Tuesday, December 10, 2024
Homeઓપન સ્પેસસ્ટેથોસ્કોપઉત્તરપ્રદેશનું યોગી મોડેલ; વાસ્તવિકતાની તપાસ

ઉત્તરપ્રદેશનું યોગી મોડેલ; વાસ્તવિકતાની તપાસ

ઉત્તર પ્રદેશ હંમેશા થી રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે, જે વિવિધ વિચારધારાઓનું ઉદ્ગમ સ્થાન છે. અહીંની રાજકીય હલચલ રાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન આકર્ષિત કરતી રહી છે. અહીંની રાજકીય ભૂમિ સમાજવાદી ચળવળ, રામ જન્મભૂમિ આંદોલન અને કાશીરામના બહુજન આંદોલનની પ્રયોગશાળા તરીકે પણ જાણીતી છે.

ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ છે, જે હિન્દુત્વની છબીના નેતા છે અને ગોરખનાથ પીઠના મહંત છે, જે તેમની ભાષા, નીતિ અને ઉગ્ર રાજકારણી તરીકે જાણીતા છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર અને યોગી આદિત્યનાથના કાર્યકાળને સાડા ચાર વર્ષ પૂરા થઇ ચૂક્યા છે. આ ચાર વર્ષથી વધુ સમય દરમિયાન યોગી સરકારનો કાર્યકાળ વિવાદોથી ભરપુર રહ્યો છે, જેની વિપક્ષ ઉપરાંત પાર્ટીની અંદર અને બહાર પણ ટીકા થતી રહી છે, પરંતુ દર વખતે યોગી આદિત્યનાથ પરિસ્થિતિને પોતાની તરફેણમાં લાવવામાં સફળ થયા છે. જો કે આમાં મીડિયા અને વહીવટીતંત્રની મોટી ભૂમિકા રહી છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન બગડતા આરોગ્ય તંત્રએ દેશ જ નહીં પરંતુ વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું. ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ પામેલા લોકો અને હોસ્પિટલ બેડ અને દવાઓ માટે મુશ્કેલીમાં મુકાયેલા, સ્વજનોની પીડા કોઈથી છુપાયેલી નથી. અલ્હાબાદ, બનારસ, જૈનપુર અને અન્ય શહેરોમાં ગંગામાં તરતા સેંકડો મૃતદેહોના અને ગંગાના કાંઠે દફનાવવામાં આવેલા હજારો મૃતદેહોના ડ્રોન ફોટોગ્રાફ્સ એ તેમની દાસ્તાન કહી હતી. આ પછી પણ, મીડિયા મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશનની સહાયથી, વિરોધના તમામ અવાજોને દબાવવામાં આવ્યા અને કોરોના રોગચાળામાં સંઘ અને ભાજપ દ્વારા યોગી આદિત્યનાથના સારા પ્રદર્શન માટે પ્રશંસા કરવામાં આવી.

પત્રકારો પર કાર્યવાહી:

એક તરફ, યોગી સરકાર મીડિયા મેનેજમેન્ટની મદદથી ઉત્તર પ્રદેશને શ્રેષ્ઠ રાજ્ય તરીકે વર્ણવવાના અભિયાનમાં લાગી છે, પરંતુ બીજી તરફ, સરકારની ટીકા કરનારા પત્રકારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પત્રકાર સિદ્દિક કપ્પન અને તેના સાથીઓ, જે હાથરસમાં દલિત યુવતી પર કથિત બળાત્કારના કેસની રિપોર્ટીંગ કરવા જઇ રહ્યા હતા, તેમના પર વાતાવરણને ખલેલ પહોંચાડવા માટે NSA અને અન્ય ગંભીર કલમો હેઠળ કેસ દાખલ કરાયો હતો.

ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પક્ષની નીતિઓની ટીકા કરતા પત્રકારો વિરુદ્ધ કાર્યવાહી કરવાના આરોપ લાગતા રહ્યા છે.

ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકારના પૂર્વ સાથી રહેલા સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)ના પ્રમુખ ઓમપ્રકાશ રાજભરે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે, સરકાર તેમની સામે બદલા ભાવનાથી કાર્યવાહી કરીને પત્રકારોને નિશાન બનાવી રહી છે.

ઓમપ્રકાશ રાજભરે આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની સરકારે એક વર્ષમાં 40 પત્રકારો સામે એફઆઈઆર દાખલ કરી છે.

ઓમ પ્રકાશ રાજભરે ટ્વીટ કરીને કહ્યું હતું કે યોગી સરકારમાં મિડ-ડે ભોજનના નામે નિર્દોષ બાળકોને મીઠાની રોટલી પીરસવાના સમાચાર લખનારા મિર્ઝાપુર સ્થિત પત્રકાર પવન જયસ્વાલ, આઝમગઢના સંજય જયસ્વાલ, પ્રશાંત કનોજિયા, ભ્રસ્ટાચાર ઉજાગર રવાવાળા મનીષ પાંડે વગેરે સાથે યુપી સરકારે જે કરી રહી હતી તે શું હતું? ઇમર્જન્સી કે રામરાજ?

તેવી જ રીતે યોગી સરકારમાં ઘણા પત્રકારોની હત્યા કરવાનો મામલો પણ સામે આવ્યો છે.

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લામાં 13 જૂન 2021 ની રાત્રે પત્રકાર સુલભ શ્રીવાસ્તવની હત્યા કરવામાં આવી હતી. બીબીસીના જણાવ્યા અનુસાર, તેમની પત્ની રેણુકા શ્રીવાસ્તવ કહે છે કે તેમણે દારૂ માફિયાઓ વિરુદ્ધ સમાચાર ચલાવ્યા ત્યારથી કેટલાક લોકો તેમની પાછળ હતા.

આ ઘટનાના એક દિવસ પહેલા સુલભ શ્રીવાસ્તવે અલ્હાબાદ ઝોનના એડિશનલ ડિરેક્ટર જનરલ અને પોલીસ અધિક્ષક, પ્રતાપગઢને પત્ર લખીને તેની હત્યાની સંભાવના વ્યક્ત કરી હતી, જોકે તેમને કોઈ મદદ મળી ન હતી.

વિરોધના અવાજને દબાવવાનો પ્રયાસ:

યોગી આદિત્યનાથ પર વિરોધના અવાજોને દબાવવાનો આરોપ લાગતા રહ્યા છે. નાગરિકતા સુધારો કાયદાના વિરોધમાં થયેલા પ્રદર્શનોમાં 19 ડિસેમ્બર, 2019ના રોજ, પોલીસ ફાયરિંગને કારણે ઉત્તર પ્રદેશમાં 18 વિરોધીઓ માર્યા ગયા હતા અને રાજ્યભરના હજારો વિરોધીઓ સામે કેસ નોંધાયા હતા અને તેઓને મહિનાઓ સુધી જેલમાં રાખવામાં આવ્યા હતા.

સરકારે દલીલ કરી હતી કે આ પ્રદર્શનકારીઓ આગજની અને હિંસા આદરી હતી અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડયું હતું, જ્યારે વિરોધ પ્રદર્શનમાં સામેલ ડઝનબંધ સામાજિક કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે યોગી સરકારનો દાવો ખોટો છે અને પોલીસે શાંતિપૂર્ણ વિરોધીઓ પર ગોળીબાર કર્યો હતો, તેનો વીડીયો પણ વાયરલ થયો હતો.

ભાજપ પર ચૂંટણીમાં અરાજકતાનો આરોપ:

ઉત્તરપ્રદેશમાં તાજેતરની પંચાયતની ચૂંટણીમાં ભાજપના નબળા પ્રદર્શન પછી, જિલ્લા પંચાયત પ્રમુખ અને બ્લોક પ્રમુખની ચૂંટણીમાં ધાંધલીઓ કરવામાં આવી, ગોળીઓ અને બોમ્બ ચલાવવામાં આવ્યા હતા અને પુલીસના અધિકારીઓએ થપ્પડ મારવામાં આવી અને વિપક્ષી ઉમેદવારોના નામાંકન દાખલ કરવામાં વિક્ષેપ કરવામાં આવ્યો.

બ્લોક પ્રમુખની ચૂંટણીમાં, મહિલાઓ સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હતું અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેઓને માર મારવામાં આવ્યા હતા, તેમની સાડીઓ ખેંચવામાં આવી હતી અને તેમની સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું હતું, જેની રાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ હતી.

કોંગ્રેસના મહાસચિવએ ભાજપના આ વર્તન પર ટ્વિટ કરીને કહ્યું હતું કે, “લોકોએ મતો આપીને બીડીસીની પસંદગી કરી હતી, યોગીજીના જંગલરાજે તેમને બુલેટ, બોમ્બ, પથ્થર, લાકડીઓથી ધમકી આપી હતી, અપહરણ કર્યું હતું, મહિલા સભ્યો સાથે ગેરવર્તન કર્યું હતું. યોગીજીના જંગલ રાજે મતની લોકશાહીને પરાજિત કરી છે. તેઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ દેશ, તેની લોકશાહી, તેના લોકો તેમના કરતા મોટા છે. “

‘બોલીથી નહીં, ગોલી દ્વારા’ સત્તા ચલાવવાનો પ્રયાસ:

યોગી સરકાર કાર્યકાળની શરૂઆતથી જ બંધારણની ભાવના વિરુદ્ધ બયાનો કરી રહી છે. તેમણે કહ્યું હતું કે ‘બોલી’ દ્વારા જે સુધરશે નહીં તેને ‘બુલેટ’ દ્વારા સુધારવામાં આવશે. આ નિવેદન અંગે રાજકીય વર્તુળોમાં ઘણી ટીકા થઈ હતી.

તેવી જ રીતે યોગીએ ગુનેગારો સામે એન્કાઉન્ટર કલ્ચર શરૂ કર્યું હતું અને ‘ઠોકી દો’ની પ્રથાને જન્મ આપ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગુનેગારોએ કાં તો સુધરી જવું પડશે અથવા રાજ્ય છોડી દેવું પડશે. જો કે, આંકડા દર્શાવે છે કે આટલા બધા એન્કાઉન્ટર પછી પણ ગુનાઓ વધ્યા છે.

ઉત્તર પ્રદેશ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અવનીશકુમાર અવસ્થીએ તાજેતરમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારના કાર્યકાળ દરમિયાન સંગઠિત ગુનાઓ દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત, 20 માર્ચ 2017 થી 20 જૂન 2021 ના ​​ગાળામાં પોલીસ એન્કાઉન્ટરમાં કુલ 139 ગુનેગારો માર્યા ગયા છે અને 3,196 ઘાયલ થયા છે.

જોકે, આ દાવાઓ છતાં, ઉત્તર પ્રદેશમાં અપરાધોની સંખ્યામાં અનેકઘણો વધારો થયો છે, ખાસ કરીને મહિલાઓ વિરુદ્ધ ગુનાહિત બનાવોમાં વધારો થયો છે.

રોજગાર માટે યુવાનો રોજ લખનૌમાં પ્રદર્શનો કરી રહ્યા છે:

યોગી સરકાર દ્વારા લાખો નોકરીઓ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ ઉત્તર પ્રદેશના યુવાનો દરરોજ લખનૌ આવે છે અને ક્યારેક શિક્ષકની ભરતી તો ક્યારેક પોલીસ ભરતીની માંગ માટે પ્રદર્શનો કરી રહ્યા છે.

છેલ્લા થોડાં સમયમાં બેકારીના લીધે અલ્હાબાદ અને લખનૌમાં યુવાનો દ્વારા આત્મહત્યાના કિસ્સા પણ પ્રકાશમાં આવ્યા છે.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાની ટ્વિટમાં કહ્યું કે, “યોગી સરકાર ઉત્તર પ્રદેશ ભાજપ સરકાર યુવાનો સાથે ઘણું ખોટું કરી રહી છે. સરકારે રોજગાર આપવા માટે ખોટો પ્રચાર કર્યો છે, પરંતુ જ્યારે યુવાનો તેમનો હક માંગવા જાય છે ત્યારે તેમને પીટવામાં આવે છે. ગઈકાલે શિક્ષક ભરતીમાં સામાજિક ન્યાયની જોગવાઈઓનો યોગ્ય અમલ કરવાની માંગ કરતા યુવાનોને માર મારવામાં આવ્યો હતો. અહેવાલો મુજબ મહિલાઓને પેટમાં લાત મારી હતી.”

દલિતો પર અત્યાચાર:

સામાજિક કાર્યકરો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે યોગી સરકાર હેઠળ દલિતો પર અત્યાચાર વધ્યા છે. હાથરસની ઘટનાએ ઉત્તર પ્રદેશમાં દલિતોની હાલત અને તેમની સાથે વર્તનને દેશ અને વિશ્વ સામે ઉજાગર કરી છે.

વર્ષ 2020 માં, ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે, “યુપી સરકારની અનંત ઘોષણાઓ અને સૂચનાઓ છતાં, દલિતો અને મહિલાઓ પર અન્યાય-અત્યાચાર, બળાત્કાર અને હત્યાની ઘટનાઓ અટકતી નથી. આવી સ્થિતિમાં સરકારના ઇરાદા ઉપર સવાલ ઉઠવો સ્વાભાવિક છે. ખાસ કરીને છોકરીઓ માટે ઘરની બહાર આવવાનું મુશ્કેલ બની ગયું છે, તો આવા કાયદા અને વ્યવસ્થાનો શું ઉપયોગ?”

દલિત નેતા તરીકે ઓળખ બનાવી ચૂકેલા ચંદ્રશેખર આઝાદે યોગી સરકારને મનુવાદી સરકાર ગણાવીને અનેક વખત મીડિયા સમક્ષ નિવેદનો આપ્યા છે અને દલિતો પર અત્યાચારનો આરોપ લગાવ્યો છે.

મહિલાઓ સામેના અપરાધોમાં વધારો:

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ તેમના કાર્યકાળના ત્રણ વર્ષ બાદ દાવો કર્યો હતો કે પ્રદેશમાં અપરાધનું પ્રમાણ ઓછામાં ઓછું છે. પરંતુ NCRB ના ડેટા રાજ્યમાં ગુનાનો અલગ આંકડો રજૂ કરે છે. યોગી આદિત્યનાથે દાવો કર્યો હતો કે, “યુપીમાં ગુનાઓનું પ્રમાણ ન્યૂનતમ છે, કાયદો અને વ્યવસ્થા વધુ સારી સ્થિતિમાં છે અને તે આગળ પણ વધુ સારી સ્થિતિમાં રહેશે.

જો કે, જાન્યુઆરી 2020 માં નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરો (એનસીઆરબી) ના વાર્ષિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ સામેના ગુનામાં ઉત્તર પ્રદેશ મોખરે છે.

દેશમાં મહિલાઓ વિરુદ્ધ 2018 માં કુલ 378,277 કેસ નોંધાયા હતા અને એકલા યુપીમાં 59,445 કેસ નોંધાયા હતા. એટલે કે, દેશની કુલ મહિલાઓ પરના અપરાધોના લગભગ 15.8% ગુનાઓ.

આ દાવાઓ અને આવા સેંકડો દાવાઓ ઉત્તર પ્રદેશની યોગી સરકારની વાસ્તવિક તસવીર દર્શાવી રહ્યા છે. મીડિયા મેનેજમેન્ટની સહાયથી ચિત્રને સુધારવાના પ્રયાસમાં, પ્રતિકારનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે, બેરોજગારો પર લાઠી વરસાવવામાં આવી રહી છે, રાજકીય વિરોધીઓને કેદ કરવામાં આવી રહ્યા છે, પત્રકારો ઉપર NSA લાદવામાં આવી રહી છે અને ભાજપના કાર્યકરો દ્વારા લોકશાહી સંસ્થાઓના સાર્વભૌમત્વને ખંડિત કરવામાં આવે છે.

આ બધું એ સ્વઘોષિત રાષ્ટ્રવાદી પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે જે હિન્દુત્વના નામે સત્તા પર આવી હતી અને ‘રામ રાજ્ય’ના સપના બતાવ્યા હતા. શક્ય છે કે તેમના માટે ‘રામ રાજ્ય’ ની વ્યાખ્યા આ જ હતી, પરંતુ જનતાને કંઇક બીજું સમજાયું હશે.


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments