Sunday, April 21, 2024
Homeપયગામજીવન અને મૃત્યુની હકીકત !

જીવન અને મૃત્યુની હકીકત !

(તા. 23 મે (2020)ના દિવસે પાકિસ્તાનનું વિમાન કરાંચી એરપોર્ટ પર એકાએક ક્રેશ થઈ ગયું, જેમાં 97 પ્રવાસીઓ માર્યા ગયા. આ દુર્ઘટનાના ઘણાં કિસ્સાઓ આપણને જીવન અને મૃત્યુની હકીકત સમજાવી જાય છે, જે આપણને રડાવી પણ જાય છે અને દિલમાં હલચલ પેદા કરી જાય છે. એકવાર જરૂર વાંચવા વિનંતી છે.)


હાફિઝ મુહમ્મદ શબ્બીર 22 મે કરાંચીની દુર્ઘટનાના ભોગ બનનાર દુર્ભાગી પ્રવાસી હતા. મૃત્યુ કેટલું ચાલાક અને નિર્દયી હોય છે હાફિઝ સાહેબ એ હકીકતનું ક્લાસિકલ ઉદાહરણ છે. તેઓ વર્ષભરથી તેનાથી અજાણતામાં બચવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ નિયતિમાં લખાયેલો સમય તેમને ખેંચી-ખેંચીને ફ્લાઇટ પી. કે. 8303 સુધી લઈ આવ્યો. કેવી રીતે ? તમે તેમની દાસ્તાન સાંભળીને અચરજમાં પડી જશો.

હાફિઝ સાહેબ પોતાના પરિવારના સૌથી પહેલા હાફિઝે-કુરઆન હતા. 1994માં પિતાના મૃત્યુ પછી, પરિવારમાં સૌથી મોટા હોવાથી બહેન-ભાઇઓની જવાબદારી તેમના માથે હતી. તેઓ કુવૈત જતાં રહ્યા. કુવૈતથી કરાંચી આવ્યા, જુદા-જુદા કામો કરતાં રહ્યા, અને ફરી પાછા સાઉદી અરબ ગયા. ત્યાં રિયાધની એક હોસ્પિટલમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું. તે પછી સાઉદીની આર્થિક પરિસ્થિતિ ખરાબ થતાં તેઓ 2019 માં પરિવાર સહિત અમેરિકા શિફ્ટ થવાની કોશિશ કરવા લાગ્યા. આમ તો તેઓ સાઉદીથી પણ અમેરિકા જઈ શકતા હતા, પણ કોણ જાણે કેમ તેઓ પાકિસ્તાન આવી ગયા અને આખું વર્ષ અમેરિકન વિઝા માટે દોડધામ કરતા રહ્યા. પ્રમુખ ટ્રમ્પના કારણે અમેરિકાની નીતિઓ બદલાઈ ગઈ, પાકિસ્તાનીઓ માટે અમેરિકન વિઝા મુશ્કેલ થઈ ગયો. તેથી હાફિઝ સાહેબનો મામલો વર્ષભર લટકતો રહ્યો. છેવટે ફેબ્રુઆરીમાં તેમને અમેરિકાનો વિઝા મળી ગયો. આ જોબ વિઝા હતો, તેથી તેના પર તેઓ પોતાના પરિવારને પણ અમેરિકા લઈ જઈ શકતા હતા. બધાએ તૈયારીઓ શરૂ કરી દીધી. પરંતુ એ દરમિયાન કોરોના આવી ગયો અને ફ્લાઇટો અને બધી બોર્ડરો સીલ કરી દેવામાં આવી. આમ હાફિઝ મુહમ્મદ શબ્બીર કરાંચીમાં જ ફસાઈને રહી ગયા.

મે ની શરૂઆતમાં માહિતી મળી કે પ્રમુખ ટ્રમ્પ 22 મે થી જોબ વિઝા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે, તે પછી આ લોકો કદાચ કદી અમેરિકા ન જઈ શકે. તેથી પરિવારે નિર્ણય કર્યો કે 22 મે પહેલા અમેરિકા પહોંચી જાય. હાફિઝ સાહેબ છેલ્લા 19 વર્ષથી નિયમિત તરાવીહ પઢાવી રહ્યા હતા. કુવૈત અને સાઉદીમાં પણ તરાવીહની નમઝની ઈમામત કરતા હતા અને તેઓ આ વર્ષ પણ તરાવીહ પઢાવી રહ્યા હતા. તેમનો પરિવાર પણ તેમના પાછળ તરાવીહ પઢતો હતો. તેઓ આ રમઝાનમાં પણ 15 દિવસ આ સેવા કરતા રહ્યા. મે માં પણ તેમણે તરાવીહ પઢાવી, રોઝા રાખ્યા અને પછી કતર એરવેઝથી દોહા રવાના થઈ ગયા. તેઓ અને તેમનો વિઝા કરાંચી એરપોર્ટ પર ક્લિયર થઈ ગયો, પણ તેઓ જયારે દોહા પહોંચ્યા તો તેમને એરપોર્ટ પર રોકી લેવામાં આવ્યા, એટલા માટે કે અમેરિકા કોરોનાના કારણે માત્ર પોતાના નાગરિકોને જ પ્રવેશની પરવાનગી આપતું હતું. અમેરિકન પાસપોર્ટ હોલ્ડર્સ સિવાય કોઈ વ્યક્તિ અમેરિકામાં દાખલ થઈ શકતો ન હતો. તેથી કતર એરવેઝે તેમણે ઓફલોડ કરી દીધા. તેઓ 10 કલાક દોહા એરપોર્ટ પર બેસી રહ્યા. પાછા જવાની ફ્લાઇટની જાણકારી લીધી તો ખબર પડી કે જૂન સુધી કરાંચીની કોઈ ફ્લાઇટમાં કોઈ સીટ અવેઇલેબલ નથી.

કતરનો વિઝા ન હોવાથી એરપોર્ટની બહાર પણ નીકળી શકતા ન હતા. તેઓ કાઉન્ટર પર પરેશાન ઊભા હતા. અચાનક કાઉન્ટર-બોયએ બતાવ્યું કે આજે એક કાર્ગો ફ્લાઇટ લાહોર જઈ રહી છે. આમ તો કાર્ગો ફ્લાઇટ પ્રવાસીઓને લઈ જતી નથી, તેમ છતાં હું તમારા માટે કોશિશ કરી શકું છું. હાફિઝ સાહેબે સંમતિ આપી. કાઉન્ટર-બોયએ કોશિશ કરી અને તમે તેમનું કિસ્મત કહો કે બદકિસ્મતી, કાર્ગો ફ્લાઇટ તેમને લઈ જવા માટે રાજી થઈ ગઈ. તેઓ અને તેમનો પરિવાર ખુશ થઈ ગયા. પરંતુ તેમનામાંથી કોઈ ન હતું જાણતું કે તેઓ જે ચાન્સને લક સમજી રહ્યા છે તે તેમના જીવનનું સૌથી મોટું બેડલક સાબિત થવાનું છે. મુસાફર ખૂબ ઝડપથી પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યો હતો !!

“હે મનુષ્ય ! તું અનિવાર્યપણે ખેંચાતો-તણાતો પોતાના રબ તરફ જઈ રહ્યો છે અને તેને મળવાનો છે.” (સૂરઃ ઇનશિકાક, 6)

હાફિઝ શબ્બીર સાહેબ એકલા એ કાર્ગોના પ્રવાસી હતા. ગમે તેમ તેઓ લાહોર પહોંચી ગયા. પાકિસ્તાનના મોટાભાગના એરપોર્ટ પર પ્રવાસીઓને 14 દિવસ કોરન્ટીનમાં રાખવામાં આવતા હતા. તેમને પણ રોકી લેવામાં આવ્યા. કુદરતનું કરવંઇ કે તેમનો રિપોર્ટ 2 દિવસમાં આવી ગયો અને તેઓ આમ જ બચી ગયા. તેમને ઘર જવાની પરવાનગી આપી દેવામાં આવી. 22 મે ના દિવસે લાહોરથી કરાંચીની 2 ફ્લાઇટ હતી : એક 11 વાગે અને બીજી 1 વાગે. તેઓ 11 વાગ્યાની ફ્લાઇટમાં જવા માંગતા હતા, જેથી જલ્દીથી ઘર પહોંચી જવાય. પરંતુ અજાણતામાં તેમના મોઢેથી 11 ના બદલે 1 નીકળી ગયું. આમ તેઓ એક વાગ્યાની ફ્લાઇટમાં કરાંચી જવા સવાર થયા. આ ફ્લાઇટ 2 વાગીને 37 મિનિટ પર એરપોર્ટથી અડધા કિ. મી. દૂર ક્રેશ થઈને તબાહ થઈ ગઈ.

હાફિઝ શબ્બીર સાહેબ નેકદિલ, નમાઝ-રોઝાના પાબંદ અને ખૂબ નરમ મિજાઝના વ્યક્તિ હતા. પરંતુ મૃત્યુ તેમને ખેંચી-તાણીને ફ્લાઇટ નંબર પી. કે. 8303 સુધી લઈ ગઈ. જો મૃત્યુની ઝંઝીરની કોઈ એક કડી પણ થોડીક ઢીલી કે કમજોર હોત તો તેઓ ચોક્કસ બચી જતાં. તેમને જો 19 મે ના દિવસે કરાંચી એરપોર્ટ પર રોકી લેવામાં આવતા, જો તેમને દોહા એરપોર્ટ પર રોકવામાં ન આવતા, જો તેમને કતરમાં 1-2 દિવસનો ટ્રાન્ઝિટ વિઝા મળી જતો, જો તેઓ કાર્ગો ફ્લાઇટ જે કોઈને લઈ જતી નથી તેમાં ન બેસતા, જો તેમને 14 દિવસ માટે કોરન્ટીનમાં રોકી લેવામાં આવતા, જો તેમનો કોરોના રિપોર્ટ એકાદ દિવસ મોડો આવતો, પછી જો તેમના મોઢેથી 1 ના બદલે સાચેસાચું 11 નીકળી ગયું હોત…., તો તેઓ આજે પણ પોતાના પત્ની-બાળકો સાથે બેસીને આનંદ માણી રહ્યા હોત ! આ ‘જો’ અને ‘તો’ નું તો શું કરવું ? મૃત્યુના પ્રવાસીઓને કયા સમયે મૃત્યુ આવીને પકડી લે આપણાંમાંથી કોઈ નથી જાણતું !

“એ ઘડીનું જ્ઞાન અલ્લાહ પાસે જ છે. એ જ વરસાદ વરસાવે છે, એ જ જાણે છે કે માતાઓની કૂખમાં શું ઉછરી રહ્યું છે, કોઈ જીવધારી નથી જાણતો કે કાલે તે શું કમાણી કરવાનો છે, અને ન કોઈ વ્યક્તિને એ ખબર છે કે કયા ભૂભાગ પર તેને મૃત્યુ આવવાનું છે. અલ્લાહ જ બધું જાણનાર અને માહિતગાર છે. (સૂરઃ લુકમાન, આ.34)

આપણે તો એ પણ નથી જાણતા કે આપણાં રોકી લેવામાં આવેલ કદમ આપણને કઈ મુસીબતથી બચાવી રહ્યા છે અને આપણે જે તરફ સરપટ દોડી રહ્યા હોઈએ છીએ તેના અંતિમ છેડે કઈ યાતના આપણી રાહ જોઈ રહી છે. હાફિઝ સાહેબ પણ જે ઇત્તેફાકને પોતાનું ગૂડલક સમજી રહ્યા હતા તે છેવટે તેમના માટે શું નીકળ્યું ? તેથી આપણે એ વાત ગાંઠે બાંધી લેવી જોઈએ કે અલ્લાહ જો આપણને બચાવવા માંગે તો ગમે તે ઘટના ઘટી જાય છે અને આપણે બચી જઈએ છીએ, અને જો તે આપણને ઘેરવા ચાહે તો તે આપણને સૌભાગ્યના પૈડાઓ પર બેસાડીને પણ પોતાના તરફ ખેંચીને લઈ જાય છે, અને પછી તે આપણને જરા પણ ડાબે-જમણે થવા દેતો નથી. અલ્લાહ દરેકની સાથે ભલાઈનો મામલો કરે. (આમીન)


આ તો મોતની કહાની હતી, હવે એક કહાની જીવનની પણ સાંભળી લો !

ફ્લાઇટ નંબર પી. કે. 8303માંથી 2 પ્રવાસીઓ ચમત્કારિક રીતે બચી ગયા. તેમાં એક બૅન્ક ઓફ પંજાબના ચેરમેન ઝફર મસૂદ હતા. તેઓ પાકિસ્તાનના નામાંકિત કલાકાર મુનવ્વર સઈદના પુત્ર છે. ઝફર મસૂદના કહેવા મુજબ દુર્ઘટના પહેલા જ વિમાનમાં શોર-બકોર થઈ ગયો. લોકોએ ઊંચા અવાજે કલેમા પઢવાનું શરૂ કરી દીધું હતું. લોકો ચીસો પાડીને અલ્લાહ તઆલાને પોકારી રહ્યા હતા અને આજીજીપૂર્વક-રડીરડીને દુઆઓ માંગી રહ્યા હતા. પણ મારા પર તેની ઊલટી અસર થઈ. હું મૂર્છામાં જતો રહ્યો. મને તે વખતે કોઈ કલેમા, કોઈ દુઆ યાદ નહોતી આવી રહી. હું બસ ચૂપચાપ મારી સીટ પર બેસી રહ્યો હતો. સીટબેલ્ટ લગાવેલ હતો. પછી વિમાન ક્રેશ થયું. મારી સીટ વિમાનમાંથી નીકળી અને હું સીટ સહિત હવામાં ઉછળતો એક કારની છત પર જઈ પડ્યો. એ કાર એક વકીલ સાહેબની હતી. વકીલ સાહેબ સાઇડ પર ઊભા હતા અને તેમની પત્ની કારમાં બેસેલી હતી. હું કારની છત પર સીટ સહિત અટકી ગયો. મારા આખા શરીરમાં ખૂબ દર્દ થઈ રહ્યું હતું. વકીલ સાહેબે મારો સીટ બેલ્ટ ખોલ્યો, મને ધીમેથી ઊંચકીને નીચે ઉતાર્યો અને તાત્કાલિક મને લઈને હોસ્પિટલ તરફ દોડી ગયા. આમ, હું બચી ગયો. આના સાથે ઝફર સાહેબે એક વિચિત્ર વાત પણ કહી.

તેમણે કહ્યું કે દુર્ઘટના વખતે મારી માતા ઝુહરની નમાઝ પઢી રહી હતી. તે નમઝમાં જ હતી જયારે તેને મારા ખતરનાક અકસ્માતની જાણ કરવામાં આવી. મારી માતાએ આવા દુ:ખદ સમાચાર સાંભળ્યા છતાં પોતાની નમાઝ ચાલુ રાખી અને તે ત્યાં સુધી સિજદામાં પડી રહી, જ્યાં સુધી તેને એ બતાવી દેવામાં ન આવ્યું કે અલ્લાહ તઆલાએ ઝફરને બચાવી લીધો છે. હવે વિચારો, દિમાગ સુન્ન થઈ જાય છે…., ઝફર મસૂદની માતાનો પ્રસંગ, અને સીટ બેલ્ટ સહિત જીવતા સલામત ઝફરનું કારની છત પર પડવું, અને સમયસર એવા સમજદાર વ્યક્તિનું મળી જવું જે તેને દોડીને સીધો હોસ્પિટલ લઈ ગયો… ખરેખર આ આશ્ચર્યજનક છે..!

અલ્લાહ તઆલા જયારે કોઈને બચાવવા ચાહે છે તો તે એવા માણસને સીટ સહિત વિમાનમાંથી બહાર ફેંકી દે છે, જેને આવી ખતરનાક મુસીબત વખતે પણ કલેમાં સુદ્ધાં યાદ આવતો નથી, અને બીજી બાજુ જયારે તે કોઈને બોલાવવા ચાહે છે તો તે કુરઆનના હાફિઝ મુહમ્મદ શબ્બીર જેવા મુત્તકી, પરહેજગાર વ્યક્તિને કાર્ગો ફ્લાઇટથી બીજા દેશમાંથી લાવીને આ ફ્લાઇટમાં બેસાડી દે છે, જેને ભાગ્યમાં મંજિલ લખેલી ન હતી.

“જો અલ્લાહ તમને કોઈ પ્રકારનું નુકસાન પહોંચાડે તો તેના સિવાય કોઈ નથી જે તમને આ નુક્સાનથી બચાવી શકે, અને જો તે તમને કોઈ ભલાઈ પ્રદાન કરે તો તેને દરેક વસ્તુનું સામર્થ્ય પ્રાપ્ત છે. તે પોતાના બંદાઓ પર સંપૂર્ણ સત્તા ધરાવે છે, અને ડહાપણવાળો અને બધી ખબર રાખનારો છે.” (સૂરઃ અનઆમ, 17-18)

આપણો અલ્લાહ નિશ્ચિતપણે કામ બનાવનાર, સર્વ શક્તિશાળી અને સર્વજ્ઞાની છે.


એક ત્રીજી કહાની પણ સાંભળી લો..!

મારો એક મિત્ર પણ આ ફ્લાઇટમાં હાજર હતો, ખૂબ શાનદાર, હેન્ડસમ માણસ હતો. યુવાનીમાં કરાંચીની એક પારસી યુવતી તેને પસંદ આવી ગઈ અને તે તેના સાથે શાદી કરવા માગતો હતો. પિતાજી ખૂબ ગુસ્સાવાળા અને જોરદાર હતા. તેઓ ન માન્યા. માતા-પિતાની મરજી મુજબ શાદી થઈ ગઈ. એ મહિલા ખૂબ ભણેલી-ગણેલી અને બુદ્ધિશાળી અને ખૂબસૂરત હતી. પરંતુ તે બંનેનો નિભાવ ન થયો અને તલાક થઈ ગઈ. પછી બીજી શાદી થઈ, એ પણ સફળ ન થઈ. એ દરમિયાન પિતાનું અવસાન થઈ ગયું. જોગાનુજોગ 20 વર્ષ પછી ફરી એ જ પારસી મહિલા સાથે તેની મુલાકાત થઈ, એ પણ તેની રાહ જોઈ રહી હતી અને શાદી ન હતી કરી. તે માતાની પાસે ગયો, પોતાના ભાઈ-બહેનોને રાજી કર્યા. ફેમિલી તેની જીદની સામે હારી ગઈ. બંને ખૂબ ખુશ થઈ ગયા. આ તેમના જીવનની સૌથી મોટી ખુશી હતી. નિર્ણય થયો કે તે કરાંચી આવશે, મહિલાના પરિવારને મળશે, અને રમઝાન ઈદ પછી શાદી થઈ જશે. તે પણ 22 મે ના દિવસે લાહોરથી કરાંચી રવાના થઈ ગયો. એ પારસી મહિલા જેણે તેની 20 વર્ષ સુધી રાહ જોઈ હતી, તેને પિક કરવા કરાંચી એરપોર્ટ આવી ગઈ. પરંતુ મારો મિત્ર કરાંચી પહોંચીને પણ તેના સુધી ન પહોંચી શક્યો, અને તે બધાની પહોંચની બહાર નીકળી ગયો..! મેં બે દિવસ પછી તેની મગફિરત માટેની જાહેરાત વાંચી, મારી આખોમાંથી આંસુ નીકળી ગયા..!

“અલ્લાહ જે કૃપાનો પણ દરવાજો લોકો માટે ખોલી નાખે, તેને કોઈ રોકવાવાળું નથી અને જે બંધ કરી દે, તેને અલ્લાહ પછી બીજો કોઈ ખોલવાવાળો નથી. તે પ્રભુત્વશાળી અને ડહાપણવાળો છે.” (સૂરઃ ફાતિર, આ.2)

“એ જ જીવન આપે છે અને એ જ મૃત્યુ આપે છે. રાત અને દિવસનું આવવું-જવું તેના જ કબજા અને સામર્થ્યમાં છે. શું તમારી સમજમાં આ વાત આવતી નથી ?” (સૂરઃ મુ’મિનૂન, આ. 80)

નિ:શંક, આપણે સૌ આપણાં રબની મહેતલના મોહતાજ છીએ. તે જયારે શ્વાસ ઢીલો કરી દે તો વ્યક્તિ ક્રેશ થઈને નીચે પડતાં વિમાનથી પણ સીટ સહિત સલામત બહાર કાઢી લે છે, અને તે જો શ્વાસ ખેંચી લે છે તો પછી આગળના શ્વાસની મોહલત પણ નથી મળતી, આપણાં હૃદયની ધડકનો આપણાં હૃદયમાં જ ધરબાઈને રહી જાય છે…! હે અલ્લાહ ! મારા રબ ! આ તો તારો કરમ છે, તારી મહેરબાની છે ! નિ:સંદેહ, તું રહીમ અને કરીમ છે.

“લોકો ! અલ્લાહનો વાયદો નિશ્ચિતપણે સાચો છે, તેથી દુનિયાનું જીવન તમને ધોકામાં ન નાખે અને ન તે મોટો ધોકાબાજ (શૈતાન) તમને અલ્લાહ વિષે ધોકો આપી જાય.” (સૂરઃ ફાતિર, આ.5)

હઝરત ઈબ્ને ઉમર રદિ. વારંવાર એવું ફરમાવતાં કે, “જયારે સાંજ આવી જાય તો સવાર સુધી જીવવાની આશા ન કરો અને જયારે સવાર આવી જાય તો સાંજ સુધી જીવવાની આશા ન કરો. બીમારી વખતની તૈયારી તંદુરસ્તીમાં અને મૃત્યુ માટેની તૈયારી જીવનમાં કરી લો.” (બુખારી)

“તું દુનિયામાં એવી રીતે જીવનના દિવસો પસાર કર કે જાણે તું અજનબી છે અથવા મુસાફર.” (બુખારી)


લેખ સાભારઃ જાવેદ ચૌધરી (ઝીરો પોઈન્ટ, 31 મે 2020)

(લેખને એડિટ કરીને, અનુવાદ કરીને તેમાં કુર્આનની આયતો અને હદીસનો ઉમેરો કરવામાં આવેલ છે. – મુહમ્મદ જમાલ પટીવાલા, મોડાસા)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments