Thursday, June 20, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપલક્ષદ્વીપ "અરબી સમુદ્રનો હીરો" : ચર્ચાની એરણે

લક્ષદ્વીપ “અરબી સમુદ્રનો હીરો” : ચર્ચાની એરણે

પ્રફુલ ખોડા પટેલ. આ નામ આજકાલ દેશભરના માધ્યમોમાં ચર્ચામાં છે. આપણા મોટા સાહેબ દેશભરમાં જ્યારે પ્રચારક તરીકે ભ્રમણ કરતા હતા તે સમયે જુદા જુદા સ્થળે તેમના જે યજમાન હોતા હતા તેમાંના એક છે. આનંદી પટેલ, રઘુવરદાસ, મનોહરલાલ ખટ્ટરની જેમ. આ પ્રફુલ પટેલ આ પછી ગુજરાતના ગૃહ પ્રધાન તરીકે સેવા આપેલ. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં હારી જતા પ્રધાનમંડળમાં ગોઠવાઈ શક્યા નહીં. હવે તેઓને લક્ષદ્વીપ જે યુનિયન ટેરિટરી છે તેના પ્રસાશક તરીકે મૂકવામાં આવ્યા છે. પહેલા લક્ષદ્વીપ ને ઓળખી લઈએ.અરબી સમુદ્રના હીરા- ડાયમંડ ઓફ ધ એરેબિયન સી થી ઓળખાતા આ ટાપુ સમુહ ફક્ત ૭૦ હજારની આસપાસ વસતી ધરાવે છે, જેના 95% મુસલમાન છે. 36 ટાપુ માંથી ફક્ત 10 ટાપુ ઉપર જ માનવ વસ્તી છે. આ નવા પ્રશાસકે આવતાંજ કેટલાક આશ્ચર્યજનક પગલાંની જાહેરાત કરી છે, જેનાથી તેઓ ચર્ચામાં છે. વિરોધીઓ તેને આ ટાપુ ની સંસ્કૃતિમાં અનાવશ્યક સરકારી દખલ અને આરએસએસના એજન્ડા લાગુ કરવાની ચાલ તરીકે જુએ છે, તો પ્રફુલ પટેલ તેને દ્વીપસમૂહના વિકાસ સારુ લેવાયેલ પગલાં બતાવે છે. પ્રફુલ પટેલ તો ફકત મોહરુ છે. અસલ નિર્ણય કોણ લેછે તેનાથી કોઈ અજાણ નથી. કાશ્મીર પછી એનો વારો કેમ આવ્યો છે તે પણ સૌને સમજાઈ રહ્યું છે. કોરોના ની બીજી લહેર માં ઘોર નિષ્ફળતા પછી મોઢું સંતાડવા કોઈ ચાલ ની જરૂર હતી અને તેના ભાગરૂપે જ આ પગલાં લેવાયા છે. સી.એ. એ.ને ચાર રાજ્યમાં લાગુ કરી દેવાયો છે, તે પણ આ જ પગલાંની એક કડી છે.

કેરલ વિધાનસભાએ સર્વ સંમતિથી આના વિરુદ્ધ ઠરાવ પણ પસાર કરી દીધો છે. દેશના ઇતિહાસમાં આ પ્રથમ બનાવછે કે જેમાં એક રાજ્યની વિધાનસભાએ કોઈ પ્રશાસક ના પગલાં સામે આવો આકરો ઠરાવ પસાર કર્યો હોય. બધા વિરોધ પક્ષોએ ભેગા મળીને રાષ્ટ્રપતિને એક સંયુક્ત યાચિકા મોકલી પ્રફુલ પટેલને પાછા બોલાવવાની માંગ કરી છે. રાહુલ ગાંધીએ સીધો આક્ષેપ કર્યો છે કે લક્ષદ્વીપની સંસ્કૃતિ સાથેજ આ ચોખ્ખો ખિલવાડ છે. ભાજપના જ કેટલાક લોકોએ લક્ષદ્વીપમાં તેઓની સામે મોરચો ખોલી દીધો છે, તો કેટલાક તેમના સમર્થનમાં પણ છે. પહેલીવાર લોકોને સમજમાં આવી રહ્યું છે કે દુર સુદુરના આ ટાપુ માં શું અને શા માટે થઈ રહ્યું છે? મધ્યપૂર્વ ની દ્રષ્ટિએ આ બધા ટાપુઓનું સામરિક મહત્વ છે અને આપણી નવસેનાનો અડ્ડો પણ ત્યાં છે. કોઈ એક જમાનામાં ત્યાં બધા બૌદ્ધ હતા તેવી વાતો પણ થાય છે પરંતુ પછીથી ત્યાંના લોકો મુસ્લિમ બની ગયા. હિન્દુઓની વસ્તી ૩ ટકાથી પણ ઓછી છે. કેટલોક સમય પોર્ટુગીઝ શાસકો રહ્યા, પરંતુ ઘણા સમયથી ત્યાં મુસ્લિમ શાસકો હતા. નારીયળી અને માછીમારી અહીંનો મુખ્ય ઉદ્યોગ છે. લક્ષદ્વીપ એક સુંદર પર્યટક સ્થળ પણ છે. પહેલા અહીં સામાન્ય રીતે વરિષ્ઠ આઈએએસ અધિકારી ની નિમણૂક થતી હતી, પરંતુ પહેલીજ વાર એક રાજકીય નેતા તરીકે અહીં પ્રફુલ પટેલની નિમણૂક કરવામાં આવી છે. વિવાદની જડ લાદવામાં આવેલ બે નવા એક્ટ છે. લક્ષદ્વીપ વિકાસ પ્રાધિકરણ નિયમન એક્ટ તથા લક્ષદીપ અસામાજિક ગતિવિધિ નિરોધક એક્ટ. આ નવા કાનૂનને લઈને લક્ષદ્વીપના રહેવાસીઓમાં ઘણી આશંકાઓ છે. તેમાં પ્રથમ ગૌમાસ પ્રતિબંધ અને કથિત રીતે તેઓની જમીન હડપ કરવાનો કારસો મુખ્ય છે. જ્યારે ભાજપ શાસિત રાજ્ય ગોવામાં જ ગૌમાંસ ઉપર પ્રતિબંધ નથી તો અહીં 95% મુસલમાનોની વસ્તી ધરાવતા ટાપુ પર આનો અમલ શા માટે વારુ? સમુદ્રી વહન પણ કેરાલાના બદલે કર્ણાટક થી જોડવાનું પગલું લેવાઇ રહ્યું છે. આનો રાજકીય પરિપ્રેક્ષ્ય આ છે કે કેરાલામાં વામપંથીઓ ની સરકાર છે તો કર્ણાટકમાં ખુદ ભાજપની જ સરકાર છે. ત્રીજું મહત્વનું પગલું અહીં દારૂબંધી હઠાવવાની છે, જેથી ટુરિઝમ એટલે કે પ્રવાસન ઉદ્યોગ વિકસે અને દારૂ તેમાં આસાનીથી મળી રહે. ચોથા નંબરે ગુંડા એક્ટ લાગુ કરવામાં આવી રહ્યો છે, જે મુજબ પોલીસ કોઈપણ કારણ વગર એક વર્ષ સુધી જેલમાં ગોંધી રાખી શકે છે જ્યારે કે અહીં ગુનાખોરી બિલકુલ જ નહીંવત છે. પાંચમા નંબરે બે બાળકો થી વધુ ધરાવતા ઉમેદવારને પંચાયત ચૂંટણી માંથી બાકાત રાખવાની વાત છે. છઠ્ઠા નંબરે મધ્યાહ્ન ભોજન માંથી માંસાહારી વાનગીઓ ને દૂર કરવાની વાત છે. આપણે હવે આ વસ્તુઓનું નિરીક્ષણ કરીએ તો સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે ફક્ત મુસલમાનને નીચાજોણું કરવા તેમને પ્રતાડિત કરવા તેમને હલકા ચીતરવા અને તેમને ખૂણામાં ધકેલી દેવાની આરએસએસના એજન્ડા મુજબ ની કશ્મીર પછી ની આ બીજી ચાલ છે. પ્રફુલ પટેલ કહે છે કે આ બધું જ નિયમાનુસાર કરી રહ્યા છે. મહિલાઓને 50 ટકા આરક્ષણ આપી છે તેના ઉપર કેમ કોઈ બોલતું નથી. અમારો હેતુ તો લક્ષદ્વીપ ને સ્માર્ટ સિટી બનાવવાનો છે. ગુંડા એક્ટ ડ્રગની તસ્કરી રોકવા માટે બનાવેલ છે. નિર્દોષ લોકોએ તેનાથી ગભરાવાની બિલકુલ જરૂર નથી. મામલો એટલો સરળ નથી જેટલો કે દેખાઈ રહ્યો છે પરંતુ ત્યાં તે ગંભીર સ્વરૂપ પકડી રહ્યો છે. લક્ષદ્વીપના પ્રશાસક ની કાર્યશૈલીને સેક્યુલરવાદ વિરુદ્ધ રાષ્ટ્રવાદ ની લડાઈમાં બદલવાની કોશિશ થઈ રહી છે. કેરળના મુખ્ય મંત્રીએ ત્યાંની સંસ્કૃતિનું તથા ઇતિહાસનું કેરલ સાથેનું જોડાણ કેટલુ જૂનું છે તેની યાદ અપાવી છે. તેમનો આક્ષેપ છે લક્ષદ્વીપમાં ભગવા એજન્ડા તથા કોર્પોરેટ હિત થોપવાની કોશિશ કરવામાં આવી રહી છે. પ્રફુલ પટેલ આમ પણ વિવાદિત વ્યક્તિત્વ નો ઇતિહાસ ધરાવે છે. દિવ દમણના અપક્ષ સાંસદ મોહનભાઈ ડેલકરની આત્મહત્યામાં એમનું નામ આવેલ છે. મુંબઈ પોલીસ એફઆઈઆર માં પણ તેમનું નામ છે. તેમના દીકરાએ 25 કરોડની વસૂલી માટે ધમકાવવાનો આક્ષેપ પણ તેઓ પર કરેલ છે. પરંતુ તેમાં કોઇ કાર્યવાહી હજુ સુધી થઈ નથી.

જ્યારે લક્ષદ્વીપમાં પણ કોરોના ને લઈને ૨૫ મોત થઈ ચૂકી છે અને દેશ આખો કોરોના સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે આ વિવાદ ઊભો કરવાનું ખરું કારણ શું છે ?ત્યાંની પ્રજાને બિલકુલ જ વિશ્વાસમાં લીધા વગર કોઈ કામ કરવામાં આવી રહ્યું છે તો તેની દૂરગામી અસરો શું હોઈ શકે અને તેની કેટલી કિંમત ત્યાંની પ્રજાએ ચૂકવવી પડશે ? આ છે યક્ષ પ્રશ્ન..

(99252 12453)


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments