Tuesday, September 10, 2024
Homeપયગામહેટ સ્પીચનું વ્યસન અને હિંસાની ફેશન સામે લડવા સાચી ધાર્મિકતાની જરૂર

હેટ સ્પીચનું વ્યસન અને હિંસાની ફેશન સામે લડવા સાચી ધાર્મિકતાની જરૂર

વર્ષો પહેલા વિદ્યાર્થીકાળમાં એક કાવ્ય વાંચી હતી જેમાં માનવીને હળીમળીને સંપ સાથે રહેવાનો સંદેશ લેખકે પાઠવ્યો હતો. આજની પરિસ્થિતી જોતાં મને તે પંક્તિઓ યાદ આવી ગઈ. શાંતિલાલ શાહે લખ્યું હતું,

એક જ ડાળના પંખી, અમે સહુ એકજ ડાળના પંખી

વિહરીયે કદી આભમાં ઊંચે,

ઊડી ઊડી કદી આવીએ નીચે,

કિલ્લોલ કરતા રહેતા ઉમંગી…..

સુખમાં ને દુઃખમાં સાથે જ રહીએ,

લડીએ – વઢીએ ,કદી જુદા જ થઈએ,

તોયે નિરંતર રહેતા સંપી…..

ધરતીને ખોળે બાળ અમે સહુ,

કરીએ કુદરત -ગાન અમે સહુ,

જીવન કેરા પ્રવાસના સંગી… 

આ કાવ્ય શિક્ષકો પણ ખૂબ ભાવ સાથે ભણાવતા હતા. અને વાસ્તવિકતા આ છે કે જો આપણે આપણાં દેશને ઊંચે લઈ જવા માગતા હોઈએ તો આપણાં સહુએ હળી મળીને રહવું પડશે. સહઅસ્તિત્વ માટે જે વસ્તુ ફરજિયાત છે તે પ્રેમ છે. તેના વગર સામાજિક દૃઢતા પેદા થઈ સકતી નથી. ભારતમાં કોમી રમખાણનો ઇતિહાસ બહુ જૂનો છે પરંતુ તે ઘર્ષણ કે રમખાણની અસર ખુબ જ નજીવા સમય માટે રહેતી હતી, તેનું એક મુખ્ય કારણ એ હતું કે લોકો એક જ કોલોની કે વિસ્તારમાં એક સાથે રહેતા હતા. અને કોઈ અપ્રિય ઘટના બને તો સામાજિક આગેવાનો સક્રિય થઈ પરિસ્થિતિને થાળે પાડવા તરત મેદાને આવી જતાં હતા. તંત્ર અને મીડિયામાં તટસ્થ લોકોની સંખ્યા પણ સારી હતી. પરંતુ સમયની સાથે ઘણું બધુ બદલાઈ ગયું છે. આજે પરિસ્થિતી જ ખુબ જ ગંભીર બની ગઈ છે, આખો દેશ બારૂદના ઢેર ઉપર બેસ્યો હોય તેવું લાગે છે.

બે પાત્રોની વાત હોય કે કોઈ કુટુંબના સભ્યોનો વિચાર, પડોશીઓની વાત હોય કે બે સમુદાયો પર ચર્ચા. તેમને નજીક લાવનારી, પારસ્પરિક મજબૂત સંબંધનો નિર્માણ કરનારી અને સહઅસ્તિત્વને સુનિશ્ચિત બનાવનારી વસ્તુ પ્રેમભાવ છે. આપણપણું અને પ્રેમભાવ ન હોય તો વ્યક્તિની માનસિકતા અને વર્તણૂક બદલાઈ જાય છે આ તફાવતને એક સગી માતા અને સોતેલી માતાના દાખલાથી સારી રીતે સમજી શકાય. બાળકની નિર્દોષતામાં કોઈ પરિવર્તન આવતો નથી, ન માતા તરીકે તેમની જવાબદારી બદલાય છે અને ન જ ઘર અને દિવાલો બદલાય છે છતાં બંનેના વ્યવહારમાં આકાશ પાતાળની તફાવત જોઈ શકાય છે. સગી મા તેના બાળકની નબળાઈ, ભૂલ અને કમીને છુપાવે છે, એ ક્રોધ પણ કરે તો તેમાં પ્રેમ છલકાય છે, અને સોતેલી માતા નાની ભૂલોને પણ બાળક ઉપર શારીરિક તથા માનસિક અત્યાચાર ગુજારવા માન્ય સમજે છે. એટ્‌લે જ કોઈએ કહ્યું છે,

