૨૦૨૦નું વર્ષ માનવ ઇતિહાસમાં એક ઐતિહાસિક અને અજુગતું વર્ષ છે. આમ તો ભૌતિકવાદ માનવ જગતની એક સળગતી સમસ્યા રહી છે. અને દરેક યુગ અને કાળમાં ભૌતિકતાવાદે માનવ જીવનને પોતાના ભરડામાં લઈ માણસમાંથી માણસાઇ ખૂંચવી લીધી છે. છેલ્લા કેટલાક વર્ષોથી તો આ ભૌતિકતાવાદે માઝા જ મુકી દીધી છે, જેના થકી માણસ માત્ર એક મશીન બનીને રહી ગયો છે. અને આના ફળ સ્વરૂપે જાત જાતની માનસિક અને શારીરિક સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે. વર્ષ ૨૦૨૦માં કોરોના મહામારી અને લોકડાઉનની વ્યથાએ આ ભૌતિક્તાવાદની માનસિકતામાં એક સમુળગું પરિવર્તન લાવી દીધું છે. એક નાનકડા જુથનો આ ભૌતિક સુખ સંસાધનોથી મોહભંગ થઈ ગયો છે અને તે નાસીપાસ થઈ સંસાર અને તેના કર્તવ્યોથી જ વિમુખ થઈ ગયો છે. બીજું એક મોટું જુથ ભૌતિકતાવાદથી પલાયન કરી આધ્યાત્મ તરફ વળ્યું છે, પરંતુ તેની સામે આ આધ્યાત્મનો કોઇ નક્કર આધાર જ નથી. તે આધ્યાત્મના આંધળા અનુકરણમા અટવાઈ ગયો છે. પરિણામસ્વરુપે કૈફી દ્રવ્યો અને ડ્રગ્સના રવાડે ચઢી પોતાના અનમોલ જીવનને છિન્નભિન્ન કરી રહ્યો છે.
ભૌતિકવાદ અને આધ્યાત્મના આ વિગ્રહ અને આધ્યાત્મની સાચી સમઝ ન હોવાનનું કારણ એ છે કે મોટા ભાગના ધર્મો અને દર્શનો એમ માને છે કે શરીર અને આત્મા એક બીજાના વિરોધી છે. જ્યાં સુધી શરીર અને તેની ઇચ્છાઓને કચડી નાખવામાં ન આવે ત્યાં સુધી આધ્યાત્મની પ્રાપ્તિથઈ શકતી નથી . તે એમ વિચારે છે કે શરીર આત્મા માટે એક બંદીગૃહ છે અને રોજબરોજની સાંસારિક પ્રવૃતિઓ એ બેડીઓ છે જે આત્માના વિકાસને રૂંધી નાખે છે એટલે જ્યાં સુધી તેના બંધનોથી મુક્ત ન થઈ જવાય, આત્માનું ઉત્થાન શક્ય નથી. તેથીજ સમગ્ર વિશ્વ બે ખાનાઓમાં વ્હેંચાઇ ગયું છે. એક સંસારિક વિશ્વ અને બીજું આધ્યાત્મિક વિશ્વ.
સાંસારિક વિશ્વને ભૌતિક સુખ સાધનો સિવાય બીજુ કંઈજ દેખાતું જ નથી. તેઓ આ આંધળી દોટ માં ગળાડુબ છે, જ્યારે આધ્યાત્મિક વિશ્વ સાંસારિક ક્રિયા કલાપોથી વિમુખ થઈ પોતાની શારીરિક શક્તિઓ અને ઇચ્છાઓના હ્રાસ માં પરોવાઇ જાય છે અને સમાજ માટે બિલકુલ બિન ઉપયોગી થઈ જાય છે.
ઈશ્વરીય ધર્મોનું અંતિમ સંસ્કરણ ઇસ્લામ આ બંને દૃષ્ટિકોણોથી જુદો અને સંતુલિત દૃષ્ટિકોણ ધરાવે છે. ઇસ્લામના અનુસાર અલ્લાહે માનવને પોતાના ખલીફા (ઉત્તરાધિકારી) તરીકે આ દુનિયામાં મોકલ્યો છે. અલ્લાહે આના માટે તેને કેટલીક સત્તાઓ પણ આપી છે અને તેને કેટલાક અધિકારો અને કેટલીક જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે.આ બધી જવાબદારીઓ પૂરી કરવા માટે તેને વાહન અને સાધન તરીકે એક સુંદર, શક્તિશાળી શરીર આપવામાં આવ્યું છે અને સાથેજ ચાલક તરીકે એક ઉત્કૃષ્ટ આત્મા પણ આપવામાં આવ્યો છે. શરીર જેટલું શક્તિશાળી અને સમર્થ હશે તેનું કાર્ય એટલું ઝડપી અને સરળ બની રહેશે. આત્મા જેટલો સુંદર હશે એટલો જ આ જવાબદારીઓ તે નિષ્ઠા પૂર્વક અદા કરી શકસે. જરૂર છે એક સુંદર સમન્વયની અને શારીરિક ઇચ્છાઓ ઉપર ( જે બહુ શક્તિશાળી છે) અંકુશ લગાડવાની જેથી આ સવારી (શરીર) નિરંકુશ થઈને આત્માને (ચાલક-માનવ) લઈ કોઈ ખાડામાં ન ખાબકી જાય. શરીર આત્મા માટે કોઈ કેદખાનું નહીં પણ એક વર્કશોપ અથવા કારખાનું છે. આત્માનું ઉત્થાન થશે તો આ વર્કશોપ અથવા કારખાના થકી જ થશે. આધ્યાત્મિક વિકાસ આ કારખાના થી દૂર જતાં રહેવાથી અથવા તેણે ખંડિત કરી દેવાથી શક્ય નથી. જગતના કારખાનામાં શરીર રૂપી હથિયારને લઈ આત્માની શક્તિથી દરેકે દરેક જવાબદારી, પછી તે કુટુંબની હોય કે સમાજની, દેશની હોય કે વિશ્વની , દુકાન ની હોય કે ફેક્ટરીની, ઓફિસની હોય કે કોલેજની, યુદ્ધ ક્ષેત્રની હોય કે શાંતિ સમ્મેલનનીી… બધી જવાબદારીઓનો નિર્વાહ ઈશ્વરીય આજ્ઞાનુસાર કરવાથીજ આધ્યાત્મિક જીવન શક્ય છે.
ઇસ્લામ આધ્યાત્મિક ઉત્થાન માટે જીવનના આ કષ્ટદાયી દૃષ્ટિકોણને નકારે છે, અને આના માટે એક જુદી પ્રક્રિયા સૂચવે છે. આ હેતુ માટે દુનિયાથી દૂર ભાગીને નહીં પણ આ દુનિયામાં વ્યસ્ત રહીને જ. ઇસ્લામના ચોથા ખલીફા હઝરત અલી રદી. ફરમાવે છે કે આ દુનિયા એટલા માટે નથી કે તમે એના ખોળામાં બેસી એમાં ડૂબી જાઓ અને આ દુનિયા એટલા માટે પણ નથી કે તમે એને લાત મારી જંગલોમાં જતાં રહો. આ દુનિયા તો એટલા માટે છે કે તમે એના માથે પગ મૂકી ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો કરો.
જ્યારે માનવ પોતાના શરીર અને આત્માની શક્તિઓ અને તેના સુંદર સમન્વય વડે આ જગતમાં ઈશ્વરે તેણે સોંપેલ જવાબદારીઓ ઈશ્વરની આજ્ઞા મુજબ પૂરી કરે છે અને જે જે હક્કો બીજા માનવો અને પ્રાણીઓના તેના ઉપર મૂકવામાં આવ્યા છે, તે નિષ્ઠા પૂર્વક અદા કરે છે, તો તે વાસ્તવમાં ઈશ્વરનો અંશ બની જાય છે, કેમકે તે ઈશ્વર તરફથી આ કર્યો કરી રહ્યો હોય છે. અને તે ઈશ્વરની નજીક પહોંચી જાય છે. અને આ જ છે ઇસલામના અનુસાર આધ્યાત્મની પરાકાષ્ઠા (ક્લાઇમેક્સ) આ પ્રક્રિયાના ફળસ્વરૂપે તેણે બે આધ્યાત્મિક સુખોની પ્રાપ્તિ થાય છે, જેને કુઆર્નમાં વર્ણવામાં આવી છે.
પવિત્ર જીવનની પ્રાપ્તિ – કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે,
“જે વ્યક્તિ પણ સદ્કાર્ય કરશે, ચાહે તે પુરુષ હોય કે સ્ત્રી, શરત એ છે કે તે હોય ઈમાનવાળા , તેને અમે આ દુનિયામાં શુદ્ધ અને પવિત્ર જીવન જીવાડીશું અને (પરલોકમાં) આવા લોકોને વળતર તેમના શ્રેષ્ઠ કર્મો મુજબ આપીશું.“ (૧૬ઃ૯૭)
સૌમ્ય અને પવિત્ર હૃદય –
કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છે
“અને નુહની પદ્ધતિ પર ચાલનાર ઇબ્રાહીમ હતો. જ્યારે તે પોતાના રબની હજૂરમાં સૌમ્ય અને પવિત્ર હૃદય લઈને આવ્યો હતો.” (ર્કુઆન- ૩૭ઃ૮૩,૮૪)
આ બંને વસ્તુઓ આધ્યાત્મિક યાત્રાના સૌથી ઉચ્ચ શિખરો છે. જે વ્યક્તિએ આ શિખરો પ્રાપ્ત કરી લીધા એ આધ્યાત્મિક સ્તરે બહુ ઊંચા સ્થાને પહોંચી ગયો.