Thursday, October 10, 2024
Homeપયગામજનઆંદોલન : જીવંત લોકશાહીના પ્રતીક

જનઆંદોલન : જીવંત લોકશાહીના પ્રતીક

શરીરને ટકાવી રાખવા અને સ્વસ્થ રાખવા માટે વિવિધ પ્રકારના પોષક ત¥વોની જરૂર હોય છે. તે જ રીતે વ્યક્તિગત અને સામૂહિક જીવનને ટકાવી રાખવા, સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવા માટે સંઘર્ષ અનિવાર્ય છે. જેવી રીતે અંજીરની અંદર વિવિધ પ્રકારના ઘટકો સમાયેલા છે, તેવી રીતે સંઘર્ષ શબ્દના હૃદયમાં શક્તિ, પ્રતિબદ્ધતા, ધૈર્ય, સાતત્ય, કર્તવ્યનિષ્ઠ, સક્રિયતા, જવાબદારી, અડગતા, ઉમંગ અને ઉત્સાહ જેવા ગુણો છુપાયેલા છે. સંઘર્ષથી કોઈનો છુટકારો નથી. શિશુનિર્માણની પ્રક્રિયાથી લઈને જીવનની છેલ્લા શ્વાસ સુધી માણસને વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવો પડે છે. જે તેમની સામે ઝઝૂમવાનું સાહસ ધરાવે છે તે જ નવો ઇતિહાસ રચે છે. આ વાસ્તવિકતાનો ઉલ્લેખ કરતાં  કુઆર્નમાં અલ્લાહ ફરમાવે છેઃ  “હકીકતમાં અમે મનુષ્યને કષ્ટમાં પેદા કર્યો છે.”(સૂરઃ બલદ-૪)

જીવન એક નાવની જેમ છે, જે દરિયાના મોજાઓને ચીરી મંઝિલ ભણી કૂચ કરે છે. જે તોફાની મોજાઓ સામે સંઘર્ષ નથી કરી શકતો તે દરિયા કાંઠે બેસી રહે છે અને તેનું જીવન દીપ ઓલવાઈ જાય છે.

વિજ્ઞાનયાત્રા પણ સંઘર્ષની પૃષ્ટિ કરે છે. પ્રખ્યાત વિજ્ઞાની ડાર્વિને ઉત્ક્રાંતિના સિદ્ધાંતમાં  પ્રાકૃતિક પસંદગીની પદ્ધતિનું વર્ણન કરી survival of the fittestની વાત કરી છે. જે સજીવો સંઘર્ષ કરી શક્યા આજે તેમનું જ અસ્તિત્વ બાકી છે અને જેઓ અસક્ષમ રહ્યા તેઓ નાબૂદ થઇ ગયા. કાર્લ માર્કસે માનવ ઇતિહાસનું જે ચિત્ર રજૂ કર્યું છે તેમાં પણ વર્ગ સંઘર્ષની વિભાવના રજૂ કરી છે. તેના પ્રમાણે અમીરો અને શ્રમજીવીઓ વચ્ચે મૂડી અને મહેનત વચ્ચે ન્યાયિક માપદંડ ન હોવાથી ઘર્ષણ થાય છે. વિવિધ કોમોની અદ્યોગતિ અને ઉન્નતિનો ઇતિહાસ વાંચી જુઓ, જે સમુદાયોએ સંઘર્ષ કર્યો તેઓએ જ રાજ કર્યું અને જેઓ આળસુ, નિરુત્સાહી અને આરામમાં રહ્યા તેઓ મટી ગયા અથવા ગુલામ બની ગયા. વિચારધારાથી  મતભેદ હોઈ શકે, પરંતુ જે વસ્તુ મહત્ત્વની છે તે છે સંઘર્ષ. જે સંઘર્ષ કરે છે તે સત્તાના સિહાંસન સુધી પહોંચે છે. જે સંઘર્ષ કરે છે તે જ તોફાનની દિશા વાળે છે.

સંઘર્ષ જ વ્યક્તિને મહાન બનાવે છે. ઇતિહાસ સાક્ષી છે, સંઘર્ષ જયારે જનસંઘર્ષ બની જાય છે ત્યારે મોટા મોટા જાલિમો ઘૂંંટણિયે પડી જાય છે. જુલ્મની સીમા છે, મર્યાદા છે, પરંતુ સંઘર્ષની કોઈ સીમા નથી. જંગમાં પરાજિત હોવા છતાં આત્મવિશ્વાસ અને મનોબળને જીવંત રાખવાનું નામ સંઘર્ષ છે. સંઘર્ષનો ઇતિહાસ હિંસક પણ છે અને અહિંસક પણ. આપણો ૧૮૫૭નો સ્વતંત્રતા સંગ્રામ સફળ ન હોતો થયો, પરંતુ ૯૦ વર્ષ પછી જે સફળતા મળી તેમાં ૧૮૫૭નો ફાળો ભૂલી શકાય નહીં. રાજા રામ મોહન રોયે ૧૮ ઓગસ્ટ, ૧૮૨૮માં બ્રહ્મોસમાજની રચના કરી અને સતી પ્રથા સામે યુદ્ધ છેડયું અને ડિસેમ્બર ૧૮૨૮માં આ સામાજિક કુપ્રથાથી ભારતને મુક્તિ મળી. અસ્પૃશ્તા સામે ડા. બાબા સાહેબ આંબેડકરે જે આંદોલન આચર્યું તે ખૂબ જ લાંબા સંઘર્ષ પછી પણ આંશિક સફળ થયું. આપે જે શિખામણ આપી તે “શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો”ની હતી. આપણા દેશનો સ્વતંત્રતા સંઘર્ષ પણ આ જ રીતે સફળતાને વર્યો.

આંતરરાષ્ટ્રીય આંદોલનો

૧૯૦૭માં જ્યારે દક્ષિણ આફ્રિકામાં એશિયાટિક રજિસ્ટ્રેશન એક્ટ (બ્લેક એક્ટ) બનાવવામાં આવ્યો ત્યારે તેનો વિરોધ કરવામાં આવ્યો અને ગાંધીજીએ સત્તાવાર રીતે સત્યાગ્રહનો ઉપયોગ કર્યો હતો. ૭ વર્ષ સુધી એ સંઘર્ષ ચાલ્યો અને છેવટે જૂન ૧૯૧૪માં બ્લેક એક્ટ રદ કરવામાં આવ્યો.આ સંઘર્ષે સાબિત કરી દીધું કે અહિંસક વિરોધ પણ ખૂબ  જ સફળ થઈ શકે છે.

માર્ટિન લ્યુથર કિંગ જુનિયર, યુનાઇટેડ સ્ટેટ્‌સમાં આફ્રિકન અમેરિકન નાગરિક અધિકાર ચળવળના સફળ નેતા હતા. રંગભેદની નીતિ  સામે તેમનો અહિંસક સંઘર્ષ રંગ લાવ્યો. તેમણે કહ્યુંઃ “અહિંસા એ એક શક્તિશાળી અને ન્યાયી હથિયાર છે. ખરેખર, તે ઇતિહાસમાં એક અજાડ શસ્ત્ર છે, જે ઘાયલ થયા વિના કાપી નાખે છે અને માણસને એ શક્તિ આપે છે જે તેને પ્રગતિશીલ રાખે છે.”

૫ ડિસેમ્બર, ૧૯૫૫ થી ૨૦ ડિસેમ્બર, ૧૯૫૬ દરમ્યાન  મોન્ટગોમરીના ભેદભાવ યુક્ત બસ કાયદા સામે બસ બહિષ્કારનું આંદોલન સફળ થયું. તે જ રીતે ફેબ્રુઆરી ૧૯૬૦માં, નોર્થ કેરોલિનામાં આફ્રિકન અમેરિકન વિદ્યાર્થીઓના જૂથે આંદોલન શરૂ કર્યું જે ગ્રીન્સબરો સિટ-ઇન ચળવળ તરીકે જાણીતું બન્યું. નેલ્સન મંડેલા એ દક્ષિણ આફ્રિકાના રંગભેદ વિરોધી ક્રાંતિકારી, રાજકીય નેતા હતા, તેમને ઘણા લોકો દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્ર પિતા માને છે. મંડેલા રંગભેદ વિરોધી કાર્યકર હતા, તેમણે લાંબો સંઘર્ષ આદર્યો. ઘણું વેઠવું પડયું. ૨૭ વર્ષ કારાવાસ ભોગવ્યો.

સ્વતંત્ર ભારતના આંદોલન

સ્વતંત્ર ભારતમાં પણ આંદોલનનો ઇતિહાસ છે, જેમણે સત્તાની દિશા બદલી છે. કોઈના કોઈ મુદ્દે નાગરિકો આંદોલન કરતા જ રહ્યા છે.૧૯૬૫માં તમિલનાડુમાં કોંગ્રેસે તમિળ, અંગ્રેજી અને હિન્દી એમ ત્રિભાષી ફોર્મ્યુલા ધારાસભામાં મંજૂર કરાવી તેની સામે વિદ્રોહ  જાગ્યો અને ૬૭ની ચૂંટણીમાં કોંગ્રેસ ખરાબ રીતે હારી. ૧૯૭૪માં નવનિર્માણ આંદોલને સત્તાને પ્રભાવિત કરી. અહમદાબાદની એલ.ડી. ઇજનેરી કોલેજની મેસના ફૂડબીલમાં ૨૦ ટકા જેવો વધારો થતાં વિદ્યાર્થીઓ આંદોલને ચઢ્યા. ચીમનભાઈની સરકારે રાજીનામું આપવું પડ્યું. એ જ સમય-ગાળામાં બિહારમાં જે.પી આંદોલન ઊભું થયું જેના અંતે રાષ્ટ્રીય સ્તરે સત્તા પરિવર્તન થયું. ૧૯૯૦માં સરકારી નોકરીઓમાં ૨૭ ટકા અનામતને લઈને મંડળ વિરોધી આંદોલન થયું. દિલ્હી યુનિવર્સિટીથી શરૂ થયેલ એ આંદોલન આખા ભારતમાં પ્રસરી ગયું અને વી.પી સિંહની સરકારે રાજીનામું આપવું પડ્‌યું.એ જ રીતે સમયાંતરે અનામત વિરોધી તેમજ વિવિધ મુદ્દાઓ પર આંદોલનો થતા રહ્યા છે. જા કે કેટલાક આંદોલનોમાં જાનહાનિઓ  પણ થઈ.  આ બધા આંદોલનોના કેન્દ્રમાં  વિદ્યાર્થીઓ અને યુવા વર્ગે પ્રભાવશાળી ભૂમિકા નિભાવી છે.

શું કાયદો બદલાઇ શકે ખરો ?

અત્યાર સુધી એક અંદાજ મુજબ ૧૫૦થી વધારે એવા અપ્રચલિત એકટ હતા જે પાર્લામેન્ટે રદ કર્યા છે. અને એવા પણ ઘણાં કાયદા છે જે જન આંદોલનના લીધે રદ થયા છે, અથવા તેમાં યોગ્ય પરિવર્તન કરવામાં આવ્યા છે. ઘણાં એવા કામો હતા, જે કાયદાની દૃષ્ટિએ ગેરકાયદેસર હતા પરંતુ આંદોલનના પરિણામે તેને કાયદેસર કરવામાં આવ્યા.

અહિંસક આંદોલનની રીતો

કોઈ પણ આંદોલનમાં જોશ ભરનારા નારા મહ¥વનો ભાગ ભજવે છે. રેલી અને ધરણા તો આંદોલનની જાન છે. આ સિવાય ગીતો લખી શકાય, સડકો, દીવાલો, વાહનો બેનરો, ઉપર લખાણ લખી શકાય. પ્રેસ કોન્ફરન્સ અને પ્રેસ નોટ આપી શકાય. કાળા ઝંડા ફરકાવી શકાય અથવા માથે, મોઢે અથવા બાવડા ઉપર કાળી પટ્ટી બાંધી શકાય. ઉપવાસ પર બેસી શકાય. અસહકારનું આંદોલન અને બહિષ્કાર કરી શકાય. વિરોધીઓને ફૂલ આપવા, સત્તાધીશો અથવા ન્યાયાલયને બમ્પર પત્રો, મિસ્કોલ, અથવા ઇ-મેલ કરી શકાય. સહી અભિયાન ચલાવી શકાય, મૌનવ્રત કરી શકાય, નુક્કડ નાટકો અને નાની વીડિયો ક્લિપ્સ બનાવી શકાય. જરૂર જણાય તો વિવિધ પ્રકારની હડતાળ અને બંધ પણ આપી શકાય. મોટા પાયે બેંકોમાંથી પોતાના નાણા કાઢી શકાય. સદનનો ઘેરાવ કરી શકાય, આંદોલન સ્થળ હંમેશા ધબકતા રાખવા માટે  સર્જનાત્મકતા અને રચનાત્મકતા હોવી જોઈએ. કોઈ પણ રીતે જાહેર પ્રોપર્ટીને નુકસાન ન કરવું જોઈએ. આપણા આંદોલનથી સામાન્ય જનતાને કોઈ પ્રકારનું નુકસાન ન થાય તથા અગવડ ન પડે તેની કાળજી રાખવી જોઈએ.

સંઘર્ષની કાર્ય પદ્ધતિ શું હોવી જોઈએ

સંઘર્ષ માટે સમાન બિંદુ ઉપર સહમત લોકોને એક પ્લેટફોર્મ પર એકત્રિત કરવા જોઈએ. આંદોલનકારીઓ વચ્ચે મજબૂત સંકલન હોવું જોઈએ. કોઈ પણ આંદોલન માટે જરૂરી છે કે એક લક્ષ્ય નિર્ધારિત અને ચોકકસ હોવું જોઈએ. જેના માટે આપણે લોકોને સક્રિય કરવા છે. કોઇપણ કામ સંઘર્ષના સાથીઓ જોડે સલાહ મશવરો કરી કરવું જોઈએ તેથી વિશ્વાસ અને ભરોસો પેદા થાય છે.આંદોલનમાં શિસ્ત હોવી જોઈએ. એવા કાર્યોથી બચવું જોઈએ જેથી કોઈ પણ પ્રકારનું ઘર્ષણ, વર્ગ-વિગ્રહ કે કોમવાદ ઊભો થતો હોય. આપણા આંદોલન રચનાત્મક અને નૈતિક મૂલ્યોના સાક્ષી હોવા જોઈએ. કોઈ વ્યક્તિ આપણા આંદોલનને ખોટી દિશા ન આપે તેના ઉપર નજર રાખવી જોઈએ. સ્વાર્થી અને તકવાદી લોકોથી દૂર રહેવું જોઈએ. નિર્ધારિત લક્ષ્યને પામવા માટે જોડાયલા લોકોમાં મત મતાંતર હોઈ શકે તેને પણ સહન કરવું પડે. આંદોલન આયોજન બદ્ધ અને  સુવ્યવ્યસ્થિત હોવા જોઈએ. કોઈ પણ સંઘર્ષ ત્યારે જ સફળ થાય છે કે જયારે તેમાં સાતત્ય હોય. દેશના બંધારણે જે મર્યાદા નિર્ધારિત કરી છે તેની અંદર હોવું જોઈએ. આંદોલિત મિત્રો દ્વારા વાપરવામાં આવતી ભાષા સભ્ય હોવી જોઈએ. તેમની એક લીગલ ટીમ પણ હોવી જોઈએ કે જેથી પોલીસ તરફથી કોઈ દમન અથવા ગેરકાયદેસર અટકાયત કે ધરપકડ થાય તો તેને  કાયદાકીય મદદ આપી શકાય. જરૂર મુજબ ફંડ એકત્રિત કરવાની કોઈ વ્યવસ્થા અથવા દાનવીરો સંપર્કમાં હોવા જોઈએ. જન આંદોલનમાં લોકો સ્વયંભુ જાડાતા હોય છે તેથી ફંડ પણ તેઓ પોતાની રીતે વાપરે છે. છતાં જરૂર જણાય તો crowd funding કરી શકાય.

સંઘર્ષને નિષ્ફળ બનાવનારી વસ્તુઓ

૧૮૫૭ના વિદ્રોહથી લઇ ખિલાફત ચળવળ સુધી અને રેશમી રૂમાલથી લઈ પટેલ અને ગુર્જર આંદોલન સુધીનો ઇતિહાસ આપણને આંદોલનની નિષ્ફળતાના કારણો દર્શાવે છે. તેમાં મુખ્યત્વે કેન્દ્રીય નેતૃત્વની અયોગ્યતા અથવા  સંકલનની કમી, સંસાધનોની કમી, અફવાઓ પર પ્રતિક્રિયા આપવી, નિર્ધારિત લક્ષ્યથી ભટકી જવું, આંદોલનકારીઓમાં વિભાજન થવાથી, ભય ઉત્સાહ અને ધૈર્યની ઉણપ તથા હિંસા છે. આમાં કોઈ એક અથવા એકથી વધારે પરિબળ હોય તો આંદોલન નિષ્ફળ થઈ જાય છે.

સંઘર્ષ કેવા હોવા જોઈએ

એક વાત સમજી લેવી જોઈએ કે આંદોલન કરવું એ આપણો બંધારણીય અધિકાર છે. આપણે કોઈ મુદ્દે આંદોલન કરવા પડે તો તે સંપૂર્ણ પણે અહિંસક હોવા જોઈએ. અહિંસા આપણી મજબૂરી નથી પણ આપણી સંસ્કૃતિ છે. દેખીતી રીતે ગાંધીજીએ દુનિયાને અહિંસાનું સૂત્ર આપ્યું હતું, પરંતુ વાસ્તવમાં આ ગુણ ધર્મોનું શિક્ષણ છે. હિંદુ ધર્મમાં કહેવામાં આવ્યું છેઃ અહિંસા પરમોં ધર્મસ તદાહિંસા પરો ધર્મઃ અહિંસા પરમં થાનમ અહિંસા પરમસ તપઃ

અર્થાત્‌, ક્રૂરતાથી દૂર રહેવું એ સર્વોચ્ચ ધર્મ છે. ક્રૂરતાથી દૂર રહેવું એ સૌથી વધુ આત્મ-નિયંત્રણ છે. એ જ રીતે જૈન અને બૌદ્ધ ધર્મે પણ અહિંસા પર વિશેષ ભાર મૂક્યો છે. બાઇબલમાં પણ કૃપા અને પ્રેમનું શિક્ષણ આપવામાં આવ્યું છે. ઇસ્લામનો તો અર્થ જ શાંતિ છે અને ઇસ્લામ જે વાતાવરણ ઊભુ કરે છે તે પણ શાંતિનું જ છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળે તો સલામ કહે છે. “અસ્સલામુઅલૈકુમ” એટલે કે તમારા ઉપર શાંતિ થાય. આ વાસ્તવિકતા છે કે આગથી આગ ક્યારેય ઓલાવી ન શકાય. અગ્નીને ઠંડી કરવા માટે શીતલ જળ જ પોતાના અસ્તિત્વની આહુતિ આપે છે. કુર્આને પોતાના શત્રુઓ સુદ્ધાને ક્ષમા આપવાની અને સારો વ્યવહાર કરવાની શિખામણ આપી છે.

 “અને હે પયગંબર ! ભલાઈ અને બૂરાઈ સમાન નથી. તમે બૂરાઈને તે ભલાઈથી દૂર કરો જે સર્વોત્તમ હોય. તમે જાશો કે તમારા સાથે જેની શત્રુતા હતી, તે આત્મીય મિત્ર બની ગયો છે.” (સૂરઃ હા-મીમ અસ્‌-સજદહ-૩૪)

સંઘર્ષ વિશે ઇસ્લામી શિક્ષણ

કુઆર્ને અરબી ભાષામાં જે શબ્દનો ઉપયોગ કર્યો છે તે જિહાદ છે. અફસોસ કે જિહાદ વિશે આજે ઘણી ગેરસમજ સમાજમાં પ્રવર્તે છે. આ શબ્દનું મૂળ જ-હ-દ છે તેનો અર્થ થાય છે સંઘર્ષ અને અંગ્રેજીમાં struggle. જિહાદનો અર્થ થાય છે અથાક પ્રયત્નો. અર્થાત્ પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે કરવામાં આવતો સંઘર્ષ. ઇસ્લામી પરિભાષામાં જિહાદ એટલે ન્યાય-શાંતિની સ્થાપના, લોકોની સુધારણા અને માનવતાને વિનાશના માર્ગેથી બચાવીને સફળતા અને સદ્‌ભાગ્યના માર્ગ ઉપર લાવવા માટે કરવામાં આવતા અથાક પ્રયત્નો. તેથી જ અલ્લાહના રસૂલ સ.અ.વ. એ કહ્યું, જિહાદ (સંઘર્ષ) પોતાના અંતરાત્મા (મનેચ્છાઓ) સાથે લડવું છે અને સૌથી ઉત્તમ જિહાદ જાલિમ રાજા સામે સત્ય વાત કહેવી છે. કુઆર્નનો આદેશ છે કે “અલ્લાહના માર્ગમાં જિહાદ (તનતોડ પ્રયાસ) કરો, જેવી રીતે જિહાદ કરવાનો હક છે.” (સૂરઃ હજ્જ-૭૮)

મો’મિન હોવાની પહેચાન આ છે કે તે જૂઠને ખત્મ કરવા અને સત્યની સ્થાપના કરવા કોશિશ કરે છે. જેમાં જે પૂરી તાકત લગાડી દે છે.

યાદ રાખો

સફળતામાં કેટલો સમય લાગે છે તે મહત્ત્વનું નથી બલ્કે સંઘર્ષ કેટલો સાતત્યપૂર્ણ છે તે મહત્ત્વનું છે. સંઘર્ષના બે પાસા છે. એક છે સફળતા પ્રાપ્ત કરવા અથવા નિર્ધારિત લક્ષ્યને પામવા માટે સંઘર્ષ, અને બીજું છે સફળતાને ટકાવી રાખવા માટેનો સંઘર્ષ દુનિયામાં જેટલા બગાડ અને અન્યાય અને અત્યાચાર તમે જોઈ રહ્યા છો તેનું મૂળ સત્તા છે. તે ખરાબ હાથોમાં હોય તો સમગ્ર વ્યવસ્થાને છિન્નભિન્ન કરી દે છે. કેમકે કાયદો તે બનાવે છે,આખું વ્યવસ્થાતંત્ર તેના તાબા હેઠળ હોય છે. પોલીસ અને સેના તેની પાસે હોય છે. તે જે કાયદો બનાવે તેને લાગુ કરવાની શક્તિ ધરાવે છે. જયારે રાજ્ય ખોટી નીતિઓ ઘડે, ભેદભાવ યુક્ત કાનુન બનાવે, નાગરિકો ઉપર જુલમ કરે અથવા નાગરિકોની મૂળ સમસ્યાઓને અવગણે તો સત્તાને સીધા રસ્તે લાવવા નાગરિકો પાસે એક જ માર્ગ હોય છે અને તે છે આંદોલન. આ જ સંઘર્ષ સત્તાધીશોને કાબુમાં કરી શકે છે. અને લોકશાહી વ્યવસ્થામાં તો તે આશીર્વાદરૂપ છે. તો ચાલો જારથી બોલો “હર જોર જુલમ કી ટક્કરમેં સંઘર્ષ હમારા રસ્તા હૈ.” •

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments