Thursday, October 10, 2024
Homeસમાચારત્રિપુરામાં હિન્દુત્વવાદી પ્રદર્શનકારીઓએ 16 મસ્જિદોમાં તોડફોડ કરી, 3 મસ્જિદોમાં આગ ચાંપી

ત્રિપુરામાં હિન્દુત્વવાદી પ્રદર્શનકારીઓએ 16 મસ્જિદોમાં તોડફોડ કરી, 3 મસ્જિદોમાં આગ ચાંપી

નવી દિલ્હીઃ ત્રિપુરામાં સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. બાંગ્લાદેશમાં હિંદુઓ સામેની હિંસાની નિંદા કરતા ઘણાં દિવસોથી રાજ્યભરમાં દેખાવો અને રેલીઓ ચાલી રહી હતી. પરંતુ આ રેલીઓએ રાજ્યનાં મુસ્લિમો વિરુદ્ધ હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. જેના પરિણામે મસ્જિદોમાં તોડફોડ, આગચંપી, મુસ્લિમોની દુકાનો અને મકાનોમાં તોડફોડ, મુસ્લિમ વિરોધી સૂત્રોચ્ચાર જેવી ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે.

ગત બુધવારે, APCR (એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ), SIO (સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા) અને જમાઅતે ઈસ્લામી હિંદના કાર્યકરોએ આ બાબતે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં ભારત સરકાર અને ત્રિપુરા સરકારને વહેલી તકે પરિસ્થિતિને કાબૂમાં લેવા અને રાજ્યના મુસ્લિમોના જાન-માલનું રક્ષણ સુનિશ્ચિત કરવા હાંકલ કરવામાં આવી હતી.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતા એડવોકેટ ફવાઝ શાહીન (નેશનલ સેક્રેટરી, SIO ઓફ ઈન્ડિયા) એ કહ્યું, “ત્રિપુરા છેલ્લા એક સપ્તાહથી સાંપ્રદાયિક હિંસા અને મુસ્લિમો પર હુમલાનાં ખતરનાક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. સ્થાનિક લોકો અને કાર્યકર્તાઓ પાસેથી મળેલી માહિતી મુજબ હિન્દુત્વવાદી ટોળા દ્વારા મુસ્લિમ વિસ્તારોમાં મસ્જિદો, ઘરો અને લોકો પર હુમલાની 27 ઘટનાઓ બની છે. જેમાં મસ્જિદોમાં તોડફોડની 16 ઘટનાઓ બની છે અને VHP (વિશ્વ હિન્દુ પરિષદ)ના ઝંડા બળજબરીથી ફરકાવવામાં આવ્યાં છે. ઓછામાં ઓછી ત્રણ મસ્જિદો, અનાકોટી જિલ્લામાં પાલબજાર મસ્જિદ, ગોમતી જિલ્લામાં ડોગરા મસ્જિદ અને વિશાલ ગઢમાં નરુલા ટીલા મસ્જિદને આગ ચાંપવામાં આવી હતી. મુસ્લિમ ઘરો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમને નિશાનો બનાવવામાં આવ્યાં હતાં અને તોડફોડના સમાચારો પણ સામે આવી રહ્યાં છે.”

APCR સચિવ નદીમ ખાને જણાવ્યું હતું કે, “અત્યાર સુધી સરકાર અને રાજ્ય પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. એવું લાગે છે કે સરકાર હિંસાનો અંત આવે અને શાંતિ પ્રવર્તે તેવું ઈચ્છતી નથી. ત્રિપુરામાં ઘણી જગ્યાએ બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓને ટાંકીને પરિસ્થિતિને વાજબી ઠેરવવામાં આવી રહી છે, પરંતુ આ પણ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશમાં હિંસાની ઘટનાઓ પર સરકારે થોડા દિવસોમાં કડક પગલાં લીધાં છે. લગભગ 500 ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ત્રિપુરામાં સ્થિતિ હજુ પણ એવી જ છે.

સુલ્તાન હુસૈન (સચિવ, એસઆઈઓ ત્રિપુરા)એ જણાવ્યું હતું કે, “રાજ્યની સ્થિતિને જોતાં, ઉત્તર ત્રિપુરાના ધર્મનગર અને કૈલાશહરના વિસ્તારોમાં મંગળવારે મુસ્લિમો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તે વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. પરંતુ જે વિસ્તારોમાં ઉપદ્રવીઓ તોડફોડ અને આગચંપી કરતા હોય ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સરકાર અને વહીવટીતંત્ર તરફથી કેટલીક જગ્યાએ પોલીસ તૈનાત બતાવીને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.”

જમાત-એ-ઈસ્લામી હિંદના સેક્રેટરી મલિક મોતસિમ ખાને કહ્યું, “અમે સરકારને અપીલ કરીએ છીએ કે પરિસ્થિતિને વહેલી તકે નિયંત્રણમાં લાવે. તેમજ મસ્જિદોને થયેલા નુકસાનની ભરપાઈ કરે. મુસ્લિમોને વિશેષ સુરક્ષા પૂરી પાડવામાં આવે અને જેઓ આતંક ફેલાવી રહ્યાં હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી રાજ્યમાં શાંતિ સ્થાપિત થઈ શકે.

પ્રેસ કોન્ફરન્સમાં નુરુલ ઈસ્લામ મઝહરભૂઈયા (અમીર, જમાત-એ-ઈસ્લામી હિંદ, ત્રિપુરા) અને શફીક-ઉર-રહેમાન (પ્રમુખ, એસઆઈઓ ત્રિપુરા) પણ હાજર હતા.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments