નવી દિલ્હી: ગુજરાત વિધાનસભા દ્વારા ૨૫ માર્ચ, ૨૦૨૬ના રોજ પસાર કરવામાં આવેલ કહેવાતી ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) ને “બંધારણીય રીતે ખામીયુક્ત, કાનૂની રીતે અસમર્થ અને ધાર્મિક સ્વતંત્રતા તથા નાગરિક સ્વાતંત્ર્યનું મૂળભૂત ઉલ્લંઘન” ગણાવીને, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ તેને હાઈકોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે.
જુમ્આના રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત UCCનો હેતુ તમામ ધાર્મિક સમુદાયોમાં લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને લિવ-ઈન રિલેશનશિપ માટે એક સમાન કાયદાકીય માળખું સ્થાપિત કરવાનો છે. ઉત્તરાખંડ બાદ આવો કાયદો પસાર કરનાર ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે. મુસ્લિમ વિદ્વાનોની દલીલ છે કે લગ્ન, છૂટાછેડા અને વારસા સંબંધિત ઇસ્લામી કાયદાઓ પવિત્ર કુરાન પર આધારિત હોવાથી, UCCનું વર્તમાન સ્વરૂપ મુસ્લિમોની સ્થાપિત ધાર્મિક પ્રથાઓમાં સીધી દખલગીરી સમાન છે.
બોર્ડના વરિષ્ઠ પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગુજરાત UCC બિલ, જે હાલમાં રાજ્યપાલની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે, તેણે દેશભરમાં ગંભીર બંધારણીય અને લોકશાહી ચિંતાઓ જન્માવી છે. બોર્ડના મતે આ કાયદો બંધારણના ભાગ-III હેઠળ આપવામાં આવેલા મૂળભૂત અધિકારો, જેવા કે ધાર્મિક સ્વતંત્રતા, સમાનતા અને વ્યક્તિગત સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન કરે છે.
બોર્ડે સ્પષ્ટતા કરી હતી કે બંધારણની કલમ 44 હેઠળ UCCનો ઉલ્લેખ ‘રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત’ તરીકે કરવામાં આવ્યો છે, જેને મૂળભૂત અધિકારોની જેમ ફરજિયાતપણે લાગુ કરી શકાય નહીં. વધુમાં, કોઈપણ સંહિતા જો ‘સમાન’ હોય, તો તે દેશના તમામ નાગરિકોને એકસરખી રીતે લાગુ પડવી જોઈએ. જોકે, ગુજરાતના આ કાયદામાં અનુસૂચિત જનજાતિ અને અન્ય સંરક્ષિત સમુદાયોને મુક્તિ આપવામાં આવી હોવાથી, બોર્ડે તેને “ભ્રામક અને પાયાવિહોણું નામકરણ” ગણાવ્યું છે.
ડો. બી. આર. આંબેડકરના વિધાનોને ટાંકીને બોર્ડે યાદ અપાવ્યું હતું કે આવો કોઈ કાયદો જનતાની સંમતિ વિના લાદી શકાય નહીં. 21મા અને 22મા લો કમિશને પણ અગાઉ નોંધ્યું હતું કે પ્રવર્તમાન સંજોગોમાં UCC ન તો જરૂરી છે, ન તો ઈચ્છનીય.
બોર્ડે ગુજરાત સરકારની પરામર્શ પ્રક્રિયાની પારદર્શકતા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. બોર્ડ મુજબ, જાહેર પ્રતિસાદ મેળવવા માટે રચાયેલી સમિતિનો રિપોર્ટ હજુ સુધી સાર્વજનિક કરવામાં આવ્યો નથી. નિવેદનમાં જણાવાયું હતું કે, “આ પ્રક્રિયા માત્ર એક ઔપચારિકતા હતી, કોઈ વાસ્તવિક લોકશાહી પરામર્શ નહીં.”
બોર્ડની દલીલ છે કે આ કાયદો લઘુમતીઓ પર બહુમતી સમુદાયના સામાજિક અને સાંસ્કૃતિક ધોરણો લાદવાનો પ્રયાસ છે. ઇસ્લામિક ન્યાયશાસ્ત્રના અભિન્ન અંગ સમાન જોગવાઈઓને આ સંહિતા હેઠળ કાં તો ગુનાહિત જાહેર કરવામાં આવી છે અથવા ગેરકાયદે ઠેરવવામાં આવી છે.
કાયદાના સમય (Timing) અંગે આશંકા વ્યક્ત કરતા બોર્ડે જણાવ્યું કે, આગામી વિવિધ રાજ્યોની અને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને જોતા આ પગલું રાજકીય રીતે પ્રેરિત જણાય છે.
AIMPLB એ ઉત્તરાખંડ અને ગુજરાતમાં UCCના અમલીકરણ પર તાત્કાલિક રોક લગાવવાની માગ કરી છે. બોર્ડે અપીલ કરી છે કે કૌટુંબિક કાયદાઓમાં કોઈપણ ફેરફાર તમામ હિતધારકો સાથે વ્યાપક અને પારદર્શક ચર્ચા કર્યા બાદ જ થવો જોઈએ.
આ પત્રકાર પરિષદમાં મૌલાના મુહમ્મદ અલી મોહસિન તકી, મૌલાના અસગર અલી ઈમામ મહેંદી સલાફી, મલિક મોતાસિમ ખાન, એડવોકેટ તાહિર એમ. હકીમ અને ડૉ. એસ. ક્યુ. આર. ઇલ્યાસ જેવા અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
