Tuesday, September 10, 2024
Homeઓપન સ્પેસમુસ્લિમોનું શૈક્ષણિક પછાતપણું કઈ રીતે દૂર કરી શકાય?

મુસ્લિમોનું શૈક્ષણિક પછાતપણું કઈ રીતે દૂર કરી શકાય?

(જાણીતા પત્રકાર સ્વામી નાથન ઐયરનો બેરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીના નામે પત્ર, જેમાં એક અગત્યના મુદ્દા તરફ મુસલમાનોનું ધ્યાન દોરવામાં આવ્યું છે.)

અનુવાદ: અનસ બદામ (ગોધરા)

પ્રિય અસદુદ્દીન ઓવૈસી!

તાજેતરમાં તમે મુસ્લિમો અને અન્ય સમુદાયો વચ્ચે સાક્ષરતા અને શાળાની હાજરી દરમિયાન વધતા જતા તફાવત અને ફાસલા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. તમે NSSOના ૭૫માં રાઉન્ડ રિપોર્ટને ટાંકીને કહ્યું છે કે, ૩ થી ૩૫ વર્ષની વયની ૨૨% મુસ્લિમ છોકરીઓએ ક્યારેય કોઈ ઔપચારિક શૈક્ષણિક કોર્સમાં પ્રવેશ નથી લીધો. પ્રાથમિક સ્તરે મુસ્લિમોમાં ખાસ કરીને છોકરીઓની હાજરીનો તફાવત થોડોક ઓછો છે, પરંતુ ઉચ્ચ શિક્ષણના સ્તરે તેમાં તેજીથી વધારો થતો જાય છે.

તમે આ સમસ્યાનું તારણ કાઢતા કહ્યું છે કે, તેનું કારણ એ છે કે, “એક પછી એક સત્તામાં આવેલ સરકારોએ મુસ્લિમો માટે શિક્ષણમાં રોકાણ ન કરવાની પરંપરાને જાળવી રાખી છે.” તમારો સૂચવેલ ઉપાય એ છે કે, બધા માટે સરકારી શિષ્યવૃત્તિ હોય. તમે સચ્ચર સમિતિના અહેવાલમાં પ્રકાશિત મુસ્લિમોની આર્થિક અને સામાજિક પછાતપણાને સુધારવા માટે શિક્ષણના મહત્ત્વને ઉજાગર કરો છો, તેનો મને આનંદ છે, પરંતુ સ્કોલરશિપનો અભાવ માત્ર મુસ્લિમોને નહિ તમામ સમુદાયોને અસર કરે છે.

ખ્રિસ્તીઓ, જે ભારતનો જ એક લઘુમતી સમુદાય છે, શૈક્ષણિક રીતે તેમની સ્થિતિ હિંદુઓ સહિત તમામ સમુદાયોની સરખામણીમાં ખૂબ જ સારી છે, અને એ વાત ખાસ ઉલ્લેખનીય છે કે, તેમની આ સ્થિતિ સરકારી શિષ્યવૃત્તિને કારણે નથી.

સરકાર પર આધારીત રહેવાને બદલે, ખ્રિસ્તીઓ લાંબા સમયથી પોતાના બળે પોતાની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે (દા.ત. સેન્ટ સ્ટીફન્સ કોલેજ અને દિલ્હીમાં સેન્ટ કોલંબા સ્કૂલ) ખ્રિસ્તી શાળાઓ અને કોલેજોની ગુણવત્તા એટલી સારી છે કે, હિન્દુઓ અને મુસ્લિમો પણ તેમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી કરતા હોય છે. અને આ સ્થિતિ એટલા માટે નથી કે ખ્રિસ્તીઓ પાસે વધુ પૈસા છે. મુસ્લિમ વકફ બોર્ડો પાસે હજારો કરોડની સંપત્તિઓ છે. જકાતની રકમ દ્વારા પણ મુસ્લિમો શિક્ષણ ‌સહિતના બીજા અન્ય સેવાકાર્યો માટે પણ મોટી આવક ભેગી કરે છે. મુસ્લિમ સમુદાય પાસે વૈશ્વિક કક્ષાની શાળાઓ અને કોલેજો બનાવવાના સંસાધનો પણ મોજૂદ છે. અને આવા જ સંસાધનોનો ઉપયોગ કરી કેટલીક ‌હાઈ સ્ટાન્ડર્ડની યુનિવર્સિટીઓ પણ સ્થાપી છે, જેમકે અલીગઢ યુનિવર્સિટી, ઉસ્માનિયા યુનિવર્સિટી અને જામિયા મિલ્લિયા ઇસ્લામિયા. કેરળની મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી જેવી દક્ષિણની મુસ્લિમ સંસ્થાઓએ પણ સારું કામ કર્યું છે. છતાં આ અપવાદરુપ ઉદાહરણો કહી શકાય, અને તેથી ઓવર ઓલ જોઈએ તો મુસ્લિમો શૈક્ષણિક રીતે પછાત જ રહે છે.

એકંદરે, મુસ્લિમ સંસ્થાઓમાં ખ્રિસ્તી સંસ્થાઓ જેવી વિશેષતાઓ જોવા નથી મળતી. આ જ કારણસર હજારો નવી પ્રાઈવેટ શાળાઓ પોતાનું નામ ‘હોલી મધર’ અથવા ‘સેન્ટ પીટર્સ’ જેવા “કોન્વેન્ટ” નામે રાખે છે, કારણ કે કોન્વેન્ટ શાળાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ અપાય છે. મુસ્લિમ શાળાઓમાં આવું શિક્ષણ અપાતું નથી, અહીં સુધી કે હિન્દુ શાળાઓમાં પણ એ ગુણવત્તાવાળા શિક્ષણની વ્યવસ્થા નથી.

ખ્રિસ્તી મિશનરીઓ માત્ર ભારતીયોને શિક્ષિત કરવા માટે આવ્યા ન હતા, બલ્કે તેઓનો એક ધાર્મિક એજન્ડો પણ હતો, અને તેથી જ સારી શાળાઓએ ખ્રિસ્તી ધર્મ માટે આકર્ષણ પેદા કરવામાં પણ મદદ કરી. જોકે મિશનરી શાળાઓએ ક્યારેય ધાર્મિક શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું નહી. તેઓનો મૂળ હેતુ શિક્ષણના દરેક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ અને શ્રેષ્ઠતા સ્થાપિત કરવાનો હતો.

મુસ્લિમ શાસનની શરૂઆતની સદીઓ દરમિયાન, ભારત શિક્ષણના એક મહાન કેન્દ્ર તરીકે જાણીતું હતું, જેની ઇબ્ને બતૂતા જેવા મુસાફરોએ પણ પુષ્ટિ કરી છે. કેટલાક મુસ્લિમ શાસકોનો હેતુ શિક્ષણમાં સુધાર લાવવાનો અને તેના પ્રચાર પ્રસારનો પણ હતો. પરંતુ એકંદરે ખેદજનક કહાણી એ છે કે, મુસ્લિમ અને હિન્દુ એમ બંને રાજ્યોમાં ભારત શૈક્ષણિક રીતે પશ્ચિમથી ઘણું પાછળ રહ્યું છે. ઓક્સફર્ડ, કેમ્બ્રિજ કે રોયલ સોસાયટી જેવી કોઈ સંસ્થા ભારતમાં સામે આવી નથી. ઈ.સ.૧૮૭૦ના દાયકામાં સાક્ષરતાનો દર માત્ર 3.2% હતો. બ્રિટિશ શાસનકાળમાં તેમાં સુધારો થયો પરંતુ 1941માં પણ સાક્ષરતા દર માત્ર ૧૪.૧ % જેટલો જ હતો. મદ્રેસાઓની મહાન શૈક્ષણિક કેન્દ્રોની હેસિયત ખતમ થઈ ગઈ અને અવકાફે તેમને સામાન્ય રીતે બાળકોને માત્ર કુર્આનના શિક્ષણ પૂરતા જ સીમિત કરી દીધા.

ઘણા વિવેચકો કહે છે કે, મુસ્લિમો એટલા માટે પછાત છે, કારણ કે તેઓ મદ્રેસાંના ઉપરછલ્લા શિક્ષણ પર આધાર રાખી બેઠા છે, તેથી તેનો ઉપાય એ છે કે, મદ્રેસાના અભ્યાસક્રમોમાં સુધારણા અને આધુનિકરણ (અપડેટ) કરવામાં આવે. પરંતુ માફી સાથે એટલું જરુર કહીશ કે, આ વાત સાથે હું સહમત નથી, કારણ કે સચ્ચર કમિટીએ તારવ્યું હતું કે માત્ર ૪% મુસ્લિમો જ મદ્રેસાઓમાં શિક્ષણ મેળવે છે. આમ મદરેસા એ તેમના શૈક્ષણિક પછાતપણાનું મૂળ નથી. તેનું એક કારણ સદીઓથી મુસ્લિમ અશરાફિયા (ઉચ્ચ કે ભદ્ર વર્ગ)ની એ પરંપરા પણ હોઈ શકે, જેમાં શિક્ષણને બદલે લશ્કરી તાલીમ પર ભાર મૂકવામાં આવતો હતો. એમ.જે. અકબર જેવા જાણીતા મુસ્લિમોએ એ વાતે દુ:ખ વ્યક્ત કર્યું હતું કે, છોકરીઓના શિક્ષણને લઈને જોવા મળતો મુસ્લિમોનો સંકોચ અને અનિચ્છા મુસ્લિમોના અડધા સમુદાયને પછાત રાખશે.

પરંતુ આ કારણો જ પછતપણાની આખી કહાણી ન હોઈ શકે. મુસ્લિમો એક સમયમાં વિજ્ઞાન અને ચિકિત્સાના ક્ષેત્રોમાં આખા વિશ્વમાં આગવી ઓળખ અને પ્રસિદ્ધિ ધરાવતા હતા. મને ઉઝબેકિસ્તાનની મુસાફરી દરમિયાન જાણવા મળ્યું હતું કે મધ્યયુગમાં સમરકંદ, બુખારા અને ખીવાના મદ્રેસાઓની ગણના વિશ્વની કેટલીક શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં થતી હતી, જ્યાં દુનિયાના શ્રેષ્ઠ વૈજ્ઞાનિકો અને ગણિતશાસ્ત્રીઓ શિક્ષણ આપતા હતા. તૈમૂરલંગના પૌત્ર ઉલુગ બેગ તત્કાલીન સમયના મહાન ખગોળશાસ્ત્રી હતા. ખીવા એ મુહમ્મદ અલ-ખ્વારિઝ્મીનું જન્મસ્થળ હતું, જેમણે બીજગણિત, અલ્ગોરિધમ અને દશાંશ પદ્ધતિ જેવા વિજ્ઞાનોના પ્રચાર પ્રસાર કરવામાં ખૂબ આગળ પડતો ભાગ ભજવ્યો હતો. ઇબ્ને સીના (પશ્ચિમ જેમને ‘એવિસીના’ના નામથી ઓળખે છે.) પોતાના સમયના અગ્રણી તબીબી નિષ્ણાત ગણાતા હતા, તેઓ બુખારા અને ખીવામાં ભણાવતા હતા. આવો સમૃદ્ધ વારસો મળ્યો હોવા છતાં ભારતીય મદ્રેસાઓમાં કોઈ એવો વૈજ્ઞાનિક પાક્યો નહીં, જેની મહાનતા અને શ્રેષ્ઠતાની દુનિયામાં ચર્ચાઓ થતી હોય!

શ્રી ઓવૈસી! ભારતની સરકારી શાળાઓની ગુણવત્તા એટલી નબળી છે કે, જો સરકારી શિષ્યવૃત્તિમાં વધારો પણ કરી દેવાય તો પણ તેનાથી મુસ્લિમો કે અન્ય કોઈ પણ સમુદાયને ખૂબ નજીવો ફાયદો થઈ શકે. વકફ બોર્ડો અને સધ્ધર કહી શકાય એવા ભારતીય મુસ્લિમો પાસે વિશ્વ કક્ષાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવા માટે પૂરતી નાણાકીય ક્ષમતા છે. શું પહેલા ૨૦૦ ટોપ ક્લાસની એવી સ્કૂલો બનાવી ન શકાય, જે વિદેશી વિદ્યાર્થીઓને પણ આકર્ષી શકે? અને પછી ધીમે ધીમે આ સંખ્યા બે હજાર સુધી ન લઈ જઈ શકાય? પછી આગળનું ટાર્ગેટ એ રાખી શકાય કે ઓછામાં ઓછી ત્રણ વૈશ્વિક સ્તરની યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવે અને પ્રાચીન બુખારા અને સમરકંદની શૈક્ષણિક સંસ્થાઓની યાદમાં તેમને ‘મદ્રેસા’નું જ નામ ન આપી શકાય? તમે તેમનું નામ ઉલુગ બેગ, અલ-ખુવારીઝ્મી અને ઇબ્ને સીના પણ રાખી શકો. આજે હજારો હિન્દુઓ એ વાતે ગર્વ અનુભવે છે કે તેઓ ‘સેન્ટ સ્ટીફન્સ’ કોલેજમાં ભણ્યા છે. પ્લીઝ! તમે પણ એવા ભારતનું સપનું સેવો જ્યાં હજારો ‘હિન્દુ’ ‘ઉલુગ બેગ મદ્રેસા’માં શિક્ષણ પ્રાપ્ત કરવાને ગૌરવ સમાન સમજે!

(ઓરિજનલ આર્ટિકલ ૩૦ ઓગષ્ટ, ૨૦૨૦ના રોજ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રકાશિત થયો હતો.)


લેખકના વિચારોથી સંગઠન અથવા સંપાદકમંડળનું સહમત હોવું જરૂરી નથી.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments