Monday, June 24, 2024
Homeતંત્રીલેખનારીશક્તિ: અનામતની ચકડોળે

નારીશક્તિ: અનામતની ચકડોળે

૨૦૨૪ લોકસભાની ચૂંટણી હવે માથે આવી ગઈ છે. ચૂંટણી આવે ત્યારે કેટલાક મુદ્દા અચાનક આવી જાય છે, જ્યારે કેટલાક મુદ્દા ખૂબ સમજદારીથી મૂકવા- ચગાવવામાં આવે છે. વન નેશન વન ઇલેક્શન, ભારત વિરુદ્ધ ઇન્ડિયા, G-20ની ભારતમાં યોજાયેલ મિટિંગ દ્વારા વિશ્વમાં બજાવી દીધો ડંકો, રામ મંદિર, બનારસની જ્ઞાનવ્યાપી મસ્જિદ, યુનિફોર્મ સિવિલ કોડ UCC, કાશ્મીર, આતંકવાદ, પાકિસ્તાન, સનાતન અને ઉદય નિધિ અને વળી ગુજરાતમાં સનાતન અને સ્વામિનારાયણ અને આવા કેટલાય મુદ્દા મીડિયામાં ચર્ચાઈ રહ્યા છે.વળી કેનેડા અને ખાલિસ્તાન મુદ્દાએ વિદેશનીતિની વાહવાહીમાં આપણા સંબંધોને ખૂબ નાજુક વળાંક પર લાવી મૂકી દીધા છે. કેટલાક મુદ્દા ટૂંકી તો વળી કેટલાક લાંબી આવરદા લઈને આવે છે. મીડિયામાં કોઈ પણ ઇસ્યુને લાંબો ચગાવવો હોય, તો તેની પસંદગી, તેનો સમય અને તેના પાછળ રહેલી વોટબેંકને ધ્યાને રાખવી પડે છે. અને આ બાબતમાં મોદી સાહેબનો કોઈ જોટો જડે તેમ નથી. એટલે જ નવી સંસદમાં નવો દાવ ખેલી મોટા ઉપાડે મહિલા અનામત બિલ લઈ આવ્યા અને ૪૫૪ વિરુદ્ધ ૨ મતે પસાર પણ કરાવી દીધું.રાજસભામાં પણ સર્વાનુમતે પસાર કરી દીધું. સાહેબની છાકો પાડી દેવાની આમ તો પુરાની આદત છે અને તેને બરકરાર રાખતાં, “મોદી હૈ તો મુમ્કિન હૈ”ની અદામાં કોઈ ઐતિહાસિક પગલું લઈ રહ્યા હોય તેવી ભાત મીડિયાના ભરપૂર ઉપયોગથી ઊભી કરાવાઈ રહી છે. ૨૦૧૦માં રાજ્યસભામાં યુપીએ સરકારે આ બિલ પસાર કર્યું હતું, તેથી કોંગ્રેસ પણ તેનો જશ લેવા કૂદી પડી છે. રાજીવ ગાંધીના યોગદાનની દુહાઈ પણ તે આપી રહી છે અને નરસિંહ રાવની સરકાર વખતે પંચાયતી રાજમાં આનો અમલ તેમની પહેલથી થઈ શક્યો હતો તે મુદ્દો પણ ગણાવાઈ રહ્યો છે.

જો વર્તમાન ૧૭ મી લોકસભાની વાત કરીએ તો ૫૪૩માં ફક્ત ૭૮ મહિલા છે. આ સદનની સંખ્યાના ૧૪ ટકા છે. સદનમાં ૩૬૨ જનરલ તથા OBCની સીટો છે,જયારે કે ૮૪ SC અને ૪૭ STની છે. જો કે આ અનામત વસ્તી ગણતરી અને નવા સીમાંકન બાદ લાગુ પડવાની હોઈ તે હકીકતમાં ક્યારે અમલમાં આવશે તે જોવું રહ્યું. કોઈ ૨૦૨૬ તો વળી કોઈ ૨૦૩૯ સુધી લાગુ થશે તેમ ચર્ચાઈ રહ્યું છે. ઘણા પુરુષ સાંસદોને તેમનો ગરાસ લૂંટાઈ જવાની ભીતિ છે, કારણ કે રોટેશનમાં ક્યારે કઈ સીટ મહિલા અનામતમાં આવી જાય તેની તલવાર તેમના માથે લટકતી થઈ ગઈ છે. ભાજપ કોંગ્રેસ સમેત દરેક પક્ષના જૂના સ્થાપિત હિતો ચિંતિત અને પરેશાન છે.

નારી શક્તિના આ પ્રણેતા થોડા માસ પૂર્વે, મહિલા એથલિટોના તેમના સાંસદ દ્વારા જાતીય શોષણના ગંભીર આરોપોના મુદ્દે ચુપ્પી સાધી ખૂણામાં લપાઈ ગયા હતા તો મણિપુરમાં કુકી સમુદાયની સ્ત્રીઓ સાથે જે જાહેરમાં છેડછાડ અને રેપ થયો છતાં FIR ન નોંધી ત્યાંની ડબલ એન્જીન સરકારે શું કર્યું તે એકદમ તાજું જ છે, છતાં ભાજપને નફ્ફટાઈથી જશ ખાટવા કૂદી પડતાં જરા પણ શરમ આવતી નથી. જુદા જુદા રાજકીય પક્ષોનો ઇતિહાસ જોઈએ તો બીઆરડી અને ટીએમસી સિવાય બીજા પક્ષોએ મહિલાઓના પ્રતિનિધિત્વને ખાસ મહત્ત્વ આપ્યું નથી. કોંગ્રેસ અને ભાજપ જે દેખાડો કરી રહ્યા છે તેની સાપેક્ષે મહિલાઓની પસંદગીના આંકડા ઊલટું ચિત્ર બતાવી રહ્યા છે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ૧૮૨ માંથી ફક્ત ૧૮ સીટ પર મહિલાઓને પસંદ કરી હતી, તો કોંગ્રેસે કર્ણાટકમાં ૨૨૪ માંથી માત્ર ૧૧ સીટ પર જ મહિલાઓને પ્રાધાન્ય આપ્યું હતું, જ્યારે અહીં ભાજપે પણ માત્ર ૧૨ સીટો પર મહિલાઓને ઊભી રાખી હતી. ચૂંટણી જીતવાની વાત આવે ત્યારે ઉમેદવારોની લિંગ સમાનતા અભરાઈએ મૂકી દેવામાં આવે છે. અને બધા પક્ષો આમાં કોઈ જ સમાધાન કરતા નથી. યુપીએ સમયે શરદ, લાલુ અને મુલાયમ યાદવ ત્રિપુટી મહિલા અનામતની સામે ઓબીસી આરક્ષણના નામે પડ્યા હતા, તો આ વખતે ઉવૈસીની મજલિસના બે ઉમેદવારોએ ઓબીસી તથા મુસ્લિમ મહિલા આરક્ષણની વાત કરી વિરુદ્ધમાં મતદાન કર્યું છે. જાે કે મહિલા અનામતનો લાભ લીધા પછી પણ એ વાત સર્વ વિદિત છે કે પંચાયતી સ્તરે મહિલા સરપંચ કે પ્રમુખ ચૂંટાયા પછી પણ તેમના પતિદેવો જ હકીકતમાં રાજ કરતા હોય છે.

ભૂતકાળમાં તામિલનાડુમાં જયલલિતાએ મહિલા લક્ષી યોજનાઓ જાહેર કરી તેનો લાભ ચૂંટણીમાં મેળવ્યો હતો. હવે આ જ તર્જ ઉપર બધા પક્ષો અને સરકારો મહિલા મતને આકર્ષવા,મહિલાઓને રોકડ સહાય, ગેસ સિલિન્ડરમાં રાહત, સસ્તા અને મફત અનાજની યોજના, મફત બસ મુસાફરી વિ. જાહેર કરતા રહે છે અને તેનો મોટા ઉપાડે માધ્યમોમાં પ્રચાર પણ થઈ રહ્યો છે.

OBC મહિલાને અનામત આપવાનો મુદ્દો હજુ પણ સળગતો છે અને મોદી સરકાર તેમાં પહેલ કરી શકી નથી. અત્યારે ફક્ત લોકસભા અને વિધાનસભાઓ પૂરતું જ આરક્ષણ મળશે. રાજ્યસભા તથા વિધાન પરિષદોને આમાંથી હજુ પણ બાકાત રખાઈ છે તે સમજવું રહ્યું. પડોશના શ્રીલંકા, નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં ચૂંટાયેલી મહિલાઓનું યોગદાન આપણા દેશ કરતાં આગળ છે તે પણ ધ્યાને લેવું રહ્યું. મોદી સરકાર સત્તા પર આવ્યાના ૯ વર્ષ પશ્ચાત આ અધકચરું પગલું લેવાઈ રહ્યું છે તો તેના પર લાજવાના બદલે ગાજવાની આ ચેષ્ટા મતદારોએ સાચા સંદર્ભમાં સમજવી-મૂલવવી રહી.

મહિલાઓના અને તેમાં પણ મુસ્લિમ મહિલાઓના ઉદ્ધારક તરીકે સાહેબે માધ્યમો થકી પોતાની એક આગવી ઇમેજ ઊભી કરી છે અને તલાકના મુદ્દા પર તથા યુસીસીના મુદ્દા પર બધી મુસ્લિમ મહિલાઓ જાણે તેમની સાથે છે એવી છાપ ઊભી કરવાની ચેષ્ટા પણ કરી છે.અલબત્ત વર્ષોથી તેમની ત્યકતા જ્યોત્સના બહેન હયાત હોવા છતાં તેની કોઈ સફાઈ આપ્યા વગર. આવો દંભ તો આ વિશ્વગરૂને જ શોભે, ભાઈ !!!

હવે વાત થોડી ઘણી આ પરિપ્રેક્ષ્યમાં ઇસ્લામની પણ સમજી લઈએ. ઇસ્લામમાં સ્ત્રીને પોતાના ઘરના જતન તથા પરિવારની કેળવણી અને ઘડતરની મુખ્ય જવાબદાર બનાવેલ છે. તેમ છતાં જરૂરત મુજબ બહાર જઈ સામાજિક તથા રાજકીય પ્રવૃત્તિમાં ભાગ લેવાની પણ પૂરી ગુંજાઈશ છે. આ પ્રવૃત્તિઓમાં ફરજિયાત કરવાની તથા જેની રજા મંદી આપેલ છે બંને કાર્યોનો સમાવેશ થઈ જાય છે. આ પ્રવૃત્તિઓ પરિસ્થિતિ અને અગ્રતાક્રમ મુજબ તેની શરતો અને પ્રકાર મુજબ નક્કી કરી શકાય. બહારની આ પ્રવૃત્તિઓમાં સામેલગીરીથી એક સ્ત્રી બહારની દુનિયાને સારી રીતે સમજી શકે છે અને તેનો લાભ પોતાના ઘરમાં જ્યાં તેનો વધુ પ્રભાવ છે, પોતાના પતિ સાથે મળીને પોતાના બાળકોને પણ એ રીતે અગ્રેસર કરે છે કે તે સમાજમાં પોતાનું યોગદાન આપવાવાળા બની જાય છે. સ્ત્રીનું મૂલ્યાંકન તેના દેખાવથી નહીં પરંતુ તેના કામથી આંકવામાં આવે તેના પર ભાર મૂકવામાં આવ્યો છે. હિજાબનો ડ્રેસ કોડ આપીને તેની સુંદરતા કે સુંદરતાનો અભાવ જ નહીં પરંતુ તેના ચારિત્ર્ય, કૌશલ્ય, જ્ઞાન અને પ્રતિભા થકી જ તેની સ્વીકૃતિ નું મહત્ત્વ સમજાવ્યું છે. ઇતિહાસમાં નોંધાયેલ સાતમી સદીની સ્ત્રીની ઝડપી અને ક્રાંતિકારી પ્રગતિ જે રીતે થઈ તેના મૂળમાં ઇસ્લામની સલામતીની કાળજી અને પયગંબર સાહેબના પ્રોત્સાહનનો સિંહ ફાળો છે. ઇસ્લામે ખૂબ જ ટૂંકા ગાળામાં સર્વ માનવ હક્કથી વંચિત સ્ત્રીને આ તિરસ્કૃત પરિસ્થિતિમાંથી ઉઠાવીને એવા ઊંચામાં ઊંચા મુકામ પર પહોંચાડી દીધી જેની દુનિયા કલ્પના પણ નથી કરી શકતી. પયગંબર સાહેબનો સહયોગ અને પ્રોત્સાહન મહિલાઓને વિપુલ માત્રામાં મળતા રહ્યા. જ્યારે તેઓએ પુરુષો સમક્ષ પોતાના અનુયાયીઓને આપની પુનિત પત્ની હઝરત આયશા રદિ.ની તરફ ઇશારો કરી કહ્યું, “તમે આ લાલ સ્ત્રી પાસેથી તમારો દીન સમજાે.” આ કુઆર્ન અને સુન્નહના માર્ગદર્શન થકી જ મૉરોક્કોની એક મહિલા જેમનું નામ ફાતિમા અલ ફહરી હતું એ.ડી. ૮૫૯માં પ્રથમ યુનિવર્સિટી એટલે કે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી. ઇસ્લામના ઇતિહાસના અભ્યાસ દ્વારા આપણે જાેઈએ છીએ કે સ્ત્રીઓએ સામાજિક અને રાજકીય રીતે ખૂબ જ મહત્ત્વની કહી શકાય તેવી હિજરત, ઉકબાની સંધિ વિગેરેમાં ભાગ લીધો. એવા પ્રસંગ પણ આવ્યા જ્યારે અમુક નાજુક તબક્કે પયગંબર સાહેબે સ્ત્રીઓના સૂચનો સ્વીકારી લીધા. સ્ત્રીઓને મતાધિકાર પણ આપ્યો. શ્રદ્ધાળુ-ઈમાનવાળી સ્ત્રી ઇસ્લામના અર્પેલ સંપૂર્ણ આત્મવિશ્વાસ અને હિંમત થકી ગમે તેવી દુશ્મનાવટભરી પરિસ્થિતિમાં અડગ રહે છે તથા પવિત્રતા અને રાજકીય રહસ્યને પણ જાળવી શકે છે તેનું ઉદાહરણ પૂરૂં પાડ્યું. યુદ્ધના મેદાનમાં પણ દુષ્ટને મિટાવવા સારુ ઘણી મહિલા અનુયાયીઓ-સહાબિયાત રદિ.એ સીધો ભાગ લઈ ન્યાયના સ્થાપન કાજે પોતાની તાકાત લગાવી દીધી. વાસ્તવમાં સમાનતાના નારા હેઠળ સ્ત્રીને રાજકીય મહોરૂ ન બનાવતાં તેનું સાચું સશક્તિકરણ થાય તો જ આ હેતુ પાર પડે અને ઇસ્લામ સાચે જ આ દિશામાં મહત્ત્વનું માર્ગદર્શન પૂરૂં પાડે છે. ••• (લેખકઃ નિવૃત્ત મુખ્ય ઇજનેર, ગેટકો)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments