હુદા મોમિન .. ✍🏻
ઇસ્લામઃ
ઇસ્લામ માત્ર એક ધર્મ નથી, તે દીન છે જેનો અર્થ સંપૂર્ણ જીવન સંહિતા છે. ધર્મ જીવનની ખાનગી બાબતો સાથે વહેવાર કરે છે જ્યારે દીન જીવનના વ્યક્તિગત તેમજ સામૂહિક એમ તમામ પાસાઓને આવરી લે છે. હવે પ્રશ્ન એ છે કે શું ઇસ્લામ આધુનિક યુગના સંજોગોને ધ્યાનમાં રાખીને માનવ સમાજનું સંચાલન કરી શકે છે.? અલબત્ત આ પ્રશ્ન એકવાર ઇસ્લામની વાસ્તવિકતા અને કુર્આનનો સંદેશ સમજ્યા પછી અનિચ્છનીય લાગશે. ઇસ્લામ એક એવો ધર્મ છે જે મનુષ્યના સહજ સ્વભાવની પુષ્ટિ કરે છે. તે સાચી માનવ જરૂરિયાતોને સંતોષે છે, ભ્રામક ઇચ્છાઓ કે લાગણીઓને નહિં. બદલાતાં સમય અનં સંજોગોમાં માનવનો સહજ સ્વભાવ જે છે તે જ રહેશે, તેની પ્રકૃતિ સમાન રહેશે. માનવની આ પ્રકૃતિ તેને ચોક્કસ જીવનશૈલી તરફ દૌરી જાય છે ભલે તે પોતાની આ જીવનશૈલીને અનુસરવાની ઇચ્છા ધરાવતો હોય કે ન હોય. આમ વ્યક્તિએ સુખ અને શાંતિની પ્રાપ્તિ માટે માનવ સહજ પ્રકૃતિનું અનુસરણ કરવું જોઈએ. અને ઇસ્લામ એ એવા જ એક પ્રાચીન, મૂળભૂત અને દૃઢ માર્ગ તરફ દોરી જાય છે. જે દરેક બદલાતાં સંજોગોમાં યથાવત્ રહે તેવો માર્ગ છે.
ઇસ્લામિક ચારિત્ર્યઃ
હવે આપણે એવા એક ચારિત્ર્ય વિશે વિચાર કરીએ જેનો ઇસ્લામ, આપણો દીન પુષ્ટિ કરે છે.
હઝરત મુહમ્મદ સ.અ.વ.એ કહ્યુઁઃ દરેક દીનનો એક સહજ ગુણ હોય છે અને ઇસ્લામનો ગુણ હયા લજ્જા છે. (અબુ દાઉદ)
ઇસ્લામ નૈતિક સિદ્ધાંતો પર આધારિત એવા મજબૂત ચારિત્ર્ય પર ભાર મૂકે છે કે મુહમ્મદ સ.અ.વ.એ એક હદીસમાં અદી ઈબને હતીમે કહ્યુંઃ “જો તમે લાંબુ જીવશો તો જોશો કે સ્ત્રીઓ કાબાના તવાફ કરવા માટે ઇરાકના હિરાન શહેરથી મક્કા શહેર સુધી અલ્લાહ સિવાય કોઈના ડર વિના મુસાફરી કરશે.” આમ ચારિત્ર્ય, નૈતિકતા અને મૂલ્યોને મજબૂત બનાવવામાં આવે તો તે વ્યક્તિગત અને સામૂહિક સ્તર ઉપર શાંતિ અને સંવાદિતા પ્રદાન કરે છે.
હયાઃ
“હયા” શબ્દ હયાત (જીવન) પરથી આવે છે. હયા એ છે જે આપણને નૈતિક અને આધ્યાત્મિક રીતે જીવંત રાખે છે. જેમ શરીર જીવંત હોય તો તેનું મૂલ્ય અંકાય છે તેમ આત્મા, ચારિત્ર્ય અને વ્યક્તિનું મૂલ્ય તેમાં રહેલી હયા – લજ્જા દ્વારા અંકાય છે. હયા વિનાની વ્યક્તિ પોતાની જ નૈતિક સંહિતાનું ઉલ્લંઘન કરે છે અન તે જીવંત માનવી ન રહેતાં જંગલી જાનવર બની જાય છે જેની ભૂખ તેને અસભ્ય વર્તન તરફ લઈ જાય છે.
આજના સમયમાં હયા (લજ્જા) શબ્દ વિવિધ પ્રકારના નકારાત્મક અર્થોને જોડે છે. આ કોઈ અકસ્માત નથી. આધુનિક યુગમાં વ્યક્તિવાદના પ્રસારે લજ્જા જેવી વિભાવનાઓને અને તેમના લગભગ તમામ હકારાત્મક અર્થને છીનવી લીધા છે. જો કે મનૌવિજ્ઞાનિકો લજ્જાની શક્તિ ઉપર ભાર આપે છે. જે હયા આંતરિક ચેતવણી તરીકે વર્તે છે. જે આપણને ખોટા કાર્યો માટે પોતાની જાતને જવાબદાર ઠરાવવા અને પોતાનામાં સુધાર લાવવા માટે મદદ કરે છે. તે સૌથી શ્રેષ્ઠ ગુણવત્તા અને સૌથી ફાયદાકારક ગુણ છે જે માનવતાનું આવશ્યક તત્ત્વ છે.
“જો કોઈ માનવી હયા ધરાવતો નથી તો તેની પાસે સાંસ્, લોહી અને બાહ્ય દેખાવ સિવાય માનવતાનો કોઈ જ ભાગ નથી.” -ઇબ્ને અલ કય્યીમ.
મુહમ્મદ સ.અ.વ.એ કહ્યુંઃ ” મને સંપૂર્ણ ઉમદા ચારિત્ર્ય સાથે મોકલવામાં આવ્યો છે.” અલ્લાહ અને તેનાં સર્જન તરફ સારા ચારિત્ર્ય અને નૈતિક શ્રેષ્ઠતા કેળવવી એ જ ઇસ્લામનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે. લોકોમાં ઉદ્દેશ્યની અસરકારક પ્રાપ્તિ માટે ઉલ્માએ કેટલાંક નૈતિક ગુણોને કેન્દ્રમાં રાખ્યા છે અને હયાએ નિઃશંક આ ગુણોમાંથી એક ગુણ છે. જેથી પૈગમ્બર મુહમ્મદ સ.અ.વ.એ … “દરેક દીનનો એક સહજ ગુણ હોય છે અને ઇસ્લામનો ગુણ હયા છે.” આવું કહીને હયાને ઇસ્લામનાં હોલમાર્ક હોવાની મહોર લગાવી દીધી છે.
છેલ્લે, અહીં એ ઉલ્લેખ કરવો નોંધપાત્ર રહેશે કે હયા એ અલ્લાહ પાકનું એક સહજ લક્ષણ છે. અલ્લાહના નામો પૈકી એક નામ છે. અલ-હયા અર્થાત્ હયાથી ભરપૂર એટલે કે તે હયા અલ્લાહની સદાકાળની વિશેષતા છે અને આ જ વિશેતતાને પોતાનાં સર્જનમાં પ્રતિબિંબિત થતી જોવા માંગે છે.