લેખક: અપૂર્વાનંદ
(દિલ્હી યુનવર્સિટીના હિન્દીના પ્રાધ્યાપક)
અનુવાદ: હેમંતકુમાર શાહ
ન્યાય માગે તેની સામે બદલો લો. આ ભાજપની સરકાર નથી કહેતી, એ સર્વોચ્ચ અદાલત કહે છે. સર્વોચ્ચ અદાલત કહે છે કે જેઓ ન્યાય માગવાનું ચાલુ રાખે છે તેમની સામે બદલો લો. અદાલત એમ કહે છે કે અદાલતોમાં ન્યાય માટે લાંબી લડત લડવામાં આવે તો તે ચરુ ઉકળતો રાખવા માટેનું હીનતાપૂર્ણ કાવતરું છે. કોઈક દુષ્ટ હેતુ છે એની પાછળ. અને સર્વોચ્ચ અદાલત ઈચ્છે છે કે એમને સજા થાય.
એટલે સર્વોચ્ચ અદાલત એમને વખોડી કાઢે છે કે જેઓ સત્તાધારીઓ સામે સવાલ ઉઠાવવાની હિંમત કરે છે. એટલું જ નહિ, પણ એ તેમને આરોપીના પાંજરામાં ખડા કરી દે છે.
સર્વોચ્ચ અદાલતને કાયદાનું પાલન કરનારી ગુજરાત પોલિસે સાંભળી અને તેના પહેલા પ્રતિભાવ તરીકે, તેણે તિસ્તા સેતલવાડ અને ગુજરાત પોલિસના ભૂતપૂર્વ ડીજીપી શ્રીકુમારની તરત જ ધરપકડ કરી. મુસીબતો ઊભી કરનારા આ લોકો સામેનો અદાલતનો રોષ અને ધરપકડની વચ્ચે કેન્દ્રના ગૃહ પ્રધાનની એક મુલાકાત છે. તેમાં તેમણે તિસ્તા સેતલવાડના સંગઠનનું નામ આપ્યું છે અને કહ્યું છે કે રાજ્યના જ કેટલાક અધિકારીઓએ રાજ્ય સરકારને અને મુખ્ય પ્રધાનને બદનામ કરવા માટેનું કામ કર્યું હતું.
“સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે ઝકિયા જાફરી કોઈકની દોરવણી હેઠળ કામ કરતા હતા. ઘણા અસરગ્રસ્તોની એફિડેવિટ પર એ સંગઠનના લોકોએ સહીઓ કરી છે. બધા જાણે જ છે કે એ કામ તિસ્તા સેતલવાડનું સંગઠન કરતું હતું. યુપીએની સરકારે તિસ્તા સેતલવાડની સંસ્થાને બહુ જ મદદ કરી હતી. આખો દિલ્હી દરબાર એ જાણે છે. મોદીજીને લક્ષ્યાંક બનાવવા માટે જ અને તેમની પ્રતિષ્ઠાને આંચ પહોંચાડવા માટે જ આમ કરવામાં આવ્યું હતું” એમ ગૃહ પ્રધાને કહ્યું.
એમ લાગે છે કે આ મુલાકાત અને તિસ્તા, શ્રીકુમાર અને સંજીવ ભટ્ટના નામે જે એફઆઇઆર ગુજરાત પોલિસ દ્વારા કરવામાં આવી એ બંને સાથે ચાલી રહ્યાં હતાં. આ મુલાકાત પછીના થોડા જ કલાકોમાં તિસ્તા અને શ્રીકુમારના ઘરના બારણે પોલિસના ટકોરા પડે એ બીજું શું બતાવે છે? ગૃહ પ્રધાન માત્ર ઝકિયા જાફરીને નાના બાળક સમજે છે એટલું જ નહિ, પણ સર્વોચ્ચ અદાલતનું પણ તેઓ એમ જ સમજે છે. કારણ કે સર્વોચ્ચ અદાલતે પણ એમ કહ્યું છે કે ઝકિયા જાફરી સ્વતંત્ર દિમાગ ધરાવતાં નથી અને તેમને તિસ્તા અને બીજાઓએ પાઠ ભણાવ્યા છે કારણ કે તેમને તે સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન સામે બદલો લેવો હતો.
જન્નતનશીન એહસાન જાફરીને અમદાવાદમાં તેઓ જ્યાં રહેતા હતા તે ગુલબર્ગ સોસાયટીમાં જીવતા જ સળગાવી દેવામાં આવ્યા હતા. એ સોસાયટી પર ટોળાએ તા.૨૮-૦૨-૨૦૦૨ના રોજ હુમલો કર્યો હતો. મુસ્લિમોને લક્ષ્યાંક બનાવીને થયેલી હિંસાનો એ પહેલો દિવસ હતો. તેમનાં પત્ની ઝકિયા જાફરીએ ન્યાય મેળવવા માટે અદાલતોનાં પગથિયાં ઘસી નાખ્યાં. તેમણે એમ કહ્યું કે એ ખૂન વ્યાપક હિંસખોરીનો ભાગ હતું અને તે કાવતરાં સિવાય શક્ય બન્યું જ ન હોત. ૨૦૧૨માં વિશેષ તપાસ ટુકડી(SIT)એ રાજ્ય સરકારને ક્લીન ચીટ આપી હતી અને ઝકિયા જાફરીના કાવતરાના આરોપને ફગાવી દીધો હતો.
તેનાથી અસંતુષ્ટ ઝકિયા જાફરીએ અદાલતમાં અરજી કરીને નવેસરથી તપાસની માગણી કરી હતી. સર્વોચ્ચ અદાલતે આ અરજીને હવે કચરાટોપલીમાં ફેંકી દીધી છે.
એટલું જ નહિ, પણ તેણે એમ કહ્યું છે કે ઝકિયા જાફરી પોતે જાતે આ બધું નહોતા કરી રહ્યાં. “તેમને ન્યાયની ખોજ કરનારાના જે વિરોધીઓ પોતાની એરકન્ડીશંડ ઓફિસમાં સહીસલામત બેઠા છે તેઓ ઉશ્કેરી રહ્યા હતા.” સર્વોચ્ચ અદાલત કહે છે કે, “તેઓ કદાચ આવી ભયાનક સ્થિતિમાં વિવિધ સ્તરે રાજ્યના વહીવટી તંત્રની નિષ્ફળતાની કડીઓ જોડવામાં સફળ પણ થાય, પણ તેમને વાસ્તવિક સ્થિતિની કશી ખબર હોતી નથી કે તેઓ તે સમજવા માગતા નથી, અને જેઓ રાજ્યમાં ફેલાયેલી વ્યાપક હિંસા પછી આપમેળે ઊભી થયેલી પરિસ્થિતિ પર અંકુશ મેળવવા પોતાની ફરજ બજાવવા માગે છે તે સત્તાધારીઓની તેમને ખબર જ હોતી નથી.”
અહીં “એરકંડીશંડ ઓફિસ” શબ્દો સર્વોચ્ચ અદાલતે વાપર્યા છે તે જુઓ. આપણે એમ ધારી લઈએ કે આ ચુકાદો લખતી વખતે ન્યાયમૂર્તિઓએ વધુ સંનિષ્ઠ અને પ્રમાણિક બનવા તેમનાં એસી બંધ કરી દીધાં હશે! અદાલતના આ શબ્દો મને વડા પ્રધાને ન્યાયમૂર્તિઓની એપ્રિલ, ૨૦૧૫ની સભામાં જે ચેતવણી આપેલી તેની યાદ અપાવે છે. તેમણે ન્યાયમૂર્તિઓને ફાઈવ સ્ટાર કર્મશીલોથી સાવચેત રહેવા કહ્યું હતું: “કાયદા અને બંધારણને આધારે ચુકાદા આપવાનું સહેલું છે. કોઈક ખ્યાલને આધારે અપાતા ચુકાદા સામે સાવધ રહેવાની જરૂર છે. આ ખ્યાલો ઘણી વાર ફાઇવ સ્ટાર કર્મશીલો તરફથી આવે છે.”
વડા પ્રધાને કહ્યું હતું કે અદાલતો આ કર્મશીલોથી ગભરાય છે અને તેથી સ્વતંત્ર રીતે નિર્ણયો લઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલતે રસ્તો મોકળો કરી આપ્યો તેથી તિસ્તા અને શ્રીકુમારની ધરપકડ થઈ અને તેથી આજે વડા પ્રધાનને સંતોષ થયો જ હશે.
અદલતો ખરેખર નિર્ભય બની ગઈ છે. તેમણે ન્યાય માગતા લોકોની ધરપકડ કરવા માટે રાજ્યને આદેશ આપવાની હિંમત કેળવી છે.
ઝકિયા જાફરી પોતે જાતે આ કેસ આગળ ધપાવી શક્યાં જ ન હોત. ૨૦૦૨માં હિન્દુત્વવાદી ટોળાંએ જેના પર ગેંગ રેપ કર્યો હતો તે પછી ન્યાય મેળવવા માટે ૧૫ વર્ષ અદાલતી લડત આપનાર બિલ્કીસ બાનુને એ પૂછવું જોઈએ કે શું તેઓ આપમેળે એ લડત લડી શક્યાં હોત?
બિલ્કીસ બાનુએ પોતાનું રાજ્ય છોડવું પડ્યું હતું, પોતાનું સરનામું બદલાતા રહેવું પડ્યું હતું. તેમનો કેસ ગુજરાતની બહાર તબદીલ કરવામાં આવ્યો હતો કારણ કે તે સમયે ન્યાયતંત્રને એમ લાગ્યું હતું કે ગુજરાતમાં નિષ્પક્ષ રીતે ન્યાય નહિ મળે.
શા માટે ન્યાયતંત્રમાં આ સમજ હતી? હિંસા સ્વયંભૂ હતી અને તેની પાછળ રાજ્ય પ્રેરિત કાવતરું નહોતું એવી સર્વોચ્ચ અદાલતની માન્યતા આપણે સ્વીકારી લઈએ તો પણ, જે ખોટું થયું હતું તેને માટે ન્યાય તોળવામાં ગુજરાત રાજ્ય હિચકિચાટ કેમ અનુભવતું હતું તે સમજાતું નથી. રાજ્યના મુખ્ય પ્રધાને તે સમયે હિંસા પછી ‘ગૌરવ યાત્રા’ કાઢી હતી અને લોકોને હિંસા થઈ જ નથી એમ માનતા કરવા જે કંઈ કર્યું હતું તેને વિશે ન્યાયમૂર્તિઓ શું કહેશે? શા માટે તેમણે લોકોને એમ સમજાવવાનો પ્રયાસ કર્યો કે જેઓ એ હિંસા વિશે વાત કરે છે અને ન્યાય માગે છે તેઓ હકીકતમાં ગુજરાતની જનતાને બદનામ કરે છે?
શા માટે સર્વોચ્ચ અદાલતને ૨૦૦૪માં ગુજરાતના સત્તાવાળાઓની નીરો સાથે તુલના કરવાની ફરજ પડી હતી? બેસ્ટ બેકરી કેસ વખતે સર્વોચ્ચ અદાલતે કહેલું કે, “બેસ્ટ બેકરી અને નિર્દોષ બાળકો સળગી રહ્યાં હતાં ત્યારે આજના નીરો બીજે જ ક્યાંક જોઈ રહ્યા હતા, અને કદાચ એ જ વિચારી રહ્યા હતા કે ગુનેગારોને કેવી રીતે બચાવી શકાય.”
એ એક હકીકત છે અને કોઈ અદાલતનો કોઈ ચુકાદો એ ભૂંસી નહિ શકે કે ખૂન અને હત્યાઓ કરવા દેવામાં આવ્યાં હતાં. એહસાન જાફરી કોઈ સામાન્ય મુસ્લિમ નહોતા. તેઓ ભારતની સંસદના સભ્યપદે રહેલા રાજ્યના એક અગ્રણી રાજકારણી હતા. એમની આ પ્રતિષ્ઠાને લીધે જ મુસ્લિમોએ એમ ધારી લીધું હતું કે જો તેઓ તેમના ઘરમાં આશરો લેશે તો તેઓ હિંસક ટોળાથી બચી જશે.
ટોળાએ સોસાયટીને ઘેરો ઘાલ્યો. ઝકિયા જાફરી કહે છે તે મુજબ એહસાન જાફરીએ મુખ્ય પ્રધાન સહિત દરેકને હિંસા રોકવા કંઇક કરવા ફોન કર્યા હતા. તેમ છતાં પણ સોસાયટી પર હુમલો થયો, સોસાયટી બાળવામાં આવી, તેમને બહાર ખેંચી કાઢવામાં આવ્યા અને તેમની બેરહમીથી કતલ કરવામાં આવી.
તેઓ માર્યા ગયા તે પહેલાં એક વરિષ્ઠ પોલિસ અધિકારી તેમને મળ્યા હતા, પણ તેઓ ગયા પછી હિંસા થઈ. એહસાન જાફરીનું ખૂન થયું. સર્વોચ્ચ અદાલત નિર્દોષ રીતે કહે છે અને આપણને માનવા પ્રેરે છે તેમ તે શું તેટલી સ્વયંભૂ બનેલી ઘટના હતી? ઝકિયા જાફરીએ ન્યાય માટે લડવાનું નક્કી કર્યું. તેઓ જાણતાં હતાં કે તેઓ કોની સામે લડી રહ્યાં છે. પણ તેઓ કંઈ એકલાં આ લડત આગળ ના ધપાવી શક્યાં હોત. ત્યાં જ તિસ્તા સેતલવાડ જેવા કર્મશીલોની ભૂમિકા મહત્ત્વની બને છે.
અગાઉ કહ્યું તેમ બિલકીસ બિલ્કિસ બાનુ કે બેસ્ટ બેકરી, નરોડા પાટિયાના અસરગ્રસ્તોને અને બીજી અનેક સામૂહિક હત્યાઓની ઘટનાઓના અસરગ્રસ્તોને પૂછો કે શું તેઓ એકલા ન્યાયની લડત લડી શક્યા હોત?
અત્યારે સર્વોચ્ચ અદાલતે જે કંઈ કર્યું છે તે માફ કરી શકાય તેમ નથી. કહેવાતી રાજ્ય પ્રેરિત હિંસાના અસરગ્રસ્તોને તેણે એકલા અટૂલા બનાવી દીધા છે. અદાલતે એવી ધમકી આપી છે કે તેઓ માનવ અધિકાર કર્મશીલોની મદદ માગી શકે નહિ. અને તેણે માનવ અધિકાર કર્મશીલોને ચેતવણી આપી છે કે તમે તમારું કામ તમારા જોખમે જ કરી શકો છો.
તેણે બધા જ માનવ અધિકાર કર્મશીલોને ખતરામાં મૂકી દીધા છે. તેણે દરેક સત્તાધિકારીની નિષ્ઠા સામે સવાલ ઉઠાવવાની હિંમત કરનારને આરોપીના પાંજરામાં ધકેલી દીધા છે, જ્યારે ખરેખર તો તેઓ તેમની જવાબદારી ઈચ્છે છે.
મુંબઈ, ભિવંડી, ભાગલપુર, નેલ્લી, દિલ્હી અને એવા હિંસાના બીજા અનેક કિસ્સામાં; માનવ અધિકાર કર્મશીલો અને તેમની સંસ્થાઓના ટેકા સિવાય અસરગ્રસ્તો કદી પણ કિન્નાખોર રાજ્ય સામે ન્યાય મેળવવા લડી શક્યા હોત ખરા?
પહેલાં રાજ્ય તેનાં ખોટાં કૃત્યો અને ગુનાઓ સામે લડનારા સામે બદલો લેવા માગતું હતું. હવે તો સર્વોચ્ચ અદાલત જ બદલાખોર બની ગઈ. આપણે કહી શકીએ કે થોડીક પ્રગતિ ચોક્કસ થઈ.
(‘ધ વાયર’ દ્વારા તા.૨૬-૦૨-૨૦૨૨ના રોજ પ્રકાશિત લેખનો અનુવાદ)