Wednesday, April 17, 2024
Homeસમાચારઅહમદાબાદ શહેરની ગરીબ દર્દીઓની જીવાદોરી સમાન વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને બચાવવા જન આંદોલન

અહમદાબાદ શહેરની ગરીબ દર્દીઓની જીવાદોરી સમાન વાડીલાલ સારાભાઈ હોસ્પિટલને બચાવવા જન આંદોલન

અહમદાબાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ કે જે શહેરમાં રહેતા ગરીબ પરિવારો માટે જીવાદોરી સમાન છે તેમજ આરોગ્ય સંબંધિત સુવિધાઓ વર્ષોથી પુરી પાડી રહી હતી. જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડીલાલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં નવી બનાવવામાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ શરૂ કરવાની સાથે જ ધીરે ધીરે બંધ કરવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં વાડીલાલ હોસ્પિટલમાં કોઈપણ દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. તેમજ તેઓને SVP હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

નવી બનાવવામાં આવેલ SVP હોસ્પિટલને શરૂ કરવા માટે અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સત્તાપક્ષ દ્વારા વાડીલાલ હોસ્પિટલનો ભોગ લેવાઈ રહ્યો છે. જે શહેરમાં રહેતા ગરીબ વર્ગો માટે પડતા ઉપર પાટું મારવા સમાન છે. તેમજ ભારત દેશના બંધારણમાં આપવામાં આવેલ આરોગ્યના અધિકારનું પણ હનન થઈ રહ્યું છે. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નવી હોસ્પિટલથી કોઈને કંઇજ તકલીફ નથી પરંતુ ગરીબોની જીવાદોરી સમાન વાડીલાલ હોસ્પિટલના ભોગે તેને ચલાવવામાં આવે તે ક્યારેય અહમદાબાદ શહેરના નાગરિકો સ્વીકારી શકે તેમ નથી.

SVP હોસ્પિટલ શરૂ થઈ તે અગાઉ વિવિધ મેડીકલ વિભાગોની સેવા અહમદાબાદ ગરીબ પરિવારો ખૂબ ઓછા ખર્ચે અથવા વિના મૂલ્યે વાડીલાલ હોસ્પિટલમાં મેળવી શકતા હતા. હાલની પરિસ્થિતિ જાઈએ તો મેડીસીનની કુલ ૬ યુનિટમાંથી હાલમાં ફકત એક જ યુનિટ કાર્યરત્‌ છે પરંતુ તેમાં પણ દર્દીને એડમિશન આપતા નથી ફકત OPD સારવાર મળે છે. કાર્ડિઓલોજી યુનિટ સંપર્ણ પણે બંધ કરી દેવામાં આવેલ છે તથા તેની OPD પણ બંધ કરી દેવામાં આવેલ છે. નેફ્રોલોજી, ન્યુરોલોજી અને એન્ડોક્રાઇનોલોજી યુનિટ તો સંપૂર્ણ પણે બંધ કરી દેવામાં આવેલ છે તથા પેથોલોજી યુનિટ હાલ ચાલુ છે. ગાયનેક અને પેડિયાટ્રિક્સ યુનિટ સંપૂર્ણ ચાલુ છે તેમજ એડમીશન પણ આપવામાં આવે છે અને OPD પણ નિયમિત ચાલુ છે.   સર્જરી યુનિટમાં સામાન્ય કેસોને દાખલ કરવામાં આવે છે તેમજ કુલ ૬ યુનિટમાંથી ૫ યુનિટ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા છે. યુરોલોજી અને ઇએનટી સર્જરી યુનિટ પણ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવેલ છે. કાર્ડિઓથોરાસિક સર્જરી યુનિટ હાલ ચાલુ છે પરંતુ SVP હોસ્પિટલમાં તે યુનિટ શરૂ થયા બાદ તેને બંધ કરી દેવામાં આવશે. સર્જીકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી, મેડીકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી, પ્લાસ્ટિક સર્જરી અને ન્યુરોસર્જરી  યુનિટ પણ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવેલ છે.

ઉપરોક્ત જણાવ્યા અનુસાર હાલમાં વાડીલાલ હોસ્પિટલ સંપૂર્ણ બંધ કરવાની તમામ કાર્યવાહી અહમદાબાદ શહેરના મ્યુનિસિપલ કમિશ્નર તેમજ સત્તાપક્ષ દ્વારા કરવામાં આવેલ છે જે ખૂબ જ નિંદનીય છે. અહાદાબાદના મેયર તેમજ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા અગાઉ આ મુદ્દે વાડીલાલ હોસ્પિટલને તેના મૂળ સ્વરૂપમાં અગાઉ ચાલે છે તે પ્રમાણે ચાલુ રાખવાની તેમજ હોસ્પિટલમાંથી કોઈપણ વસ્તુ SVP હોસ્પિટલમાં નહીં લઈ જવામાં આવે તેવી મીડિયા સમક્ષ જાહેરાત કરીને જણાવવામાં આવ્યું હતું. પરંતુ ઉપરોક્ત યુનિટોની હાલત જાતા તેઓની કથની અને કરણીમાં ખૂબ મોટા અંતર દેખાય છે. તેમજ હાલના તબક્કે વાડીલાલ હોસ્પિટલ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે ચાલુ છે પરંતુ તે બિસ્માર હાલતમાં તેમજ બંધ કરવાના ઇરાદે ધીમે ધીમે અહમદાબાદ શહેરના સામાન્ય લોકો દ્વારા તેનો વિરોધ ના થાય તે રીતે ચલાવવામાં આવે છે. અને આ હોસ્પિટલમાં અગાઉ મલ્ટી સ્પેશીયલ સારવાર મળી રહેતી હતી તેને બદલે ગ્રામીણ વિસ્તારોમાં બિસ્માર પરિસ્થિતિમાં ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ વાળી હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે. તથા અગાઉના સમયમાં વાડીલાલ હોસ્પિટલમાં જે પ્રકારની મલ્ટી સ્પેશીયલ સારવાર મળતી હતી તે તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવી છે. વાડીલાલ હોસ્પિટલમાં કામ કરતા મેડીકલ સ્ટાફ, ડોક્ટરોને પણ SVP હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાડીલાલ હોસ્પિટલમાં અગાઉ ૧૫૦૦ બેડ સાથેની સુવિધાઓ હતી જેને ઘટાડીને હાલમાં ફકત ૫૦૦ બેડની સુવિધા કરવામાં આવી છે. તેમજ તે અંગે કોર્પોરેશન દ્વારા ઠરાવ પણ પસાર કરવામાં આવેલ છે. આ ઠરાવ પણ સ્પષ્ટ દર્શાવે છે કે કોર્પોરેશન દ્વારા વાડીલાલ હોસ્પિટલને બંધ કરવા માટેના યેનકેન પ્રકારના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને અહમદાબાદ શહેરમાં રહેતા ગરીબ પરિવારોના જીવન સાથે ગંદી રાજરમત રમી રહ્યા છે.

આ અનુસંધઆને “વાડીલાલ હોસ્પિટલ જન આંદોલન” દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર, અહમદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દાણાપીઠ, અહમદાબાદ ખાતે એક આવેદનપત્ર આપીને નીચે મુજબની માંગણીઓ કરવામાં આવી હતી.

•  વાડીલાલ હોસ્પિટલ અગાઉ જેટલા પણ મેડીકલ યુનિટ ચલાવવામાં આવતા હતા તે તમામ યુનિટને પુનઃ શરૂ કરવામાં આવે.

• વાડીલાલ હોસ્પિટલમાં ઉપર જણાવ્યા મુજબ જેટલી પણ સુપર સ્પેશીયાલીટી સારવાર બંધ કરી દેવામાં આવી છે તે તમામ સારવાર પુનઃ શરૂ કરવામાં આવે.

• વાડીલાલ હોસ્પિટલમાં ડોકટર, સ્ટાફ, નર્સ તેમજ મેડીકલ સહાયકની તમામ જગ્યાઓને પૂર્ણ કરવામાં આવે.

• અમહાદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાડીલાલ હોસ્પિટલમાં જે ૫૦૦ બેડની સુવિધાનો ઠરાવ કરવામાં આવેલ છે તેને તાત્કાલિક રદ કરવામાં આવે અને નવો ઠરાવ કરીને ૧૫૦૦ બેડની સુવિધા પૂર્ણ કરવામાં આવે. તેમજ તે માટે બજેટની પણ ફાળવણી કરવામાં આવે.

 “વાડીલાલ હોસ્પિટલ જન આંદોલન” પ્રતિ એડવોકેટ શમશાદ પઠાણે મ્યુનિસિપલ કમિશનર સાહેબથી ઉગ્ર રજૂઆત કરતા કહ્યું હતું કે, “અમારી ઉપરોક્ત માંગણીઓ પૂર્ણ કરવા જણાવીએ છીએ અને જા તેમ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં આ આંદોલનને જલદ બનાવવામાં આવે તેની નોંધ લેવી.”

 (ઉપરોક્ત લેખ ‘વાડીલાલ હોસ્પિટલ જન આંદોલન’ દ્વારા અહમદાબાદ મ્યુનિસિપલ કમિશ્નરને આપવામાં આવેલ આદેવનપત્ર ઉપર તૈયાર કરવામાં આવ્યો છે.)  –•–

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments