તા. 8 ડિસેમ્બર, રવિવારના રોજ સુફ્ફાહ સેન્ટર ખાતે એક કાર્યક્રમ એસોસિએશન ફોર પ્રોટેકશન ઓફ સિવિલ રાઈટ્સ (એ.પી.સી.આર.) ના નેજા હેઠળ યોજાઈ ગયું.
કાર્યક્રમમાં પ્રારંભિક પ્રવચન આપતાં એ.પી.સી.આર. ગુજરાત ચેપ્ટરના પ્રમુખ શોકતઅલી ઇન્દોરીએ કહ્યું કે આપણા દેશનું બંધારણ ખૂબ જ શ્રેષ્ઠ બંધારણ છે, જે ફકત એક પુસ્તક જ નથી બલ્કે એ દેશના નાગરિકોને નિયંત્રણમાં રાખે છે, અને જેને સંચાલન કરવાની જવાબદારી ન્યાયતંત્રની છે. બાબરી મસ્જિદ ચુકાદા અંગે તેમણે જણાવ્યું કે આ ચુકાદો બંધારણીય મૂલ્યો વિરુદ્ધ છે અને ફકત આસ્થાની બુનિયાદ ઉપર આ ચુકાદો આપવામાં આવ્યો છે. વધુમાં કહ્યું કે આ ચુકાદા પાછળના ઉદ્દેશ્યને આપણે સમજવાની જરૂર છે. આવનારા દિવસોમાં પણ આ પ્રકારના ચુકાદા ન આવે તેથી લોકોમાં જાગૃતિ લાવવાની પણ આવશ્યકતા છે. છેલ્લે તેમણે લોકોને આહ્વાન કર્યું હતું કે એન.આર.સી. અને સી.એ.બી. જેવા ખતરનાક ખરડાઓ ઉપર પણ ખુલીને સંઘર્ષ કરવાની જરૂર જણાઈ રહી છે.
મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સભ્ય અને ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ મુહમ્મદ તાહિર હકીમ સાહેબે જણાવ્યું હતું કે, આ ટાઈટલ સ્યૂટનો કેસ હતો. પરંતુ સુપ્રીમ કોર્ટ દેશમાં શાંતિ અને સદભાવના બની રહે તે માટે આસ્થાના આધારે ચુકાદો આપ્યો છે જે બંધારણીય મૂલ્યો વિરુદ્ધ છે. તેમણે બાબરી મસ્જિદ વિશે વિગતવાર માહિતી આપી અને જણાવ્યું કે આ સમસ્યાને ત્રણ તબક્કામાં સમજી શકાય છે. એક જ્યારે બાબરના કહેવા પર મીર બાકીએ 1528માં બાબરી મસ્જિદનું નિર્માણ કર્યું.. અને બીજો તબક્કો 1528 થી 1856 જેમાં મોગલો અને નવાબોનો રાજ હતો. અને ત્રીજો તબક્કો 1856 થી 1947નો જેમાં અંગ્રેજોએ ભારતમાં શાસન કર્યું. આ ત્રણેય તબક્કાઓમાં સત્તાપક્ષ દ્વારા મસ્જિદને સરકારી તીજોરીથી ગ્રાન્ટ પણ આપવામાં આવતી હતી અને ઇતિહાસ સાક્ષી છે કે 1949 સુધી ત્યાં મુસ્લિમોએ નમાઝ પણ પઢી છે. વધુમાં તેમણે વિવિધ સમયરેખા દ્વારા હિંદુ ભાઈઓએ કઈ રીતે મસ્જિદ પર કબ્જો કરવાની ચેષ્ટા કરી છે એની વિગતવાર માહિતી આપી. તેમણે દોહરાવ્યું કે આ ચુકાદો ફકત હિંદુઓની આસ્થા ઉપર આપવામાં આવ્યું છે. છેલ્લે તેમણે કહ્યું કે કાંતો હવે એમ માની લેવું જોઈએ કે આ ચુકાદો મુસ્લિમો વિરુદ્ધ આવ્યો છે, જો કે આ વાસ્તવિકતા પણ છે. પરંતુ હું માનું છું કે મુસ્લિમોની નૈતિક જીત થઈ છે, કેમકે સુપ્રીમ કોર્ટ માન્યું છે કે 1528માં બાબરી મસ્જિદ બનાવવામાં આવી, જે કોઈ પણ મંદિરને તોડીને બનાવાઈ ન હતી. કોર્ટે માન્યું છે કે 1856થી લઈને 1949 સુધી ત્યાં નમાઝ પઢવામાં આવતી હતી. હિંદુઓ દ્વારા ખોટો અભિયાન ચલાવવામાં આવ્યો હતો. મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી, જેને સુપ્રીમ કોર્ટ તદ્દન નકાર્યું છે. તો આનાથી હાર કોઈ થઈ? હાર તો હિંદુ પક્ષકારોની થઈ છે કે તેઓ સાબિત ન કરી શક્યા કે ત્યાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. જ્યારે ત્યાં મસ્જિદ હતી અને તે ઉપયોગમાં પણ હતી એ સાબિત થાય છે. કોર્ટે એ પણ માન્યું છે કે, 22-23 ડિસેમ્બરની મધ્ય રાત્રે ત્યાં બાબરી મસ્જિદમાં મૂર્તિઓ મૂકી તે પણ એક ગુનાઈત કૃત્યુ હતું. જ્યારે 1992માં મસ્જિદ તોડવામાં આવ્યું એ પણ ગેરબંધારણીય છે. આ બધી બાબતોથી જણાય છે કે દેખીતી રીતે ભલે હિંદુઓ જીત્યા છે, પરંતુ મુસ્લિમોની નૈતિક જીત થઈ છે.
પારુલ ઇન્સ્ટીટ્યુટ ઓફ લોના ડાયરેક્ટર અને ડીન ડો. અકીલ સૈયદે સુ્પ્રીમ કોર્ટ દ્વારા અપાયેલ વિવિધ ચુકાદા ઉપર કેસ સ્ટડી રજૂ કરી હતી. તેમણે કહ્યું કે બંધારણીય નૈતિકતા સારી રીતે ઉપયોગમાં ન લેવાય તો ખૂબ જ ભયજનક પરિસ્થિતિ સર્જાય છે.
પ્રખ્યાત લેખક અને ફોરમ ફોર ડેમોક્રેસી એન્ડ કોમ્યુનલ એમિટી (એફ.ડી.સી.એ.) ગુજરાતના પ્રમુખ ડંકેશ ઓઝાએ છેલ્લે પ્રવચન આપતાં કહ્યું કે, ભલે સુપ્રીમ કોર્ટ દ્વારા આસ્થાના આધારે અને દેશમાં ફકત શાંતિ બની રહે એ માટે ચુકાદો હિંદુઓના હકમાં આપ્યો, અને ચુકાદા પછી બંને કોમોના લોકોએ કોમી સોહાર્દનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, એ લોકશાહીની પ્રગતિ છે અને સારા કાર્યોને બિરદાવવું જોઈએ. તેમણે કહ્યું કે જ્યારે આપણે બંધારણીય અને લોકશાહી મુજબ સમાજ સ્થાપના પ્રયત્નો કરતા હોઈએ છીએ તો આપણો સમાજ, પંથ વિ. અવરોધક બને છે. એટલે બંધારણ થકી સમાજ સ્થાપવો હોય તો લોકશાહી મૂલ્યોને જાળવવો પડશે.
અંતે એસોસીએશન ફોર પ્રોટેકશન ઓફ સિવિલ રાઇટ્સ, અહમદાબાદ ચેપ્ટરના પ્રમુખ વાસિફ હુસૈનએ આભાર વિધિ આપી બધા જ વક્તાઓ અને શ્રોતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.