સાંધો પાડે એ પ્રેમ, વાંધો પાડે એ વૈર

આવી જ રીતે કોઈ પણ બહુ સાંસ્ક્રુતિક, બહુભાષીય અને બહુરંગીય સમાજમાં જે વસ્તુ જોડાણનું કાર્ય કરે તે પ્રેમભાવ જ છે. અને ભારત જેવા દેશમાં વિવિધ ધાર્મિક સમુદાયોનું સુમેળભર્યું સહઅસ્તિત્વ એ જરૂરી અને આપણા રાષ્ટ્રની ઓળખ રહી છે. નૈતિક વ્યવહાર સિવાય  જે વસ્તુ શાંતિપૂર્ણ સહઅસ્તિત્વની ખાતરી આપે તે નિષ્પક્ષ અને પ્રભાવશીલ કાનૂન વ્યવસ્થા છે. 

પરંતુ દુર્ભાગ્યવશ મજબૂત બંધારણ અને કાનૂની માળખું હોવા છતાં આપણી સરકાર અને તંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા છે. પાછલા કેટલાક વર્ષોથી ધાર્મિક સમુદાયો વચ્ચે એક ખાઈ ઊભી થઈ રહી છે. લઘુમતી સમુદાયો અને વિશેષ રીતે મુસ્લિમ સમુદાય સામે ધાર્મિક ભેદભાવ, ઉત્પીડન અને હિંસાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમના સામાજિક બહિષ્કાર માટેના નિવેદનો, દેશનિકાલની ચીમકી, તેમના પૂજા સ્થળો ઉપર હુમલા, શેક્ષણિક સંકુલોમાં હિજાબ પર પ્રતિબંધ,મિલકત ખરીદી અને વેચાણમાં પડતી મુશ્કેલીઓ, નમાજીઓને અપમાનિત કરવું, પોલીસ દ્વારા જાહેરમાં માર મારવી અને એફ.આઈ.આર ન નોંધવી, ઇસ્લામોફોબિક વાતાવરણ બનાવવા વગેરે ઘટનાઓની એક લાંબી શ્રેણી છે જેમાં સતત વધારો થઈ રહ્યો છે. વિકાસના પ્રમાણમાં હેટ સ્પીચીસ અને તેના કારણે થતાં ધ્રુવીકરણ, વિભાજન તથા હિંસામાં તીવ્ર ગતિએ વૃદ્ધિ થઈ રહી છે, ચિંતાજનક બાબત આ છે કે આ ઘટનાઓમાં માત્ર ફ્રિન્જ એલિમેંટ્‌સ સામેલ નથી બલ્કે ઘૃણાસ્પદ અને દ્વેષપૂર્ણ નિવેદનો આપવામાં કેન્દ્રીય સ્તરના નેતાઓ અને મુખ્યમંત્રીઓ પણ સામેલ છે. આટલું જ નહીં ઉશ્કેરણી કરનારા અને હિંસાત્મક કૃત્યોમાં સંડોવાયેલા લોકોને રાજકીય સ્તરે સુરક્ષા અને પ્રોત્સાહન પૂરૂં પાડવામાં આવી રહ્યું છે જે આપણાં સહુ જવાબદાર અને જાગરૂક નાગરિકો માટે ચિંતાનો વિષય છે.

એન્ટરટઇનમેંટ ઇન્ડસ્ટ્રી દ્વારા જે સિરિયલ અને ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે, તંત્ર જે રીતે બેવડું માપદંડ અપનાવી રહ્યું છે, સોશ્યલ મીડિયા હેન્ડ્‌લ્સ જે વિષ પીરસી રહ્યા છે, ધાર્મિક લધુમતી અને મુસલમાનોને જે રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે તે નરસંહાર તરફ દોરી જાય છે.

ભારતના મુસલમાનો ઓવર ઓલ ખૂબ જ શાંત અને કાનૂનના પાલન કરનારા છે. વિવિધ દેશોનો ઇતિહાસ બતાવે છે કે જો આવી પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં નહીં આવે તો આંતરિક ઘર્ષણ ઊભો થઈ શકે છે કેટલાક વિદ્વાનો દેશને ગૃહયુદ્ધ જવાના સંકેત પણ આપી ચૂક્યા છે. આવી વસ્તુઓ આખા દેશને કમજોર કરી નાખે છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને ધાર્મિક લઘુમતી વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને દ્વેષપૂર્ણ નિવેદનો આપનારા કે હિંસાત્મક કૃત્યો આચનારા લોકો પર લગામ કસવા ત્રણ સ્તરે કાર્ય કરવાની જરૂર છે.

ધાર્મિક સ્તરે પ્રયાસઃ

ધર્મનો મૂળ ભાવ પ્રેમ છે. આ ગુણનું  સિંચન કરવા અને દ્વેષ તથા ઘૃણાનો ત્યાગ કરવા ધાર્મિક આગેવાનોને આગળ આવવું પડશે. વિવિધ સ્તરે વિવિધ સમુદાયો કે ધાર્મિક લઘુમતીઓ સાથે મંચ બનાવવામાં આવે અને સમયાંતરે કાર્યક્રમો યોજવવામાં આવે. ભારત એક ધાર્મિક દેશ છે અને સામાન્ય નાગરિક પણ ધર્મ સાથે એક દૃઢ સંબંધ ધરાવે છે.

તમામ ધર્મોએ ક્રોધ, દ્વેષ, તિરસ્કારનો ત્યાગ કરવા અને પ્રેમ, ભાઈચારા,ક્ષમા અને ધેર્ય રાખવા શિક્ષણ આપ્યું છે. મુસ્લિમો પ્રત્યે અણગમો રાખનારા કેટલાક ભક્તો પર નિશાન સાધતાં, શૃંગેરી શારદા પીઠના ૩૪મા આચાર્ય ચંદ્રશેખર ભારતીએ નિખાલસપૂર્ણ રીતે કીધું: “દુશ્મનાઈ, દ્વેષ, ઈર્ષ્યા અને પ્રતિશોધ ધાર્મિક લાગણીઓ અને આધ્યાત્મિક વિકાસને ઉત્તેજન આપતા નથી.” વિષ્ણુ પુરાણના શિક્ષણ પર નજર કરીએ તો તે પણ લોકો સાથે દુર્વ્યવહાર ન કરવા, બીજાના દોષ જાહેરમાં ન બોલવા, બીજા મનુષ્ય સાથે દુશ્મનાવટ ન કરવા અને જો શબ્દો સાંભળનારને પીડા આપતા હોય તો બોલવાનું ટાળવાનું કહે છે.

જે રામના નામે નફરત અને મુસ્લિમો પ્રત્યે તિરસ્કારની ભાવના ફેલાવવામાં આવી રહી છે તેમનું ચરિત્ર બીજું જ ચિત્ર રજૂ કરે છે. સીતાજીનું અપહરણ કરનારા રાવણનો રામજીએ વધ કર્યો પરંતુ તેના પ્રત્યે પણ તેમનામાં કોઈ  તિરસ્કાર ભાવના ન હતી અને તેથી તેમણે ઘાયલ રાવણ પાસે જઈ આશીર્વાદ લેવા લક્ષ્મણને કહ્યું હતું.

ગાંઘીજીએ દિલ્હી અને અજમેરમાં મુસ્લિમો સામેની હિંસાનો ઉલ્લેખ કરતાં, ૧૨ ડિસેમ્બર, ૧૯૪૭ના રોજ પ્રાર્થના સભામાં કહ્યું હતું કે મુસ્લિમો વિરુદ્ધ જઈને હિંદુ ધર્મનું કોઈ ભલું નહીં થાય. “માણસને ઈશ્વરે બીજાની હત્યા કરીને જીવવા માટે બનાવ્યો નથી.” તથા તેમની હત્યાના નવ દિવસ પહેલાં તેમણે કહ્યું હતું કે “મને કોઈ શંકા નથી કે જે મુસ્લિમોનો દુશ્મન છે તે ભારતનો પણ દુશ્મન છે.” તેમણું સ્પષ્ટપણે કહેવું હતું કેઃ “હું આક્રમકતા કે બચાવ માટે જીવન કે સંપત્તિનો નાશ કરવામાં બહાદુરી કે બલિદાન જોતો નથી.”

આ જ રીતે  સ્વામી વિવેકાનંદે સિયાલકોટની મુલાકાત દરમિયાન કહ્યું હતું: “વિશ્વમાં વિવિધ ધર્મો અસ્તિત્વ ધરાવે છે જે પૂજાના સ્વરૂપ ભિન્ન હોય, પરંતુ ખરેખર એક છે. દરેક ધર્મમાં સારા અને સક્ષમ પુરુષો છે જેઓ જે તે ધર્મને આદરને પાત્ર બનાવે છે. કોઈ પણ સંપ્રદાય માટે ધિક્કાર ન હોવો જોઈએ. નફરત એ ભક્તિના માર્ગમાં સૌથી મોટો અવરોધ ઊભો કરે છે.” એક વાર સ્વામીજી એ વધુ આકરા શબ્દોમાં કહ્યું; તમામ શેતાનિયત માટે ધર્મને દોષિત ઠેરવવામાં આવે છે; ધર્મમાં બિલકુલ દોષ નથી, કોઈ ધર્મે ક્યારેય માણસોને સતાવ્યા નથી, કોઈ ધર્મે ક્યારેય ડાકણોને બાળી નથી, કોઈ ધર્મે ક્યારેય આવી કોઈ પણ વસ્તુ કરી નથી. તો પછી લોકોને આ વસ્તુઓ કરવા કોણે ઉશ્કેર્યા? રાજકારણ. પણ ધર્મ ક્યારેય નહીં; અને પછી જો આવી રાજનીતિ ધર્મનું નામ લે તો તેમાં વાંક કોનો?

શિવાનંદ આશ્રમના સ્વામી વિષ્ણુદેવાનંદ, યોગ અને ધ્યાન પર જેમના કાર્યોને ઉત્તમ ગણવામાં આવે છે, તેઓ લખે છે કે, “આયર્લેન્ડમાં પ્રોટેસ્ટન્ટ અને કૅથલિકો શા માટે લડે છે? પ હિંદુ અને મુસલમાનો શા માટે લડે છે? બધી ગેરસમજ અને મતભેદ માટે અજ્ઞાન જવાબદાર છે,” 

શું આજના સ્વયંભૂ હિંદુ નેતાઓ મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદ કરતાં મહાન છે? જેઓ ધર્મનો એવી રીતે ઉપયોગ કરી રહ્યા છે કે જેથી ધાર્મિક ધ્રુવીકરણ વધી રહ્યું છે અને હિંસાની ઘટનાઓમાં ઉતરોત્તર વૃદ્ધિ થઈ રહી છે. મહાન હિંદુ ઉપદેશકોથી વિપરીત આજે એવા ભગવાધારી પેદા થઈ ગયા છે જેઓ સતત ત્રાસ આપે છે, મૌખિક અને શારીરિક રીતે લઘુમતીઓ પર હુમલા કરે કે કરવા ઉશ્કેરે છે. ખાસ કરીને મુસ્લિમો પ્રત્યે નફરતનો ઉપદેશ આપે છે અને તેમના ધર્મનો દુરુપયોગ કરે છે. ગેરસમજો, જુઠ્ઠાણા અને નિરાશા એ લઘુમતીઓને કલંકિત કરવા માટે મુક્તપણે ઉપયોગમાં લેવાતા શસ્ત્રો બની ગયા છે. જ્યારે કે અન્ય ધર્મો, અન્ય પવિત્ર પુસ્તકો અને અન્ય ઉપાસ્યો પ્રત્યે દ્વેષ ફેલાવવો એ એક ભયંકર પાપ છે. કેટલાક હિંદુઓ કહે છે કે કોઈ પણ વર્ણને ધ્યાનમાં લીધા વિના દુર્ગાની જેમ નિર્દોષોની રક્ષા કરવી એ દરેકની ફરજ છે,તો કેટલાક હિંદુ ભાઈઓ એવું માને છે કે તેમના તરફથી કોઈ પણ હિંસા અથવા આક્રમકતા તેમને આ અથવા બીજા જીવનમાં હિંસાનો શિકાર બનાવશે.  

શિક્ષણ ક્ષેત્રે ચળવળ :

દેશના વાતાવરણને દ્વેષમુક્ત કરવામાં શૈક્ષણિક સંકુલો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે. પાઠ્યપુસ્તકોમાંથી ઇસ્લામોફોબિક સામગ્રી દૂર કરવામાં આવે. યાદ રાખો ક્લાસરૂમમાં ભારતનું ભવિષ્ય ઘડવામાં આવે છે. કોઈ સમુદાય પ્રત્યે નફરત નહીં. આ વિદ્યાલયોમાં બાળકોની એવી રીતે કેળવણી કરવામાં આવે છે કે તેઓ નૈતિક મૂલ્યો ઉપર અડગ રહી શકે.

કાનૂન ક્ષેત્રે સુધારા :

સૌથી મહત્ત્વપૂર્ણ બાબત આ છે કે અસરકારક કાયદો બનાવવામાં આવે. વર્તમાન હેટ સ્પીચ કાયદાની ત્રુટિઓ શું છે તે જોઈ તપાસી તેમાં રિફોમ્સ કરવાની સખત જરૂર છે. બંધારણમાં એવી વ્યવસ્થા છે કે કોઈ વર્ગ કે સમુદાય અત્યાચાર, હિંસા કે શોષણનો ભોગ બનતો હોય તો તેમના અધિકારોની સુરક્ષા અને સમાન નાગરિક સન્માન મેળવવા માટે કાયદાઓ બનાવી શકાય. જેમકે જષ્ઠ અને જં માટે પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ, ર્નિભયા એક્ટ અને પોસ્કો એક્ટ જેવા કાયદાઓ બનાવવામાં આવ્યા છે.એવી જ રીતે ધાર્મિક લઘુમતીઓ અને મુસલમાનો વિરુદ્ધ યોજનાબદ્ધ રીતે થતી હેટ સ્પીચીસ અને હિંસાને રોકવા કાયદો બનાવવામાં આવે. આ કાયદાઓમાં લઘુમતી વસ્તીની ચોક્કસ જરૂરિયાતો અને નબળાઈઓને અનુરૂપ એવું માળખું બનાવવું જોઈએ કે જેથી ઐતિહાસિક અન્યાય દૂર થાય, પોલીસ અધિકારીઓ કોઈ ઘટનામાં લિપ્ત હોય તો તેમને પણ સજા આપવાની જોગવાઈ હોય અને પોલીસ-કાર્યવાહી પારદર્શક અને ભેદભાવ રહિત બનવી જોઈએ કે જેથી પીડિતો વધુ આત્મવિશ્વાસ સાથે પોલીસનો સંપર્ક કરી શકે, ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને કે જેના પરિણામે  સામાજિક ન્યાય સુનિશ્ચિત કરી શકાય.

 અલ્લાહે ઈમાનવાળાઓને દરેક પરિસ્થિતિમાં ન્યાયનો પક્ષ લેવાનો આદેશ આપ્યો છે,

“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! ન્યાયના ધ્વજવાહક બનો અને અલ્લાહ માટે સાક્ષી આપનારા બનો, ભલે તમારા ન્યાય અને તમારી સાક્ષીની વિરુધ્ધ અસર સ્વયં તમારા પર અથવા તમારા માતા-પિતા અને સગાઓ પર જ કેમ ન પડતી હોય. મામલાથી સંબંધ ધરાવનાર પક્ષ ચાહે ધનવાન હોય કે ગરીબ, અલ્લાહ તમારાથી વધુ તેમનો શુભેચ્છક છે, આથી પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરીને ન્યાયથી હટો નહીં, અને જો તમે અધૂરી અને પક્ષપાતપૂર્ણ વાત કહી અથવા સાચી વાત કહેવાનું ટાળ્યું તો જાણી લો કે જે કંઈ તમે કરો છો અલ્લાહને તેની ખબર છે”. (સૂરઃ નિસા-૧૩૫)

“હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! અલ્લાહ માટે સચ્ચાઈ ઉપર કાયમ રહેવાવાળા અને ન્યાયની સાક્ષી આપવાવાળા બનો, કોઈ જૂથની દુશ્મનાવટ તમને એટલા ઉત્તેજિત ન કરી દે કે તમે ન્યાયથી ફરી જાઓ. ન્યાય કરો, આ તકવા (અલ્લાહથી ડરવા) સાથે વધુ સુસંગત છે”. (સૂરઃ માઇદહ-૮)

હઝરત મુહમ્મદ સ.અ.વ.ના કથનોમાં પણ નફરત, દ્વેષ, હિંસા વિરુદ્ધ સ્પષ્ટ રીતે વાત કરવામાં આવી છે. આપે ફરમાવ્યું કે, “સાચો મુસ્લિમ તે છે જેની જીભ અને હાથથી અન્ય લોકો સુરક્ષિત હોય. અને સાચો મો’મિન  (ઈમાનવાળા) તે છે જેનાથી લોકોને પોતાના જાન-માલ અંગે કોઈ જોખમ ન હોય.” (બુખારી ૧૧)

 “એકબીજાની ઈર્ષ્યા ન કરો, એકબીજા પ્રત્યે દ્વેષ ન રાખો, એકબીજા પ્રત્યે ર્નિદયતા ન રાખો, એકબીજા પ્રત્યે દુશ્મનાવટ ન રાખો અને ભાઈઓ તરીકે જીવો, જેમ કે અલ્લાહે તમને આદેશ આપ્યો છે.” (મુસ્નદ અહમદ ૧૨૧૮૧)

દેશમાં નફરત અને હિંસા એક વ્યસન બની ગઈ છે. તેમાંથી સમાજને મુક્ત કરવા સહિયારા પ્રયત્નો કરવા પડશે. દરેક સ્તરે ભેગા હળી-મળીને રહીશું તો પ્રેમભાવ વધશે અને નફરતી બાબુઓની રાજનીતિનો ગ્રાફ સતત ગબડશે. આપણે એક દેશના નાગરિક એક ડાળના પંખીઓ સમાન છીએ, સાથે ઊડીને ઊંચે જઈશું, સાથે કિલ્લોલ કરીશું અને ભેગા મળી જીવનનો આનંદ માણીશું.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments