- મુહમ્મદ સ્વાલેહ અન્સારી ✍️
24 એપ્રિલ 2026ના રોજ આમ આદમી પાર્ટી (AAP)ના એક અગ્રણી યુવા ચહેરા સહિત રાજ્યસભાના અનેક સાંસદોનું ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાવું, એ વાત ન તો આશ્ચર્યજનક છે કે ન તો અભૂતપૂર્વ. રાજકીય પક્ષપલટો લાંબા સમયથી ભારતીય લોકશાહીના રંગમંચનો એક ભાગ રહ્યો છે. તેમ છતાં, આ ક્ષણ જે કારણે નોંધપાત્ર છે તે માત્ર પક્ષપલટો નથી, પરંતુ આ ઘટના આજના સમયમાં ભારતના વિપક્ષી રાજકારણની ગહન સ્થિતિ વિશે જે ખુલાસો કરે છે તે છે.
સમય જતાં, ભાજપ તેના ટીકાકારોની નજરમાં એક એવા રાજકીય “વોશિંગ મશીન” તરીકે ઉભરી આવ્યો છે, જે તેના કટ્ટર વિરોધીઓને પણ પક્ષમાં સમાવી લેવાની ક્ષમતા ધરાવે છે. રાઘવ ચઢ્ઢા પોતે, જેઓ તેમના સાથીદારો સાથે ભાજપમાં જોડાયા, તેમણે અગાઉ મીડિયામાં નિવેદન આપ્યું હતું કે, “રાઘવ ચઢ્ઢાને ખરીદી શકે તેવી કોઈ સંપત્તિ દુનિયામાં અસ્તિત્વ ધરાવતી નથી.” અન્ય એક પ્રચલિત ટિપ્પણીમાં તેમણે ભાજપને ‘ગુંડાઓની પાર્ટી’ તરીકે ઓળખાવી હતી. ભૂતકાળના આવા નિવેદનો જ્યારે આજે ફરી સપાટી પર આવે છે, ત્યારે તે વૈચારિક દ્રઢતાની યાદ અપાવવાને બદલે રાજકીય વફાદારી કેટલી ક્ષણજીવી અને પરિવર્તનશીલ બની ગઈ છે તેની સૂચક બની રહે છે.
આમ આદમી પાર્ટી અને તેની આંતરિક કટોકટી
ભારતના લોકશાહી ઇતિહાસમાં રાજકીય પક્ષપલટો કોઈ નવી ઘટના નથી. નેતાઓ અવારનવાર એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતા આવતા રહે છે અને હંમેશા પોતાના નિર્ણયને જનસેવા કે સામૂહિક હિતના ઓઠા હેઠળ યોગ્ય ઠેરવે છે. જોકે, આવા સ્પષ્ટીકરણો ભાગ્યે જ વાસ્તવિકતાને છુપાવી શકે છે: આ સ્થળાંતર પાછળ મોટાભાગે સિદ્ધાંતોને બદલે રાજકીય અસ્તિત્વ, પ્રસ્તુતતા અને વ્યક્તિગત મહત્વાકાંક્ષા જવાબદાર હોય છે. જનતાના નામે લેવાતા આ નિર્ણયોમાં અંતે તો નેતાઓ પોતાના રાજકીય સાતત્ય સિવાય ભાગ્યે જ બીજું કંઈ સાધતા હોય છે.
આ પરિસ્થિતિ એક અસ્વસ્થ કરતો પણ અનિવાર્ય પ્રશ્ન ઊભો કરે છે: જો વૈચારિક પ્રતિબદ્ધતા સાચી હોય, તો તેને આટલી સહજતાથી કેવી રીતે ત્યાગી શકાય? અને જો તેને આટલી સરળતાથી બાજુ પર મૂકી શકાતી હોય, તો શું તે ક્યારેય ખરેખર હૃદયપૂર્વક સ્વીકારવામાં આવી હતી ખરી? આ પ્રશ્નો આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના સંદર્ભમાં અત્યંત પ્રસ્તુત બને છે, કારણ કે આ બંને પક્ષોએ તાજેતરના વર્ષોમાં એકબીજાના કટ્ટર વિરોધી તરીકે રજૂ થઈને પ્રામાણિકતા અને નૈતિકતા પર પોતાના ઈજારાના દાવા કર્યા છે.
છતાં, આમ આદમી પાર્ટીનો ઇતિહાસ તેની પોતાની છબી કરતાં વધુ જટિલ રહ્યો છે. અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી જન્મેલી AAP એક એવી શક્તિ તરીકે જોવામાં આવી હતી જેણે કોંગ્રેસના વર્ચસ્વને, ખાસ કરીને દિલ્હીમાં, પડકાર્યું હતું. પરંતુ એક ગંભીર વિશ્લેષણ એવું પણ સૂચવે છે કે આ પરિવર્તને, કદાચ અજાણતા જ, ભાજપના ઉદય માટે રાજકીય જગ્યા મોકળી કરી આપી હતી. એકવાર 2014માં કેન્દ્રમાં પરિવર્તન આવી ગયું, ત્યારપછી એ પ્રશ્ન સ્વાભાવિક રીતે ઉઠે છે કે: સંઘને હવે આમ આદમી પાર્ટીની જરૂર કેમ હોય?
દિલ્હીમાં છેલ્લા કેટલાક વર્ષોના ઘટનાક્રમે આ અસ્પષ્ટતાને વધુ ઘેરી બનાવી છે. લાંબા સમયથી એવી અટકળો હતી કે ભાજપ પાસે જ્યારે જરૂર પડે ત્યારે અરવિંદ કેજરીવાલને હાંસિયામાં ધકેલી દેવાની સંસ્થાકીય અને રાજકીય ક્ષમતા છે, અને તાજેતરની ઘટનાઓ તે ધારણાને પુષ્ટિ આપે છે. ચૂંટણીકીય પછડાટ અને ‘દારૂ નીતિ’ જેવા કથિત કેસોના વિવાદોએ પક્ષના કદમાં અચાનક ઘટાડો કરવાને બદલે ધીમે-ધીમે તેના પાયા નબળા પાડ્યા છે.
પક્ષની અંદર પણ નેતૃત્વ અને વિશ્વસનીયતાના પ્રશ્નો ઉભા થયા છે. કેટલાક નિરીક્ષકોનું માનવું છે કે સંજય સિંહ જેવા ગણ્યાગાંઠ્યા નેતાઓ સિવાય, AAP પાસે એવું કોઈ સ્થિર નેતૃત્વ નથી જે જનતાનો અતૂટ વિશ્વાસ જાળવી શકે. આ વિશ્લેષણ સાથે કોઈ પૂર્ણપણે સંમત ન પણ હોય, તો પણ તે એક ગહન ચિંતા તરફ ઈશારો કરે છે: પક્ષની રાજકીય સંસ્કૃતિમાં પણ ક્યાંક એ જ વલણો દેખાઈ રહ્યા છે જેનો તેણે વિરોધ કરવાની શરૂઆત કરી હતી — જે આક્રમક ધાર્મિકતા અને નૈતિક શ્રેષ્ઠતાના દાવાઓનું મિશ્રણ છે.
કેજરીવાલ પોતે આ દ્વંદ્વનું પ્રતીક છે. અવિચળ પ્રામાણિકતાની છબી રજૂ કરવાની મથામણમાં તેઓ ઘણીવાર નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત રાજકીય શૈલીનો જ ઉપયોગ કરતા જણાય છે, જેમાં વ્યક્તિગત સંઘર્ષ, જનતા સામે પીડિત તરીકેની છબી અને પ્રભાવશાળી રેટરિક- રટણ પર વિશેષ ભાર હોય છે. જાહેર સભાઓમાં પોતાને મળતી ગાળોનો ઉલ્લેખ કરવો કે તેની ગણતરી રજૂ કરવી, તે દર્શાવે છે કે આ પ્રદર્શનકારી પાસું તેમના રાજકીય વ્યક્તિત્વનું કેન્દ્રબિંદુ બની ગયું છે.
પરિણામે, આ માત્ર કોઈ એક પક્ષના ઉદય કે પતનની ગાથા નથી, પરંતુ વૈચારિક રાજકારણની બરડતાનું પ્રતિબિંબ છે, જ્યાં ભિન્નતાના દાવાઓ અંતે તો સામ્યતાના બીબામાં ઓગળી જાય છે.
પ્રશાંત ભૂષણનું વિધાન અને સંઘની કાર્યસૂચિ
તાજેતરમાં પ્રશાંત ભૂષણના એક નિવેદને 2010ના દાયકાના પ્રારંભમાં ભારતના રાજકીય ઇતિહાસને બદલી નાખનારા ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન તરફ ફરી સૌનું ધ્યાન ખેંચ્યું છે. અત્યંત સ્પષ્ટવક્તા બનીને ભૂષણે અણ્ણા હજારે અને અરવિંદ કેજરીવાલ જેવા નેતાઓ સાથેના પોતાના જોડાણ બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો. તેમનો તર્ક પાયાનો હતો: ભ્રષ્ટાચાર સામે જે નૈતિક બળવો બતાવવામાં આવ્યો હતો, તેણે અંતે તો કોંગ્રેસને સત્તાભ્રષ્ટ કરીને ભાજપના શાસન માટેની ભૂમિકા તૈયાર કરી હતી.
આ મૂલ્યાંકનની સચોટતા પર ચર્ચા થઈ શકે છે, પરંતુ તે અપ્રસ્તુત નથી કારણ કે તે રાજકીય પ્રવાહમાં આવેલા પરિવર્તનને સ્પર્શે છે. લોકપાલની માંગ માટે જે જનશક્તિ ઉમટી હતી, તે ભાજપના સત્તામાં આવતા જ શાંત થઈ ગઈ હોય તેમ લાગ્યું. અણ્ણા હજારે, જે આ આંદોલનનો નૈતિક ચહેરો હતા, તેઓ પણ ધીમે-ધીમે સક્રિય રાજકારણ અને વિરોધ પ્રદર્શનોથી દૂર થઈ ગયા. આ પીછેહઠે આંદોલનના ઉદ્દેશ્યો અને તેના અંતિમ પરિણામો વચ્ચેના સંબંધ વિશે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.
આ દ્રષ્ટિકોણથી જોતા, તે આંદોલન માત્ર નાગરિક જાગૃતિની ક્ષણ નહોતી, પરંતુ સત્તાના સંતુલનને ફેરવી નાખનારું એક મોટું સાધન સાબિત થયું. તેનો વારસો હવે માત્ર વિરોધ પક્ષોના સંદર્ભમાં નહીં, પણ તેણે જે પરિવર્તનોને માર્ગ આપ્યો તેના સંદર્ભમાં પણ તપાસવો જરૂરી છે. ભાજપના નેતાઓ દ્વારા ક્યારેક બંધારણ બદલવાની વાત, તો ક્યારેક સમાન નાગરિક ધારો (UCC) અને લઘુમતી વિરોધી નિવેદનો આ પરિવર્તનની પુષ્ટિ કરે છે.
વધુ ચિંતાજનક બાબત તો એ વાતાવરણ છે જેમાં આ બધું ઘટી રહ્યું છે. જાહેર મંચો પરથી ઉશ્કેરણીજનક નિવેદનો અને સાંસ્કૃતિક સરઘસો દ્વારા ઉભો કરાતો તણાવ, સામાજિક એકતાને નુકસાન પહોંચાડી રહ્યો છે. લઘુમતીઓ પ્રત્યેના નકારાત્મક રેટરિક-રટણ અને ભડકાઉ ભાષણો સામાજિક ખાઈને વધુ ઊંડી બનાવે છે. આ ઘટનાઓ કોઈ છૂટીછવાઈ ઘટના નથી, પરંતુ તે એક વ્યાપક વ્યવસ્થાનો હિસ્સો છે જ્યાં રાજકીય સંદેશ, સાંસ્કૃતિક આક્રમકતા અને સંસ્થાકીય સત્તા એકબીજાના પૂરક બની જાય છે. એવું કહી શકાય કે આ આખી પ્રક્રિયાના મૂળ અણ્ણા આંદોલનમાં હતા, જેણે ભાજપને મજબૂત કરી બંધારણીય સંસ્થાઓ પર પ્રભુત્વ મેળવવાની તક આપી.
સંઘ અને સંસ્થાકીય પ્રભુત્વની વાસ્તવિકતા
વર્ષ 2019ની સામાન્ય ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ રવીશ કુમારને આપેલા એક ઇન્ટરવ્યુની વાત અહીં પ્રસ્તુત છે. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો પણ વાસ્તવિક પરિવર્તન લાવવું મુશ્કેલ હશે, કારણ કે દેશની તમામ મુખ્ય સંસ્થાઓમાં સંઘની વિચારધારા સાથે જોડાયેલા લોકો પહેલેથી જ ગોઠવાઈ ચૂક્યા છે.
તે સમયે આ વાતને રાજકીય રેટરિક-રટણ માનીને અવગણવામાં આવી હતી, પરંતુ આજે તે સંસ્થાઓની સ્વાયત્તતા વિશે ઉઠતી શંકાઓને કારણે સાચી સાબિત થતી જણાય છે. વહીવટી તંત્રથી લઈને શૈક્ષણિક સંસ્થાઓ સુધી સંઘનો પ્રભાવ દેખાઈ રહ્યો છે. ન્યાયતંત્ર જેવી સ્વાયત્ત સંસ્થા વિશે પણ ક્યારેક એવા સવાલો ઉઠે છે કે શું ત્યાં કાયદો અને વિચારધારા વચ્ચેની રેખા ધૂંધળી થઈ રહી છે?
શૈક્ષણિક સંસ્થાઓમાં આ બદલાવ વધુ સ્પષ્ટ છે. વાઈસ-ચાન્સેલરોની નિમણૂકમાં શૈક્ષણિક લાયકાત કરતાં વૈચારિક જોડાણને વધુ પ્રાધાન્ય અપાતું હોવાની ચર્ચાઓએ બૌદ્ધિક જગતમાં ચિંતા જન્માવી છે.
નવી પેઢી, ખાસ કરીને “Gen Z” માટે આ સ્થિતિ ગૂંચવણભરી હોઈ શકે છે. પરંતુ માત્ર ઉત્સાહ કે નિરાશાથી કામ નહીં ચાલે. રાજકીય વ્યવસ્થાઓ ક્યારેય એટલી જડ નથી હોતી જેટલી દેખાય છે. જોકે, નેતાઓનું વારંવાર બદલાતું વલણ એ સાબિત કરે છે કે વૈચારિક પ્રતિબદ્ધતા ઘણીવાર અંગત અનુકૂળતાને આધીન હોય છે.
આ પડકાર માત્ર સંસ્થાકીય નથી, પરંતુ નૈતિક પણ છે. જ્યારે રાજકારણીઓ વિચારધારાને સોદાબાજીનું સાધન બનાવે છે, ત્યારે સંસ્થાઓ પણ તે જ અસ્થિરતાનો ભોગ બને છે. તેનાથી સત્તાનું કેન્દ્રીકરણ તો થાય જ છે, સાથે-સાથે જનતાનો વિશ્વાસ પણ ડગમગી જાય છે.
વિચારધારાનો અસલી સંઘર્ષ ક્યાં છે?
જ્યારે કોઈ નેતાને “વૈચારિક રીતે અપંગ” કહેવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ છે કે તેમની વિચારધારા માત્ર અનુકૂળ સમય પૂરતી મર્યાદિત છે. જ્યારે પડકારો આવે છે, ત્યારે તેઓ સહજતાથી સત્તાના પ્રવાહમાં વહી જાય છે. આવી સ્થિતિમાં તેમની કથિત વિચારધારા એ માન્યતા નથી, પરંતુ માન્યતાના વેશમાં છુપાયેલી સગવડતા છે.
સાચી વિચારધારા પ્રતિકૂળતામાં જ ઓળખાય છે. તે મુશ્કેલ સમયમાં વ્યક્તિને અડગ રાખે છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અનેક એવા ઉદાહરણો છે જ્યાં નેતાઓએ સત્તા સામે ઝૂકવાને બદલે સિદ્ધાંતો માટે બલિદાન આપવાનું પસંદ કર્યું હતું.
સંસ્થાઓ તો માત્ર સાધનો છે, અસલી સમસ્યા વિચારધારાના નબળા પડવામાં છે. જો વિચારધારા મજબૂત હોય તો સંસ્થાઓ પરિવર્તનનું માધ્યમ બની શકે છે, પરંતુ જો તે નબળી હોય તો સંસ્થાઓ માત્ર તકવાદનું કેન્દ્ર બની જાય છે.
આજના સમયમાં વિપક્ષની સ્થિતિ
આજના વિપક્ષને કેટલાક સીધા સવાલો પૂછવાની જરૂર છે: તમારા પક્ષનો વૈચારિક પાયો શું છે? કાર્યકરોમાં એ વિચારધારાને સિંચવા માટે તમે શું પ્રયત્નો કર્યા છે? તમે નવી પેઢીને માત્ર વોટબેંક તરીકે જુઓ છો કે તેમને રાજકીય દ્રષ્ટિ આપવા માંગો છો? જમીની સ્તરે અત્યારે આવા પ્રયાસોનો અભાવ વર્તાય છે.
રેલીઓ કે પ્રેસ કોન્ફરન્સથી ભીડ તો ભેગી કરી શકાય છે, પણ વૈચારિક ગહનતા ઉભી કરી શકાતી નથી. વિચારધારાના રોકાણ વિના કોઈ પણ પક્ષ માત્ર એક ‘ઇલેક્શન મશીન’ બનીને રહી જાય છે. 1970ના દાયકામાં જે પ્રાદેશિક પક્ષો ઉભર્યા હતા, તેઓ જનઆંદોલનો અને સંઘર્ષની ભઠ્ઠીમાં તપેલા હતા. આજે એવી જમીની ઊર્જા ખૂટે છે. ભારતને આજે એવા આંદોલનની જરૂર છે જે માત્ર ચૂંટણી જીતવા માટે નહીં, પણ સામાજિક અને વૈચારિક પરિવર્તન માટે હોય.
પેરિયાર ઈ.વી. રામાસામી કે ડૉ. બાબાસાહેબ આંબેડકરના આંદોલનો માત્ર સત્તા મેળવવા માટે નહોતા, પણ સામાજિક કુરીતિઓ અને વ્યવસ્થાની ખામીઓ સામેની જંગ હતી. જ્યારે આંદોલનો માત્ર ચૂંટણીલક્ષી બની જાય છે, ત્યારે સંઘ જેવી વિચારધારાઓ માટે મેદાન મોકળું થઈ જાય છે. વિપક્ષે માત્ર સોશિયલ મીડિયા કે પ્રેસ કોન્ફરન્સ સુધી મર્યાદિત રહેવાને બદલે જનતાના પાયાના પ્રશ્નો માટે રસ્તા પર ઉતરવું પડશે.
વિપક્ષ તરીકે વિદ્યાર્થી રાજકારણની ભૂમિકા
આજે એક કડવી વાસ્તવિકતા એ છે કે ઔપચારિક વિપક્ષ જનતાથી દૂરોગામી થઈ ગયો છે, અને તે ખાલી જગ્યામાં વિદ્યાર્થી સમુદાયે વિરોધનો અવાજ બુલંદ કર્યો છે. યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ આજે એવા સવાલો પૂછી રહ્યા છે જે પૂછવામાં મોટા રાજકીય પક્ષો પણ ખચકાય છે.
જોકે, શૈક્ષણિક કેમ્પસ પણ હવે મુક્ત રહ્યા નથી. ત્યાં પણ સંઘ અને ભાજપનો પ્રભાવ વધતા અસંમતિના અવાજને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. છતાં જે.એન.યુ. (JNU), જામિયા કે હૈદરાબાદ યુનિવર્સિટી જેવા સ્થળોએ વિદ્યાર્થીઓ જે સંઘર્ષ કરી રહ્યા છે, તે લોકશાહી જીવંત હોવાનો પુરાવો છે.
અણ્ણા આંદોલન પછી સત્તાના સમીકરણો બદલાયા, વિપક્ષ વિખેરાઈ ગયો અને સીએએ (CAA) વિરોધી પ્રદર્શન કે ખેડૂત આંદોલન જેવા જન આંદોલનોને દબાવવામાં આવ્યા. આવી સ્થિતિમાં જ્યારે સંસ્થાઓ અને મીડિયા પર નિયંત્રણો હોય, ત્યારે યુનિવર્સિટીઓ જ અસંમતિ માટેની અંતિમ આશા બને છે. જો આ સ્થાનો પણ નબળા પડશે, તો લોકશાહીના પાયા હચમચી જશે.
માટે જવાબદારી માત્ર વિદ્યાર્થીઓની નથી, પણ વિરોધ પક્ષોએ પણ જાગૃત થઈને જમીની જોડાણ મજબૂત કરવું પડશે. વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ કરાવવી એ માત્ર વહીવટી પ્રક્રિયા નથી, પણ લોકશાહીના પાઠ ભણાવતી પાઠશાળા છે.
અંતે, રામ મનોહર લોહિયાની એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ: “જ્યારે રસ્તાઓ પર શાંતિ છવાઈ જાય છે, ત્યારે સંસદ નિરંકુશ અને વિપથગામી બની જાય છે.”
લેખ સાભારઃ thecompanion.in
