Friday, November 22, 2024
Homeકેમ્પસ વોઇસનીડર બનો, હતાશ નહી

નીડર બનો, હતાશ નહી

વ્હાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો :

મારું નામ કરીમ લાખાણી છે. અમદાવાદમાં છેલ્લા વીસ વર્ષથી હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું. મારી કારકિર્દીની શરૂઆત મેં શિક્ષક તરીકે કરી હતી. જુહાપુરા ખાતે આવેલ ક્રેસન્ટ શાળામાં અને શાહીન ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું. સાથે સાથે Ahmedabad Education Group, Grow Up Education Society જેવી શૈક્ષણિક જગત સાથે સંકળાયેલી સંસ્થાઓ સાથે સંકળાયેલ છું. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી શું? તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપવાના સેમિનાર અને મેળાનું મિત્રોની મદદથી આયોજન કરું છું.

ટીવીની એક મશહૂર જાહેરાત મને યાદ આવે છે કે જેમાં પૂછવામાં આવે છે કે, “ક્યા ચલ રહા હૈ?” અને એનો જવાબ દરેકને મોઢે યાદ થઈ ગયો છે. “ફોગ ચલ રહા હૈ.” તેવી જ રીતે આપણે ત્યાં ફેબ્રઆરી અને માર્ચ મહિનો આવે એટલે કોઈને પણ પૂછો તો જવાબ મળશે એક્ઝામ ચલ રહી હૈ. ભાગ્યે જ એવું કોઈ કુટુંબ હશે કે તેમના સંતાનો ધોરણ ૧૦ કે ૧૨ની પરીક્ષા આપી ન રહ્યા હોય, તો સર્વત્ર વાતાવરણ પરિક્ષામયી બની ગયું છે. તેવું ચોક્કસ કહી શકાય.

“આયા મૌસમ પરિક્ષા કા.”

વિદ્યાર્થી મિત્રો પરીક્ષા અને વિદ્યાર્થી જીવન એક સિક્કાની બે બાજુ છે. જ્યાં પરિક્ષા હોય ત્યાં વિદ્યાર્થી અને જ્યાં વિદ્યાર્થી હોય ત્યાં પરિક્ષા હોય. બંને એકબીજાના પૂરક છે. એટલે કે વિદ્યાર્થી જીવનમાં પરિક્ષા અનિવાર્ય છે. હવે ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષાને માત્ર જુજ દિવસો બાકી રહ્યાં છે. આપમાંથી ઘણા બધાને થતું હશે. “ક્યા કરે ક્યા ના કરે, યે કેસી મુશ્કિલે હાય! કોઈ તો બતા દે ઇસકા હલ ઓ મેરે ભાઈ.” આપની આ માનસિક પરિસ્થિત અમે લોકો બરાબર સમજી શકીએ છીએ. કારણ કે અમે લોકો પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યા છીએ. આપને ડર લાગતો હશે, અમને પણ પરીક્ષાનો ડર લાગતો હતો. આપ લોકોને એવું પણ થતું હશે “શું પઢાશે” અમને પણ તેવું જ થતું હતું. તમને થતું હશે પરિક્ષા પાછળ ઠેલાય તો કેટલું સારું ! અમને પણ તેવું જ થતું હતું. પરંતુ મિત્રો આજે જે પણ સફળ લોકો છે, તેઓ આ જ પરિસ્થિતિમાંથી પસાર થયા છે. એક કહેવત છે ને, “No Pain, No Gain” એવું કહેવાય છે પરિક્ષાને આપણે દુશ્મન ન ગણતા તેને આપણો મિત્ર બનાવી એને આપણી સફળતાની સીડી તરીકે ગણીએ તો ખરેખર આપણે પરીક્ષાનો આનંદ ઉઠાવી શકીશું. મિત્રો તમે એક કહેવત સાંભળી હશે, દશેરાના દિવસે ઘોડો ન દોડે. જો ક્રિકેટની ભાષામાં હું કહું તો ખેલાડીએ પ્રેક્ટિસ મેચમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હોય, પરંતુ ફાઇનલ મેચ વખતે જો ખેલાડી યોગ્ય પરફોર્મન્સ ન આપે તો અગાઉ કરેલા દેખાવનો મહત્વ રહેતું નથી. તેવી જ રીતે આપે, આપના શિક્ષકોએ, વાલીઓએ આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરેલ હોય, પરંતુ પરીક્ષા દરમ્યાન ખાસ કરીને ત્રણ કલાકમાં જો આપ યોગ્ય રીતે લખશો નહી તો આપ ઇચ્છિત પરિણામ મેળવી શકશો નહી. આપે વર્ષ દરમ્યાન સખત મહેનત કરેલ કરી હશે, પરંતુ પરિક્ષામાં સમયગાળા દરમ્યાન જો આપ શારીરિક રીતે અને માનસિક રીતે ફીટ નહી હોવ તો આપની ક્ષમતા હોવા છતાં પણ આપ સારું પરિણામ લાવી શકશો નહી. તો મિત્રો આજનો મારો ટોપીક છે પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં રાખવાની બાબતો : હું આ ટોપીકને ત્રણ ભાગમાં વહેંચીશ :

જનરલ સૂચનાઓ :

 (૧) સારી રીતે પરીક્ષા આપવા માટે આપ લોકો શારીરિક રીતે ફીટ હોવા ખૂબ જ જરૂરી છે. માટે પૂરતી ઊંઘ ચોક્કસ લેવી, જંક ફૂડ એવોઇડ કરવું, પૂરતા પ્રમાણમાં પાણી પીવું, સવારે હળવો નાસ્તો કરીને Exam આપવા જવું.

(૨) Repetition is the mother of all skills. વર્ષ દરમ્યાન તમે તમારો અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હશે, પરંતુ આપણી યાદ શક્તિની અમુક મર્યાદાઓ છે. બધું વાંચેલું, લખેલું યાદ રહેતું નથી. માટે, પરિક્ષા દરમ્યાન મર્યાદિત સમયમાં વર્ષ દરમ્યાન પૂર્ણ કરેલ અભ્યાસક્રમનું પુનરાવર્તન ખૂબ જ જરૂરી છે.

 (૩) પરીક્ષાનું ટાઇમટેબલ એકવાર ધ્યાનપૂર્વક જોઈ લેવું. કઈ તારીખે કઈ પરિક્ષા છે? કેટલા વાગ્યે છે? આપનો નંબર કઈ શાળામાં આવેલો છે? બ્લોક નંબર, બેઠક નંબર, હોલ ટીકીટ, બરાબર ચકાસી લેવું. શક્ય હોય તો રૂબરૂ પરિક્ષાના સ્થળની મુલાકાત લેવી.

 (૪) દરેક પરિક્ષાના સમય પહેલા પરિક્ષાના સ્થળે પહોંચી જવું. ઘરેથી નીકળતા પહેલાં Answer લખવાની તમામ વસ્તુઓ લેવી. જેમ કે હોલ ટિકિટ, પેન, પેન્સિલ, ફૂટપટ્ટી, કેલ્ક્યુલેટર વગેરે. હોલ ટીકીટ ની એક્સ્ટ્રા ઝેરોક્ષ કઢાવી રાખવી.

પરીક્ષાખંડમાં પ્રવેશ્યા પછી :

આપણું મગજ ૨૪ કલાક ૩૬૫ દિવસ ચાલે છે. પરંતુ ખબર નહી કે પરિક્ષાખંડમાં બેસતાં જ બંધ થઈ ગયું હોય તેવું લાગે છે.

 (૧) પરીક્ષાખંડમાં પ્રવેશ્યા પછી આપ આપની જગ્યાએ બિલકુલ રિલેક્સ થઈને બેસો, મગજને શાંત કરી દો, આંખો બંધ કરી પોતાના ઇષ્ટદેવતાને યાદ કરી લો, ઊંડો શ્વાસ લો.

 (૨) સૌપ્રથમ આવેલ ઉત્તરવહીમાં તમારી વિગતો શાંતિથી અને બરાબર રીતે ભરી લો.

 (૩) જ્યારે પ્રશ્ન પેપર હાથમાં આવે ત્યારે એકવાર at a glance આખું પ્રશ્ન પેપર જોઈ લો. જરા પણ ઉતાવળ કર્યા વગર તેમાંથી કયા પ્રશ્નોનાં જવાબ તમને ખૂબ જ સારી રીતે આવડે છે તે નક્કી કરો. આપને ખબર પડશે કે જે પ્રશ્નોનાં જવાબ આવડતા હશે તેમાં વધુ સમય આપો. કારણ કે તેમાં વધુ માર્ક આવવાની સંભાવના રહેલી છે.

 (૪) એવું જરૂરી નથી પ્રશ્નોનાં જવાબો ક્રમાનુસાર લખવા. પરંતુ સબસેક્શન તમારે મુખ્ય જવાબની સાથે જ લખવાના હોય છે તે ધ્યાન રાખવું.

 (૫) પ્રશ્નોનાં માર્ક પ્રમાણે જવાબ આપવામાં સમય આપવો.

 (૬) જવાબ આપવાની રજૂઆત  સરસ અક્ષરે સારી રીતે કરવી. હાઈલાઈટ્સ અને અંદર લાઇનનો ઉપયોગ કરો.

 (૭) પેપર પૂર્ણ થઈ ગયા પછી પેપરમાં એકવાર નજર ફેરવી દો.

પરિક્ષા દરમ્યાન શું કરવું તે તો મહત્વનું છે જ, પરંતુ સાથે સાથે શું ન કરવું તે પણ એટલું જ મહત્વનું છે.

 (૧) શક્ય હોય ત્યાં સુધી મોબાઈલ અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ ટાળવો. વોટ્સએપ, ફેસબૂક, ઇંસ્ટાગ્રામ જેવી એપ્લિકેશન આપને ડિસ્દ્રેક્ટ કરી શકે તેમ છે.

(૨) તમારા મિત્રોને પરિક્ષા દરમ્યાન ફોન ન કરવો અથવા અભ્યાસની વાતચીત ન કરો.

(૩) પરિક્ષા આપ્યા બાદ મિત્રો સાથે પેપર સોલ્વ ન કરો. Done is done. ઘણી વાર આવી ચર્ચાની અસર પછીની પરિક્ષા ઉપર પણ થતી હોય છે.

(૪) પરિક્ષા દરમ્યાન નવી બુક કે નવું ચેપ્ટર શીખવાનું શરૂ ન કરો.

(૫) પરિક્ષા દરમ્યાન બહારનાં કોઈ પણ પ્રકારના ફૂડને એવોઇડ કરો.

(૬) પરિક્ષા દરમ્યાન કોપી કરવાનો કે કોઈને કોપી કરાવવાનો બિલકુલ પ્રયત્ન ન કરો.

(૭) પરિક્ષા દરમ્યાન ઘણી બધી અફવાઓ આવતી હોય છે એમાં પોતાનો સમય ન બગાડવો.

વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી જીવન દરમ્યાન ઘણી બધી પરીક્ષાઓ આવી છે અને સફળતાપૂર્વક પસાર કરી છે. આ પણ એક વધારાની પરિક્ષા જ છે. આ પરિક્ષા તમારી ક્ષમતા, તમારી Smartness, તમારી બુદ્ધિની નથી. આ માત્ર એક સામાન્ય પ્રક્રિયા ગણી પરિક્ષા આપશો તો ચોક્કસ સફળ થશો તેવી અમારી બધાની શુભેચ્છા, આપની અને આપના પરિવારની સાથે છે.

All The Best…

લેખ સાભારઃ ટુડેઝ ફેક્સ સમાચાર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments