Friday, March 6, 2026

પૈગંબર મુહમ્મદ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) સૌના માટે

(પુસ્તક ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો)
Homeપયગામરમઝાન: માનવીય વ્યક્તિત્વમાં સહાનુભૂતિ અને ભાવનાત્મક આંકનું મહત્વ

રમઝાન: માનવીય વ્યક્તિત્વમાં સહાનુભૂતિ અને ભાવનાત્મક આંકનું મહત્વ

માનવીના વ્યક્તિત્વ નિર્માણમાં ભાવનાત્મક આંક (Emotional Quotient) નો રોલ ખૂબ જ મહત્વનો છે. ભાવનાત્મક આંકને ભાવનાત્મક બુદ્ધિ (Emotional Intelligence) પણ કહેવામાં આવે છે. આ ક્ષમતા પોતાની લાગણીઓને સમજવા, તેનું સંચાલન કરવા, બીજાની લાગણીઓને ઓળખવા અને તેમની સાથે સ્વસ્થ સંબંધો બાંધવા સાથે સંબંધિત છે. આ કલ્પનાને મનોવૈજ્ઞાનિક ડેનિયલ ગોલમેને લોકપ્રિય બનાવી હતી. તેમના મોડેલના પાંચ મહત્વના ઘટકો છે, જેમાં હમદર્દી એટલે કે સામાજિક જાગૃતિ (Empathy) પણ એક છે. માત્ર કોઈની મદદ કરી દેવી એનું નામ હમદર્દી નથી, પરંતુ તેનો અર્થ બીજાના દર્દને અનુભવવું છે.પરિસ્થિતિને તેમના દ્રષ્ટિકોણથી જોવી અને સાવચેતી તથા સંવેદનશીલતા સાથે વાત કરવી કે જવાબ આપવો તે છે. જે માણસમાં ભાવનાત્મક આંક ઊંચો હોય છે તે બીજાની લાગણીઓને સમજે છે અને તેમને તકલીફ આપવાથી દૂર રહે છે. તેનાથી સંબંધોમાં મજબૂતી, મિત્રતામાં પરિપક્વતા અને નેતૃત્વની ક્ષમતાઓ પેદા થાય છે. એટલા માટે આ વાત કહી શકાય કે જો ભાવનાત્મક બુદ્ધિ અધૂરી રહી જાય તો વ્યક્તિના વ્યક્તિત્વમાં ખામી રહી જાય છે, અને આ બુદ્ધિના ઘડતરમાં હમદર્દીનો રોલ ઘણો મહત્વનો છે.

જો સમાજમાં આ મૂલ્યનો અભાવ હોય તો સમાજ વિખરાયેલો, સ્વાર્થી અને વ્યક્તિવાદનો શિકાર બની જાય છે. આ તરફ ઈશારો કરતા કોઈએ કહ્યું હતું કે:

મંઝિલ, દર્દ કે બે-દર્દ હો જાએં તો ક્યા હોગા
હમદર્દી કે જઝબે સર્દ હો જાએં તો ક્યા હોગા

ઇસ્લામ મોમિનની સર્વાંગી તાલીમ પર ધ્યાન આપે છે, તેથી તેણે માત્ર ભૂખ્યાને ખવડાવવા, જરૂરિયાતમંદોની મદદ કરવા, બીમારોની સારવાર કરવા અને પરેશાન લોકોની પરેશાની દૂર કરવાની જ શિક્ષા નથી આપી, પરંતુ કોઈપણ પ્રકારની મુસીબતમાં ફસાયેલા ઇન્સાનનું દર્દ અનુભવતા પણ શીખવ્યું છે. આ અહેસાસ જ માણસને બીજા માટે ચિંતિત અને બેચેન રાખે છે. હમદર્દી રાખનારો માણસ માત્ર કેટલીક બાહ્ય લોકસેવાના કામો કરીને સંતોષ માની લેતો નથી, પરંતુ તેમની મુશ્કેલીઓના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. આ મૂલ્ય સમાજને સ્થિર અને મજબૂત બનાવે છે. એક સામાન્ય માણસના દિલમાં આ અહેસાસ જેટલો વધારે હશે તેટલું જ તેના વ્યક્તિત્વમાં આકર્ષણ પેદા થશે અને તે દુનિયામાં લોકોનો પ્રિય બનશે. અલ્લાહ અને આખેરત પર ઈમાન રાખનારાઓમાં આ ગુણ સર્વોચ્ચ સ્તરે હોવો જોઈએ, બલ્કે એમ કહેવું પણ ખોટું નથી કે તે ઈમાનની અનિવાર્ય માંગ છે. સૂરહ માઊનમાં આખેરતનો ઇનકાર કરનારની બે નકારાત્મક આદતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં એક યતીમ (અનાથ) ને ધક્કા મારવા અને બીજી મિસ્કીન (ગરીબ) ને ખાવાનું આપવા માટે બીજાને પ્રોત્સાહિત ન કરવા સામેલ છે. આનો અર્થ એ છે કે આખેરત પર ઈમાન રાખનાર માણસ બીજાનું દર્દ અનુભવે છે અને તેમની તકલીફ દૂર કરવા તેમજ તેમના હક માટે અવાજ ઉઠાવવા અને તેમની મદદ કરવા માટે ઊભો થઈ જાય છે.

ખુદ નૈતિકતાના નમૂના અને માનવતાના શિરોમણી હઝરત મુહમ્મદ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નું જીવન આપણી સામે છે. દાખલા તરીકે, એક અદ્ભુત કિસ્સો કાઝી અબુલ હસન અલ-માવર્દીએ પોતાની કિતાબ ‘એલામુન નબુવ્વહ’ માં લખ્યો છે કે અબુ જહલ એક યતીમ બાળકનો વાલી હતો. તે બાળક એક દિવસ એવી હાલતમાં તેની પાસે આવ્યું કે તેના શરીર પર કપડાં સુદ્ધાં નહોતા અને તેણે વિનંતી કરી કે તેના બાપની મિલકતમાંથી તેને કંઈક આપવામાં આવે. પણ તે જાલિમે તેની તરફ ધ્યાન સુદ્ધાં ન આપ્યું અને બાળક નિરાશ થઈને પાછો ફર્યો. કુરેશના સરદારોએ મજાકમાં તેને કહ્યું કે મુહમ્મદ (ﷺ) પાસે જઈને ફરિયાદ કર, તે તને તારો માલ અપાવશે. બાળક અજાણ હતું કે અબુ જહલનો પયગંબર સાહેબ સાથે કેવો સંબંધ છે, તે સીધો આપની પાસે પહોંચ્યો અને પોતાની હાલત જણાવી. આપ ﷺ તે જ સમયે ઊભા થયા અને તેને સાથે લઈ પોતાના કટ્ટર દુશ્મન અબુ જહલના ઘરે ગયા. આપને જોઈને તેણે સ્વાગત કર્યું અને જ્યારે આપે તે બાળકનો હક આપી દેવા કહ્યું, તો તેણે તરત જ માની લીધું અને તેનો માલ લાવીને આપી દીધો. એક વખત અબુ શુએબે પોતાના ગુલામને કહ્યું કે પાંચ માણસોનું ખાવાનું તૈયાર કરો, હું પયગંબર ﷺ અને ચાર સાથીઓની દાવત કરવા માંગુ છું, કારણ કે મને આપના ચહેરા પર ભૂખની અસર દેખાઈ રહી છે. વાક્ય-એ-ઇફ્ક ઇસ્લામી ઇતિહાસની મોટી પીડાદાયક ઘટના હતી, હઝરત આયશા જે માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા તે અકલ્પનીય હતી. આ પ્રસંગે એક અંસારી સ્ત્રી તેમની પાસે આવી પણ કંઈ બોલી ન શકી, બસ રડતી રહી. હઝરત આયશાએ કહ્યું, “હું તેની આ અદા ક્યારેય ભૂલી શકતી નથી.” હમદર્દી અને ગમખ્વારીના આવા સેંકડો કિસ્સાઓ સીરતના પુસ્તકોમાં મોજૂદ છે. આ અહેસાસ જ ઇન્સાનમાં ત્યાગ અને કુરબાનીની ભાવના પેદા કરે છે.

રમઝાન જે મોમિનના ચરિત્ર ઘડતર અને તાલીમનો સોનેરી મહિનો છે, તેના વિશે આપ ﷺ એ ફરમાવ્યું કે આ ‘મૌસાત’ (હમદર્દી અને ગમખ્વારી) નો મહિનો છે. તમે જરા ઊંડાણપૂર્વક વિચારશો તો ખુદ અનુભવશો કે અલ્લાહ તઆલાએ મૌસાત એટલે કે સહાનુભૂતિ અને હમદર્દીના મૂલ્યને વિકસાવવા માટે કેટલું વ્યવહારુ અને શ્રેષ્ઠ આયોજન કર્યું છે. લોકોનું પેટ ભરેલું હોય ત્યારે તેઓ ભૂખ્યાની તડપ સમજવા અસમર્થ હોય છે. મોસમ પ્રમાણે પણ ભૂખ-તરસની તીવ્રતા બદલાતી રહે છે. તેથી રમઝાનની ગતિશીલતા અને રોઝાની હાલતમાં ખાવા-પીવાથી રોકાઈ જવાથી આ અહેસાસ જીવંત થાય છે. આ ભૂખની તીવ્રતા જ છે જે ઇન્સાનને ખોટા રસ્તા પર ધકેલી શકે છે, જેવું કે પયગંબર સાહેબના એક ફરમાનનો મફહૂમ છે કે ગરીબી અને લાચારી ઇન્સાનને કુફ્ર (અશ્રદ્ધા) સુધી લઈ જાય છે. જરા વિચારો, તે માસૂમ યુવાનના દર્દને મહેસૂસ કરો જે વિના ગુનાએ સજા ભોગવી રહ્યો છે અને વર્ષોથી જેલના સળિયા પાછળ તેની જિંદગીના સપનાઓ ચકનાચૂર થઈ રહ્યા છે. તે પત્નીના દર્દને સમજવાની જરૂર છે જે પોતાના પતિની ઓછી આવકને કારણે પોતાની વાજબી જરૂરિયાતો પણ કુરબાન કરે છે. તે માની હાલત સમજો જેનો એકનો એક દીકરો લિન્ચિંગમાં માર્યો ગયો અને તે નિરાધાર બની ગઈ. તે બાપની માનસિક સ્થિતિ અનુભવો જે ગરીબીને કારણે પોતાના હોનહાર બાળકોને ઉચ્ચ શિક્ષણ નથી આપી શકતો. તે પરિવારની તકલીફ સમજો જેનો દાયકાઓ જૂનું આશિયાનું વહીવટીતંત્રે તોડી નાખ્યું હોય. પાયાની જરૂરિયાતોથી વંચિત તે બાળકોની હાલત સમજો જે પોતાના મિત્રોને સુખ-સુવિધાઓ સાથે જોતા હોય. ફલસ્તીનના માસૂમોનો વિચાર કરો અને જાલિમ શાસકોનો નિશાન બનતા તે ઇસ્લામપ્રેમીઓનો ખ્યાલ કરો જેમની પાસે બે વખતનું ખાવાનું નથી, રહેવા ઘર નથી, રોજગાર નથી અને જેમનો હક કોઈ જાલિમે દબાવી રાખ્યો છે. આવા લોકોની તકલીફ અનુભવવી અને તેને દૂર કરવાની કોશિશ કરવી એ જ હમદર્દીની સાચી માંગ છે. ટૂંકમાં, સહકાર, સમર્થન, કોઈની વકીલાત અને જાગૃતિની ઉમદા ભાવના હમદર્દીના મૂલ્યમાંથી જ જન્મે છે. જો આ રમઝાનમાં આપણે આ ગુણને આપણામાં પેદા કરવામાં સફળ થઈ જઈએ તો સમજો કે રોઝાનો અસલ હેતુ પ્રાપ્ત થઈ ગયો.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments