Homeઓપન સ્પેસતમે ફોનને નિયંત્રણમાં રાખો છો કે ફોન તમને?

તમે ફોનને નિયંત્રણમાં રાખો છો કે ફોન તમને?

થોડા સમય પહેલાં એક યુવાન મારી પાસે કાઉન્સેલિંગ માટે આવ્યો. તે આખી રાત મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહેતો અને દિવસનો મોટા ભાગનો સમય સૂવામાં પસાર કરી દેતો હતો. તે કૉલેજમાંથી સતત ગેરહાજર રહેવા લાગ્યો હતો. ભણવામાં રસ લગભગ ખતમ થઈ ગયો હતો. તેની ફરિયાદ હતી કે તે કોઈ પણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી, પાઠ યાદ રહેતા નથી અને જીવનમાં આગળ વધવાની હિંમત પણ નબળી પડી રહી છે.

તે અમુક નુકસાનકારક આદતોનો એટલો બધો આદી થઈ ગયો હતો કે તેનામાંથી બહાર નીકળવું તેના માટે મુશ્કેલ બની ગયું હતું. દર વખતે ક્ષણિક આનંદ મેળવ્યા પછી ફરીથી તેની જ તલપ ઊભી થતી. તે મનની શાંતિની આશામાં તે જ પ્રવૃત્તિઓ તરફ પાછો ફરતો, પરંતુ શાંતિ જાણે એક મૃગજળ બની રહી હતી.

મનોવિજ્ઞાનમાં આ સ્થિતિને સમજવા માટે એક શબ્દપ્રયોગ થાય છે: ડોપામાઇન લૂપ (Dopamine Loop). ડોપામાઇન મગજનું એક મહત્ત્વપૂર્ણ રાસાયણિક તત્વ છે જે પ્રેરણા (motivation) અને પુરસ્કાર પ્રાપ્તિની (reward) વ્યવસ્થામાં ભૂમિકા ભજવે છે. અમુક નુકસાનકારક વ્યસન (addiction) મગજના આ જ રિવૉર્ડ સિસ્ટમને જાણે હાઇજેક કરી લે છે. માણસ ત્વરિત આનંદનો આદી થવા લાગે છે અને તુલનાત્મક રીતે મહેનત માંગી લેતા, પરંતુ હેતુપૂર્ણ કાર્યોમાં તેનો રસ ઓછો થવા લાગે છે.

યુવાનોને હું અવારનવાર પૂછું છું:

તમે ફોનને તમારા નિયંત્રણમાં રાખો છો કે ફોન તમને પોતાના નિયંત્રણમાં રાખે છે? તમારી લાગણીઓ તમારા કાબૂમાં રહે છે કે તમે લાગણીઓના પ્રવાહમાં તણાતા ચાલ્યા જાઓ છો? ચિંતાઓ તમને ઘેરી રાખે છે કે તમે ‘આજ’માં જીવો છો?

ઘણા યુવાનો પ્રામાણિકપણે કબૂલાત કરે છે કે તેઓ પોતાની આદતો પરનો કાબૂ ગુમાવી રહ્યા છે.

અહીંથી જ આઝાદી અને ગુલામીની સાચી સમજ ઊભી થાય છે. માણસ દેખીતી રીતે આઝાદ હોય, પરંતુ પોતાની ઇચ્છાઓ અને આદતોનો ગુલામ બની જાય તો તે કેવી આઝાદી?

કુર્આન મજીદ ફરમાવે છે:

وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ ۝ فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ

“અને જેણે પોતાના રબ સમક્ષ ઊભા રહેવાનો ભય રાખ્યો અને નફ્સ (મન/આત્મા) ને (ખોટી) ઇચ્છાઓના અનુસરણથી રોક્યો, તો નિશ્ચિતપણે જન્નત જ તેનું ઠેકાણું છે.” (અન-નાઝિઆત: 40-41)

ઇસ્લામ ઇચ્છાઓનો નાશ ઇચ્છતો નથી, પરંતુ માણસને પોતાની ઇચ્છાઓ પર કાબૂ રાખવાની શીખ આપે છે. આ જ આત્મસંયમ છે અને આ જ તઝકિયા-એ-નફ્સ (આત્મશુદ્ધિ) નું એક મહત્ત્વપૂર્ણ પાસું છે.

પોતાની જાતને આ બંધનમાંથી મુક્ત કરવા માટે આજથી જ બે વ્યાવહારિક પગલાં ભરીએ:

  • પોતાની આદતોનું મૂલ્યાંકન કરો: તમારો કેટલો સમય મોબાઇલ અને બિનજરૂરી મનોરંજનમાં પસાર થાય છે? શું તમે તમારી ઇચ્છાથી ફોન વાપરો છો કે આદતવશ વારંવાર તેને ઉપાડો છો?
  • એક વ્યાવહારિક ફેરફાર લાવો: દરરોજ ઓછામાં ઓછો એક કલાક મોબાઇલથી દૂર રહીને વાંચન, પરિવારજનો સાથે વાતચીત અથવા કોઈ હેતુપૂર્ણ પ્રવૃત્તિમાં વિતાવો.

યાદ રાખો, અસલી આઝાદી એ નથી કે માણસ જે ચાહે તે કરી શકે, પરંતુ એ છે કે જે કામને તે યોગ્ય સમજે છે, તેને કરવાની શક્તિ પણ ધરાવતો હોય.

અલ્લાહ તઆલા આપણને પોતાની ઇચ્છાઓ પર કાબૂ રાખવાની અને આપણી જિંદગીને હેતુપૂર્ણ બનાવવાની તૌફીક અતા ફરમાવે. આમીન.


RELATED ARTICLES

1 COMMENT

  1. “તમે ફોનને નિયંત્રિત કરો છો કે ફોન તમને?” આ પ્રશ્ન દરેક યુવાને પોતાની જાતને પૂછવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments