જો તમે બી.આર ચોપરાની ‘ મહાભારત’ ટીવી સીરીયલ જોઈ હોય તો ડો.રાહી માસૂમ રઝા લિખિત સંવાદોમાંથી કેટલાક તો જરૂર યાદ હશે.એમાં એક યાદગાર સંવાદ હતો “ જો સ્વયં કો નહિ જીત પાયા વહ વિશ્વ કો ક્યાં જીત પાયેગા?” આના જેવી જ વાત પ્લેટોએ પણ કહી છે “પ્રથમ અને શ્રેષ્ઠ વિજય પોતાની જાત પરનો વિજય છે.”(The first and best victory is to conquer self.) અહી પોતાની જાત પર વિજય મેળવવાનો અર્થ છે
જીવનમાં સફળતા મેળવનાર લોકોની ટેવો વિષે કે એમના જીવન વિષે અભ્યાસ કરશો તો જણાશે કે તેઓ ગજબની ઈચ્છા શક્તિ અને સ્વયં –શિસ્ત પાળનારા લોકો હતા અથવા છે.સ્વયં શિસ્તને બીજા શબ્દોમાં ‘સેલ્ફ માસ્ટરી’ કહી શકાય.સફળતા ત્યારે જ મળે જયારે તમે તમારી લાગણીઓ,ઇચ્છાઓ અને વિચારો તથા લગાવ પર કાબૂ મેળવી શકો.
સ્વયં શિસ્તને બીજા શબ્દોમાં સેલ્ફ કંટ્રોલ કે સ્વ-નિયંત્રણ પણ કહી શકાય.તમારી જાત પર અને તમારા વર્તન પર,તમારી જીભ અને તમારા કાર્યો પર જો તમે કાબુ મેળવી શકો તો તમે લાંબા ગળાના લક્ષ્યોને પ્રાપ્ત કરી શકો.હાવર્ડ યુનીવર્સીટીના સમાજશાસ્ત્રી ડો.એડવર્દ બેન્ફીલ્ડે અમેરિકામાં એક સોસીઓઇકોનોમિક સર્વે કર્યો હતો.એનું તારણ કાઢતા એમણે જણાવ્યું હતું કે જે લોકોએ જીવનમાં સફળતા મેળવી હતી તેઓ લાંબા ગાળા વિષે વિચારીને કાર્યો કરતા હતા.તમે ટૂંકા ગાળામાં અમૂક લાભ મેળવી શકો પરંતુ જો કાયમી લાભ મેળવવો હોય તો લાંબા ગાળા વિષે વિચાર કરીને જ કાર્યો કરવા જોઈએ.લાંબા ગાળાનું વિચારીને આગળ વધવા માટે તમારામાં સ્વયં શિસ્ત હોવી ખૂબ જરૂરી છે.લાંબા ગાળાના વિચારો માટે તમારે ઘણા બલિદાનો આપવાની તૈયારી રાખવી જોઈએ.એમાં શિસ્ત ઉપરાંત ધીરજ પણ જોઈએ.આ બધી બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે.કેમ કે આપણું વ્યક્તિત્વ એક કોમ્પ્લેક્સ એલીમેન્ટ્સ કે ઘણા બધા તત્વોનું મિશ્રણ છે.જે લોકો ધીરજ રાખી શિસ્તપૂર્વક આગળ વધતા રહે છે તેઓ સફળતા મેળવે છે.
લોન્ગફેલોની આ કાવ્ય પંક્તિઓ યાદ રાખો :
“Those heights by great men,won and kept,
Were not achieved by sudden flight.
But they,while their companions slept,
Were toiling upward in the night.”
એનો ભાવાર્થ આ છે કે જે મહા પુરુષોએ જીવનમાં ઉંચાઈ (સફળતા) મેળવી હતી , એ એમણે માત્ર એક છલાંગ લગાવીને મેળવી ન હતી.પરંતુ જયારે એમના સાથીદારો રાત્રે ઊંઘતા ત્યારે તેઓ સખત પરિશ્રમ કરીને આગળ વધતા રહેતા હતા.
શિસ્ત અને (વિલ પાવર) ઇચ્છા શક્તિને કેટલાક લોકો એક જ બાબત તરીકે ગણે છે પરંતુ એવું નથી.કોઈ પણ મોટું કાર્ય નો પ્રારંભ કરવો હોય તો એ માટે ઇચ્છા શક્તિ ની જરૂર પડે છે, પરંતુ એ કાર્યને સારી રીતે પૂર્ણ કરવા માટે તમારામાં શિસ્ત હોવી જરૂરી છે.જો શિસ્તતા પૂર્વક તમે લાગેલા નહિ રહો તો એ કાર્ય રખડી પડશે, તમે એ કાર્યને નિશ્ચિત સમયમાં ક્યારેય પૂરું નહિ કરી શકો.
નેપોલિયન હિલે એમના બેસ્ટ સેલીંગ પુસ્તકમાં લખ્યુ છે કે “Self-discipline is the master key to riches.” સ્વયં શિસ્ત સમૃદ્ધિની માસ્ટર ચાવી છે.જે કોઈ પણ તાળાને ખોલી શકે છે.શિસ્ત તમારા આત્મ-ગૌરવ,આત્મ-સન્માન અને નીજી ગર્વની પણ ચાવી છે.આ શિસ્તમાંથીજ સારી ટેવો પડે છે.
શિસ્ત નો અભાવ હોવાનો અર્થ એ છે કે તમારી જાત પર તમારો જ કાબૂ નથી.કોઈ મહત્વના કાર્યમાં તમે સરળતાથી ભટકી શકો છો. શિસ્તનો અભાવ તમને તમારા લક્ષ્યથી ભટકાવી નિષ્ફળતા તરફ લઇ જઈ શકે છે.
જો તમે સ્વયં-શિસ્ત ધરાવતા હશો તો કોઈ પણ કાર્ય પહેલા તમે નકારાત્મક વિચારોથી દૂર હશો,તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો અને નિર્ધારિત કાર્ય ઓછા સમયમાં કોઈ પણ જાતના ખલેલ વિના પૂરું કરી શકશો.
સ્વયં શિસ્ત તમને શાંત અને સુખી પણ બનાવે છે.૨૦૧૩મા વિલ્હેમ હોફમેને એક અભ્યાસ કર્યો હતો એમાં જાણવા મળ્યું કે જે લોકો ઉચ્ચ સ્વયં શિસ્ત ધરાવતા હતા તેઓ ઓછી કે નહીવત શિસ્ત ધરાવનારા લોકો કરતા વધુ સુખી હતા.આ અભ્યાસ મુજબ સ્વયં શિસ્ત ધરાવનારા લોકો પોતાના લક્ષ્ય નિર્ધારણ માં આવતા વિધ્નોને સરળતાથી પાર પાડી લેતા હતા,તુચ્છ બાબતોમાં અને વર્તનમાં ઓછો સમય બગાડતા હતા,અને હકારાત્મક નિર્ણયો લેવામાં સમર્થ હતા.આના પરિણામ સ્વરૂપ તેઓ આંતરિક શાંતિ અને સુખની અનુભૂતિ કરતા હતા. યાદ રાખજો કે સ્વયં શિસ્ત જ તમને તમારા લક્ષ્ય સુધી પહોંચાડે છે.જે લોકો શિસ્ત અપનાવે છે તેઓ જેઓ નથી અપનાવતા એમનાથી વધારે સફળ અને સુખી હોય છે.
સ્વયં-શિસ્ત તમારા સારા ચારિત્ર્યનું નિર્માણ કરે છે,તમારી આંતરિક શક્તિ અને દ્રઢતામાં વધારો થાય છે,આ ઉપરાંત તમે વિચારો,અધીરાઈ,ક્રોધ અને બીજી નકારાત્મક બાબતો પર કાબૂ મેળવી શકો છો.બીજા લોકોના વર્તન બાબતે તમે સમજી વિચારીને પ્રતિક્રિયા આપી શકો છો.પરિણામે તમે બીજા લોકો સાથે સારો સંબંધ કેળવી શકો છો.અને બીજા લોકોથી માન પણ મેળવી શકો છો.
આ બધી બાબતો તો ઠીક છે પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે શા માટે મોટા ભાગના લોકોમાં આ શિસ્ત જોવા મળતી નથી?
આની ચર્ચા કરતા પહેલા આપણે પોતાની જાતને કેટલાક પ્રશ્નો પૂછીએ.આપણે જાણીએ છીએ કે સોફામાં બેસીને ટીવી જોવા કરતા બહાર ચાલવાથી સારી કસરત થશે જે શરીર માટે સારું છે.એમ છતાય આપણે કસરત કરતા નથી કે બહાર ચાલવા જતા નથી.શા માટે?
આપણા ધંધા-વ્યવસાયમાં કેટલાક કામો એવા હોય છે જેમને ઝડપથી કરવા પડે છે.નહીતો મોટું નુકસાન થઇ શકે છે.એમ છતાય આપણે એ કામ પ્રત્યે દુર્લક્ષ સેવીએ છીએ અને કામ એમનું એમ જ પડ્યું રહે છે.શા માટે?
એવી કઈ બાબતો છે જે તમને સિગારેટ,દારૂ કે પાન મસાલાની ખોટી ટેવોને છોડવામાં બાધ્ય બને છે?
આ બધાનો જવાબ બહુ સાદો અને સરળ છે : તમારામાં સ્વયં શિસ્ત નથી જે તમારા લક્ષ્યોને અને ઇચ્છાઓને પૂરી કરવામાં મદદ કરે છે.ફરીથી પ્રશ્ન તો એ જ છે કે શા માટે તમારામાં શિસ્ત નથી?
એની ચર્ચા કરીએ તો સૌ પહેલી વાત એ જણાય છે કે સ્વયં શિસ્ત એ જન્મજાત કુશળતા કે લક્ષણ નથી.એને તમારે જાતે કેળવવી પડે છે.તમે જે કામ કરતા રહો એની ટેવ પડે છે.સ્વયં શિસ્ત અને સ્વ-નિયંત્રણની ટેવ પાડવી મુશ્કેલ છે પણ જો આ ટેવ પડી જાય તો આગળના કામ તમારા માટે સરળ થઇ જાય છે.એક સમય એવો આવે કે એ તમારા ચારિત્ર્યનો ભાગ બની જાય.એ પછી તમે જો અશિસ્તતા પૂર્વક વર્તવાનું વિચારો તો તમારા માટે મુશ્કેલ થઇ જાય.કવિ ગટે એ કહ્યું હતું “પ્રારંભમાં જે મુશ્કેલ હોય છે એ પછીથી સરળ હોય છે.”
બીજી બાબત એ છે કે આપણે બાળપણથી જ હકારાત્મક વિચાર સરણી લઈને જન્મતા નથી.મોટા ભાગના લોકો બાળપણમાં એવા સંજોગોના શિકાર બની જાય છે જેનાથી તેમના મન પર નકારાત્મક વિચાર સરણી કબજો કરી લે છે.લોકો ઘણી બધી નકારાત્મક લાગણીઓ ના શિકાર પણ થઇ જાય છે.જેનાથી હકારાત્મક વિચાર સરણી અને સ્વયં શિસ્ત કેળવવમાં મુશ્કેલી પડે છે.
આપણે જે જગ્યાએ રહીએ છે ત્યાં જો પ્રતિકૂળ વાતાવરણ હોય,નકારાત્મક વિચાર સરણી ધરાવતા લોકો હોય, વાત વાતમાં ઝગડો કરતા પાડોશી હોય,આજુબાજુ શિક્ષણનો અભાવ હોય,તો આવા પ્રતિકૂળ સંજોગોમાં સ્વાભાવિક છે કે કોઈ તમને સહાય કરનાર કે મદદ રૂપ થનાર ન હોય,તો તમે નિરુત્સાહી થઇ જ જવાના.આવામાં તમારે પોતે જ હકારાત્મક વિચાર સરણી કેળવવા અને સ્વયં શિસ્ત કેળવવા ઘણી મહેનત કરવી પડે.
ત્રીજી બાબત છે નિષ્ફળતાનો ભય.જો તમે કોઈ કાર્યના પ્રારંભમાં જ એના પરિણામથી અને ખાસ તો નિષ્ફળ જઈશ એવા વિચારથી જ ડરી જશો તો કોઈ પણ પગલું ઉઠાવવાની તમારી હિંમત નહિ થાય, તમે કોઈ કામ જુસ્સા સાથે નહિ કરી શકો, તમે હતોત્સાહી થઇ જશો.અને પરિણામે તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે તમે આગળ જ વધી શકશો નહિ.
ચોથી બાબત એ છે જો તમે સ્વભાવથી જ આળસુ હશો તો તમે કશું કરવાના જ નથી, તમે દરેક કામને ટાળતા જ રહેશો.જ્યાં ટાલમટોલ હોય ત્યાં સ્વયં શિસ્ત હોઈ શકે જ નહિ.તેથી સ્વયં શિસ્ત કેળવવા માટે તમારે આળસનો ત્યાગ કરવો જ પડે.
પાંચમી બાબત આ છે કે જો તમે તમારી જાતને નીચી કે હલકી ગણતા હોવ અને તમારામાં આત્મ વિશ્વાસનો અભાવ હોય તો તમારામાં શિસ્તનો પણ અભાવ હોવાનો જ, જે તમને સફળ થતા રોકે છે.આવી સ્થિતિમાં શિસ્ત કેળવવા તમારે ખૂબ મહેનત કરવી પડે.
છટ્ટી બાબત આ છે જો તમે લાલચુ હોવ કે અમુક બાબતો એવી હોય જેનાથી તમે લોભમાં પડી જાવ જે તમને તમારા મૂળ લક્ષ્યથી દૂર લઇ જતી હોય , તો એનો અર્થ એ છે કે તમારામાં શિસ્ત નો અભાવ છે.સંકલ્પ શક્તિ અને મનની શક્તિ મેળવવા તમારે તમારી ત્રુટીઓ અને પ્રલોભનો ને દૂર કરવા કમર કસવી પડે.
સાતમી બાબત આ છે કે તો તમને તમારું જીવન ધ્યેય જ ખબર ન હોય તો તમે કોઈ પણ કામ માં ઓતપ્રોત થઇ શકો નહિ, ન જ એ કામ તમે દિલથી કરશો ન જ એમાં તમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ હશે.બસ કરવા ખાતર તમે કામ કરતા હશો ,પણ એમાં કોઈ ભલી વાર પડે નહિ.જો તમે તમારું લક્ષ્ય જ નથી જાણતા અથવા તમે તમારી શક્તિઓને હજી સુધી ઓળખી જ નથી શક્યા તો એનું એક કારણ એ પણ હોઈ શકે કે તમારામાં સ્વયં શિસ્ત જ નથી.તમે વારંવાર ઓફિસે મોડા પહોંચો છો ,કોઈ કાર્યક્રમમાં કે લગ્નમાં તમે મોડા પહોંચતા હોવ તો એનો અર્થ એ નથી કે તમે બહુ વ્યસ્ત છો પરંતુ એનો અર્થ એવો છે કે તમારો તમારી જાત પર કાબૂ નથી અને તમારામાં સ્વયં શિસ્ત જ નથી.
અને છેલ્લે આ વાત યાદ રાખજો કે જો તમે સમયસર ઓફિસે પહોંચી શકતા નથી તો જીવનની મંઝીલે સમયસર કેવી રીતે પહોંચી શકશો?