Friday, April 19, 2024
Homeસમાચારજમાઅતે ઇસ્લામી હિંદે આવનાર (2019)ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેર જનતા માટે...

જમાઅતે ઇસ્લામી હિંદે આવનાર (2019)ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જાહેર જનતા માટે એક ઘોષણા પત્ર જાહેર કર્યું

નવી દિલ્હી,

જમાઅતે ઇસ્લામી હિંદે પ્રેસ કલબ ઓફ ઇન્ડિયામાં યોજાયેલ પત્રકાર પરિષદમાં 2019ની લોકસભા ચૂંટણી દૃષ્ટિ સમક્ષ રાખી જનસામાન્ય માટે ઘોષણા પત્ર જાહેર કરેલ છે. પત્રકાર પરિષદને સંબોધિત કરતાં જમઆતે ઇસ્લામી હિંદના અમીર, મૌલાના સૈયદ જલાલુદ્દીન ઉમરીએ જણાવ્યું કે, જમાઅતની યોજના છે કે તે વિભિન્ન રાજકીય પક્ષો અને અગત્યની વ્યક્તિઓથી સીધી જ મુલાકાત કરશે અને તેમને અપીલ કરશે કે તેઓ આને પોતાના ચૂંટણી ઢંઢેરામાં “ચાર્ટર ઓફ ડિમાન્ડ”ની હેસિયતથી સામેલ કરે. તેમણે કહ્યું કે જમાઅતે ઇસ્લામી હિંદ હંમેશથી ઉચ્ચ નૈતિક, માનવીય મૂલ્યો, કોમી એકતા, ભાઈચારા, બધા જ વર્ગોની પ્રગતિ અને ન્યાય આધારિત શાસનને વિશ્વસનીય બનાવવામાં પોતાની ભૂમિકા અદા કરે છે. ભારતના બધા નાગરિકોના અધિકારોનું રક્ષણ અને સૌના માટે સમાન અવસરોને વિશ્વસનીય બનાવવા, એક મિશ્રિત સમાજ, પ્રગતિશીલ અને વિશાળ દ્રષ્ટિકોણના સર્વસમાવેશક (Inclusive) ભારતની કલ્પનાને સાર્થક કરવા માટે ઘોષણામાં સામેલ મુદ્દાઓ દરેક ગંભીર રાજકીય પાર્ટીના ઉદ્દેશ્યોમાં સામેલ હોવો જોઈએ.

પત્રકાર પરિષદની શરૂઆતમાં જમાઅતે ઇસ્લામી હિંદના મહાસચિવ મુહમ્મદ સલીમ એન્જીનીયરે ઘોષણાના કેટલાક અગત્યના મુદ્દા પ્રસ્તુત કર્યા. જે આ પ્રમાણે છે.

સૌ નાગરિકો માટે અન્ન, વસ્ત્ર, મકાન, શિક્ષણ, સ્વાસ્થ્ય અને ગરીમાપૂર્ણ જીવનની બાહેંધરી ઉપરાંત ન્યાય આધારિત પ્રગતિ અને કલ્યાણકારી રાજ્યની સ્થાપનાને અમલમાં લાવવામાં આવે.

જુલ્મ, અત્યાચાર, હિંસા, ધાર્મિક બર્બરતા, ટોળા થકી હિંસા (Mob Lynching), રાજ્ય પ્રેરિત અત્યાચાર અને કોમવાદી તોફાનોનું અસરકારક નિવારણ, ગરીબો, મહિલાઓ, મુસલમાનો અને દેશના અસુરક્ષિત વર્ગો-સમૂહોના રક્ષણને વિશ્વસનીય બનાવવામાં આવે.

મુસ્લિમ પર્સનલ લો ગુમરાહ તત્ત્વો દ્વારા નિરંતર આક્રમણના લક્ષ્ય પર છે. મુસલમાનોની ધાર્મિક અને સાંસ્કૃતિ ઓળખ અને તેમના સાંસ્કૃતિક અધિકારોને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યો છે. આ વિશે બંધારણીય માળખા હેઠળ મુસલમાનોના રક્ષણ માટે વિશેષ પગલાંઓ લેવામાં આવે.

અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, મુસલમાનો, સમાજના અન્ય વંચિત વર્ગો, ગ્રામ્ય વિસ્તારો, દેશના પછાત વિસ્તારોની સર્વગ્રાહી પ્રગતિ અને સશક્તિકરણ (Empowerment) પર વિશેષ ધ્યાન આપીને દેશના વાતાવરણમાં તંદુરસ્ત પરિવર્તન લાવવામાં આવે.

લઘુમતિઓ અને સાંસ્કૃતિક, ભાષાકીય વર્ગોના ધાર્મિક અને સાંસ્કૃતિક અધિકારોનું રક્ષણ, તેમના પર્સનલ લોનું રક્ષણ, તેમની ઇબાદતગાહો અને ધાર્મિક ઓળખનું રક્ષણ અને તેમની ઓળખની વિરૂદ્ધ કોઈપણ પ્રકારની  બર્બરતાનું સખતાઈથી ઉન્મૂલન થાય.

મુસલમાનોના સર્વગ્રાહી પછાતપણાના લીધે આ જરૂરી થઈ ગયું છે કે તેમના હિતો માટેના રક્ષણની કાર્યનીતિ અખત્યાર કરવામાં આવે. જેથી રંગનાથ મિશ્રા કમીશનની રીપોર્ટને લાગુ કરવામાં આવે. શિક્ષણ અને નોકરીઓમાં લઘુમતીઓ માટે અનામત આપવામાં આવે. જેમાં બે તૃતિયાંશ સબ ક્વોટા મુસ્લિમ લઘુમતી માટે આરક્ષિત હોય.

રાષ્ટ્રીય પોલીસ કમીશનની ભલામણો લાગુ કરવામાં આવે અને પોલીસ તંત્રમાં સર્વગ્રાહી સુધારણા કરવામાં આવે. પોલીસ દળને સૌના પ્રતિનિધિત્વ ધરાવતું અને નિષ્પક્ષ બનાવવા માટે આ દળમાં લઘુમતીઓ માટે 25 ટકા અનામત હોવી જોઈએ. રાષ્ટ્રીય લઘુમતી પંચની પોલીસ તંત્ર સંબંધિત ભલામણો લાગુ કરવામાં આવે.

સાચર કમીટી રીપોર્ટની ભલામણોને સરકારી તથા ખાનગી વિભાગોમાં લાગુ કરવામાં આવે. બધી જ સરકારી યોજનાઓમાં મુસ્લિમ પેટા યોજના (Muslim Component Plan)ને સામેલ કરવામાં આવે.

રાજ્ય તંત્ર અને રાજકીય માળખાને નૈતિક મૂલ્યોના પાબંદ કરવામાં આવે. તેમની વર્તણૂંક રાજ્ય વિભાગોમાં જનસામાન્યના વિશ્વાસને બહાલ કરશે. આ લોકોના સહકારનું કારણ બનશે.

બેકિંગમાં વ્યાજરહિત આર્થિક વ્યવહારોને પરિચિત કરાવવામાં આવે. ડો. રઘુરામરાજનની આગેવાનીમાં પ્લાનિંગ કમીશનની પેટા કમીટી અને અન્ય કેટલીય કમીટીઓની ભલામણો પ્રમાણે, લઘુમતીઓ અને નિર્બળ વર્ગોના લાભને દૃષ્ટિ સમક્ષ રાખી, તથા દેશની આર્થિક વ્યવસ્થાની પ્રગતિના ઉદ્દેશ્યથી વ્યાજરહિત અને ભાગીદરી પર આધારિત બેંકોને કાર્ય કરવાની પરવાનગી આપવામાં આવે.

જમાઅતે ઇસ્લામી હિંદના ઉપપ્રમુખ નુસરત અલીએ કહ્યું કે આ જનસામાન્ય ઘોષણા પત્રને દેશના લોકમત અને રાજકીય પક્ષો સમક્ષ મોટી આશા સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે. આ દસ્તાવેજ જનસામાન્યની વાસ્તવિક ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે અને રાજકીય પક્ષોને શ્રેષ્ઠ અને સૈદ્ધાંતિક શાસનને વિશ્વસનીય બનાવવાનું આમંત્રણ આપે છે.  જમાઅત દેશના ચૂંટણીલક્ષી રાજકારણમાં પ્રત્યક્ષ ભાગ લેતી નથી. પરંતુ આ બાબતની અગત્યતાને ધ્યાનમાં રાખી આ સમયે જનસામાન્ય અને તેમના પ્રતિનિધિઓને તેમની મહત્ત્વની ભૂમિકાની યાદ જરૂર અપાવે છે.

પ્રસ્તુતકર્તાઃ પ્રચાર-પ્રસાર વિભાગ, જમાઅતે ઇસ્લામી હિંદ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments