Homeમનોમથંનપરિવર્તનના પડદા પાછળની ફિલસૂફી

પરિવર્તનના પડદા પાછળની ફિલસૂફી

કોઈપણ સભ્યતા કે સંસ્કૃતિમાં એક ચોક્કસ જીવનપદ્ધતિ અનુસાર જીવતા લોકો ઘણી વખત તેની પાયામાં રહેલી જીવનની ફિલોસોફી અને નૈતિક દૃષ્ટિકોણથી અજાણ રહે છે. બહારથી જોતા તેમની વ્યક્તિગત અને સામાજિક જિંદગી સાદી, સહજ અને નિયમિત જણાય છે, પરંતુ આ રંગમંચના પડદા પાછળ વિચારધારાનું એક અત્યંત ઊંડું અને જટિલ જગત કાર્યરત હોય છે.

એટલે જ સમાજમાં પરિવર્તન લાવવું માનીએ એટલું સહેલું નથી, પરંતુ તે ખરેખર અત્યંત કઠિન પ્રક્રિયા છે. આજના વર્તમાનમાં જોવાતી સહજ અને સ્વાભાવિક લાગતી જીવનશૈલી પાછળ ઘણીવાર સદીઓ, ક્યારેક તો હજારો વર્ષોના ઇતિહાસ અને અનુભવો ગૂંથાયેલા હોય છે.

જ્યારે પરિવર્તન લાવવાના ઉત્સાહથી પ્રેરિત લોકો જો ફક્ત લાગણીઓ, જોશ અને ઉત્સાહમાં આવીને વ્યવસ્થિત પૂર્વતૈયારી વગર લાગી જાય, ત્યારે પૂરેપૂરી શક્યતા છે કે તેઓ સાદી સરળ લાગતી સામાજિક વ્યવસ્થા સાથે ટકરાઈને ધડામ કરતા નીચે પટકાઈ જાય અને પછી બધો જોશ ઊતરી જાય અથવા તો એ સભ્યતા, સંસ્કૃતિ અને સમાજની વર્ષોની ગૂંથેલી વૈચારિક જાળમાં ભરાઈ જઈને પોતે તેમાં કેદ થઈ જાય.

સાચો કર્મવીર અને સંઘર્ષશીલ વ્યક્તિ તે છે, જે સમાજના આ દેખાતા રંગમંચના પડદા પાછળ છુપાયેલી વિચારધારાની આંટીઘૂંટીને ઊંડાણપૂર્વક સમજે. તે તેમાં રહેલી ખામીઓ અને વિરોધાભાસોને ઓળખે અને પછી તેને સામાન્ય લોકોની સરળ અને પ્રચલિત ભાષામાં વ્યક્ત કરે.

જ્યારે સામાન્ય માણસને પોતાની જ જીવનપદ્ધતિમાં રહેલા વિરોધાભાસોને સમજવા માટે તેના પોતાના શબ્દો મળે છે, ત્યારે તે ફક્ત સમજતો જ નથી પરંતુ તે પોતે જ તે વિચારનો વાહક અને પ્રચારક બની જાય છે.

આ ન કરતા આવડે તો પોતાને ખૂબ વિચારશીલ અને હોંશિયાર ગણતા અને માનતા લોકોના વિચારો અને શબ્દોના વિલાસ થકી કોઈ વ્યવસ્થા પરિવર્તન થઈ શકે એ ફક્ત શેખચલ્લીના સપનાઓ જેવું છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments