Tuesday, December 10, 2024
Homeઓપન સ્પેસપરિંદોંકી દુનિયાકા દરવેશ હૂં મેં

પરિંદોંકી દુનિયાકા દરવેશ હૂં મેં

સાયમા સબરીન

એક ધડાકો…! નાનકડું પક્ષી થોડાક સમય માટે ફફડે છે અને પછી જમીન પર આવી પડે છે. એક ૧૦ વર્ષીય ઋજુ હૃદયનું બાળક, જેણે એ પક્ષીને પોતાના રમકડાવાળી બંદૂકથી ભોગ બનાવ્યું હતું તેની તરફ દોડે છે અને પોતાના હાથોમાં ઉપાડી લે છે. વિચારે છે કે આ પક્ષી જાેવામાં તો ચકલી જેવું છે પરંતુ તેના ગળા પર એક વિચિત્ર એવું પીળા રંગનું નિશાન છે, આ કઈ ચકલી છે? આ વિચારતાં પોતાના નાનકડા હાથોમાં ઉપાડીને પોતાના મામા પાસે પહોંચે છે જે ખૂંખાર પ્રાણીઓના શિકારી હતા. મામા એ પક્ષીને ઓળખી નથી શકતા અને પોતાના ભાણિયાને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી (BNHS)ના સેક્રેટરી પાસે લઈ જાય છે જ્યાં બાળક પક્ષીઓના નકલી નમૂનાઓ દ્વારા એ પક્ષીને ઓળખી લે છે. અહીંથી એ બાળકની પક્ષી-જગતમાં રુચિની શરૂઆત થાય છે જેને સમગ્ર વિશ્વ આજે ડોકટર સાલિમ મુઇઝુદ્દીન અબ્દુલ અલીના નામથી ઓળખે છે.

પક્ષીઓ પ્રત્યે ડોકટર સાલિમ અલી (તેમને સલીમ અલી પણ કહેવામાં આવે છે)ને એટલી હદે લગાવ હતો કે તેઓ પોતાની આત્મકથા વર્ણવતા પુસ્તક “The Fall of The Sparrow”માં લખે છે કે જ્યારે તેઓ પક્ષીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા તો જાણે કે સમગ્ર દુનિયાથી અલિપ્ત કે બે-ખબર થઈ જતા હતા. તેમણે પ્રાણીશાસ્ત્રમાં પોતાની ડિગ્રી પૂરી કરી. કોઈ વસ્તુ તેમને પક્ષીઓ અંગે સંશોધન કરવાથી અટકાવી શકતી ન હતી. ન તો ખરાબ મોસમ અને ન તો કફોડી હાલતવાળા વિસ્તારો. તેમણે ભારતના એક એક ખૂણાને પોતાના આ કાર્યમાં સામેલ કર્યો. એક વૃદ્ધ વ્યક્તિ પોતાનું જીવન વિતાવવા માટે શાંતિ અને સુકૂનવાળી જગ્યા શોધે છે, પરંતુ ડોકટર સાલિમ અલી એક મહાન આલ્બાટ્રોસ (Great Albatross) પક્ષી સમાન હતા જે ઊંચાઈ પર ઊડી રહ્યા હતા. દરેક પક્ષીને જાેતા અને તેના અવાજથી આનંદિત થતા. ડોકટર સાલિમ અલીને પક્ષીશાસ્ત્ર (Omithology) ના વિધિવત્‌ અધ્યયનના સ્થાપકોમાં ગણવામાં આવે છે. તેમણે અનેક જર્નલ, લેખો, વિખ્યાત અને પ્રમાણભૂત કે વિશ્વસનીય પુસ્તકો તથા ફીલ્ડ ગાઇડ્‌સ લખ્યા. તેમના દ્વારા લિખિત પુસ્તકોમાંથી “The Book of Indian Birds” હજી પણ ઊભરતા પક્ષી-વિદો માટે માર્ગદર્શન પૂરૂં પાડે છે. દેશની ત્રણ પ્રમાણિત યુનિવર્ટીઓએ તેમને માનદ્‌ ડોકટરેટથી નવાજ્યા છે.

સાલિમ અલીએ ફકત પક્ષીશાસ્ત્રમાં જ નિપુણતા હાસલ કરી એટલું જ નહીં બલ્કે પર્યાવરણની સુરક્ષામાં પણ પોતાનું યોગદાન આપ્યું. દા.ત. “ભરતપુર બર્ડ સેન્ચ્યુરી”ની સ્થાપના કે જેને “કેવલ દેવ નેશનલ પાર્ક” પણ કહેવામાં આવે છે, આજે વિવિધ પ્રાણીઓ, પક્ષીઓ, જળચર પક્ષીઓ, પાણીમાં ઊડનારા અને પાણીના કાંઠે રહેનારા દુર્લભ સૃષ્ટિઓનું ઘર છે. સાથે જ તેમણે દુર્લભ છોડ અને જડી-બુટ્ટીઓનો એક કિંમતી ભંડારવાળા ખીણ પ્રદેશનો પ્રવાસ ખેડ્યો જેને ખસેડીને “હાઇડલ પ્રોજેક્ટ”ની યોજના બનાવવામાં આવી રહી હતી અને તેને બંધ કરવાની અપીલ કરી. આજે  જ ખીણ પ્રદેશ (ઘાટી)ને ભારતમાં “સાયલન્ટ વેલી નેશનલ પાર્ક” (કેરાલા)ના નામથી યાદ કરવામાં આવે છે. તેમની વિશાળહૃદયતાનો અંદાજાે આ ઘટનાથી લગાવી શકાય છે કે જ્યારે ડોક્ટર સાહેબને તેમની અસાધારણ સેવા માટે ૫ લાખ રૂપિયાનો આંતરરાષ્ટ્રીય એવોર્ડ આપવામાં આવ્યો તો તેમણે એ તમામ રકમ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીને અર્પણ કરી દીધી. આમ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીના જીર્ણોદ્ધારમાં ડોક્ટર સાલિમ અલીનો મહત્ત્વનો ફાળો છે.

તેમની ઉપરોક્ત તમામ સેવાઓ અને પક્ષીઓથી લગાવને દૃષ્ટિ સમક્ષ રાખી ડોક્ટર સાહેબને “The Birdman of India” કહેવામાં આવે છે. ભારત સરકારે પણ તેમને ઈ.સ. ૧૯૫૮માં “પદ્મભૂષણ” અને ઈ.સ. ૧૯૭૬માં “પદ્મ વિભૂષણ”થી નવાજ્યા. તેઓ પ્રથમ બિન-અંગ્રેજ હતા જેમને ઈ.સ. ૧૯૬૭માં British Omithologists Union તરફથી ગોલ્ડ મેડલથી નવાજવામાં આવ્યા. આ ઉપરાંત નેધરલેન્ડ, રશિયા અને સ્વિટઝર્લેન્ડમાં પણ તેમની સેવાઓની સરાહના કરતાં સર્વોચ્ચ સન્માનોથી નવાજવામાં આવ્યા.

આ જાણીતા પક્ષી-વિદ્‌ પોતાની આ સેવાઓની સાથે સાથે કેન્સર સામેની લડાઈ લાંબા સમય સુધી લડતા રહ્યા, અને અંતે ૨૦ જૂન ૧૯૮૭ના રોજ ૯૦ વર્ષની વયે આ નશ્વર દુનિયાથી કૂચ કરી ગયા. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઊન. ડોક્ટર સાલિમ અલીની અજાેડ સેવાઓ, તેમના પુસ્તકો અને પક્ષીઓથી પ્રેમનો વારસો આજે પણ લોકોના દિલોમાં તાજા છે. તેમણે જતાં જતાં આજના યુવાનો માટે જે મહત્ત્વનો પાઠ પોતાના જીવન દ્વારા શીખવાડ્યો છે, તે આપણને પક્ષી દ્વારા જ મળે છે–

પરિંદા જાનિબે-દાના હમેશા
ઉડકર જાતા હૈ
પરિંદેકી તરફ ઉડકર
કભી દાના નહીં આતા

બરાબર આવી જ રીતે જ્ઞાન માણસ પાસે પોતે નથી પહોંચતું. પોતાની રુચિનો વિષય શોધવો અને આ વિચારવું કે આના દ્વારા આપણી આ ક્ષેત્રે શું સેવા હોઈ શકે છે, એ આજના યુવાનોની જવાબદારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments