- ડો. અહમદ ઉરુજ મુદસ્સર
માનવીય જીવન માત્ર શારીરિક અસ્તિત્વનું નામ નથી પરંતુ આ એક બહુઆયામી મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક તંત્ર છે. આધુનિક યુગનો મનુષ્ય દેખીતી રીતે સુવિધાઓ અને પ્રગતિની વચ્ચે શ્વાસ લઈ રહ્યો છે, પરંતુ તેનું અંતરમન અસ્વસ્થતા, દિશાહીનતા, માનસિક અરાજકતા અને ભાવનાત્મક થાકથી બોજલ થતું જાય છે. માહિતીનો અતિરેક, સતત સ્ક્રીન, ભૌતિક દોડ અને સંબંધોની જટિલતાએ માનવીય મનને એવા સ્થાને લાવીને ઊભું કરી દીધું છે જ્યાં તેને વારંવાર પોતાની આંતરિક વ્યવસ્થાને નવેસરથી ગોઠવવાની જરૂર ઊભી થાય છે. ઇસ્લામે આ માનવીય જરૂરિયાતને માત્ર સ્વીકારી જ નથી પરંતુ રમઝાનુલ મુબારકના રૂપમાં એક એવી ઇશ્વરીય, કુદરતી અને સંતુલિત વ્યવસ્થા અર્પણ કરી છે જે ઊંડાણમાં જઈને મનુષ્યના મનોવિજ્ઞાનિક રિસેટ- પુનઃપ્રારંભ કરવામાં મદદરૂપ થાય છે.
રમઝાન માત્ર ભૂખ અને તરસનું નામ નથી પરંતુ આ ચેતના (શઉર), સંકલ્પ (ઇરાદો), લાગણીઓ (જઝબાત) અને વર્તણૂકની નવેસરથી રચનાનો મહિનો છે. કુર્આને મજીદ આ હકીકતને અત્યંત સ્પષ્ટ અંદાજમાં વર્ણવે છે:
“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો! તમારા માટે રોઝા ફરજિયાત કરી દેવામાં આવ્યા, જેવી રીતે તમારા પહેલાં પયગંબરોના અનુયાયીઓ માટે ફરજિયાત કરી દેવામાં આવ્યા હતા. તેનાથી આશા છે કે તમારામાં તકવા (સંયમ અને ઈશભય)નો ગુણ પેદા થશે.” (સૂરહ અલ-બકરહ: ૧૮૩)
તકવા માત્ર એક આધ્યાત્મિક સ્થિતિ નથી પરંતુ આ મનોવૈજ્ઞાનિક જાગૃતિ, સ્વ-નિરીક્ષણ (Self-monitoring) અને સભાન આત્મ-સંયમ (Self-control) નું ઉચ્ચતમ સ્વરૂપ છે. આધુનિક મનોવિજ્ઞાન જેને ‘સેલ્ફ રેગ્યુલેશન’ (Self-Regulation) અને ‘સેલ્ફ કંટ્રોલ’ (Self-Control) કહે છે, કુર્આન તેને એક વ્યાપક નૈતિક અને મનોવૈજ્ઞાનિક તંત્રમાં સમાવી લે છે. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે સેલ્ફ રેગ્યુલેશન અને સેલ્ફ કંટ્રોલ માત્ર બાહ્ય જીવનની જરૂરિયાત નથી, બલકે આ જીવન પછીના જીવનને સફળ બનાવવા માટે જરૂરી છે. અને આ મોટા ઉદ્દેશ્ય માટે આ જીવનને સંગઠિત અને નિયમિત રાખવું એ જ તકવા છે.
રમઝાનની સૌથી પહેલી મનોવૈજ્ઞાનિક અસર એ છે કે મનુષ્ય પોતાની રોજિંદી આદતોની કેદમાંથી બહાર નીકળી આવે છે. મનોવિજ્ઞાન મુજબ મનુષ્યનું જીવન મોટાભાગે આદતોના ચક્ર (Habit Loops) હેઠળ ચાલે છે, એટલે કે ચોક્કસ ઉત્તેજના, ચોક્કસ પ્રતિક્રિયા અને ચોક્કસ સંતોષ. રમઝાન આ સ્વચાલિત સાંકળને તોડી નાખે છે. ખાવાના સમય બદલાઈ જાય છે, ઊંઘની વ્યવસ્થા બદલાઈ જાય છે, વાતચીત મર્યાદિત થઈ જાય છે અને પ્રાથમિકતાઓનો દ્રષ્ટિકોણ બદલાવા લાગે છે. દિનચર્યાનો આ જ વિરામ (Routine Break) માનવીય મન માટે એક શક્તિશાળી મનોવૈજ્ઞાનિક પુનઃપ્રારંભ (Psychological Reset) સાબિત થાય છે, કેમ કે જ્યારે મન સ્વચાલિત પદ્ધતિમાંથી નીકળે છે ત્યારે ચેતના જાગૃત થાય છે.
ભૂખ અને તરસનો અનુભવ માત્ર શારીરિક કસોટી નથી પરંતુ ઊંડી મનોવૈજ્ઞાનિક તાલીમ છે. આધુનિક મનોવિજ્ઞાનમાં વિલંબિત સંતોષ (Delayed Gratification) ને મજબૂત વ્યક્તિત્વનો પાયો માનવામાં આવે છે. રોઝો મનુષ્યને શીખવે છે કે તે તાત્કાલિક સંતોષના બદલે સભાન નિર્ણયો લે. નબી કરીમ ﷺ એ આ જ હકીકતને અત્યંત વ્યાપક અંદાજમાં વર્ણવી: “અસ્સિયામુ જુન્નતુન”: “રોઝો ઢાલ છે.” (સહીહ બુખારી, કિતાબુસ સોમ). આ ઢાલ મનુષ્યને માત્ર પાપોથી જ નહીં પરંતુ મનોવૈજ્ઞાનિક નબળાઈઓ, ઈચ્છાઓની ગુલામી અને ભાવનાત્મક અસંતુલનથી પણ સુરક્ષિત રાખે છે. આ જ એ સ્થિતિ છે જેને ઈચ્છાશક્તિની પુનઃપ્રાપ્તિ (Willpower Restoration) પણ કહેવામાં આવે છે.
રમઝાનમાં ભાવનાત્મક શિસ્ત (Emotional Regulation) ની વિશેષ તાલીમ આપવામાં આવે છે. ગુસ્સો, ચીડિયાપણું અને અસંતુલિત પ્રતિક્રિયા માનવીય માનસિક સ્વાસ્થ્યને ખરાબ રીતે અસર કરે છે. રોઝાની હાલતમાં નબી કરીમ ﷺ એ સ્પષ્ટ માર્ગદર્શન આપ્યું: “જ્યારે તમારામાંથી કોઈનો રોઝો હોય તો તે ન અશ્લીલ વાત કરે અને ન શોર-બકોર કે ઝઘડો, અને જો કોઈ તેને ગાળ આપે અથવા લડે તો તે કહી દે: હું રોઝાથી છું.” (સહીહ બુખારી, કિતાબુસ સોમ)
આ માત્ર રોઝાના શિષ્ટાચારનું વર્ણન નથી પરંતુ ભાવનાત્મક નિયંત્રણ (Emotional Regulation) ની વ્યાવહારિક તાલીમ છે. રોઝો મનુષ્યને પોતાની લાગણીઓને ઓળખવા અને તેના પર કાબૂ મેળવતા શીખવે છે, જે મનોવૈજ્ઞાનિક પુનઃરચનાનો પાયાનો સ્તંભ છે.
અલ્લામા મુહમ્મદ ગઝાલી (રહ.) લખે છે કે “ફરજોની અદાયગીમાં સુસ્તી અને નફલ ઇબાદતોની અદાયગીમાં ચુસ્તી એ મનગમતી ઈચ્છાઓના અનુસરણની નિશાની છે.” રમઝાનમાં ઇબાદતોનું પુણ્ય એટલું વધી જાય છે કે ફરજોમાં એક ક્ષણ માટે પણ સુસ્તીનો વિચાર આવતો નથી અને નફલ ઇબાદતોમાં સંતુલન સાથે અદાયગી થાય છે. આ જ કારણ છે કે ઇબાદતોની અધિકતા માનસિક દબાણને ઓછું કરે છે. આધુનિક સંશોધન મુજબ જાગૃત મન (Mindfulness) અને અર્થપૂર્ણ દિનચર્યા (Meaningful Rituals) મગજમાં શાંતિ પેદા કરનારા તંત્રને સંતુલિત કરે છે. આમ પણ ફરજ, નફલ, સ્મરણ (ઝિક્ર) અને રાત્રિની બંદગીથી આંતરિક સંતોષ, હૂંફ અને જીવનમાં તાજગી પેદા થાય છે. કુર્આને પોતે જ તેને ખૂબ સુંદર રીતે વર્ણવ્યું છે: “અલા બિ-ઝિક્રિલ્લાહિ તત્મઈન્નુલ કુલૂબ”. “સાંભળી લો! અલ્લાહના સ્મરણથી જ હૃદયોને શાંતિ પ્રાપ્ત થાય છે.” (સૂરહ અર-રાદ: ૨૮)
આ શાંતિ માત્ર આધ્યાત્મિક નથી પરંતુ ઊંડો મનોવૈજ્ઞાનિક સંતોષ પણ છે, જે બેચેની અને માનસિક વ્યાકુળતાને ઓછી કરે છે.
