ખૂબ જ પ્રસિદ્ધ પ્રસંગ છે કે એક વખત ‘અરાશી’ નામક એક વ્યક્તિ પોતાના અમુક ઊંટ વેચવા મક્કા શહેરમાં આવ્યો. અલ્લાહના રસૂલ સ.અ.વ.ના નામચીન વિરોધી અબૂજહલે સોદો કરીને તે ઊંટો લઈ લીધા. પરંતુ તેની રકમ આપવામાં ઘણા દિવસો સુધી તે વેપારીને બહાના બતાવતો રહ્યો. તે વ્યક્તિ બિચારો મક્કાના ઘણા સરદારો પાસે ગયો અને ફરિયાદ કરીને કરગરવા લાગ્યો કે,
“હું એક પરદેશી મુસાફર છું, મારો હક મારવામાં આવી રહ્યો છે. મારા ઊંટ અબૂલહબે વેચાતા લીધા છે, અને હવે પૈસા આપતા નથી. મને મારો હક અપાવી દો.”
પરંતુ કોઈનામાં અબૂજહલને કહેવાની હિંમત ન હતી; કેમકે પ્રકૃતિથી જ તે ઝઘડાખોર હતો. એક દિવસ આ સરદારો મક્કામાં હરમમાં બેઠા હતા કે તે વેપારી ફરી આવીને ફરિયાદ કરવા લાગ્યો. બેસેલાઓમાંથી કોઈ એકને મજાક સૂઝી અને એ જ હરમના બીજા ખૂણાંમાં અલ્લાહના રસૂલ સ.અ.વ. બેસેલા હતા, તેમના તરફ ઇશારો કરીને કહ્યું કે, જા પેલા બેઠા છે તે તારા પૈસા અપાવી દેશે. સરદારોને થયું કે હવે મજા આવશે કે મુહમ્મદ સ.અ.વ. અને અબૂજહલ વચ્ચે શું થાય છે?
આ વેપારી અલ્લાહના રસૂલ સ.અ.વ.થી વાકેફ ન હતો અને સીધો આપ સ.અ.વ.ના પાસે આવ્યો અને પોતાની તમામ બીના કહી સંભળાવી અને યાચના કરવા લાગ્યો. આપ સ.અ.વ. તરત જ ઊભા થઈ ગયા અને તેને કહ્યું, “ચાલો મારી સાથે આવો.” આપ સ.અ.વ.એ તેને સાથે લઈ જઈને અબૂજહલનો દરવાજા ખટખટાવ્યો.
અંદરથી અવાજ આવ્યો, “કોણ છે?”
“હું છું મુહમ્મદ, બહાર આવો.” આપ સ.અ.વ.એ કહ્યું.
અબૂજહલ પોતાના ઘરમાંથી બહાર આવ્યો પરંતુ તેના ચહેરાનો રંગ ઊડી ગયો હતો. આપ સ.અ.વ.એ તેને કહ્યું, “આ વ્યક્તિના પૈસા હમણાં જ આપી દો.”
અબૂ જહલ ચૂપચાપ પાછો ઘરમાં ગયો અને પૂરેપૂરા પૈસા લઈને પાછો આવ્યો અને તે વેપારીને આપી દીધા. ‘અરાશી’ તો ખૂબ જ ખુશ થઈ ગયો પાછા વળતાં તેણે આ તમામ વાત પેલા સરદારોને કરી.
થોડી વાર પછી અબૂજહલ પણ એ મહેફિલમાં આવ્યો તો લોકોએ તેની ખૂબ જ મજાક ઉડાવી કે તૂ મુહમ્મદ સ.અ.વ.થી ડરી ગયો. તને શું થઈ ગયું. અમે તો આવું ક્યારેય જાયું નથી. આ તેં શું કર્યું? આમ તો ઘણી ડિંગો મારે છે…!!
અબૂજહલે કહ્યું, “દુષ્ટો! મારી વાત તો સાંભળો, જેવો તેમણે મારો દરવાજા ખટખટાવ્યો અને મે તેમનો અવાજ સાંભળીને દરવાજા ખોલ્યો તો તેમને જાતાં જ ભયના કારણે મારા તો હોશ જ ઊડી ગયા અને હું તો પૂતળાની જેમ બની ગયો. મને આભાસ થયો કે તેમના પાછળ એક રાક્ષસી કદનું ઊંટ ઊંભું છે અને જે હું જરાપણ ઇન્કાર કરું તો તે મને ચાવી નાંખશે. હું ખરેખર ખૂબ જ ભયભીત થઈ ગયો.”
અલ્લાહના રસૂલ સ.અ.વ.ના કિરદારની શ્રેષ્ઠતા અને પવિત્રતાનો આ ખૂબ શ્રેષ્ઠ નમૂનો હતો કે કટ્ટર વિરોધીને પણ આપની વાત તરત જ માની લેવી પડી. નબુવ્વતની ઘોષણા કર્યા પછી પણ મક્કાના સરદારોએ સખત વિરોધ અને વાંધાઓ છતાં ક્યારેય આપ સ.અ.વ.ને જૂઠા નથી કહ્યા. અને ક્યારેય પણ એ આરોપ નથી લગાવ્યો કે તમે જૂઠ બોલો છો. તેઓ જે વાતને જૂઠી ઠેરવતા હતા તે આપ સ.અ.વ.ની નબુવ્વત હતી.
હઝરત અલી રદિ. વર્ણન કરે છે કે એક વખત આપ સ.અ.વ.ના સૌથી મોટા શત્રુ અબૂજહલે આપ સ.અ.વ.થી ચર્ચા દરમ્યાન કહ્યું, “અમે આપને જૂઠા નથી કહેતા પણ આપ જે કંઈ રજૂ કરી રહ્યા છો તેને ખોટું ઠેરવીએ છીએ.”
જેથી બદ્રના યુદ્ધ વખતે આ જ અબૂજહલથી એક વ્યક્તિ અખનસ બિન શરીકે એકલતામાં પૂછ્યું, “અહીં મારા અને તમારા સિવાય કોઈ ત્રીજા મોજૂદ નથી, સાચું સાચું કહો કે તમે મુહમ્મદ સ.અ.વ.ને સાચો કહો છો કે જૂઠો?”
અબૂજહલે જવાબ આપ્યો, “ખુદાની કસમ! મુહમ્મદ સ.અ.વ.એક સાચા માણસ છે. તેમણે જીવનમાં ક્યારેય જૂઠ નથી બોલ્યું – પરંતુ જ્યારે કા’બાના હરમમાં હાજીઓને પાણી પાવાનું તેમની સેવા કરવાનું અને અંતે આ … નબુવ્વત… પણ કુરૈશના વારસોના જ હિસ્સામાં આવી જાય તો તમે જ બતાવો પછી બાકીના કુરૈશ કબીલા પાસે તો પછી શું રહી ગયું?”
આ જ લોકોએ મુહમ્મદ સ.અ.વ.ની નબુવ્વત પહેલાના જીવનને પોતાની સગી આંખોથી જાયું હતું, અનુભવ્યું હતું કે કેટલું નિર્મળ અને પવિત્ર જીવન પછી એ જ વ્યક્તિ નબુવ્વત જેવી સચ્ચાઈ પ્રાપ્ત થયા પછી જૂઠી કેવી રીતે હોઈ શકે. એટલે કટ્ટર વિરોધીઓને પણ આપ સ.અ.વ.ના કિરદાર અને વ્યક્તિત્વ અને ગુણોની સાક્ષી આપ્યા વગર છુટકારો જ ન હતો. નહિંતર એ પોતે જ જૂઠા ઠરી જતા.