Thursday, June 20, 2024
Homeમનોમથંનકૃષિ કાયદા રદ: શું આ મોદી યુગના અંતનો પ્રારંભ છે ?

કૃષિ કાયદા રદ: શું આ મોદી યુગના અંતનો પ્રારંભ છે ?

2001થી કેશુભાઈ ની જગ્યા પર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી બિરાજ્યા ત્યારથી લઈને 2014માં વડાપ્રધાનપદે આરૂઢ થયા પછી, અત્યાર સુધી એમનો વહીવટકર્તા અને રાજકારણી તરીકે નો જે અભિગમ રહ્યો છે તે મક્કમતાનો રહ્યો છે.જીદનો રહ્યો છે. પોતાની જીદ પર અડી રહી, મુસીબતોને ફક્ત પાર કરવાનો જ નહીં, પરંતુ તેને અવસરમાં પલટવાનો રહ્યો છે. 56 ઇંચની છાતી અને macho ઇમેજ, મતદાતાઓ, ખાસ કરીને યુવાનોમાં જે રીતે મીડિયા દ્વારા ઉભી કરાઇ છે, તે જોતાં મોદી કોઈ કાળે 3 કૃષિ કાયદા પાછા નહીં ખેંચે તેમ મોટાભાગના રાજકીય પંડિતો, પક્ષના તથા RSSના સાથીઓ અને માધ્યમો માનતા- મનાવતા હતા. અને અચાનક જ દેવ દિવાળી ના રોજ ગુરુનાનક પર્વના દિવસે સાહેબે, પોતાની છાકો પાડી દેવાની તર્જ ઉપર, ટીવી પર આવી જાહેરાત કરી દીધી અને આ કાયદાઓ રદ કરી દીધા. અદ્દલ નોટબંધી અને લોકડાઉનની અચાનક કરેલ જાહેરાત મુજબજ. અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણી જેવા મહાનુભાવ તાળી- થાળીથી સાહેબની જાહેરાતને વધાવી લેતા હતા તેમ ખેડૂતો પણ આ કાયદાને વધાવી લેશે, એવી ઘણા ભક્તોને આશા હતી. મીડિયા પણ આક્રમક રીતે તેના ગુણગાન ગાતું હતું. સર્વોચ્ચ અદાલતે કમિટી પણ નીમી અને તે કમિટીએ એહવાલ પણ આપી દીધો. દિલ્હીની સરહદો પર દબાણ બાબતે, અદાલતે ખેડૂતોનો ઉધડો પણ લીધો. પરંતુ થયું બિલકુલ જ ઊલટું. કિસાનો મક્કમ અને અડગ રહ્યા. રાકેશ ટીકૈતે 26 જાન્યુઆરી ના બવન્ડર પછી આંદોલન સમેટાઈ જશે તેમ લાગતું હતું ત્યારે બે આંસુના ટીંપા થકી લાગણીભર્યા આહવાનથી આંદોલન ને પુનઃ જીવતું કરી દીધું.

હવે, જો આ કાનૂન બધી રીતે ખેડૂતોના હિતમાં હતા તો એને તાબડતોડ પાસ કરવાની શું મજબૂરી હતી? વળી આ સરકાર જ્યારે પોતાના દરેક એજન્ડાનો વ્યાપક નેરેટિવ બનાવવામાં માહેર છે, તો પછી કૃષિ કાનૂન લાવવાની પાછળ કયું દબાણ હતું? ખાસ કરીને જ્યારે આપણે કિસાન ને અન્નદાતા તરીકે વધાવતાં થાકતા નથી અને ખેતી અમારી અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે એમ ગાઈ વગાડીને કહીએ છે, ત્યારે તેમને લગતા કાનૂન બનાવવામાં તેમને વિશ્વાસમાં લેવાનું કેમ જરૂરી ન લાગ્યું? આ દ્રષ્ટિએ મોદી સરકારનો પોતાનો નિર્ણય પરત લેવો તેની સ્પષ્ટ નૈતિક હાર છે. નાલેશી છે. પ્રધાનમંત્રીએ એટલું તો સ્વીકાર્યું કે તેમની તથા તેમના પક્ષની બધી કોશિશો પછી પણ તેઓ ખેડૂતોને સમજાવી ન શક્યા કે આ કાયદા તેમના હિતમાં કઈ રીતે છે. અમારી તપસ્યામાં જ કોઇ ખામી હશે તેમ કહેવાથી તમે નિખાલસ બનવાનો ડોળ કરો છો તેમ હવે કિસાનો માનતા હોય તો તેમાં તેમનો કોઈ દોષ નથી.


ભૂતકાળમાં મનમોહનસિંહની સરકાર અપરાધી સાંસદો અને વિધાયકોને બચાવવા સારુ જે વિવાદાસ્પદ કાનુન હતો તે તથા રાજીવ ગાંધીની સરકાર પ્રેસ ની વિરુદ્ધ માનહાનિનો કાનુન પરત ખેંચી ચૂક્યા છે. ખુદ મોદી સરકાર ભૂમિઅધિગ્રહણ સંશોધન કાનૂન નું બિલ કાયદો બને તે પહેલાં પાછું ખેંચીજ ચૂકી છે. પરંતુ આ કેસમાં ખરડો કાનૂન બની અમલમાં આવી ગયો હતો, તે પરિસ્થિતિ સમજવી રહી. એક વર્ષ સુધી સતત કિસાનોને પ્રતાડિત કર્યા,તેમની ઉપર ખાલિસ્તાની, આતંકવાદી, આંદોલનજીવી, જેવા આરોપો મૂકી દીધા. તારની વાડ કરી, રસ્તામાં ખીલા ઠોક્યાં, લાઠી, વોટર કેનન અને બંદૂકો થી ડરાવવાના પ્રયત્નો કર્યા. 700 ખેડૂતોના જીવ લીધા. પ્રધાન પુત્રે જાહેરમાં નિર્દોષ ખેડૂતો ના ઉપર શિકારી ગાડી ફેરવી દઈ કચડી ને મારી નાંખ્યા પછી પણ ખેડૂતોનો આક્રોશ ઠારી ન શક્યા,તે નોંધવું રહ્યું. લોકશાહીની આ તો સાચી કમાલ છે ! બહુમતી સરકારનું બીજાને તુચ્છ અને દુષમન ગણવાનું વલણ કેવું ભારે પડેછે તે સ્પષ્ટ થઈ ગયું.


આ કાનૂન આપણા દેશમાં લાગુ કરવાનું પ્રેરક બળ અર્થતંત્રની મૂડીવાદી વ્યવસ્થા અને લોકશાહી સરકારો ઉપર કોર્પોરેટ ના કબજા નું સંકટ છે, તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. જ્યારે આ કૃષિ કાનુનો વિરુદ્ધ દેશમાં આંદોલન શરૂ થયું એ જ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત અને અમેરિકા વ્યાપાર પરિષદ માં અમેરિકાની કંપનીઓ ને આત્મનિર્ભર ભારત માં નિવેશ કરવા માટે આમંત્રિત કરી રહ્યા હતા. શું આ ફક્ત એક સંયોગ હતો? આ આ બાબતનું એક પાસુ WTO- વિશ્વ વ્યાપાર સંગઠન નો કૃષિ કરાર- એગ્રીમેંટ ઓન એગ્રી કલ્ચર પણ છે. આનો ઉદ્દેશ બધા જ સંબંધિત દેશોમાં કોઇ રૂકાવટ વગર કૃષિના મુક્ત વ્યાપાર ને આગળ વધારવાનો છે. આ સારુ જરૂરી છે કે જે તે સંબંધિત દેશ પોતાના ત્યાં કૃષિ સબસિડી નાબૂદ કરે. આજ કૃષિ સબસિડી વિકસિત તથા વિકાસશીલ દેશોની વચ્ચે કૃષિ વ્યાપારમાં કબાબ માં હડ્ડી ની જેમ છે. આ સબસીડી એમ એસ પી, તથા કૃષિ ઉત્પાદનની આયાત-નિકાસમાં કરમાં છૂટ ના સ્વરૂપે આપવામાં આવે છે. ભારત સરકાર પર વિકસિત દેશોનું દબાણ છે કે તે પોતાના ખેડૂતો પાસેથી કૃષિ ઉત્પાદન ન ખરીદે. ભારત સરકારે ભલે આની સામે વાંધો પાડ્યો હોય પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ પોતાની રીતે જ કામ કરતું રહે છે. આમાં પાછી દાદાગીરી તો છેજ .વિકસિત દેશ પોતાના ત્યાં કિસાનોને ભરપૂર સબસીડી આપેછે, પરંતુ વિકાસશીલ દેશોને આવું કરવાથી રોકી લેછે, જેથી કરીને તેઓ વિકસિત દેશોમાંથી કૃષિ નો માલ ખરીદવા વિવશ થઈ જાય. કૃષિ કાનુન લાવવામાં આ બધા પરિબળોને મોટો ફાળો છે તે સમજવું રહ્યું. કિસાનોને ભય છે કે આ નવા કાનુનો ખાનગી કંપનીઓને ખેતી સોંપી દેશે અને કિસાનને તેમના નસીબ પર છોડી દેશે. જુના જાગીરદારો ની જગ્યા કોર્પોરેટ કંપનીઓ લઈ લેશે. આજ રીતે જો માલ ખેતબજાર ઉત્પન્ન સમિતિ ના બહાર ખરીદવા વેચવા ની વ્યવસ્થા થઈ જશે તો શરૂઆતમાં તો વ્યાપારી સારા ભાવમાં ખરીદી કરશે, પરંતુ બજાર ઉપર એમનું નિયંત્રણ થતાં જ તેઓ ભાવ ગગડાવી દેશે અને કિસાન રોવા કકળવા સિવાય કશું જ નહીં કરી શકે. જો ન્યૂનતમ સમર્થન મૂલ્ય MSP ન મળે તો ખેડૂતનો ખર્ચ પણ નહીં નીકળે. નફો તો ઘણી દૂરની વાત છે. વધુમાં આપણા દેશમાં ૮૬ ટકા સીમાંત ખેડૂતો છે અને તેમની એટલી તાકાત નથી કે દૂર બીજા માર્કેટમાં જઈને પોતાનો માલ ઉંચા ભાવે વેચી શકે અને ઊંચા ભાવ મળે ત્યાં સુધી રાહ પણ જોઈ શકે. આ બાબતે ખેડૂતોમાં પ્રવર્તી રહેલી શંકાઓનું નિવારણ કરવામાં સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ. વળી ઘણા અર્થશાસ્ત્રીઓ મોદી સરકારના આ નિર્ણયને આર્થિક સુધારાની દ્રષ્ટિએ ઘણું જ પ્રગતિકારક પગલું માની રહ્યા છે અને આ કાનૂન રદ કરવાથી ખિન્ન છે.
પાંચ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓએ મોદી સરકારને આ કાનુન પરત લેવા મજબૂર કરી દીધી તેમ કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી. સી વોટર ના છેલ્લા ત્રણ ચૂંટણી સર્વેમાં જે પીછેહઠ યુપીમાં ભાજપ ની થતી જોવાઇ રહી છે તે અને હિમાચલ પ્રદેશમાં ત્રણ વિધાનસભા તથા લોકસભાની મંડી સીટ ઉપર ભાજપનો સફાયો અને કોંગ્રેસનો સપાટો આ પગલું લેવાનું મૂળ કારણ જણાઇ રહ્યું છે. કેટલાક વિવેચકો અને ટેકટીકલ રીટ્રીટ ગણાવી રહ્યા છે. બે કદમ પાછળ હઠી આગળ વધવાની તૈયારી રૂપે આ કદમ ને જોઈ રહ્યા છે. પરંતુ જે પરિસ્થિતિ બની રહી છે તે જોતાં યુપી ચૂંટણીમાં હારી જવાનો ભય ડોકાઈ રહ્યો હોય તેવું સ્પષ્ટ આકલન તટસ્થ વિવેચકો કરી રહ્યા છે. કિસાન નેતાઓએ તો આંદોલન પાછું ન ખેંચવાની સ્પષ્ટ જાહેરાત કરી દીધી છે. જ્યાં સુધી એમએસપી ની જાહેરાત સરકાર નથી કરતી અને વિજબીલ, પરાળી વિગેરે બીજા આનુસાંગનિક પગલાં બાકીની માંગણીઓમાં પણ નથી લેવાતા તો આંદોલન ચાલુજ રહેશે, ભલેને સંસદ 3 કાનૂન રદ પણ કરીદે.


કેન્દ્ર સરકાર માટે હાલ યુપી ની ચૂંટણી ખૂબજ મહત્વ ધરાવે છે. અહીંની હાર સીધીજ 2024ના લોકસભાની ચૂંટણીમાં ભાજપને બેકફૂટ પર મુકીદે તેની ચિંતા છે. પુરા યુપી રાજ્યના ત્રણ ભાગ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પુરવાંચલ તથા અવધ કરી અનુક્રમે અમિત શાહ, યોગી તથા રાજનાથસિંહને જવાબદારી સોંપવામાં આવી છે. હિમાચલ પ્રદેશમાં જે કારમી હાર થઈ છે ત્યારે ત્યાંના મુખ્યમંત્રીએ કેન્દ્ર ઉપર ઠીકરું ફોડયું છે. વિશ્લેષકો ના મતે, આ ચુકાદો પ્રજા વિરૂદ્ધ મોદીનો છે. સ્થાનિક પરિબળોનો કોઈજ હિસ્સો નથી. અને કદાચ એટલેજ આ સાહસ ત્યાંના મુખ્યમંત્રી ઠાકુર કરી શક્યા છે અને મોદી સાહેબને આયનો જોવાની ફરજ પડી છે. કેન્દ્ર સરકાર હાલ એટલી ભીંસમાં આવી ગઈ છે કે સૂત્રોના જણાવ્યા મુજબ એમએસપી તથા અજય મિશ્રા “તેની” જેના દીકરાએ કિસાનોને કચડી માર્યા છે, તેને સરકારમાંથી રૂખસદ અને અન્ય માંગણીઓ પણ હવે સરકાર સ્વીકારી લેશે જેથી વિપક્ષ પાસે કોઈ મુદ્દો ન રહે. હિન્દુત્વ કાર્ડ હવે ઘસાઈ રહ્યું છે અને કદાચ જો તે પોતાની અસર ગુમાવી દે તો સરકારની આવી જ બની, તેમ બધાં જ માની રહ્યા છે. સરકાર સંસદ અને કેબિનેટના સહયોગથી ચાલવાને બદલે ટીવી ની જાહેરાતો થી ચાલે છે, તે કદાચ પ્રજાને ગમ્યું નથી, તે નોંધવું રહ્યું. અત્રે એ વાત સ્પષ્ટ છે કે કિસાનોએ સરકાર પરનો વિશ્વાસ બિલકુલ જ ગુમાવી દીધો છે. એક વર્ષ સુધી તેઓને જે રીતે ટટળાવ્યા છે તે કિસાનો ભૂલી શકે તેમ નથી. અહંકાર અને મિથ્યાભિમાન હવે ભારે પડી રહ્યું છે.ખેડૂત આત્મહત્યા મુક્ત ભારત બનાવવાનો પડકાર તેમની સીધી હેરાનગતિ અને અપમાનથી કઈ રીતે સધાશે તે સમજાતું નથી. કૃષિ કાનૂન નતો યોગ્ય રીતે ચર્ચા વિચારણા કરીને લાવ્યા નતો યોગ્ય રીતે તેને રદ કર્યા. જ્યારે ભય લાગ્યો ત્યારે પૂંછડી દબાવી દીધી અને સવારે અચાનક જાહેરાત કરી દીધી. સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે ઉત્તર પ્રદેશમાં કશ્મકશના જંગનો અણસાર આવી જતાં, હવે સરકાર બેબાકળી થઇ છે. તેનો અંદાજ ખેડૂતોને પણ છે અને તે આ લાભ લેવાનું ચૂકવા નથી માંગતા. પૂરવાંચલ ની અખિલેશની ભવ્ય સભાએ સરકારને હચમચાવી દીધી છે. લોકોનું, ખાસ કરીને યુવાનોનું સ્વયંભૂ ઉમટી પડવું ભારે ચિંતાનો બોજ સત્તાધારી પક્ષના માથે નાંખી રહ્યું છે. વધુમાં સપા એ યુપી માં નાના પક્ષો સાથે મજબૂત જોડાણ ઉભું કર્યું છે તો કોંગ્રેસે દલિત કાર્ડ રમી ચેન્નીને પંજાબમાં મુખ્યમંત્રી બનાવી સમયસર સિધ્ધુ અને અમ્રિન્દરસિંઘ ની બાખડતી જોડીને કાબુમાં લઈ લીધી તે સાચેજ માસ્ટર સ્ટ્રોક ગણવો રહ્યો. વધુમાં આપ ને પણ ચેકમેટ કરી દીધી તે નફામાં. એક કાંકરે અનેક પક્ષી મારવાની આ અદભુત રાજકીય ચાલ છે, તેમાં કોઈ બેમત નથી.


પંજાબમાં પદચ્યુત મુખ્યમંત્રી અમરિંદર સિંહ નો ટેકો મેળવ્યા પછી પણ ત્યાં ભાજપની કોઇ દાલ ગળે તેમ લાગતું નથી. અકાલીદળ સાથે ફરી જોડાણ થાય તો પણ ત્યાં જંગ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે, એવું આકલન નિષ્ણાતો કરી રહ્યા છે. હરિયાણામાં ચૂંટણી હાલમાં નથી પણ ત્યાં BJP અને JJP બન્ને માટે મતવિસ્તારમાં જવુંજ અઘરું છે. ત્યાં આક્રોશ પરાકાષ્ટાએ છે તેમાં કોઈ બેમત નથી. અસલમાં જે ફ્લોટિંગ વોટર્સ એટલે કે અનિશ્ચિત મતદાર જૂથ હોય છે તે આવખતે સીધું ભાજપ વિરુદ્ધ બધા રાજ્યમાં મતદાન કરશે અને તે લોકસભાની 2024ની ચૂંટણી સુધી જળવાઈ રહેશે તેવું જણાઈ રહ્યું છે. અને આજ ખરી ખતરાની ઘંટડી છે. જાતિ આધારિત વિશ્લેષણ ચૂંટણીમાં ભલે થતું રહેતું હોય, પરંતુ આકરી મોંઘવારી, બેરોજગારી અને કોરોના મહામારી સમયનો ધબડકો, સત્તાપક્ષને ખૂબ જ ભારે પડી જશે. અમિત શાહ થકી ખટપટો ચલાવી,ઇલેકટોરલ બોન્ડ દ્વારા અને દબાવી ધમકાવી, મબલખ કાળુ નાણું મેળવી, ED તથા ઇન્કમટેક્સ ની રેડ પડાવી, ચૂંટાયેલા સભ્યો ખરીદી, માયાવતીઓ અને ઓવેસીઓને મેનેજ કરી, ફર્સ્ટ પાસ્ટ ધી પોસ્ટ ના ગણિત મુજબ, બહુઆયામી ચૂંટણી જંગમાં પક્ષની નૈયાને પાર કરવા એડી ચોટીનું જોર લગાવવાની તૈયારીઓ થઈ રહી છે.


આ તાનાશાહી સરકારે આજ રીતે સીએએ અને એનઆરસી વિરુદ્ધ આંદોલન ને પણ કચડવામાં કોઈ કસર નથી રાખી. ખોટા કેસો માં વિદ્યાર્થી નેતાઓ તથા સિવિલ સોસાયટીના અગ્રણીઓને જેલમાં નાંખી દીધા અને તેમના ઉપર યુ એ પી એ ની ભારે કલમ પણ લગાવી દીધી. કોરોના ના લીધે ભલે આ આંદોલન આટોપાઈ ગયેલું દેખાતું હોય પરંતુ તેને જ કિસાનો તથા સિવિલ સોસાયટી ને પ્રેરક બળ પૂરું પાડ્યું હતું, તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. તાનાશાહી અને જિદ્દી સરકારની આ પીછેહઠ ભલે ચૂંટણી જીતવાનો જુગાર ગણાતો હોય, પરંતુ એક તરફ તેણે સરકારને રેડ સિગ્નલ બતાવી દીધું છે તો બીજી તરફ દબાયેલી પ્રજાને આશાનું એક નવું કિરણ બતાવ્યું છે, તેમ કહેવામાં કોઇ જ અતિશયોક્તિ નથી.


મોદી લડવૈયા છે અને જલ્દી હાર માને તેમ નથી. હજુ ઘણા દાવપેચ જોવા મળશે, તે નક્કી છે.
મક્કારો પોતાની ચાલ ભલે ચાલે, શ્રેષ્ઠ ચાલ તો સમયની જ હોય છે. હિટલર,મુસોલીની જેવા ઘણાં મજબૂત , અહંકારી અને તાનાશાહ ઇતિહાસે જોયા અને તેઓ સૌ ભૂંડી રીતે વિનાશને વર્યા. આ સરકાર પણ કદાચ તેજ માર્ગે ધસમસતી જઇ રહી છે. એક વિવેચક સૂર્યપ્રકાશ સિંહ જે નિવૃત્ત IAS છે તેઓએ કહ્યું કે આ મોદી સરકારના અંત નો આરંભ છે. અને આ કદાચ વહેલું પણ સાચું આકલન છે.

લેખક, નિવૃત મુખ્ય ઈજનેર, ગેટકો, GEB – 9925212453 – mgvgetco@yahoo.co.in


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments