સુપ્રીમ કોર્ટે જાણીતા વકીલ પ્રશાંત ભૂષણને અનાદરના મામલામાં દોષી ગણાવ્યા બાદ એક રૂપિયાના દંડની સજા સંભળાવી છે. દંડ ના ભરવાની સ્થિતિમાં તેમને ત્રણ મહિનાના જેલની સજા થઈ શકે છે અથવા ત્રણ વર્ષ સુધી કાયદાની પ્રેક્ટિસ પર પણ રોક લગાવી શકાય છે.
સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે કોર્ટનો ચુકાદો કોઈ પ્રકાશન કે મીડિયામાં આવેલા વિચારોથી પ્રભાવિત થઈ શકતો નથી. આ પહેલાં સુપ્રીમ કોર્ટે આ મામલામાં સુનાવણી કરતાં તેના પરની સજાના ચુકાદાને સુરક્ષિત રાખ્યો હતો.
પ્રશાંત ભૂષણે એવું કહીને કોર્ટની માફી માગવાનો કે પોતાની ટિપ્પણી પરત લેવાનો ઇન્કાર કર્યો હતો કે આવું કરવું તે ‘તેમના અંતરાત્મા અને કોર્ટના અનાદર’ સમાન હશે.
સુપ્રીમ કોર્ટ સામે ભૂષણના વકીલે તર્ક આપ્યો હતો કે કોર્ટે પોતાની ટીકાનો સ્વીકાર કરવો જોઈએ. તો બીજી તરફ ઍટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને ભૂષણને સજા ન આપવાની વિનંતી કરી હતી.
અત્રે યાદ રહે કે ન્યાયપાલિકાનો તિરસ્કાર કે અનાદર નો મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ચર્ચા નો વિષય ત્યારે બન્યો જ્યારે પ્રશાંત ભૂષણે 27મી અને 29મી જૂને વિવાદાસ્પદ ટ્વિટ કરી ન્યાય પાલિકા અને મુખ્ય ન્યાયાધીશો મામલે ટિપ્પણી કરી. ભારત જેવા લોકશાહી દેશમાં તમામ સંવિધાનિક સર્વોચ્ચ હોદ્દા ઉપર બિરાજમાન રાજનૈતિક કે સામાજિક હસ્તીઓ પર ટીકા-ટિપ્પણી એ કોઈ નવી વાત નથી. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર એવા હજારો ચેટસ ટ્વીટ્સ સ્ટેટ્સ વગેરે હોય છે જે લોકોના તિરસ્કાર, ગુસ્સા, વિશ્વાસ, અંધવિશ્વાસ, વ્યંગ, કલા વગેરેને પ્રતિબિંબિત કરે છે. ઘણી વખત લોકશાહીમાં વાણી સ્વતંત્રતા પર ગરમાગરમ ચર્ચાઓ પણ થાય છે પરંતુ તે તમામ ચર્ચાઓ વ્યક્તિઓની માનસિકતા, વિચારો અને શ્રદ્ધા ને અનુરૂપ બદલાતી હોય છે. પ્રશાંત ભૂષણનો મામલો પણ વાણી સ્વતંત્રતાનો જ છે પરંતુ તેમને મળેલી સ્વતંત્રતાનાં તેમનાં અધિકારનો ઉપયોગ ન્યાયપાલિકા અને તેના ન્યાયાધીશો વિશે કરતા ફરી વાણી સ્વતંત્રતાની ચર્ચાએ જોર પકડયું છે.