Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપફિલ્મ “મેં વાપસ આઉંગા”: જ્યારે નફરત રાજ્ય વ્યવસ્થાનો હિસ્સો બની જાય

ફિલ્મ “મેં વાપસ આઉંગા”: જ્યારે નફરત રાજ્ય વ્યવસ્થાનો હિસ્સો બની જાય

1947 પછી જે ઝેર આપણા સમાજમાં ફેલાયું હતું, તે સમયની સાથે ખતમ ન થયું પરંતુ ઘણી જગ્યાએ સામાજિક અને સરકારી વ્યવસ્થાનો ભાગ બનતું ગયું. જો કોઈ રાજ્ય એક નિર્દોષ યુવકને ટ્રેનમાં ભીડ દ્વારા મારી નાખવામાંથી બચાવી શકતું નથી, તો તે પોતાના નાગરિકોની સુરક્ષાની સંપૂર્ણ ખાતરી પણ આપી શકતું નથી- પછી ભલે તે દિલ્હી હોય, ઢાકા, કોલંબો કે લાહોર. ફિલ્મ “મેં વાપસ આઉંગા” અંતમાં એક મહત્વપૂર્ણ સવાલ છોડી જાય છે- શું દક્ષિણ એશિયા પોતાના ભૂતકાળમાંથી શીખીને નફરતના આ ઝેરને પોતાના સમાજ અને વ્યવસ્થામાંથી બહાર કાઢી શકશે? શું આ ક્ષેત્ર સત્ય, ન્યાય, સુમેળ અને સામૂહિક જવાબદારીના માર્ગ પર ચાલવાનું સાહસ બતાવી શકશે? આ જ સવાલ આજે પણ આપણી સામે છે અને આનો જવાબ આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરશે.

~ અબ્દુલ મુકીત

દક્ષિણ એશિયાના સમાજોમાં ભેદભાવ અને નફરત કોઈ નવી વાત નથી. લગભગ દરેક સમાજમાં કોઈ ને કોઈ સ્વરૂપે લોકો પ્રત્યે નફરત અને તેમને પોતાનાથી ઉતરતા સમજવાની પ્રવૃત્તિ જોવા મળે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું રાજ્ય પણ આ નફરતને પોતાના તંત્રનો એક ભાગ બનાવી લે છે?

જ્યારે લઘુમતીઓ વિરુદ્ધ નોંધાતા કેસોને નબળા પાડી દેવામાં આવે, મુકદ્દમા વર્ષો સુધી વિલંબિત રહે, ટોળાશાહી કે હિંસા કરનારાઓનું મનોબળ વધે અને લઘુમતીઓ પર હુમલો એવો ગુનો બની જાય જેની કોઈ વાસ્તવિક સજા ન મળે, ત્યારે નફરત માત્ર સમાજ પૂરતી સીમિત નથી રહેતી પરંતુ સમગ્ર સરકારી તંત્રમાં ફેલાઈ જાય છે.

તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “મેં વાપસ આઉંગા” 1947ના ભારત-વિભાજનની કરૂણાંતિકા પર આધારિત એક અત્યંત સંવેદનશીલ અને ભાવુક ફિલ્મ છે. આ ફિલ્મ જૂના પંજાબના ભાગલાથી પેદા થયેલા દર્દ, વિખૂટા પડવાની પીડા અને પેઢી દર પેઢી ચાલી આવતા જખમોની વાર્તા ત્રણ પેઢીઓના માધ્યમથી દર્શાવે છે.

ફિલ્મનું મુખ્ય પાત્ર કીનુ છે, જે હવે 95 વર્ષના એક શીખ વૃદ્ધ છે. આ ભૂમિકાને નસીરુદ્દીન શાહે અત્યંત પ્રભાવશાળી રીતે ભજવી છે. તેમની સાથે તેમનો પૌત્ર નવી (દિલજીત દોસાંજ) અને 1947નો યુવાન કીનુ (વેદાંગ રૈના) છે, જેને પોતાની મુસ્લિમ પ્રેમિકા જીયા/અફસાના (શરવરી) સાથે પ્રેમ થઈ જાય છે.

કીનુ અને તેનો ભાઈ પાલી 1947ના એ ભયાનક રમખાણોના પ્રત્યક્ષ સાક્ષી છે, જેમાં હિન્દુ, શીખ અને મુસ્લિમ એકબીજાના દુશ્મન બની ગયા હતા. ફિલ્મના કેટલાય દ્રશ્યો એટલા માર્મિક અને વાસ્તવિક છે કે જોનારાઓની આંખો ભીની થઈ જાય.

આજની યુવા પેઢી, જેણે વિભાજનનું દર્દ નથી જોયું, તે આ ફિલ્મના માધ્યમથી ઇતિહાસને વધુ સારી રીતે સમજી શકે છે. આ ફિલ્મ માત્ર ભૂતકાળની વાર્તા નથી કહેતી, પરંતુ એ પણ જણાવે છે કે નફરતના બીજ આવનારી પેઢીઓ સુધી કેવી અસર છોડે છે. તેથી આ ફિલ્મ માત્ર જોવા માટે નથી, પરંતુ તેના પર વિચાર કરવા અને ચર્ચા કરવા માટે પણ મહત્વપૂર્ણ છે.

ફિલ્મનો સૌથી અસરકારક સીન ત્યારે આવે છે જ્યારે નવી પોતાના વૃદ્ધ કાકા પાલી સાથે વાત કરે છે. પાલી તેને સમજાવતા કહે છે કે 1947ની પેઢીની સાથે આ ઝેર પણ એક દિવસ ખતમ થઈ જશે. આના પર નવી પૂછે છે—”પરંતુ જો આ ઝેર આપણી સિસ્ટમ (વ્યવસ્થા)માં જ ઘૂસી જાય, તો પછી શું થશે?”

આ જ નાનકડો સવાલ આખી ફિલ્મને એક નવી દિશા આપે છે. આના પછી આ માત્ર વિભાજનની વાર્તા નથી રહેતી, પરંતુ આજની સામાજિક અને રાજકીય પરિસ્થિતિ પર પણ એક ગંભીર ટિપ્પણી બની જાય છે. આ સવાલ દર્શાવે છે કે કઈ રીતે નફરત ધીમે-ધીમે સરકારી સંસ્થાઓ, રાજકીય વિચારધારા અને ન્યાય વ્યવસ્થામાં પણ જગ્યા બનાવી શકે છે.

આ જ સવાલ 22 જૂન 2017ની ઘટનાની યાદ અપાવે છે. તે દિવસે 15 વર્ષીય જુનૈદ ખાન ઈદની ખરીદી કરીને પોતાના મિત્રો સાથે દિલ્હીથી મથુરા જતી ટ્રેનમાં સવાર થયો હતો. સીટને લઈને શરૂ થયેલો સામાન્ય વિવાદ થોડી જ મિનિટોમાં સાંપ્રદાયિક (કોમી) હિંસામાં બદલાઈ ગયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ તેમને “ગોમાંસ ખાનારો” અને “દેશદ્રોહી” કહીને અપમાનિત કર્યા. આ પછી એક વ્યક્તિએ છરીથી જુનૈદ પર હુમલો કરી દીધો. આગલા સ્ટેશને પહોંચતા પહેલા જ વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત થઈ ગયું. થોડા દિવસો સુધી આ ઘટના રાષ્ટ્રીય સમાચારોની હેડલાઇન બની રહી, પરંતુ બાદમાં ભારતની ધીમી ન્યાયિક પ્રક્રિયામાં ક્યાંક ખોવાઈ ગઈ.

આશરે નવ વર્ષ વીતી ગયા પછી પણ આ મામલામાં અંતિમ ચુકાદો આવી શક્યો નથી. સુનાવણી વારંવાર ટળતી રહી, સાક્ષીઓ સમયસર હાજર ન થયા, કોરોના મહામારીએ પણ મુકદ્દમાને વધુ લાંબો કરી દીધો. મુખ્ય આરોપી આજે પણ જામીન પર બહાર છે. દર વર્ષે 22 જૂને જુનૈદના માતા-પિતા હરિયાણાના પોતાના ગામમાં ચુપચાપ તેની યાદમાં દુઆ (પ્રાર્થના) કરે છે, પરંતુ સરકારી સ્તરે આ ઘટનાને યાદ કરવાની કોઈ પરંપરા કે પહેલ દેખાતી નથી.

જુનૈદની હત્યા કોઈ એકલી-અટૂલી ઘટના નહોતી. 2015 પછી ભારતમાં ગૌરક્ષા, “લવ જેહાદ” અને ધાર્મિક આરોપોના નામે ભીડ દ્વારા હિંસા (મોબ લિંચિંગ)ની ઘણી ઘટનાઓ સામે આવી. દાદરી (2015), અલવર (2017) અને પાલઘર (2020) જેવી ઘટનાઓમાં લગભગ એક સરખી જ વાર્તા દોહરાવવામાં આવી- અફવા, ભીડ, હત્યા, એફઆઈઆર (FIR), લાંબી ન્યાયિક પ્રક્રિયા અને પછી ધીમે-ધીમે બધું ભૂલી જવાય.

રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (NCRB) એ 2017 પછી નફરત આધારિત ગુનાઓના અલગ આંકડા પ્રકાશિત કરવાનું પણ બંધ કરી દીધું, જ્યારે સ્વતંત્ર સંસ્થાઓના અહેવાલો દર્શાવે છે કે આવા ગુનાઓ સતત થતા રહ્યા. સર્વોચ્ચ અદાલતે (સુપ્રીમ કોર્ટે) ભીડ હિંસાને “ભીડનું શાસન” ગણાવ્યું અને આનાથી નિપટવા માટે કેટલાય દિશા-નિર્દેશો આપ્યા, પરંતુ તેમનું પ્રભાવી પાલન થઈ શક્યું નહીં.

કોઈપણ દેશની આંતરિક સુરક્ષા માત્ર રમખાણોથી નથી તૂટતી. અસલી ખતરો ત્યારે પેદા થાય છે જ્યારે રાજ્ય પોતાના કાયદેસરના અધિકારો ભીડના હાથમાં જવા દે છે.

જર્મન સમાજશાસ્ત્રી મેક્સ વેબરના જણાવ્યા અનુસાર, રાજ્યની સૌથી મોટી જવાબદારી એ છે કે તેના ક્ષેત્રમાં માત્ર તેની પાસે જ કાયદેસર રીતે શક્તિનો પ્રયોગ કરવાનો અધિકાર હોય. પરંતુ જ્યારે ભીડ ખુલ્લેઆમ કોઈ નિર્દોષ યુવકની હત્યા કરી દે અને તેને સમયસર સજા ન મળે, ત્યારે આના ગંભીર પરિણામો સામે આવે છે.

પહેલું, લઘુમતી સમુદાયોનો રાજ્ય પરથી ભરોસો ઓછો થવા લાગે છે. તેઓ પોતાની સુરક્ષા માટે સામાજિક કે ધાર્મિક જૂથો પર નિર્ભર થવા લાગે છે અને કેટલાક લોકો કટ્ટરપંથી સંગઠનો તરફ પણ આકર્ષિત થઈ જાય છે.

બીજું, હિંસા કરનારા લોકોનું મનોબળ વધી જાય છે કારણ કે તેમને લાગે છે કે આવા ગુનાની કિંમત બહુ ઓછી છે.

ત્રીજું, સરકારી સંસ્થાઓ પણ રાજકીય સંકેતો સમજવા લાગે છે. પોલીસ જાણી જાય છે કે કયા મામલાઓને ગંભીરતાથી લેવાના છે અને કયા મામલાઓને નબળા કરવાના છે. આ જ સ્થિતિને “દંડહીનતાની સંસ્કૃતિ” (Culture of Impunity) કહી શકાય, જ્યાં ગુનો કાયદાકીય રીતે ખોટો તો હોય છે, પરંતુ વ્યવહારમાં તેને સહન કરી લેવામાં આવે છે.

ભારતનો ઇતિહાસ પણ આ જ શીખવે છે. 1984ના શીખ વિરોધી રમખાણો, 2002ના ગુજરાતના રમખાણો અને 1989માં કાશ્મીરમાં વધેલી ઉગ્રવાદની ઘટનાઓની પાછળ પણ એક સમાન ભાવના હતી કે રાજ્ય કેટલાક સમુદાયો સાથે થયેલા ગુનાઓમાં ન્યાય આપવામાં અસફળ રહ્યું.

આ સમસ્યા માત્ર ભારત પૂરતી સીમિત નથી. પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને નેપાળ પણ અલગ-અલગ સ્વરૂપોમાં ધાર્મિક કે જાતીય નફરત, સોશિયલ મીડિયા પર ભડકાઉ પ્રચાર અને ભીડ હિંસા જેવી પડકારોનો સામનો કરી રહ્યા છે.

પાકિસ્તાનમાં મશાલ ખાનની હત્યા આખી દુનિયાએ જોઈ, પરંતુ તે પછી પણ ઈશનિંદા (બ્લાસ્ફેમી)ના આરોપો પર ભીડ હિંસાની ઘટનાઓ રોકાઈ શકી નહીં. બાંગ્લાદેશમાં દુર્ગા પૂજા દરમિયાન પૂજા પંડાલોની સુરક્ષા માટે અર્ધસૈનિક દળો તૈનાત કરવા પડે છે, જ્યારે શ્રીલંકામાં રમખાણોની તપાસ કરનારા કેટલાય પંચોના અહેવાલો આજે પણ સરકારી ફાઈલોમાં દબાયેલા પડ્યા છે.

આ સંકટનું સમાધાન માત્ર અદાલતોમાં નથી. આના માટે સમગ્ર સામાજિક અને રાજકીય વાતાવરણને બદલવું પડશે. જ્યાં સુધી નફરત, ભેદભાવ અને કટ્ટરતાને ખતમ કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈપણ સમાજમાં સ્થાયી શાંતિ શક્ય નથી.

ફિલ્મો, સાહિત્ય, પત્રકારત્વ અને શૈક્ષણિક સંસ્થાઓ લોકો વચ્ચે સંવાદ વધારવામાં અને ઇતિહાસની સાચી સમજ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.

ટૂંકા સમયમાં કેટલાક જરૂરી પગલાં પણ ભરી શકાય છે. નફરત આધારિત ગુનાઓ માટે વિશેષ અને ઝડપી (ફાસ્ટ ટ્રેક) અદાલતો બનાવવામાં આવે, સાક્ષીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે, જાણીજોઈને નબળી એફઆઈઆર નોંધનારા પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થાય અને સૌથી મહત્વનું, રાજકીય નેતૃત્વ દરેક ભીડ હત્યાની કોઈ પણ ભેદભાવ વિના તરત જ નિંદા કરે.

1947 પછી જે ઝેર આપણા સમાજમાં ફેલાયું હતું, તે સમયની સાથે ખતમ ન થયું પરંતુ ઘણી જગ્યાએ સામાજિક અને સરકારી વ્યવસ્થાનો ભાગ બનતું ગયું. જો કોઈ રાજ્ય એક નિર્દોષ યુવકને ટ્રેનમાં ભીડ દ્વારા મારી નાખવામાંથી બચાવી શકતું નથી, તો તે પોતાના નાગરિકોની સુરક્ષાની સંપૂર્ણ ખાતરી પણ આપી શકતું નથી- પછી ભલે તે દિલ્હી હોય, ઢાકા, કોલંબો કે લાહોર. ફિલ્મ “મેં વાપસ આઉંગા” અંતમાં એક મહત્વપૂર્ણ સવાલ છોડી જાય છે- શું દક્ષિણ એશિયા પોતાના ભૂતકાળમાંથી શીખીને નફરતના આ ઝેરને પોતાના સમાજ અને વ્યવસ્થામાંથી બહાર કાઢી શકશે? શું આ ક્ષેત્ર સત્ય, ન્યાય, સુમેળ અને સામૂહિક જવાબદારીના માર્ગ પર ચાલવાનું સાહસ બતાવી શકશે? આ જ સવાલ આજે પણ આપણી સામે છે અને આનો જવાબ આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરશે.

`સંપાદકીય નોંધ : આ ફિલ્મ સમીક્ષા લેખકના અંગત વિચારો છે, લેખકના વિચારો સાથે 'યુવાસાથી' સહમત હોય તે જરૂરી નથી.`

_લેખ સૌજન્યઃ છાત્ર વિમર્શ_

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments