ત્રિપુરામાં બાંગ્લાદેશની ઘટનાને આધાર બનાવીને છેલ્લા 7 દિવસોથી મુસ્લિમોની દુકાનો, ઘરો અને તેમના ધાર્મિક સ્થળો પર હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. નોર્થ ત્રિપુરાના પાનીસાગર વિસ્તારમાં આજે વિશ્વ હિન્દુ પરિષદની ‘હુંકાર રેલી’માં શામેલ ઉપદ્રવીઓએ કથિત રૂપે મુસ્લિમ સમુદાયના લોકોની દુકાનો અને ઘરોને આગના હવાલે કરી દીધાં.
મુસ્લિમો પર સતત થઈ રહેલા આ એકતરફી હુમલાઓને લઈને પોલીસે હજુ સુધી કોઈ પણ પ્રકારની ઠોસ કાર્યવાહી કરી નથી. આ હુમલાઓ પર પોલીસનું “મૂક પ્રેક્ષક” બનવા પર સવાલો ઉઠી રહ્યા છે.
છેલ્લા 7 દિવસોમાં પાંચ જિલ્લાઓની 12 મસ્જિદોમાં તોડફોડ કરવામાં આવી છે, મસ્જિદોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને ઘણી મસ્જિદોમાં તો ધાર્મિક પુસ્તકોને આગ લગાવી દીધી છે.
ઇન્ડિયા ટૂમોરોએ જ્યારે પાનીસાગરના ભાજપા ધારાસભ્ય બિનોય ભૂષણ દાસ સાથે થયેલી આ ઘટના અને આગજની વિશે વાત કરી તો તેમણે ઘટનાની વાતને સ્વીકાર કરી, પરંતુ પોતે ઘટના સ્થળથી 200 કિલોમીટર દૂર અગરતલામાં હોવાનું જણાવ્યું. ઘટનાના સંબંધમાં આગળ કહ્યું કે, “મને ઘટનાની જાણ થતાં જ પોલીસને આ ઘટનાને ધ્યાનમાં લેવા માટે કહ્યું, અમારા ભાજપા કાર્યકર્તાઓને શાંતિ વ્યવસ્થા બનાવી રાખવામાં સહયોગ આપવાનો આદેશ કર્યો છે.” વધુમાં કહ્યું કે, “જે કંઈ પણ થઈ રહ્યું છે તે યોગ્ય થઈ રહ્યું નથી, હું આ ઘટનાની નિંદા કરું છું, આવું કોઈની સાથે થવું ન જોઈએ.”
સ્થાનિક ભાજપા ધારાસભ્ય બિનોય ભૂષણ દાસે વિશ્વ હિન્દુ પરિષદ પર આરોપ લાગી રહ્યાં છે ના સવાલ પર કહ્યું કે, “વિશ્વ હિન્દુ પરિષદની રેલી તો થઈ છે, પરંતુ મને આ લોકોની આ ઘટનામાં શામેલ હોવાની જાણ નથી.”
ઇન્ડિયા ટૂમોરોને સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે મુસ્લિમ સમુદાયના લોકો પર આયોજનબદ્ધ રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. પહેલાં રેલી કરવામાં આવી રહી છે અને બાદમાં હુમલાઓ કરવામાં આવી રહ્યાં છે. આજે પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ‘હુંકાર રેલી’ નિકાળવામાં આવી, જેની તૈયારી શુક્રવારથી ચાલુ હતી.
યાદ રહે કે હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા લઘુમતીઓનાં ધાર્મિક સ્થળો, મસ્જિદો, તેમની મિલકતો અને દુકાનોને નિશાનો બનાવવાના સમાચાર છેલ્લા એક સપ્તાહથી આવી રહ્યાં છે.
બતાવવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હુમલાઓને આધાર બનાવીને આ ઘટનાઓને અંજામ આપવામાં આવી રહી છે. જો કે, આ ઘટનાઓ પર પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.
હિન્દુત્વવાદી સંગઠનોના હુમલામાં ત્રિપુરાના ચારથી પાંચ જિલ્લા પ્રભાવિત દેખાડવામાં આવી રહ્યા છે, જેમાં નોર્થ ત્રિપુરાના ધર્માનગર ટાઉન અને પાનીસાગર ટાઉન, ગોમતી જિલ્લાનું મહારાણી કાકરાબન ઉદૈપુર, વેસ્ટ ત્રિપુરા જિલ્લાના ચંદ્રપુર અને રામનગર, ઉનકોટી જિલ્લાના કૈલાશાહર, રતબારી પ્રભાવિત છે.
ઇન્ડિયા ટૂમોરો સાથે ઘટનાનાં સંબંધમાં વાત કરતા નોર્થ ત્રિપુરાના ધર્માનગર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સીપીઆઈએમનાં નેતા અમિતાભ દત્તાએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ દર્શાવતાં લઘુમતીઓ પર થઈ રહેલા હુમલાઓની નિંદા કરી.
સીપીઆઈએમ નેતા અને નોર્થ ત્રિપુરાના કદમતાલા-કુર્તી વિધાનસભાના ધારાસભ્ય ઈસ્લામુદ્દીને ઇન્ડિયા ટૂમોરો સાથે વાત કરતાં કહ્યું હતું કે પોલીસે હજુ રમખાણો કરનારાઓ પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી નથી.
ઘટનાનાં સંબંધમાં ત્રિપુરા પોલીસ વિભાગ સાથે વાત કરવા માટે કોઈ પણ પોલીસ અધિકારી કોલ રિસિવ કરી રહ્યાં નથી. વધુ પડતાં નંબરો પર સંપર્ક થઈ રહ્યો નથી. છેલ્લા સાત દિવસથી થઈ રહેલી આ ઘટનાઓને લઈને હજુ સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી.