Saturday, July 20, 2024
Homeઓપન સ્પેસCAA/ NPR/ NRC કાયદાની ચુંગાલમાં ફસાતું ભારત

CAA/ NPR/ NRC કાયદાની ચુંગાલમાં ફસાતું ભારત

આ શબ્દો ભલે અંગ્રેજી હોય પણ તેનું મહત્ત્વ ભારતનો દરેક નાગરિક સમજી પણ રહ્યો છે અને અનુભવી પણ રહ્યો છે.

આસામમાં nrc ના ધબડકા પછી આખો દેશ ક્ષુબ્ધ હતો. ધારણાથી વિપરીત5 5- 6 લાખ મુસ્લિમો જ્યારે 13 – 14 લાખ હિન્દુ NRC થી બહાર હતા. ખાસ કરીને ઉત્તર પૂર્વમાં ખૂબજ બેચેની હતી. તો પણ આપણા ગૃહમંત્રીએ છાતી ઠોકીને દેશભરમાં nrc લગાવવાની હાકલ કરી દીધી અને તેનો પુનરોચ્ચાર સંસદમાં અને સભાઓમાં કરતા રહ્યા. તે ન તો કોઈ આંધળુકિયા કરતા હતા, ન તો તે કોઈ રાજકીય ભૂલ કરી રહ્યા હતા . આ એક ખૂબ જ લાંબાગાળાના આયોજનની વિચારપૂર્વક ની રણનીતિ નો ભાગ છે, તે સમજવું ખૂબ જ જરૂરી છે. We and our nation hood defined , આ નામની પુસ્તિકામાં આર.એસ.એસ.ના સરસંઘચાલક ગુરુ ગોળવાલકરે સ્પષ્ટ રીતે હિન્દુ સિવાયના લોકોને કઈ રીતે બીજા દરજ્જાના નાગરિક બનાવવા તેની છણાવટ કરેલ છે. આજ વિચારસરણીને વરેલા ભાજપના આ નેતાઓ પોતાના આકાઓ ની આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા સારુ એકવીસમી સદીમાં પણ આ સ્તરે હલકટ બની મચી પડેલ છે તે સમજવું રહ્યું. મોદી સરકારની બીજી ઇનિંગમાં અમિત શાહ નો રોલ અને તેમની ટવેન્ટી-ટ્વેન્ટી ની ફટકાબાજી ન તો આકસ્મિક છે, ન તો કોઈ ભૂલ. આ વાત સૌ એ સ્વીકારવી રહી. એક પણ મિનિટ ગુમાવ્યા વગર જે રીતે એક પછી એક એજન્ડા પૂરો કરવા સારુ કાર્પેટ બોંબિંગ થકી કેવા મંડી પડેલ છે તે સાચે જ ભલભલા પંડિતો ને આશ્ચર્ય માં મૂકી દે છે. ભક્તો આ લીસ્ટ ગણાવવામાં ગદ ગદ થઈ જાય છે અને સાહેબ પોતે પણ આ લીસ્ટ એક પછી એક ગણાવી DONE કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા રહે છે. મોદી 2 માં આ અહંકાર સ્પષ્ટપણે છલકાઈ રહ્યો છે કે અમને રોકવા વાળુ કોણ છે !! વિપક્ષ, ખાસ કરીને કોંગ્રેસ વેર વિખેર છે. ક્ષેત્રીય પક્ષો પણ એકરૂપ નથી. નાગરિકોના કોઈ સમૂહની કે મજદૂર યુનિયન અને બીજા સંગઠનો ખાસ કરીને સિવિલ સોસાયટી ની પણ ભૂમિકા ખૂબ જ સીમિત કરી દેવાઈ છે. RTI બુઠો ધાર વગરનો કરી દેવાયો છે ,ત્યારે કોની તાકાત છે કે અમારી સંસદની પ્રચંડ બહુમતિ ને પડકારે !! મુસલમાનોની તો વિસાત જ શું છે ? તેઓ ચૂપ રહ્યા, જ્યારે તલાક વિરુદ્ધ અમે ખરડો પસાર કર્યો. તેઓ કંઈ ન બોલી શક્યા જ્યારે બાબરી મસ્જિદ ની પવિત્ર જગ્યા મંદિર માટે સુપ્રીમ કોર્ટ મારફત તેને ધવંશ કરવાવાળાઓ ને જ તાસક પર મૂકી આપી દેવાઈ. કાશ્મીર ની 370 ની કલમ રદ કરી દેશભરમાં છાકો પાડી દીધો. મુસલમાનો નું અપમાન (insult) કરવા, તેઓને નીચાજોણું (demean) કરવા અને હાસ્યાસ્પદ (ridicule) ચીતરવા કોઈ કસર ન છોડી. આ પરિસ્થિતિમાં શું મજાલ છે મુસલમાનોની કે તેઓ કોઈ વિરોધ કરે. આંદોલનની તો કલ્પના પણ ક્યાંથી થાય, જ્યારે મોટા મોટા માથાઓ અઘોષિત કટોકટી ને જોઈ પારખી પુંછડી દબાવતા હોય ત્યારે, આ લાચાર મુસલમાનો શું ઉખાડી લેવાના છે, તેવી મગરૂરીમાં RSS, BJP, ભક્તો અને સરકાર રમમાણ હતા ત્યારેજ અકલ્પનીય વિરોધ, પહેલાં યુવા અને વિદ્યાર્થીઓ માં અને તત્પશ્ચાત મુસ્લિમ બાનુઓમાં પ્રગટ્યો. શાહીન બાગ . ઓખલા પાસે, જામિયા નગર, દિલ્હીનો આ વિસ્તાર Protest ધરણા, ખાસ કરીને મુસ્લિમ બહેનો ના આક્રોશ નું પ્રતિબિંબ બની આખા દેશમાં જાણીતો માનીતો થઈ ગયો. સર્વ ધર્મના લોકો જોડાવા લાગ્યા. દેશભરમાં ઠેર ઠેર શાહીન બાગ ખુલવા લાગ્યા.ચેન્નાઇ, બેંગ્લોર, મુંબઈ, હૈદરાબાદ અને પુના તથા અન્ય નાના મોટા શહેરોમાં પ્રચંડ રેલી પ્રદર્શનો થવા લાગ્યા.વિપક્ષી રાજ્યોએ NPR નીજ ઘસીને ના પાડી દીધી. નીતીશ પાસવાન જેવા સાથીઓ પણ પરિસ્થિતિ પારખી સાવધ થઈ વિરોધ માં આવી ગયા.

પુરા દેશમાં માહોલ ગરમાઈ ગયોછે.સરકારે સમર્થન રેલીઓ કાઢી આ વિરોધને કાઉન્ટર કરવા એડીચોટીનું જોર લગાવ્યું પણ કોઈજ હવા ન બની અને ફિયાસ્કો થયો. સરકાર પહેલા લોકો પાસે જઈ સમર્થન મેળવતી અને પછી કાનૂન બનાવે એતો સમજમાં આવેછે પણ પાછળથી સમર્થન માંગવું તો સાચેજ હાસ્યાસ્પદ લાગેછે. ગૃહ મંત્રી કહે છે કે અમે એક ઇંચ પણ પાછા નહીં હઠીએ, તો વડાપ્રધાન પોતાની સભાઓમાં આ કાયદાને લાગુ કરીને જંપીશું તેવો હુંકાર કરે છે. nrc હાલ લાગુ કરવાનો સરકારનો કોઈ ઈરાદો નથી તેમ વડાપ્રધાન જણાવે છે, પરંતુ કાલે તે નહીંજ લાવે તે વિષે કોઇને કોઇ જ ભરોસો નથી.બલ્કે ધ્રુવીકરણ ને જાળવી રાખવા તેમજ તેને વધુ મજબૂત કરવા આ ગતકડું હાથવગું જ રાખશે. એકતરફ CAA ઉપર કોઈ સ્ટે ન આપી સર્વોચ્ચ અદાલતે નિરાશ કર્યાછે તો બીજી તરફ શાહીનબાગ ના ધરણા ઉઠાવવાની પિટિશન પર દિલ્હી ની ચૂંટણી પહેલાં કોઈ પગલાંનો ઇનકાર કરી ચૂંટણી પછી પણ મધ્યસ્થી interlocuter ને મોકલી મામલો સુલઝાવવાનું સૂચક વલણ લીધુંછે,તે ધ્યાને લેવું રહ્યું.

હાઈકોર્ટે ના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ એ. પી. શાહે તો સ્પષ્ટ રીતે, કાશ્મીર થી 370 કલમ હઠવવા, બાબરી મસ્જિદ મંદિર સારુ સોંપવા બાબત, Electoral બોન્ડ તથા CAA બાબતે, સુપ્રીમ કોર્ટ ના વલણની ટીકા કરી. ઘણા બિનસાંપ્રદાયિક રાજનેતાઓ, બોલિવુડના કલાકારો, પત્રકારો, સાહિત્યકારો, લેખકો, કટાર લેખકો,યુનિયનો, વિદ્યાર્થી સંગઠનો, પ્રાધ્યાપકો, કર્મશીલો,NGO આંદોલન કરવા મેદાને આવ્યા.

પાકિસ્તાની શાયર ફૈઝ અહેમદ ફૈઝ ની હમ દેખેંગે અને હબીબ જાલિબ ની મૈં નહિ માનતા નઝમ અને છેલ્લે સબ કુછ યાદ રખ્ખાજાયેગા

એ જબરજસ્ત નવી ચેતના આંદોલન કારીઓમાં પ્રગટાવી છે. આ ભારેખમ ઉર્દુ શબ્દાવલી પણ લોકો સમઝીને માણી રહ્યા છે, જુસ્સો વધારી રહ્યા છે અને સોશિયલ મેડિયામાં ધૂમ મચાવી રહ્યા છે.

મીડિયા તથા સોશિયલ મીડિયા Vertically Split છે. ઉભા ફાડીયા પાડી દીધા છે. ક્યાં તમો અમારી સાથે છો નહીંતો સામે છો. આ વિભાવના ગોદિ મીડિયા ના સથવારે સરકાર બેશરમીથી પ્રસરાવી રહીછે. ભક્તોના ગ્રુપની પોસ્ટ એકતરફી મારો ચલાવી રહી છે, તો બીજી તરફ વિરોધ માં પણ સત્યની સાથેસાથે અતિરેક પણ જોવાઇ રહ્યો છે.

સરકાર તેની આદત અને આવડત મુજબ ભય અને જૂલ્મ થકી કચડવા કુદી પડીછે. ઉત્તર પ્રદેશ ના કુખ્યાત, ગુનાખોરીનો ભવ્ય ઇતિહાસ અને કોમવાદની પ્રગટ વિભાવનાના પ્રતીક યોગીજી એ ઘરોમાં ઘુસી નિર્દોષ નાગરિકો ને આતંકીત કરવામાં કોઈ કસર નથી છોડી. બેફામ , ખોટા દન્ડ ફટકારી દેશદ્રોહી ચીતરી મીડિયા થકી કાગારોળ મચાવી મૂકી. જામિયા અને અલીગઢ યુનિવર્સિટીમાં આતંક મચાવ્યો. ગોદિ મીડિયા એ વિદ્યાર્થીઓ વિરુદ્ધ ઉશ્કેરણી ચાલુજ રાખી પરંતુ છેલ્લા વિડિઓએ પોલીસની બર્બરતા ઉઘાડી પાડી દીધી.શાહીન બાગ તથા જામીયામાં થયેલ ગોળીબાર પછી પણ અને પોલીસના નકારાત્મક વલણ પછી પણ બધાજ પ્રોટેસ્ટ ધરણા અને વિવિધ કાર્યક્રમો સતત થઈ રહયા છે અને ક્યાંય હિંસા નથી થતી. આ પરિપક્વતા સાચેજ કાબિલે દાદ છે અને તેને બિરદાવવીજ રહી. મુસલમાનો મેદાનમાં આવી દેખાવો કરે અને કેટલાયે પ્રયત્ન પછી પણ હિંસા પર બિલ્કુલજ ન ઉતરે તે સાચેજ કોમવાદીઓ ના નાપાક ઇરાદાઓને સજ્જડ લપડાક છે, તે પણ નોંધવું રહ્યું. JNU થી તો આ લોકો એટલા બધા ઘાંઘા થયા છે કે તેના વિરુદ્ધ આક્ષેપો થી મુખ્ય અને સોશિયલ મીડિયા બન્ને છલકાવી દીધા.

આ માહોલમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ આવી પડી. બે મહિના પહેલાના શરૂઆતના ચરણમાં જ સી વોટર ના સર્વેમાં આમ આદમી પાર્ટીને પ્રચંડ બહુમતિ, 60 આસપાસ સીટ મળતી બતાવતાં, આ નાનકડું રાજ્ય રાજધાની હોઈ આપણું નાક કપાઈ જશે તે વિચારી ભાજપે સામ દામ દંડ કોઈપણ ભોગે આ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી દીધું.

વડાપ્રધાન, ગૃહપ્રધાન તથા 200 નેતાઓ નો કાફલો ખડકી દીધો. કેજરીવાલ ની શાણપણ ની રણનીતિમાં ફક્ત પાછલી ટર્મમાં કરેલ કામો પરજ ફોક્સ હતું. કોંગ્રેસ શરૂઆત થીજ શૂન્ય હતી. ભાજપ પાસે કોઈ જવાબ ન હોઈ ફરી એજ ધ્રુવીકરણ સારૂ શાહીનબાગ નો મુદ્દો હાથવગો હતો તે પકડી લીધો. પરિણામ 62-8-0 ગઈ ટર્મ ના 67- 3-0 ની નજીકનું જ આવ્યું. 2014 પછી 2015માં તો હવે 2019 પછી 2020માં પણ લોકસભામાં ભવ્ય વિજય પછી દિલ્હીની હાર એ કદાચ ભાજપ માટે દુ:સ્વપ્ન જેવી બની રહેશે તેમાં કોઈ શન્કા નથી.

કેજરીવાલ મોડેલ જો ચાલી ગયું તો કોમવાદી અને ફેંકુ પરિભાષા નવેસરથી આલેખવી પડશે,તે ડર ભારતની ધબકતી લોકશાહીમાં, સત્તાપક્ષ ને તો લાગ્યોજ હશે તેમાં કોઈ શક નથી.

ફરી CAA ની વાત કરીએ તો આ સમઝવું પડશે કે મોટાભાગના કાયદાવીદો તેને બંધારણની વિરુદ્ધ માનેછે. પ્રોફેસર ફૈઝાન મુસ્તુફા જેઓ નલસર યુનિવર્સિટી ના વાઇસ ચાન્સેલર છે તેઓએ પોતાની વેબ સિરીઝમાં અને અનેક સાક્ષાત્કાર માં આની સુંદર છણાવટ કરી છે. અનેક સોશિયલ મીડિયાના વિડિઓ લખાણો તથા માધ્યમોના કટાર લેખકોએ વિવિધ પાસા પર પ્રકાશ પાડી આ કાનૂનની વિશદ છણાવટ કરી છે.

CAA ના કાયદામાં જે ત્રણ દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ની પ્રતાડિત લઘુમતી ની સરકારી દલીલમાં કોઈ દમ નથી. જો આજ વાતાવરણ હોત તો media (માધ્યમો) માં રોજ story પ્રગટ થતી રહેતી. વળી હાલમાં પણ ત્યાં તેઓને કોઈજ તકલીફ નથી તેવા સાક્ષાત્કાર પણ આવી રહ્યા છે. પાકિસ્તાન થી આવવા વાળા મુસ્લિમો તો છેજ નગણ્ય. તો પણ મુસ્લિમો ને બાકાત રાખવાની દલીલ મૂકી મુસલમાનો ને અપમાનિત કરવાનોજ મુખ્ય હેતુ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

અહીં ભારતમાં જે લઘુમતીને રંજાડવામાં કોઈ કસર નથી છોડતા અને રાત દિવસ તેમના વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે, તેજ લોકો બહારના પડોશી દેશોની લઘુમતી ના ચેમ્પિયન બનવા નીકળ્યા છે !!!

આ વિરોધાભાસ ની વળી કોઈ ચર્ચા પણ નથી કરતું. નતો માધ્યમો, નતો રાજનેતાઓ !!!

ટ્રમ્પ ની ભારત મુલાકાત ટાણેજ અમેરિકા એ પણ આને લઈને ઉબાડીયું ચાંપ્યું છે. પણ સરકાર તો પોતાના આર્થિક બજાર ના વર્ચસ્વ થી કોઈને ગાંઠવાના મૂડ માં બિલ્કુલજ નથી. મલેશિયા અને તુર્કીને પણ કોઈ દાદ ન આપી ઉલટા આયાતી પ્રતિબંધો લાદી નાક દબાવેલ છે,તે પણ ધ્યાને લેવું રહ્યું.

સ્વામીનાથન ઐયરે TOI માં લખ્યું છે કે આટલા બધા રાજ્યો આનો જ્યારે વિરોધ કરી રહ્યા છે ત્યારે ભારતનું ફેડરલ માળખું છિન્ન ભિન્ન થઈ જશે તેવી ભીતિ છે. વસ્તી ગણતરી અને બીજા જરૂરી આંકડા પણ ખોરંભે પડી જશે. સૌથી સારું એ હશે કે સર્વોચ્ચ અદાલત જ આને નકારી દે.

સૌથી મોટો યક્ષ પ્રશ્ન આજ છે કે આટલા દબાણમાં કામ કરતી ન્યાયપાલિકા, જે લોકશાહી નો ચાર માંથી એક મહત્વનો સ્તંભ છે, અને બધાજ સ્તમભોનું જ્યારે ધોવાણ થઈ રહ્યું છે ત્યારે, શું પોતાની જવાબદારી પર ખરી ઉતરશે ?

આપણે રાહ જોઈએ, આશા સાથે, હકારાત્મક બનીએ.

Hope against Hope.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments