મુસ્લિમ ઉમ્મત કુઆર્નથી જેમ જેમ દૂર થતી ગઇ કુઆર્ન પણ પોતાના અર્થ અને મતલબના અંદાઝથી લોકોના મગજમાંથી દૂર થતા ગયા. અમુક વિદ્વાનોએ તેને ફરીથી મગજમાં બેસાડવા માટે મહેનત કરી છે.
આ બેપરવાઇના કાળમાં કુઆર્નના કેટલાક પારિભાષિક શબ્દોમાં સાચા અર્થને ઉમ્મતે વિસારી દીધા અથવા તેમના અર્થના વર્તુળને મર્યાદિત કરી દીધું. આથી તેના અનુસંધાને અમલ પોતે જ મર્યાદિત થઇ ગયો. અલ્લામા ઇકબાલ રહ.ના કોલ પ્રમાણે –
હુએ કિસ દરજા ફકીહાને હરમ બે તૌફીક,
ખુદ બદલતે નહીં, કુઆર્ન કો બદલ દેતે હૈં.
પારિભાષિક શબ્દના અર્થની શક્તિ ચાવીરૃપ શબ્દો હોય છે. જ્યારે ચાવી જ ગૂમ થઇ જાય તો રૃપ કે મકાનનો સામાન અથવા પુસ્તકોથી ફાયદો ઉઠાવવો અશક્ય બની જાય છે. સફળતાની ચાવી જો હાથ લાગી જાય તો અમૂલ્ય પુંજી હાથમાં આવી જાય છે.
મોલાના મોદૂદી રહ.એ ‘કુઆર્ન કી ચાર બુનિયાદી ઇસ્તેલાહેં’માં રબ, ઇલાહ, દીન અને ઇબાદતના વર્તુળને વિશાળ બનાવ્યું છે. એવી જ રીતે ઝિકર, તકવા, અયામુલ્લાહ વગેરેના પારિભાષિક શબ્દો છે. દરેક ભાષાની કંઇક પારિભાષા હોય છે. કંઇક કહેવાતો હોય છે એ સમજવામાં ત્રુટિ થઇ ગઇ તો અર્થ શું નો શું થઇ જાય છે.
ઉદાહરણ રૃપે અંગ્રેજીમાં ‘Put out the lamp’નો અર્થ ‘દીવાને રૃમથી બહાર રાખે છે’ નહીં પરંતુ ‘દીવો હોલવી નાંખો’ થશે. ઊર્દુ ભાષામાં ‘ગાડી ચલા રહા હુ’નો અર્થ ‘I am running the car’ નહીં પરંતુ ‘I am Driving the Vehicle’ થશે. ‘ખુશી સે મેરા દિલ બાગ બાગ હો ગયા’નો અનુવાદ ‘My heart became garden garden’ કરવામાં આવે તો મજાકરૃપ થશે.
કુઆર્નના ચાવીરૃપ શબ્દોમાં તઝકિયા પણ એક પારિપાષિક શબ્દ છે. તેના સાચા અર્થથી અપિરિચિત હોવાના કારણે તેને ખાનકાહી નિઝામનો ઝિકર અને તેનો બદલ (પર્યાય) સમજી લીધો. જોકે કુઆર્નમાં પયગંબરોને મોકલવાનો ઉદ્દેશ્ય જ તઝકિયા ઠેરવવામાં આવ્યો છે. તઝકિયા જ સફળતાનું અસલ ધોરણ છે, તઝકિયા જ કુઆર્નની સિધ્ધિ છે કારણ કે કુઆર્ન જીવનની સુધારણા માટે આવ્યો છે. આથી કુઆર્નની સિધ્ધ અને જીવનની સફળતા અને પયગંબરોને મોકલવાનો હેતુ તઝકિયાને ઠેરવવામાં આવ્યો. કુઆર્ન કહે છે ઃ “કદ્ અફ્લહા મન તઝ્ક્કા” (સૂરઃઆ’લા-૧૪) તેના કેટલાક અનુવાદ ધ્યાનથી જુઓ;
* સફળતા પામ્યો તે જેણે પવિત્રતા અપનાવી. (મોલાના મૌદૂદી રહ.)
* “સફળ થયો જેણે પોતાને પવિત્ર કર્યો. (મોલાના વહીદુદ્દીન ખાન)
* નિઃશંક એ લોકોએ સફળતા પ્રાપ્ત કરી જે પવિત્ર થઇ ગયા. (મોલાના મુહમ્મદ જુનાગઢી)
* સફળ થયો તે જેણે પવિત્રતા ધારણ કરી. (મોલાના શમ્સ પીરઝાદા રહ.)
* નિઃશંક તે સફળ થઇ ગયો, જે પવિત્ર બની ગયો. (મોલાના અબુ સલીમ મુહમ્મદ અબ્દુલ હય્ય રહ.)
* He is successful who growth.(મુહમ્મદ પિકતાલ)
* સફળ થયો તે જેણે પોતાને પાક કર્યા. (મોલાના અમીન અહસન ઇસ્લાહી રહ.)
* સફળ થઇ ગયો, જેણેે પોતાને ઉન્નતિ અને દૃઢ મનોબળથી ભાગ્યશાળી બનાવ્યો. (મોલાના મુહમ્મદ ફારૃક ખાન)
ઉપરોક્ત અનુવાદોમાં મોલાના મુહમ્મદ ફારૃક ખાનનો અનુવાદ બિલ્કુલ અલગ છે. આના ભાવાર્થથી મળતો-ઝુલતો અનુવાદ મુહમ્મદ પિકતાબએ કર્યો છે. બીજી ભાષાંતરકર્તાઓની નજીક તઝકિયાની હકીકત એ છે કે આદમી પવિત્ર (પાક) બની જાય. આનાથી મતલબ એ થયો કે માણસ નાપાક છે. ગંદો છે અથવા ગુનેગાર છે. તેથી તે પવિત્રતા પ્રાપ્ત કરે. જ્યારે કે કુઆર્ન સ્પષ્ટપણે જણાવે છે ઃ “અમે મનુષ્યને સર્વોત્તમ બંધારણ સાથે પેદા કર્યો” (સૂરઃઅત્-તીન–૪). મનુષ્યની રચના, સ્વભાવ અને આત્મામાં શુદ્ધ ચારિત્ર્ય મૂળભૂત ગુણ છે નહીં કે ઉપદ્રવ. પયગંબર મુહમ્મદ સલ્લ.એ પણ ફરમાવ્યું છે કે બાળક પ્રકૃતિ પ્રમાણે જન્મે છે, પણ તેના માતા-પિતા તેને યહૂદી કે ઈસાઇ બનાવી દે છે. હા, એ વાત જરૃર છે કે ફકત નેકી, સંયમ અને ભલાઇ સાથે જ માનવીને નથી બનાવ્યો પરંતુ દુરાચાર, ઉપદ્રવ, ઝઘડાખોર અને ખરાબીઓ પણ તેના અંતઃકરણમાં સ્થાપિત કરવામાં આવી છે. “પછી તેની બૂરાઇ અને તેની પરહેજગારી (સંયમ)ની તેને પ્રેરણા આપી દીધી.” (સૂરઃઅશ્-શમ્સ-૮) પરંતુ મૂળભૂત રીતે વિશિષ્ટતા, ભલાઇ ઉપકારક અને શુભચિંતકના પાયા પર અલ્લાહતઆલા ન માત્ર ઇન્સાનને પરંતુ દરેક વસ્તુને બનાવી છે. દૃષ્ટાંત તરીકે નીચેની આયતોને ધ્યાનથી જુઓ;
“જે વસ્તુ પણ તેણે બનાવી ઉમદા બનાવી અને તેણે મનુષ્યના સર્જનની શરૃઆત ગારાથી કરી.” (સૂરઃસજદહ-૭)
“(હે પયગંબર!) પોતાના સર્વોચ્ચ રબ (માલિક અને પાલનહાર)ના નામની તસ્બીહ (ગુણગાન) કરો જેણે પેદા કર્યા અને પ્રમાણ સ્થાપ્યું, જેણે ભાગ્ય (તકદીર) બનાવ્યું, પછી માર્ગ દેખાડ્યો.” (સૂરઃઆ’લા–૧-૩)
સૃષ્ટિમાં અલ્લાહતઆલાએ જેટલી વસ્તુઓનું નિર્માણ કર્યું છે તેના હેતુ અને અસ્તિત્વની વાસ્તવિક્તા પ્રમાણે અત્યંત સુંદર ડિઝાઇનીંગ કરી. આ ડિઝાઇનીંગ એવી રચનાને આધીન પણ છે અને બાહ્ય અસ્તિત્વના આધીન પણ. જેવી રીતે મકાનના બાંધકામ માટે સુંદર નકશાની સાથે તેના પાયા, પિલ્લર અને છતોની મજબૂત ડિઝાઇન પણ સામેલ હોય છે. નિર્માણનો આ જ અર્થ છે. તેના પછી તેને ઠીકઠાક કર્યો. પછી તેની આંતરિક સજાવટનો તબક્કો આવ્યો તો ઉચિત અને યોગ્ય અવયવો અને શક્તિ અર્પણ કરી. ત્રીજા તબક્કામાં સર્જનને તેના અધિકાર અને હોશિયારી પ્રદાન કરી. અર્થાત દરેક સર્જન પોતાની રચનામાં સંપૂર્ણ તો જરૃર હોય પરંતુ પરિપુર્ણ કક્ષાએ પહોંચેલા નથી હોતા. આથી સર્જન અને બીજાને ઉચિત વાતાવરણ હવા અને પાણી, ચારો અને ખોરાક મળી રહે તો તે પોતાની શક્તિ પ્રમાણે પાત્રતા અને સુંદરતામાં વૃધ્ધિ પામી શકે છે.
ચોથો તબક્કો એ છે કે અલ્લાહ તઆલાએ એ માર્ગ પર આગળ વધવા માટે તેને માર્ગ દર્શન પણ પૂરૃ પાડયું. તે તેને તેની મંઝીલ સુધી પહોંચાડે છે. (હિદાયતનો એક અર્થ મંઝીલ સુધી પહોંચાડવું પણ છે.)
માણસ જ્યારે દુનિયામાં આવે છે, તો શારીરિક રીતે સંપૂર્ણ હોય છે. બાલ્યાવસ્થામાં તે પૂર્ણ કક્ષાએ પહોંચેલો નથી હોતો. આથી યોગ્ય આહાર અને પાલન-પોષણ, સાર-સંભાળ કરવાથી તે યુવાવસ્થાએ પહોંચી જાય છે. એવી જ રીતે માનવી સંસ્કાર અને સ્વભાવમાં પ્રાકૃતિક રીતે નેક પેદા થાય છે. તેને આગળ વધારવા માટેની બહોળી શક્યતાઓ તેના શરીર અને પ્રાણમાં રાખવામાં આવી છે. જેથી માતા-પિતા, શિક્ષકો, વાતાવરણ અને સમાજની સારી કેળવણી દ્વારા તે પરિપૂર્ણ કક્ષાએ પહોંચી જાય છે. એવી જ રીતે આત્મિય રીતે પણ આત્મિય આહાર પ્રાપ્ત કરીને પોતાની ઉન્નતિ કરે અને ઉચ્ચ સ્થાને પહોંચવા માટે પ્રયત્નો કરે. ત્યાં સુધી કે તે પરિપૂર્ણ બનીને જમીન ઉપર અલ્લાહનો ખલીફા બનવાને લાયક બની જાય અને એ જવાબદારીને સંભાળવા પાત્ર બની જાય.
આ રીતે તઝકિયાએે નકારાત્મક કાર્યની જગ્યાએ હકારાત્મક કાર્ય છે. પવિત્ર કરવું એટલે કે કદરૃપાને રૃપાળુ બનાવવું છે. જ્યારે પ્રગતિ, સજાવટ, ઉચ્ચતા અને ઉમદાપણામાં રૃપાળાને અત્યંત રૃપાળુ બનાવવામાં આવે છે.
અહિંયા પહોંચીને જાણવા મળે છે કે તઝકિયા રચનાત્મક અને પ્રગતિકારક કાર્ય છે. તઝકિયાની વાસ્તવિક્તા સ્પષ્ટ થઇ ગયા પછી આ સવાલ ઉપસ્થિત થાય છે કે હું કેવી રીતે પ્રગતિ કરૃ. જાણે કે તઝકિયાનો યાત્રી એક યાત્રાની શરૃઆત છે. જે વર્તમાનથી ભવિષ્ય તરફ લઇ જાય છે. તઝકિયા (આત્મશુધ્ધિ)ની હકીકત ‘સૂરઃઆ’લા’ના અધ્યયનથી વધારે સુસ્પષ્ટ થઇ જાય છે. સૂરઃનું નામ પોતે જ બતાવે છે કે આ સૂરઃની અંદર ઉચ્ચ, પ્રગતિ, વૃધ્ધિનો લેખ આપવામાં આવ્યો છે. આ પ્રકારના અગણિત દૃષ્ટાંતો કુઆર્નમાં મળે છે. સૂરઃજુમ્આના હવાલાથી આગળના લખાણમાં તેને સ્પષ્ટ કરવામાં આવશે. જે લોકો પતન અને પછાતપણા તરફ જઇ રહ્યા છે. તેમને આ સૂરઃની શરૃઆત સાવધાન કરે છે કે સમગ્ર બ્રહ્માંડ તે હસ્તીની તસ્બીહ (ગુણગાન) કરે છે જે સર્વોપરી છે અને જે વ્યક્તિને ઉચ્ચતા પ્રાપ્ત કરવી હોય તે તેનાથી સંબંધ જોડી દે.
રબ્બે આ’લાએ પોતાની મખ્લુકાતને ઉદ્ઘોષણા કરી દીધી કે –
૧. તેણે જ તેમનું સર્જન કર્યું છે. (એમાં આયોજન અને રચના પણ સામેલ છે.)
૨. તેણે જ સર્વ પ્રકારે યોગ્ય અને ઉચીત સર્જન કર્યું. તેણે જ બાહ્ય અને આંતરિક સુંદરતા અને સૌંદર્ય પ્રદાન કર્યું.
૩. દરેક પ્રકારની શક્તિ, યોગ્યતા, કાબેલિયત અને સારપ (ભલાઇ)નું પ્રમાણ નકકી કર્યું જેથી તે પરિપૂર્ણ બની જાય.
૪. પછી તેને પ્રાકૃતિક યોગ્યતાના માર્ગમાં આગેકૂચ કરવા માટેની શક્યતાઓ સહિત, સરળતા, આસાની, સુગમતા અને માર્ગદર્શન પુરા પાડ્યા.
આ ચારે તબક્કા માટે જે રૃપકો અલ્લાહ તઆલાએ આપ્યા છે. તે તઝકિયાની વાસ્તવિક્તાને બિલ્કુલ સ્પષ્ટ અને સ્વચ્છ કરે છે.
ઉપરોક્ત દાવાની દલીલ એ છે કે માણસ હરિયાળી ખેતીને કેવી રીતે એક બીજ યોગ્ય હળ, પાણી અને માવજત પ્રાપ્ત થવાથી વૃધ્ધિ પામતા પામતા પોતાની શક્યતા પ્રમાણે પોતાની યોગ્યતાની અંતિમ હદ સુધી પહોંચી જાય છે અને સંપૂર્ણ રીતે હરિયાળી અને લીલીછમ બની જાય છે.
(સૂરઃઆ’લા ૪-૫ ) – “જેણે લીલોતરી ઉગાડી, પછી તેને ઘણી જ લીલીછમ અને લહેરાતી બનાવી.” (મોલાના મુહમ્મદ ફારૃક ખાન), “જેણે વનસ્પતિ ઉગાડી, પછી તેને ભરી-ભાદરી, હરિયાળી અને લહેરાતી બનાવી.” (મોલાના અમીન અહસન ઇસ્લાહી રહ.)
ઉપરોક્ત બંને અનુવાદોથી વિપરીત અહવાનો અનુવાદ સાધારણ રીતે કચરાપટ્ટી, ઘાસફૂંસ કરવામાં આવે છે. પરંતુ મોલાના અમીન અહસન ઇસ્લાહી રહ.એ લખ્યું છે કે ‘અહવા’ કદાપિ તે કોળાશ માટે નથી વપરાતુ. જે કોઇ વસ્તુમાં તેનો મેલ સડો અથવા બેકાર થવાથી પેદા થાય છે. પરંતુ તેના વિપરીત તે કાળાશયુક્ત રતાશ અથવા લીલાશ માટે વપરાય છે જે કોઇ વસ્તુ પર તેની તાઝગી લીલીછમ ફળદ્રુપતા, અને જોશના કારણે વ્યક્ત થાય છે કેમકે આયતની ચર્ચા તળે ‘ઘોશઅ’ની સિફત અહ્વ આવી છે તે કારણથી નિશ્ચિતરૃપે આ બીજા અર્થમાં જ ઉપયોગ થયો છે. નહીંતર યોગ્યતા અને વિશેષતામાં ખુબજ અત્યંત ખરાબ પ્રકારની અસંબંધિતા પેદા થઇ જશે.(તદબ્બુરે કુઆર્ન ભાગ-૯)
જાણવા મળ્યું કે ઉચ્ચતર, મહાન અને મોટાઇવાળા અલ્લાહની શાન એ છે કે તેણે પોતાની મખ્લુકાતમાં પણ વૃધ્ધિ , પ્રગતિ, વિકાસ અને ઉમદાપણાની શક્યતાઓ પ્રદાન કરી છે. લીલોતરી તો હવા-પાણી અને ખાતર દ્વારા વિકાસ પામી ગઇ, પરંતુ મનુષ્યનો વિકાસ કેવી રીતે થાય? તેની અંદર કેવી રીતે ઉમદાપણું, વિકાસ અને ઉમંગ ઉદ્ભવે? એનો જવાબ પણ અલ્લાહતઆલાએ આગળ ફરમાવ્યું, “અમે તમને પઢાવી દઈશું, ત્યાર પછી તમે નહીં ભૂલો સિવાય તેના જે અલ્લાહ ઇચ્છે, તે જાહેરને પણ જાણે છે અને જે કંઇ છૂપાયેલું છે તેને પણ.” (સૂરઃઆ’લા-૬-૭)
માણસને છાયાદાર વૃક્ષ બનાવવા માટે તમામ પયગંબરો બાગબાન અને માળીની હેસિયત ધરાવે છે. તેમના દ્વારા એ આહાર પ્રદાન કરવામાં આવ્યો. જેના લીધે મનુષ્ય હર્યો-ભર્યો થઇ શકે છે અને તે છે અલ્લાહનો કલામ. માણસને સતત આહાર પ્રદાન કરવાનો વાયદો પ્રથમ દિવસે જ કરવામાં આવ્યો હતો. “પછી જ્યારે તમામ પાસે મારા તરફથી કોઇ હિદાયત પહોંચે, તો જે કોઇએ અમારી એ હિદાયતનું આજ્ઞાપાલન કર્યું, તો એવા લોકોને ન ભય હશે ન તે દુઃખગ્રસ્ત હશે.” (સૂરઃબકરહ-૩૯). આ જ વાત અન્ય રીતે સૂરઃઆ’લાના અંતિમ શરણમાં બયાન કરવામાં આવી છે, “આ જ વાત અગાઉ આવેલ પુસ્તિકાઓમાં પણ કહેવામાં આવી હતી, ઇબ્રાહીમ અને મુસાની પુસ્તિકાઓમાં.” (સૂરઃઆ’લા ૧૮-૧૯)
‘તઝકિયા’ના સંદર્ભમાં ચાર કથનો (દલીલો) અને લીલોતરી અને લીલીછમ વનસ્પતિના ઉદાહરણ ફરમાવ્યા પછી અલ્લાહ તઆલાએ માનવીને વિશ્વાસ દેવડાવ્યો તે પયગંબરની સુપુર્દગી, તાબેદારી છે. તે આહાર પ્રદાન કરશે. જેને પ્રાપ્ત કરીને અને તેને અમલમાં લાવીને મનુષ્ય પોતાના વ્યક્તિત્વની ઉન્નતિ કરી શકે છે. ફરમાવવામાં આવ્યું છે– “અમે તમને પઢાવશું, પછી તમે ભૂલશો નહીં.” એટલે કે તે તો ભૂલવાની વસ્તુ નથી. તેના પછી ફરમાવવામાં આવ્યું, ‘ઇલ્લા માશાઅ અલ્લાહ.’ તેનો એક અનુવાદ આ પ્રમાણે કરવામાં આવ્યો છે કે ‘તમે ભૂલશો નહીં સિવાય કે જે અલ્લાહ ચાહે.’ એટલે કે તેમાં અમુક ભાગો અલ્લાહ તરફથી ભૂલાવી દેવાની વાત કહેવામાં આવી છે. તેનો ઉચિત અર્થ એ છે કે જે મોલાના અબૂ સલીમ મુહમ્મદ અબ્દુલ હય્યએ પોતાની કિતાબમાં લખ્યો છે ; “કુઆર્નના વિષે આ વાત માન્ય છે કે તે પૂરી રીતે સુરક્ષિત છે. તેમાં ન તો એક શબ્દનો પણ વધારો થયો છે કે ન એક અંશનો ઘટાડો થયો છે. અમારૃં ઇમાન છે કે અત્યારે જે કુઆર્ન આપણી પાસે હાજર છે તે બિલ્કુલ તે જ છે જે પયગંબર મુહમ્મદ સલ્લ. પર અવતરિત થયું હતું. કુઆર્ન એનાથી એક અક્ષર પણ વધારે ન હતું. અલ્લાહ તઆલાએ તેની સુરક્ષા અને તેને પરિપૂર્ણ રૃપમાં સંગ્રહ કરી દેવાનો જે વાયદો ફરમાવ્યો તે બિલ્કુલ સત્ય હતો અને તે બરાબર પૂરો થયો.” ‘માશા-અલ્લાહ’નો આ આર્થ બરાબર જણાય છેકે અલ્લાહ જે ચાહે તે કરી શકે છે. તેની મરજી તમામ ઉપર વર્ચસ્વી છે. તે જે ચાહે છે તે થઇને રહેશે. તેનો આ નિર્ણય છે કે તમે કુઆર્નને નહીં ભુલો, એટલે તમે કુઆર્નને ભૂલી નહીં જાઓ, તમારે કોઇ જાતની ચિન્તા કરવાની કે પરેશાન થવાની જરૂરત નથી. જાહેર અને છુપુ બધુ જ તેના ઉપર રોશન છે. તે કુઆર્ન માટે તમારી તૃષાને પણ જાણે છે અને તમને જે પોતાની જવાબદારીનો તિવ્ર અહેસાસ છે તે પણ તેના જ્ઞાનમાં છે. તે વખતે કુઆર્ન કેવી રીતે ભૂલવા દેશે. (આસાન તફરીસ – મોલાના અબુ સલીમ મુહમ્મદ અબ્દુલ હય્ય)
કલામુલ્લાહ જ તે માધ્યમ છે જેના દ્વારા માણસ પોતાની આત્મશુધ્ધિ કરી શકે છે અને આ જ કાર્ય રસૂલોને સુપ્રત કરેલ હતું. પયગંબર મુહમ્મદ સલ્લ. એ આ કાર્ય કેવી રીતે કર્યું તેનું વર્ણન આવી રહ્યું છે. તઝકિયાની વાસ્તવિક્તાને સમજવા માટે એક બીજુ પાસુ પણ છે. કુઆર્ન કહે છે, “ખરેખર સફળ થઇ ગયો તે જેણે આત્માને વિશુદ્ધ અને વિકસિત કરી, અને નિષ્ફળ થયો તે જેણે તેને દબાવી દીધી.” (સૂરઃઅશ્-શમ્સ ૯-૧૦)
અહીં ‘તઝકિયા’ (આત્મશુધ્ધિ)ના વિરોધાર્થમાં ‘તદસિયા’ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. તદસિયાનો અર્થ જાણવા માટે આ આયતનો અભ્યાસ જરૂરી છે. જેમાં અરબ મુશ્રિકોની આ હાલત દર્શાવવામાં આવી છે કે “જ્યારે તેમના પૈકી કોઇ સમાચાર મળતા કે એના ત્યાં પૂત્રીનો જન્મ થયો છે તો તેનો ચહેરો કાળો પડી જાય છે તે મનમાંને મનમાં મુંઝાય છે અને લોકોથી સંતાતો ફરે છે. અને વિચારે છે કે અપમાન સહન કરીને તેને રહેવા દે અથવા તેને માટીમાં દાટી દે.” “…અપમાનની સાથે આ પુત્રીને રાખી લે કે માટીમાં દાટી દે?…” (સૂરઃનહ્લ ૫૯)
તદસિયાનો અર્થ દબાવી દેવું, દાટી દેવું, જમીનની નીચે કરી દેવું, શક્યતાઓને ધૂળમાં મેળવી દેવી. તેનાથી વિપરીત તઝકિયાનો અર્થ છે. ઉછેરવું, ઉભારવું, ઉંચે ચડાવવું, સફળ બનાવવું, પરિપૂર્ણ કરવું, વૃધ્ધિ કરવી, વિકાસ કરવો વગેરે. આથી તઝકિયામાં નીચે પ્રમાણેના કાર્યો સામેલ થયા;
૧. મનુષ્યનું સર્જન સર્વોત્તમ ઢાંચાથી કરવામાં આવ્યું છે એ કારણથી તે ઉત્તમથી સર્વોત્તમ તરફ આગળ વધે.
૨. માનવ પ્રકૃતિમાં શક્યતાઓ, યોગ્યતાઓનું જે પ્રમાણ અલ્લાહ તઆલાએ ઠેરવ્યું છે તે મંઝિલ સુધી પહોંચવાની મનુષ્ય મહેનત કરે અને તે માર્ગમાં અલ્લાહ તઆલાનો ઝિકર તેનો આહાર છે
૩. પોતાના અંતઃકરણમાં જોવા મળતા તણખા (ચિનગારી)ને જવાળાઓમાં ફેરવી દે, નહીં કે તેને હોલવી નાખે.