કોરોનાની આ મહામારીમાં પણ સાંપ્રદાયિક સદભાવનાનું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. લખનઉએ પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે. લખનઉમાં મસ્જિદોમાંથી કોરોનાના દર્દીઓને મફતમા ઓક્સિજન કંસેન્ટ્રેટર આપવામાં આવી રહ્યાં છે. મસ્જિદ કમિટીઓએ નિયમ બનાવ્યો કે 50 ટકાથી વધુ ઓક્સિજન કંસેન્ટ્રેટર બિન મુસ્લિમ દર્દીઓને આપવામાં આવશે. જેથી કોઈ એમ ન કહી શકે કે મસ્જિદમાં ફક્ત મુસ્લિમોની જ મદદ કરવામાં આવી રહી છે. લખનઉની લાલબાગ જામા મસ્જિદમાં દુઆ પણ થઈ રહી છે અને દવા પણ કરી રહ્યા છે. નમાઝીઓની કતારો સાથે ઓક્સિજન કંસેન્ટ્રેટર, પીપીઈ કીટ, ઓક્સિજન રેગ્યુલેટર માટે પણ કતારો સ્પષ્ટ જોઈ શકાય છે.
મસ્જિદ કમિટીના અધ્યક્ષ જુનુન નોમાનીએ કહ્યું કે ઘણી વસ્તુઓ વહેંચી ચૂક્યા છીએ અને કંઈક કંઈક વહેંચાતુ રહે છે. હજુ ઘણાં આવશે. નોમાનીએ કહ્યું કે લોકો અહીં આવે છે અને રડવા લાગે છે. રાત્રે 3-4 વાગ્યે પણ અમને લોકોના ફોન આવે છે અને મદદ માટે પોકારે છે. અમે આવા જરૂરતમંદ લોકોની મદદમાં લાગેલા છીએ. નોમાની સાથે વાતચીત દરમ્યાન જ રચિત કુકરેજા ત્યાં પહોંચ્યો. તેમના પિતાનું ઓક્સિજન લેવલ અત્યંત ઓછું થઈ ગયું હતું. કેટલીક ઔપચારિકતાઓ પૂરી કર્યા બાદ તેમને એક ઓક્સિજન કંસેન્ટ્રેટર મળી ગયું. રચિત ગભરાયેલા આવ્યાં હતાં અને ખુશ થઈને ગયા.
કુકરેજા એ કહ્યું કે મારો એક મિત્ર અહીંથી મસ્જિદના સામેથી નીકળી રહ્યો હતો, તેણે જ્યારે અહીં બેનર જોયું કે અહીં કોરોના પીડિતોની મદદ કરવામાં આવે છે તો તેણે મને આ જાણકારી આપી. કુકરેજા એ ત્યાર બાદ અહીં ફોન કર્યો ત્યારે તેને જણાવ્યું કે તમે બેફિકર થઇને અહીં આવી જાઓ. પ્રમોદ શર્મા નામની એક અન્ય વ્યક્તિ અહીંથી ઓક્સિજન કંસેન્ટ્રેટર લઈને ગયા. તેમને ત્યાં બધા ક્ષેમકુશળ છે. પરંતુ તે કંસેન્ટ્રેટર લઈ જઈને પાડોશીઓની મદદ કરી રહ્યા છે. પ્રમોદે કહ્યું કે તેના પાડોશમાં એક આન્ટી છે, જેમનો પુત્ર નોઈડામાં છે, આથી અમે તેમની મદદ કરી રહ્યા છીએ. છેલ્લા ત્રણ દિવસથી તેમનું ઓક્સિજન સ્તર ઘણું નીચું આવી ગયું છે. આના પહેલાં પણ તેમની માટે અહીંથી મદદ લઈ ચૂક્યા છે.
નોમાનીનું કહેવું છે કે શહેરમાં હિન્દુઓની સંખ્યા પણ મુસ્લિમો કરતાં વધુ છે. બિન મુસ્લિમો માટે 50 ટકા મદદ ફાળવણી કરવાનો આ જ હેતુ છે. નોમાનીનું કહેવું છે કે આ કોઈ મોટી વાત નથી, અમે ફક્ત ઇન્સાનોની મદદ કરી રહ્યાં છીએ. અમે હિન્દુ મુસ્લિમ જોતાં નથી. દરેક જરૂરતમંદ વ્યક્તિનો અહીં સ્વાગત કરવામાં આવે છે.
મસ્જિદથી થોડુંક દૂર અહીં કેટલાક લોકો રિક્ષા ચાલકો માટે સેવઇયું બનાવતા દેખાયાં. એક ગાડીમાં તેઓ સેવઇયું લઈને આવ્યા છે. આ મદદગારોનું કહેવું છે કે બે વર્ષથી મિત્રો કે સગા વ્હાલાઓ ઘરે આવતાં નથી, આથી તેમના હિસ્સાની સેવઇયું આ ગરીબ રિક્ષા ચાલકોને ખવડાવીએ છીએ.
સાભાર : NDTV INDIA