પર્સનલ લૉને હાનિકારક સમજે છે. મુસલમાનોને બે કાર્ય કરવા પડશે. એક તો ઇસ્લામનો સંદેશ દેશબંધુઓ અને વિશેષરૃપે એ લોકો સમક્ષ મુકે જેમના માનસમાં ગેરસમજો છે. સરકારી હોદ્દેદારોને પણ મુસ્લિમ પર્સનલ લૉની વાસ્તવિક્તા અને લાભો સમજાવવાની જરૃર છે. સાથે જ એ શંકા પણ વ્યક્ત કરવાની જરૃર છે કે બળજબરી કોઈ પર્સનલ લૉને ખત્મ કરવાની કાર્યવાહી સમાજમાં અશાંતિ પેદા કરી શકે છે જે દેશની પ્રગતિ અને વિકાસ ગતિમાં અવરોધરૃપ બની જશે.

બીજુ એ કે ઇસ્લામ અને મુસ્લિમ પર્સનલ લૉનો પ્રશ્ન મુસલમાનો માટે જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે. તે જીવીત રહે અને તેનો ધર્મ કે પર્સનલ લૉ જીવિત ન રહે. તો આ જીવન મૃત્યુથી બદતર છે. કેમકે તેનું પરિણામ પરલોકમાં સજા અને દુનિયાની મુશ્કેલીઓથી વધુ છે. તેમને કાગળ અને પુસ્તકો સુધી સીમિત ન રાખોે પરંતુ પોતાના જીવનમાં ઉતારો. નિકાહ-તલાક, વારસા, ખુલઅ, ખાદ્ય-ખોરાકી વગેરે બાબતોમાં શરીઅતના કાયદાઓ મુજબ વર્તો. પર્સનલ લૉની સુરક્ષાનો સૌથી સુંદર ઉપાય આ જ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments