રમઝાન સંદેશ – 11
મૂળભૂત રીતે ઇસ્લામ શાંતિ અને સલામતી તરફ લોકોને આહ્વાન કરે છે તથા ખામી રહિત અને તમામ દોષોથી પર શાંતિ- વ્યવસ્થાની સ્થાપના તેનો ઉદ્દેશ્ય છે.ઇસ્લામ જે ઉચ્ચ ગુણો ધરાવતી હસ્તી ‘અલ્લાહ’ ની ઐક્યતાનું આવાહક છે તથા જેને જગતનો શાસક કહે છે, તેનું એક ગુણવાચક નામ સલામ છે. તેનો અર્થ એ છે કે તે હસ્તી શાંતિ અને સલામતિનો સ્ત્રોત છે, તેથી તે પોતાના બધા બંદાઓને શાંતિ અને સલામતીના ઘર (સ્વર્ગ) તરફ બોલાવે છે. (કુર્આન ૧૦:૨૫). કુર્આન એ શાંતિ અને સલામતિનો માર્ગદર્શક ગ્રંથ છે.(કુર્આન ૫:૧૬). પયગંબર હઝરત મોહમ્મદ સલ્લ. સમગ્ર સૃષ્ટિ માટે દયા અને શાંતિ-સલામતિનો સંદેશ લઈને આવ્યા. (કુર્આન, ૨૧:૧૦૭). ઇસ્લામ ધર્મનું ધાર્મિક કેન્દ્ર ‘કાબા’ (મક્કા શહેરમાં આવેલું અલ્લાહનું ઘર) શાંતિ અને સલામતીનું કેન્દ્ર છે.(કુર્આન, ૩:૧૯૬).
ઇસ્લામ મુસલમાનોને આદેશ આપે છે કે જ્યારે તેઓ પરસ્પર મળે તો કોઈ વાતચીત પહેલાં એક બીજાને પ્રાર્થના સ્વરૂપે શાંતિ અને સલામતીની બાંહેધરી આપે.(હદીષ). ઇસ્લામ તેના અનુયાયીઓને તાકીદ કરે છે કે કોઈના ઘરમાં દાખલ થતાં પહેલાં સૌપ્રથમ શાંતિ અને સલામતિનો સંદેશ મોકલીને પરવાનગી લઇ લે.(કુર્આન,૨૪:૨૭).તે પોતાના ઘરમાં પણ પ્રવેશ કરતાં પહેલાં ઘરવાળાઓને શાંતિ અને સલામતીની પ્રાર્થના કરી લેવાનું કહે છે.(કુર્આન,૨૪:૬૧)
ઇસ્લામ પોતાના અનુયાયીઓ ઉપર જે સૌપ્રથમ ચીજ અનિવાર્ય કરે છે તે નમાઝ છે. આ પાંચ વખત પઢવામાં આવતી નમાઝોમાં મુસલમાન પોતાના માટે અને ઈશ્વરના તમામ સદાચારી બંદાઓ માટે શાંતિ અને સલામતીની પ્રાર્થના કરે છે. જુમ્માની નમાઝમાં પૂરા મોહલ્લા માટે, ઈદની નમાઝમાં આખી વસ્તી માટે અને હજમાં આખા વિશ્વ માટે શાંતિ અને સલામતીની પ્રાર્થના કરવામાં આવે છે.
ઉપરોક્ત ચર્ચાથી ફળીભૂત થાય છે કે ઇસ્લામ જે શાંતિ-દૃષ્ટિકોણ પ્રસ્તુત કરે છે તેના બે પાસા છે. એક સલામ અને બીજું સુલહ. ‘સલામ’ ઝઘડો કે વિવાદ શરૂ થયા પહેલાં કોઈ પણ પ્રકારના પગલાં લઈને શાંતિની સ્થિતિને બહાલ અને કાયમ રખવાનું નામ છે. જ્યારે ‘સુલહ’ એ ઝઘડો કે વિવાદ શરૂ થયા પછી કોઈ પણ પ્રકારની કોશિશ દ્વારા ઊભી થતી શાંતિ-સ્થિતિને કહે છે.
ટૂંકમાં , ઇસ્લામ દરેક સંજોગોમાં ન્યાય અને સમાનતા દ્વારા શાન્તિ અને સલામતી કાયમ રાખવાનો પ્રયત્ન કરે છે. તેનો પ્રારંભ પણ શાંતિની સ્થાપના માટે છે અને તેનો અંતિમ ચરણ પણ શાંતિની સ્થાપના છે.
રજૂઆતઃ ઈસ્લામ દર્શન કેન્દ્ર, જૂનાગઢ (કોન્ટેક્ટ નંબર- ૯૭ર૭ર૧૦૭૬૮)