“યહ રાઝ કીસી કો નહીં માલુમ કે મોમીન
કારી નઝર આતા હૈ હકીકતમેં હે કુઆર્ન”
“જે સૂરતો પોતાના કદ પ્રમાણે જેટલી પણ નાની છે અર્થના હિસાબથી એટલી જ મોટી છે. તેમના નાના વાક્યોમાં જ્ઞાનના રહસ્યોનો એટલો ભંડાર ભરેલો છે કે જો તે ઉઘાડી દેવામાં આવે તો કાર્યલયોમાં સમાય નહીં”
“દીનની મહત્તા અને તેની આવશ્યકતાનો તકાદો એ છે કે તેના નિયમો હંમેશા સંક્ષિપ્તમાં અને સારા શબ્દોમાં એવી રીતે ગોઠવવામાં આવે કે તે કહેવતોની માફક જીભ પર ચડી જાય જેથી દિલ અને મગજ માટે તે જેટલું અઘરૃ હોય તેટલુ જ ઝબાન માટે સહેલું હોય, આ પ્રકારાની વસ્તુ લાંબા લાંબા વાક્યોમાં વર્ણન કરવામાં આવે તો આશંકા છે કે તે વિસ્તારપૂર્વક વર્ણનમાં જ ખોવાઇને રહી જાય.”
સામાન્યા રીતે કોઇ શિક્ષણ અને દાવતની શરૃઆતમાં એના પ્રત્યે લોકોના દિલો સારા પ્રમાણમાં ઉઘડેલા હોતા નથી, જેના કારણે તે ન તો વાણીની અધિકતાનો ગ્રહણ કરવા માટે સક્ષમ હોય છે કે ન આદેશના કોઇ ટુકડાને. આજ કારણથી શરૃઆતમાં લોકોને જે શિક્ષણ આપવામાં આવે છે તે જ્ઞાનસભર અને બુદ્ધીથી ભરપૂર ગાગરમાં સાગરની જેમ નાના-નાના ફકરાઓ અને નાના વાક્યોમાં આપવામાં આવે છે. જ્ઞાનના આ બીજ જ્યારે ફાટે છે તો વિવરણરૃપી પાણીથી તેની સિંચાઇ કરવામાં આવે છે અને આ રીતે ધીરે-ધીરે દિલનું વિસ્તરણ અને તેના જ્ઞાનમાં વૃધ્ધી થતી જાય છે.
કારણ કે સંપૂર્ણ દીનને સ્થાપિત કરવાનો હેતુ હતો આથી વિશાળ અને સમગ્ર દીનના સિધ્ધાન્તોને અંતિમ કક્ષાના સંક્ષિપ્તમાં અને સ્પષ્ટતારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું. જેથી ઉમ્મતનો દરેક વ્યક્તિ સંપૂર્ણ અને પરિપૂર્ણ કુઆર્ન શરીફને કંઠસ્ટ કરી શકવા શક્તિમાન ન હોય તો તેના માટે આ નાની-નાની સૂરતો વ્યાપક પ્રમાણમાં પરંતુ એક જ ખાસ વિષયને લગતી છે.
‘સૂરઃ ઇખ્લાસ‘ તૌહીદની સૂરત છે, સૂરઃ અસ્ર દિનના બે મુખ્ય સ્તંભો ઇમાન અને અમલ ઉપર, સૂરઃ કૌસર ખુશખબરના વિષય ઉપર પ્રસ્તુત છે. આ હકીકતની દૃષ્ટિએ આ નાની-નાની સૂરતોને યાદ કરવા માટે ઉત્તેજન આપવામાં આવ્યું છે. એના પૈકી અમુકને એક તૃતિયાંશ કુઆર્ન અને અમુકને અર્ધા કુઆર્ન તરીકે વર્ણવવામાં આવ્યું છે. – અલ્લામા હમીદુદ્દીન ફરાહી (રહ.)
જન્મ અને મરણઃ
હમીદુદ્દીન ફરાહી ૧૮, નવેમ્બર ૧૮૬૨માં આઝમગઢના એક ગામ ‘ફરીહા’ના પ્રતિષ્ઠિત અને શિક્ષિત પરિવારમાં પૈદા થયા. પ્રારંભિક શિક્ષણ ઘર પર જ પ્રાપ્ત કર્યું. ૧૦ વર્ષની ઉંમરમાં કુઆર્ન હિફઝ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું. પછી ફારસી ભાષા શિખ્યા અને તમાં પ્રભત્વપ્રાપ્ત કર્યું. એટલા હદે સુધી કેે બિલ્કુલ ઉસ્તાદોની જેમ શેર-શાયરી કરવા લાગ્યા. તેના પછી અરબી ભાષા અને અરબી સાહિત્ય તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું. અને આપના મામાના પુત્ર અલ્લામા શિબ્લી નોમાની પાસેથી શિક્ષણ પ્રાપ્ત કર્યું. આલ્લામા શિબ્લીના ઉસ્તાદ મૌલાના ફારૃક ચર્યાકોટી જેવી વિભુતિની જ્ઞાન સમૃધ્ધ સોબત પણ પ્રાપ્ત થઇ. રાત્રે વહેલા સુઇ જવું અને સવારે અઢી ત્રણ વાગે ઉઠીને તહજ્જુદ પઢવાની આદત તેમણે બાળપણથી જ કેળવી હતી. ઇલ્મની તડપ તેમને લખનઉ લઇ ગઇ જ્યાં મૌલાના અબ્દુલ હઇ ફિરંગી મહલી દ્વારા ઇસ્લામી ફિકહના મેદાનમાં લાભાન્વિત થયા પછી લાહોર ગયા, ત્યાં મૌલાના ફૈઝુલહસન સહારનપુરીના શિષ્ય બન્યા.
૧૮૮૩માં અરબી સાહિત્યનો અભ્યાસ પૂર્ણ કરીને તેમાં પારંગત બની અલ્લામાએ ૨૦ વર્ષની ઉંમરે અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું, પ્રથમ મીડલ અને ઇન્ટર પાસ કર્યું. પછી ૧૮૯૧માં એમ.એ.ઓ. કોલેજ, અલીગઢમાં પ્રવેશ મેળવ્યો. અહીં તેમણે અંગ્રેજી ઉપરાંત મોડર્ન ફિલોસોફી ઉપર ખાસ ધ્યાન આપ્યું. ૧૮૯૫માં બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેના પછી એમ.એ., એલ,એલ.બી. કરવાની ઇચ્છા હતી, પરંતુ સંજોગાધિન તેને અમલમાં લાવી શક્યા નહીં.
અલ્લામા ફરાહી કુશાળ, બુધ્ધિશાળી,પ્રતિભાશાળી, પ્રવિણ વિદ્યાર્થી હતા. અલીગઢમાં તેમના પ્રવેશ માટે સર સૈયદ સાહેબે અંગ્રેજ પ્રિન્સિપલ ઉપર એક આળખ-પત્ર લખ્યો હતો. જેમાં ફરાહીને અરબી અને ફારસી વિષયોથી મુક્ત રાખવાની ભલામણ કરીને દલીલમાં જાણવ્યું હતું કે વિદ્યાર્થીઓ તો એક બાજુ પરંતુ શિક્ષકો સુધ્ધાં અરબી અને ફારસીમાં આ વિદ્યાર્થીની તુલનામાં ઓછા જ નીકળશે. સર સૈયદના કહેવાથી ફરાહીએ ‘તબકાત ઇબ્ને સઅદ’માંથી સીરતે નબવીના કેટલાક ભાગોનો ફારસીમાં અનુવાદ કર્યો. જે એટલો બધો પ્રમાણભૂત હતો કે તેને આભ્યાસક્રમમાં શામેલ કરી દેવામં આવ્યો. ઇમામ ગઝાલી કૃત એક પુસ્તકનું સંપાદન અને પ્રુફ રીડીંગનું કામ જે સર સૈયદ, શિબલી, અને હાલી જેવા ધુરંધરોથી ન થઇ શક્યું તે કામ આ બુઝુર્ગોએ તેમને સોંપ્યુ, અને જવાબદારી આપે ઘણી સુંદર રીતે પૂર્ણ કરી.
કર્મશીલ જિંદગી
શિક્ષણ પ્રાપ્તિનું ધ્યેય પૂર્ણ કર્યા પછી ૧૮૯૭માં મૌલાના ફરાહી મદ્રસતુલ ઇસ્લામ, કરાચીમાં અરબીના પ્રોફેસર તરીકે નિમણંુક પામ્યા. હિન્દુસ્તાનના વાઇસ રોય લોર્ડ કર્ઝનની અરબસ્તાન યાત્રા દરમિયાન અલ્લામા ફરાહી શિબ્લી રહ.ના ખૂબ આગ્રહને વશ થઇ અનુવાદક તરીકેની ફરજો આદા કરી. પરંતુ એક અંગ્રેજ વાઇસ રૉયની સાથે સહયોગ કરવા બદલ જીવનપર્યંત તેમને પ્રશ્યાતાપ થતો રહ્યો. ફેબ્રુઆરી ૧૯૦૭માં એમ.એ.ઓ. કોલેજ અલીગઢમાં અરબીના સ્ટન્ટ પ્રોફેસર તરીકે તેમની નિમણુક થઇ. એજ વર્ષે અલીગઢમાં ‘અંજુમને મુતરજમીન’ની રચના કરવામાં આવી. જેનો ઉદ્દેશ્ય અંગ્રેજીના ઉચ્ચ કોટિના જ્ઞાનસમૃધ્ધ પુસ્તકોનું ઉર્દુમાં ભાષાંતર કરવાનો હતો. અલ્લામા ફરાહીને આ યોજનાના સંયુક્ત સંપાદક બનાવવામાં આવ્યા. ભાષાંતરની શુધ્ધિ ઉપરાંત તેમના શિરે આ કામ પણ હતું કે એક એવો શબ્દકોષ તૈયાર કરે જેમાં અગ્રેજીના જ્ઞાનસભર શબ્દોની ઉર્દુમાં સમજુતી હોય. આ પારિભાષિક શબ્દોની અવેજમાં ઉર્દુ શબ્દ પણ આપવામાં આવ્યો હોય. અલીગઢના નિવાસ દરમિયાન અલ્લામાએ પ્રખ્યાત જર્મન જોસેફ હાર્વેશ પાસેથી ઇબ્રાની ભાષા શીખી. ૧૯૦૮માં આપે ઇલાહબાદ સ્થળાંતર કર્યું અને ત્યાંની મયુર કોલેજમાં ૧૯૧૪ સુધી અરબીના પ્રોફેસર રહ્યા. એના પછી દારૃલ ઉલુમ હૈદરાબાદના પ્રિન્સિપલ તરીકે આપની પસંદગી થઇ. જુન, ૧૯૧૪માં આપ હૈદરાબાદ સ્થળાંતરિત થયા. જ્યાં ૧૯૧૯ સુધી આપે સેવા આપી. આ સમગ્રગાળામાં આપે ઘણા બધા સુધારા લાગુ કર્યો. વિજ્ઞાનનું શિક્ષણ આધુનિક ઢબે શરૃ કરાવ્યું. દારૃલઉલૂમને પ્રગતિના પંથે લઇ જઇને યુનિવર્સિટી બનાવવાની યોજના વિચારણા હૈઠળ હતી. અલ્લામા ફરાહીએ એક એવી પર્વીય યુનિવર્સિટીનો વિસ્તૃત નકશો તૈયાર કર્યો. જેમાં દીની અને ભૌતિક શિક્ષણ માટે ઉર્દુને અભ્યાક્રમનું માધ્યમ બનાવવામાં આવે. રાજકીય શિક્ષણ બોર્ડ આ યોજનાના અમલ માટે સંમત થઇ ગયું અને અલ્લામા ફરાહીનું આ સ્વપ્ન જામિઅતુલ ઉસ્માનિયાના સ્વરૃપમાં પરિપૂર્ણ થયું. અલ્લામામાં આત્મ ગૌૈરવ ઠાંસી-ઠાંસીને ભરેલું હતું. આથી હૈદરાબદમાં નિવાસ દરમ્યાન પણ નિઝામ અને નવાબોથી કોઇ સંબંધ ન રાખ્યો અને આપની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સંપૂર્ણપણે રચ્યાપચ્યા રહ્યા.
ઓગસ્ટ ૧૯૧૯માં હૈદરાબાદથી રાજીનામું આપીને આપ પોતાના વતન આઝમગઢ આવી ગયા. આમ તો તે હંમેશા મદ્રસતુલ ઇસ્લાહ અને દારૃલમુસન્નિફીનથી સંપર્કમાં રહેતા હતા જ. પરંતુ હવે જ્યારે નવરાશ મળી તો તેના તરફ સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કર્યું. ૧૯૧૬માં જ તેમને કાયદેસર રીતે મદ્રસાના સેક્રેટરી તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા હતા. હવે તેમને ત્યાંજ રહીને આ જવાબદારીનો હક નિભાવવાનો અવસર પ્રાપ્ત થયો. અલ્લામા એ મદ્રસાના અભ્યાસક્રમમાં કુઆર્ન મજીદને કેન્દ્રીય સ્થાન આપ્યું અને બીજી તમામ વિદ્યાઓને ગ્રહોની માફક તે સુર્યની આસપાસ ચક્કર લાગવતા કરી દીધા, તેમણે ન જ ફક્ત આપના જ્ઞાન,હુન્નર, બુદ્ધિમતા અને ચિંતન-મનન, પરંતુ અલ્લાહનો ડર અને લિલ્લાહિયતથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ‘ડૂબ કર કુઆર્નમેં પા જા સુરાગે જિંદગી’ ના બીંબામાં ઢાળી દીધા. કુઆર્નમાં સમજ અને ચિંતન મનન માટે તેમની આત્માઓને તરસી બનાવી દીધી. ૧૯૨૭માં હજની ફરજ અદા કરી. આપનું આરોગ્ય તો ઘણું સારૃં હતું. પરંતુ માથાના દુખાવાની અને પેશાબ રોકાઇ જવાની ફરિયાદ હતી. લિંગને બર્બાદ કરનાર વ્યાધીએ ઉથલો મારવાથી ઑપરેશન કરાવવા માટે અલ્લામા ફરાહી મથુરા ગયા. અલ્લાહની મરજી એવી કે ઑપરેશન નિષ્ફળ ગયું. અને ૧૧, નવેમ્બર ૧૯૩૦ના રોજ અલ્લામા ફરાહી આ ફાની દુનિયા છોડીનેજ કૂચ કરી ગયા. અલ્લાહતઆલા તેમને આ’લા ઇલ્લીયીનમાંં અંબિયા,શોહ્દા અને સાલેહિનનો સાથ નસીબ ફરમાવે.
કુઆર્ન મજીમાં ચિંતન મનનની જે નવી મશાલ આપે પ્રગટાવી હતી તે એમની જિંદગીની સાથે ઓેલવાઇ ગઇ નહિં પરંતુ દિપકથી દિપક પ્રગટતા ગયા. અલ્લામા તેમની પાછળ એવા શિષ્યો છોડી ગયા, જેમની ખાસ તર્બિયત અને દેખરેખ તેમણે કરી હતી. અને જેમના શિરે તેમના અધુરા કાર્યોને પર્ણ કરવાની અને તેમના પદચિન્હો ઉપર આગળ વધવાની જવાબદારી હતી. આ શિષ્યોમાં મૌલાના અખ્તર અહસન ઇસ્લાહીઅને મૌલાના અમીનુલ હસન ઇસ્લાહીનું નામ મોખરે છે.
શૈક્ષણિક સેવાઓ
અલ્લામા ફરાહી સાધારણ અર્થમાં એક વિશાળ ગ્રંથ રચયિતા ન હતા, પરંતુ તે લેખન પ્રવૃત્તિ કરતાં ચિંતન મનનમાં વધારે તલ્લીન રહેતા. એક જ સમયે ચિંતન કરતા અને જે વિષયના સંદર્ભમાં કોઇ વાત મગજમાં ઉત્પન્ન થતી તેને એક કાગજ ઉપર અલગથી લખી દેતા. આ પ્રમાણે નોંધો પુરી થયા પછી તેને પુસ્તકનું સ્વરૃપ આપી દેતા. કદાચ આ કારણથી જ આ રીતની નોંધો ઉપર આધારિત અપુર્ણ પુસ્તકોનો એક અમૂલ્ય ખજાનો તેમણે છોડ્યો છે. ‘નઝમે કુઆર્ન’ના દૃષ્ટિકોણને અલ્લામા ફરાહીએ પોતના અધ્યયન અને વિચાર શક્તિથી એક નક્કર સ્વરૃપ આપ્યું. તેમણે ભારપુર્વક જણાવ્યું કે કુઆર્નમાં કોઇ પણ શબ્દ વધારાનો નથી અને સમગ્ર કુઆર્ન શરૃથી લઇને અંત સુધી પ્રસંગાયુક્ત છે. એમાં જે પણ અસંબધ્ધતા દેખાય છે તે ચિંતનના અભાવનું પરિણામ છે. દરેક આયત તેની આગળની અને પાછળની આયતથી વીંટીમાં નગીનાની માફક જોડાયેલી છે. દરેક સૂરઃનો એક કેન્દ્રિય વિષય હોય છે અને જે વિવાદિત હોય છે તે પણ તે જ સ્તંભ સાથે સંબંધ ધરાવતી હોય છે. દરેક સૂરઃ તેની આગળની અને પાછળની સૂરઃથી વિષયના આધારે સંબંધ ધરાવે છે, વગેરે વગેરે. આ દૃષ્ટિકોણની સ્પષ્ટતા કરતા અલ્લામાં ફરાહીએ તફસીર ‘નિઝામુલ કઆર્ન’ની રચના કરી, જેમાં અમુક ખાસ સૂરતોની તફસીર કરવામાં આવી છે. તફસીરની પ્રસ્તાવનામાં ‘નઝમે કુઆર્નથી’ સંબંધિત પોતાના દૃષ્ટિકોણનું તેમણે સ્પષ્ટતાપુર્વક વર્ણન કર્યું છે. તદઉપરંત ‘મુફર્દાતુલ કુઆર્ન’ (કુઆર્નના અઘરા શબ્દોની સમજુતિ), ‘અલમાત ફિલ અકસામુલ કુઆર્ન’ (કુઆર્નમાં અલ્લાહે જે સોગંદો ખાધી છે તેનું વર્ણન)’ઝબીહ કોન હૈ??’ ‘જમહરતુલ બલાગ’ (અરબી ભાષામાં અલંકારીક શૈલીના નિયમો પર આલોચના અને સમજુતિ) ‘દલાઇલુલ નિઝામ’ ‘અસાલિબુલ કુઆર્ન’ ‘ઉસુલુલ તા’વીલ’ ‘ફિ મલ કુતુલ્લાહ’ ‘ઉરૃજ વ ઝવાલ કી અસાસ’ ‘ઇસ્લામી સિયાસત’ જેવા આણસ્પશર્યા વિષયો ઉપર આપે કલમ ચલાવી.
આજે પણ અધિકાંશ કિતાબો અને કુઆર્ને કરીમ ઉપર અલ્લામા ફરાહીના હાંશિયા સંશોધન અને તપાસના મોહતાજ બનીને અપ્રકાશિત પડ્યા છે. એમની ઘણી બધી નોંધો છે જેમાં કુઆર્નમાં ચિંતન અને મનન અને અનુધ્યાની જન્નત પ્રાપ્ત કરવાની ન જાણે કેટલીય જાતની ચાવીઓ છે. જે ઉપેક્ષા બદલ ફરિયાદ કરી રહી છે. જો પરંપરાગત તફસીરોના ઢગલામાં વૃધ્ધિ કરનારા તફસીરકર્તાઓ આ ‘તર્જુમાનુલ કુઆર્નનું’ સંશોધન કરીને તેને ક્રમબધ્ધ કરીને દુનિયા સમક્ષ લઇ આવે તો કદાચ આ કાર્ય કુઆર્નની સર્વોત્તમ સેવા લેખાશે.*