નબી કરીમ ﷺ રમઝાનમાં જીવનની દિનચર્યાને જે રીતે ગોઠવતા હતા, તે આ મનોવૈજ્ઞાનિક પુનઃપ્રારંભની સમજ માટે ‘ઉસવએ હસના’ (ઉત્તમ આદર્શ) છે. હઝરત આયશા (રદિ.) ફરમાવે છે કે રમઝાનના છેલ્લા દસ દિવસમાં આપ ﷺ ઇબાદત માટે કમર કસી લેતા, રાત્રિએ જાગરણ કરીને બંદગી કરતા અને પોતાના પરિવારજનોને પણ જગાડતા. (સહીહ બુખારી, કિતાબ ફઝલ લૈલતુલ કદ્ર)
એતેકાફ વાસ્તવમાં એક સંપૂર્ણ ‘મનોવૈજ્ઞાનિક દિનચર્યા-ત્યાગ’ (Psychological Withdrawal) છે, જેમાં મનુષ્ય દુનિયાના કોલાહલમાંથી નીકળીને પોતાના અંતર સાથે ફરીથી જોડાય છે. આમાં તે સ્થિતિ પણ પ્રાપ્ત થાય છે જેને આધુનિક મનોવિજ્ઞાન ‘ઊંડું ચિંતન’ (Deep Reflection) કહે છે. એતેકાફ એકાગ્રતાની સાથે ચિંતન-મનન, પઠન, સ્મરણ, ઇબાદત, આત્મ-નિરીક્ષણ, અભ્યાસ, એકાંત, વ્યર્થ વાતોથી પરહેઝ અને આંતરિક શુદ્ધિનું મહત્વનું સાધન છે.
સહાબાએ કિરામ (રદિ.) રમઝાનમાં પોતાના મનનો સખત હિસાબ લેતા હતા. હઝરત ઉમર (રદિ.) નું આ કથન કે “પોતાનો હિસાબ પોતે લઈ લો એ પહેલાં કે તમારો હિસાબ લેવામાં આવે”, સ્વ-નિરીક્ષણ (Self-Monitoring) અને આત્મ-જવાબદારી (Self-Accountability) નું વર્ણન છે. આ બંને વસ્તુઓ વ્યક્તિત્વના સુધારામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. રમઝાનુલ મુબારકમાં કૃતજ્ઞતા, સહાનુભૂતિ અને પ્રેમ તથા ભાઈચારાની લાગણી ચરમસીમાએ હોય છે. આ જ સ્થિતિઓ ઇબાદતોમાં સુંદરતા પેદા કરે છે.
અહીં આ વાત અત્યંત મહત્વની બની જાય છે કે રમઝાનની આ આધ્યાત્મિક અને નૈતિક અસરો મનુષ્યના મનોવિજ્ઞાનના તે પાયાના સિદ્ધાંતો સાથે સુસંગત છે જેને આજનું આધુનિક મનોવિજ્ઞાન અલગ-અલગ પરિભાષાઓમાં વર્ણવી રહ્યું છે. વર્તમાન સમયનો મનુષ્ય માહિતીના અતિરેક (Information Overload), નિર્ણય લેવાની ક્ષમતામાં ઘટાડો (Decision Fatigue), ભાવનાત્મક થાક (Emotional Burnout) અને અસ્તિત્વની બેચેની (Existential Anxiety) જેવી સમસ્યાઓનો શિકાર છે. રમઝાન આ જ સમસ્યાઓનો કુદરતી ઉપચાર રજૂ કરે છે.
આધુનિક મનોવિજ્ઞાનમાં મનોવૈજ્ઞાનિક પુનઃસ્થાપન (Psychological Reset) નો અર્થ માનસિક ઢાંચાઓ, ભાવનાત્મક પ્રતિક્રિયા અને જીવનશૈલીને કામચલાઉ રીતે રોકીને નવા સંતુલન સાથે ફરીથી ગોઠવવું છે. રમઝાનમાં રોઝો મગજના ‘પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ’ (Prefrontal Cortex) ને મજબૂત કરે છે, જે નિર્ણયો, આત્મ-સંયમ અને નૈતિક ચેતનાનું કેન્દ્ર છે. આ સ્થિતિ તકવામાં શામેલ છે.
વર્તમાન સમયની એક મોટી મનોવૈજ્ઞાનિક સમસ્યા ‘ડિજિટલ લત’ (Digital Addiction) છે. આ એક ગંભીર સમસ્યા છે. યુવા પેઢી ડિજિટલ નશામાં એવી રીતે જકડાયેલી છે કે જીવન બરબાદ થઈ રહ્યું છે. સતત સ્ક્રીન અને સોશિયલ મીડિયાનો ઘોંઘાટ મગજને થકવી દે છે. રમઝાનમાં કુદરતી રીતે વાતચીત ઓછી થઈ જાય છે, થવું તો એ જોઈતું હતું કે સ્ક્રીન ટાઈમ પણ ઘટત, પરંતુ કમનસીબે સ્ક્રીન ટાઈમ વધી જાય છે. આ સમસ્યા પર ગંભીરતાથી કાબૂ મેળવવાની જરૂર છે. રમઝાનની મુબારક ક્ષણોમાં અલ્લાહનું સ્મરણ, કુર્આનનું પઠન અને વધુમાં વધુ ઇબાદતોનું આયોજન થવું જોઈએ. આ અત્યંત કિંમતી ક્ષણો સ્ક્રીન પર ગુમાવી દેવી એ બહુ મોટી નાદાની છે. કેટલાક લોકો તો પોતાનો એતેકાફ પણ સ્ક્રીનને અર્પણ કરી દે છે. યાદ રાખો ‘ડિજિટલ ડિટોક્સ’ (Digital Detox) માનસિક સફાઈ અને એકાગ્રતાની પુનઃપ્રાપ્તિનું સાધન બને છે. આ સંદર્ભમાં મજબૂત નિર્ણય લેવા માટે રમઝાન એક નિર્ણાયક તક હોઈ શકે છે.
આદતોના પરિવર્તન સંદર્ભે આધુનિક મનોવિજ્ઞાન જણાવે છે કે કાયમી પરિવર્તન માટે ઓછામાં ઓછા ત્રીસ દિવસ જરૂરી હોય છે. રમઝાનનો આખો મહિનો મનુષ્યને આદતોના પુનઃગઠન (Habit Reconditioning) ની તક પૂરી પાડે છે. નબી કરીમ ﷺ એ સ્પષ્ટ ફરમાવ્યું: “જે વ્યક્તિ જૂઠું બોલવું અને તેના પર અમલ કરવો ન છોડે, અલ્લાહને તેના ભૂખ્યા-તરસ્યા રહેવાની કોઈ જરૂર નથી.” (સહીહ બુખારી)
રમઝાન મનુષ્યને જીવનના ઉદ્દેશ્ય પર ફરીથી વિચાર કરવાની તક આપે છે. આધુનિક અસ્તિત્વલક્ષી મનોવિજ્ઞાન (Existential Psychology) મુજબ અર્થ (Meaning) અને ઉદ્દેશ્ય (Purpose) માનવીય માનસિક સ્વાસ્થ્યની પાયાની જરૂરિયાત છે. રોઝો મનુષ્યને યાદ અપાવે છે કે તે માત્ર એક ‘ગ્રાહક’ (Consumer) નથી પરંતુ એક જવાબદાર સર્જન છે.
આમ રમઝાન એક એવી ઇશ્વરીય વ્યવસ્થા છે જે મનુષ્યને પોતાના વિચારો, લાગણીઓ, આદતો અને પ્રાથમિકતાઓ નવેસરથી ગોઠવવાની તક આપે છે. જો મનુષ્ય આ મહિનાને સભાનપણે વિતાવે તો રમઝાન તેના વ્યક્તિત્વને સંતુલિત, પ્રતિષ્ઠિત અને શાંત બનાવી દે છે અને આ જ આ મહિનાનો વાસ્તવિક ઉદ્દેશ્ય છે.
મનોવૈજ્ઞાનિક પુનઃપ્રારંભમાં મદદરૂપ એવાં કેટલાંક પસંદગીનાં પુસ્તકોને રમઝાનના આયોજનમાં શામેલ કરવાં જોઈએ જેથી મનોવૈજ્ઞાનિક પુનઃસ્થાપન- સાયકોલોજીકલ રિસેટ નિશ્ચિત થઈ શકે. જઝબાત કી તરબિયત (અલ્લામા મોહમ્મદ ગઝાલી રહ.), કુર્આની બયાનિયા (એસ. અમીનુલ હસન), રૂહાનિયત (મોહિયુદ્દીન ગાઝી), ઇલ્મ, અમલ, જિંદગી (ડૉ. હસન સોહૈબ મુરાદ), નફસિયાતી સેહત: જદીદ નુક્તાએ-નઝર ઔર ઇસ્લામી રહનુમાઈ (એસ. અમીનુલ હસન), હુઝૂર ﷺ દુનિયા કે સબસે બડે માહિરે નફસિયાત (મોહમ્મદ અનવર બિન અખ્તર), જેવાં કેટલાંક પુસ્તકો ઉપયોગી સાબિત થશે.
