Homeસમાચારજમાઅતે ઇસ્લામી હિન્દ દ્વારા રેસકોર્સ મસ્જિદના સંરક્ષણ અને મૂળભૂત સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાની...

જમાઅતે ઇસ્લામી હિન્દ દ્વારા રેસકોર્સ મસ્જિદના સંરક્ષણ અને મૂળભૂત સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાની કરાઈ માંગ

નવી દિલ્હી: જમાઅતે ઇસ્લામી હિન્દના ઉપાધ્યક્ષ મલિક મોહતસિમ ખાને નવી દિલ્હી સ્થિત ઐતિહાસિક રેસકોર્સ મસ્જિદનું રક્ષણ સુનિશ્ચિત કરવા, તેની મૂળભૂત સુવિધાઓ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા તેમજ નમાઝીઓ માટે તેનો માર્ગ અવરોધ વિના ખુલ્લો રાખવાની માંગ કરી હતી. તેમણે મસ્જિદ ખાલી કરવાની અપાયેલી નોટિસ અને તેના પર તોળાઈ રહેલા ડિમોલિશનના જોખમ સામે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.

મીડિયા માટે જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં મલિક મોહતસિમ ખાને જણાવ્યું હતું કે, “વર્ષોથી લોકો રેસકોર્સ મસ્જિદમાં ઇબાદત કરતા આવ્યા છે અને આ મસ્જિદ ૧૯૭૭થી સત્તાવાર સરકારી ગેઝેટમાં વક્ફ મિલકત તરીકે નોંધાયેલી છે. તેમ છતાં તેને ખાલી કરાવવાની નોટિસ મળવી અત્યંત ચિંતાજનક બાબત છે.” તેમણે વહીવટીતંત્ર સમક્ષ માંગ કરી હતી કે, મસ્જિદના સત્તાવાર દસ્તાવેજો અને સંબંધિત રેકોર્ડને ધ્યાનમાં રાખીને આ ઐતિહાસિક મસ્જિદ તેમજ તેની સાથે જોડાયેલા કબ્રસ્તાનનું સંરક્ષણ સુનિશ્ચિત કરવામાં આવે.

મલિક મોહતસિમ ખાને મસ્જિદનું વીજ જોડાણ કાપી નાખવા તેમજ જગ્યા ખાલી કરાવવા માટે મસ્જિદના ઇમામ પર કરાઈ રહેલા ગેરકાયદે દબાણ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે વીજળી અને પાણીની સુવિધાઓ તાત્કાલિક પુનઃસ્થાપિત કરવાની તેમજ નમાઝીઓની અવરજવર પર કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ન કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનાં પગલાં ન્યાયના સિદ્ધાંતોથી તદ્દન વિપરીત છે. વહીવટીતંત્રે પોતાના નિર્ણયો કાયદાકીય માળખા અનુસાર સાબિત કરવા જોઈએ અને ઇબાદતગાહો તેમજ નમાઝીઓની ગરિમા જળવાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

તેમણે વક્ફ બોર્ડ દ્વારા આ વિવાદ સામે અસરકારક કાનૂની કાર્યવાહી ન કરાઈ હોવાના અહેવાલો અંગે પણ ચિંતા દર્શાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, વક્ફ મિલકતોની જાળવણી જે સંસ્થાઓની જવાબદારી છે, તેમણે સંપૂર્ણ સક્રિયતા દાખવીને સમયસર કાનૂની પગલાં લેવાં જોઈએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રેસકોર્સ મસ્જિદ જેવાં ઐતિહાસિક સ્થળો સામે તોડી પાડવાની કાર્યવાહીથી મુસ્લિમ સમુદાયમાં અસંતોષ ફેલાઈ રહ્યો છે અને વહીવટી તંત્રના હેતુઓ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. વહીવટી સત્તાનો દુરુપયોગ ધ્રુવીકરણ કે નફરત ફેલાવવા માટે ન થવો જોઈએ.

જમાઅતે ઇસ્લામી હિન્દે કેન્દ્ર અને દિલ્હી સરકાર સમક્ષ રેસકોર્સ મસ્જિદ અને કબ્રસ્તાન સામે તોડી પાડવાની તમામ કાર્યવાહી પર તાત્કાલિક સંપૂર્ણ રોક લગાવવાની માંગ કરી હતી. સગઠને જણાવ્યું હતું કે, દેશમાં સમાનતા, જનવિશ્વાસ અને સાંપ્રદાયિક સૌહાર્દ ટકાવી રાખવા માટે તમામ ધાર્મિક સ્થળોનું એકસમાન રક્ષણ અત્યંત અનિવાર્ય છે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments