Sunday, September 8, 2024
Homeમનોમથંનમુસલમાનો વિરુદ્ધ નફરતનો એજન્ડા અને રાજકીય પીઠબળ

મુસલમાનો વિરુદ્ધ નફરતનો એજન્ડા અને રાજકીય પીઠબળ

દિલ્હીમાં એક પોલીસ વાળો, જુમાની નમાઝ પઢી રહેલા અને સજદામાં ગયેલા નમાજીઓને લાત મારતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો. સરકારે ત્વરિત પગલા લઈ તે પોલીસવાળાને સસ્પેન્ડ પણ કરી દીધો. પરંતુ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે આ માનસિકતા પોલીસવાળાની કઈ રીતે બની? આવી જ રીતે ચાલુ ટ્રેનમાં એક પોલીસવાળો ત્રણ મુસલમાનોને ગોળી ધરબી દે છે અને જે વાક્ય બોલે છે તે આપણા દેશનું યુવા ધન કઈ તરફ જઈ રહ્યું છે તેનો સીધો અંગુલીનિર્દેશ કરેછે. હજુ આ કહાનીની શાહી પણ સૂકાઈ નથી અને અહમદાબાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં એનઆરઆઈ બ્લોકમાં નમાજ પઢી રહેલા કેટલાક વિદેશી વિદ્યાર્થીઓની મારપીટ તથા તેમના રૂમની તોડફોડનો વીડિયો વાયરલ થયો છે. આ તોડફોડ અને વિદેશી વિદ્યાર્થીઓ સાથેની મારપીટ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ બદનામ કરશે તેની પણ કોઈ ચિંતા હોય તેવું લાગતું નથી. કારણ કે ભારત એટલું મોટું બજાર ધરાવે છે કે કોઈ પણ વિદેશી તાકાતને આસાનીથી નમાવી શકાય છે એવો અહંકાર ટોપ લેવલે તો છતો થાય છે જ, પરંતુ નીચે સુધી આ અહંકાર સ્પષ્ટ રીતે છતો થઈ રહ્યો છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આ બનાવ વખતે આવી વિદેશીઓને સંવેદનશીલતાના પાઠ ભણાવવાની વાતો કરે છે. આટલી સ્પષ્ટ ઘૃણા નફરત હિંસા અને દ્વેષ રાખ્યા પછી પણ આ કયો અહંકાર છે જે પોતાને નખશિખ પવિત્ર માની બીજાને સલાહ આપી પોતે પવિત્ર હોવાનો સરેઆમ દાવો કર્યા કરે છે. પોલીસે ભલે એમ કહ્યું હોય કે કાયદો પોતાનું કામ કરશે અને આરોપીઓને તુરંત પકડી કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ પોલીસ ખાતા તરફથી કેવી રીતે નબળી કલમો લગાવી અને પોલીસ કસ્ટડીમાં તથા જેલમાં પણ પૂરતી સુવિધાઓ આપી ન્યાયનું અપમાન કરી શકાય છે તે બાબત ગુજરાતમાં કોઈ નવી વાત રહી નથી. બિલ્કીસબાનો કેસ, જેમાં બળાત્કાર અને નાની બાળકીની હત્યા સાથે અનેક ખૂન અને જઘન્ય બળાત્કાર હોવા છતાં, ગુજરાત સરકાર તેઓને તેમના સારી ચાલચલગતના આધારે છોડી મૂકે છે, તેઓના ફૂલહાર થાય છે અને ગર્વથી વિધાનસભા ચૂંટણી સમયે તેનો રાજકીય લાભ લઈ શકાય છે. સુપ્રીમ કોર્ટે ૧૭ મહિના પછી ચુકાદો આપ્યો કે આ ગુજરાત સરકારની હકૂમતમાં આવતું જ નથી કારણ કે કેસ મહારાષ્ટ્રમાં ચાલેલ છે. હવે, જો આ આટલું સ્પષ્ટ કારણ હતું તો સુપ્રીમ કોર્ટ એટલે કે આપણી સર્વોચ્ચ અદાલત આ કેસને સુઓ મોટો લઈ ૧૭ દિવસમાં પણ ચુકાદો આપી શકી હોત અને એક ખાસ દાખલો બેસાડી શકાયો હોત. જો બિલ્કીસબાનુ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર નથી તો પછી કોઈ કેસ તે મુજબનો હોઈ શકતો નથી. તમે ર્નિભયાના કેસનો દાખલો લઈ લો.કેટલી ઝડપથી તેનો ચુકાદો આવ્યો અને કેટલી ઝડપથી ફાંસી અપાવી દેવાઈ. જો આ જ રીતે બિલ્કીસબાનુમાં પણ ફાંસી આપી દેવાઇ હોત તો ન્યાયની આ રીતની કસુવાવડ અવારનવાર જોવા ન મળત.

 મોબ લિંચિંગ, ટ્રિપલ તલાક, લવજિહાદ, હિજાબ, અશાંત ધારો, મુસ્લિમ બહુલ વિસ્તારમાં સરઘસ કાઢી અને પથ્થરમારાનો આરોપ અને પછી તુરંત ડિમોલિશન અને કાવતરાનો આક્ષેપ,ધરપકડ,જામીન નકારવા અને આવા અનેક મુદ્દાઓથી સતત રાજકીય વાતાવરણ તંગ અને તનાવપૂર્ણ રાખી સ્પષ્ટ રીતે બહુમતીનું તૃષ્ટિકરણ કરવામાં આવી રહ્યું છે. બંગાળમાં તો હમણાં આવો એક વિવાદ સિંહ- સિંહણના નામ મુદ્દે પણ ચાલ્યો છે. સિંહનું નામ અકબર છે અને સિંહણનું નામ સીતા છે તે મુદ્દે પણ કોમવાદીઓએ હોબાળો મચાવ્યો છે અને તેમાં એક વરિષ્ઠ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તે બિચારો હિંદુ સમગ્ર છે. વિપક્ષ કે નાગરિક સમાજ ચુપ છે. મીડિયા- પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક અને સોશિયલ બધા જ એકી અવાજે મુસ્લિમોને દોષિત ઠેરવી રહ્યા છે.

ગુજરાત યુનિવર્સિટીના હાલના કેસમાં પણ વિદેશી વિદ્યાર્થીએ લાફો મારી દીધો એવો મુદ્દો ઉછાળવામાં આવી રહ્યો છે અને મીડિયા દ્વારા બચાવની ભૂમિકા તૈયાર કરવામાં આવી રહી છે, તે સ્પષ્ટ રીતે મીડિયા અહેવાલોમાં જોઈ શકાય છે. પૂરી બેશર્મી થી એક જ મોડસ ઓપ્રેન્ડીથી સમગ્ર દેશમાં આ પ્રકારનો આતંક ફેલાવાઈ રહ્યો છે. દરેક ક્ષેત્રમાં આરએસએસની ઉન્નતિ માટે દેશની બહુલતાવાદી ફેબ્રિક અને સમૃદ્ધ વિવિધતાનો વ્યવસ્થિત રીતે નાશ કરવામાં આવી રહ્યો છે. ડિસેમ્બરની શરૂઆતમાં, જયપુરમાં, નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંના એકે મુસ્લિમો દ્વારા ચલાવવામાં આવતી માંસાહારી રેસ્ટોરન્ટને બંધ કરાવી દીધી હતી. ૨૨ જાન્યુઆરીના રોજ, ખૂબ જ ધામધૂમથી, ભારત સરકારની સત્તાવાર મશીનરીનો ઉપયોગ કરીને BJP/RSS દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. લઘુમતીઓ (મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને શીખો)ને નિશાન બનાવવામાં આવ્યા. “x” પર હુમલાના અસંખ્ય ઉદાહરણો જોવા મળે છે.

અને બીજી બાજુ UAE તથા અરબ મુસ્લિમ દેશોમાં મંદિરોના ઉદ્‌ઘાટન થઈ રહ્યા છે. હિંદુઓ હંમેશાં સહિષ્ણુ હતા, છે અને તેઓ ક્યારે પણ હિંસા આચરી ન શકે તે આ બધા બતાવવાની સાથે સાથે જ માધ્યમો દ્વારા પીરસવામાં આવી રહ્યું છે. લોકો પણ પોતાને અનુકૂળ આવે તેવા સમાચાર જોઈ, વાંચી, સાંભળી રહ્યા છે.

અહીં એક ઉદાહરણ નોંધવું રસપ્રદ રહેશે. ૧૯૮૯-૯૦માં બાબરી મસ્જિદ વિરુદ્ધ રામ મંદિરની ચળવળ વખતે આખા દેશમાં માહોલ ગરમ કરવામાં આવ્યો હતો, તે સમયે ગુજરાતના “અભિયાન” નામના સાપ્તાહિકે રામ મંદિર વિશે એક અહેવાલ રજૂ કર્યો હતો. તેમાં જણાવ્યું હતું કે ૧૯૪૯માં મૂર્તિ કઈ રીતે રાત્રે બાબરી મસ્જિદમાં મૂકવામાં આવી તે ત્યાંના એક પૂજારી જે ગુજરાતના જ રહીશ હતા તેઓએ જોયું અનુભવ્યું હતું. આ અનુસંધાનમાં બીજા સપ્તાહમાં વાચકોના મત દર્શાવતી કોલમમાં એક ભાઈએ લખ્યું કેઃ “આપનો અહેવાલ ખૂબ જ સુંદર રહ્યો. જાણે અમે ખુદ અયોધ્યામાં હોઈએ તેવો અનુભવ થયો. પરંતુ ૧૯૪૯ માં મૂર્તિ મૂકી દેવાની વાત ટાળી શકાઈ હોત.” સત્યને કઈ રીતે નકારવું અને કઈ રીતે તેના ઉપર પડદો પાડી દેવો તે બધી જ ચાલાકીઓ ખુલ્લેઆમ દર્શાવાઈ રહી છે. નૈતિક મૂલ્યોના આટલા પતન પછી પણ નૈતિક મૂલ્યો અહીં જ પેદા થયા અને અહીંથી જ દુનિયાએ તેને જોયા, સ્વીકાર્યા અને હજુ પણ આજે પણ અમે જ તેના સાચા ઝંડાધારી છીએ તેનો ગર્વ લેવાઈ રહ્યો છે. અને હકીકતોથી આંખ આડા કાન જાણીબૂજીને થઈ રહ્યા છે. દંભની પરાકાષ્ઠા સ્પષ્ટ જોવાઈ રહી છે.

 મુસલમાનો તો આ જ દાવના છે અને તેમને તો આ જ રીતે સીધા રાખવા જોઈએ, જે રીતે આજનો સત્તા પક્ષ તેમને અનુભવ કરાવી રહ્યો છે. તમે જુઓ કે આ બધા બનાવોના સમયે માધ્યમો તો પોતાની ગંદી ભૂમિકા ભજવે જ છે, પરંતુ નાગરિક સમાજ પણ સ્પષ્ટ રીતે બોલવા કે તેનો વિરોધ કરવા બિલકુલ જ સજ્જ દેખાતો નથી. અથવા તે પણ જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યો છે, તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એક તરફ લોકસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે આ બધા ખેલ હિંદુ બહુમતીના ધ્રુવીકરણમાં સ્પષ્ટ રીતે મદદરૂપ થઈ રહ્યા છે. અને એટલે જ સત્તાધારી પક્ષ તથા તેના મળતિયાઓ ખુશ પણ છે અને ચુપ પણ છે.

જે રીતે જ્ઞાનવ્યાપી મસ્જિદનો  કેસ બનારસમાં માથું ઊંચકી રહ્યો છે અને ભોંયરાનો ભાગ હિંદુ પક્ષને સોંપવામાં આવી જ ગયો છે તે જોતાં, હવે બાબરી મસ્જિદ પછી રામ મંદિર બનાવી દીધું હોઈ, આ મુદ્દો શાંત પડી જશે તે ધારણા પણ ધરાર ખોટી પડી રહી છે. ઉત્તર પ્રદેશમાં ન્યાયાધીશ નિવૃત્ત થતા પહેલાં જે રીતે ચુકાદો લખે છે અને બંગાળ હાઇકોર્ટના ન્યાયાધીશ જે રીતે સત્તા પક્ષમાં દાખલ થાય છે  તે સ્પષ્ટ રીતે દર્શાવે છે કે ન્યાયતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે.

અહીં દુઃખ એ વાતનું છે કે સજ્જન હિંદુ સામાજિક કે રાજકીય સ્તરે આને કોઈ પણ રીતે વખોડતો કે નારાજગી દર્શાવતો જોવાઈ રહ્યો નથી.

જર્મનીમાં હિટલર અને ઇટાલીમાં મુસોલીનીએ જે બર્બરતાથી તાનાશાહી ચલાવી અને તેમનું પતન કઈ રીતે થયું તેનો ઇતિહાસ સાક્ષી છે. આ જ રીતે સામ્યવાદીઓએ જે અત્યાચારો કર્યા અને તેમનો જે અંજામ આવ્યો તે પણ ઇતિહાસમાં અંકિત છે.

શું આપણે ઇતિહાસમાંથી કોઈ બોધપાઠ લઈશું?


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments