માણસનું વ્યક્તિત્વ એની માનસિકતા અને મિજાજનું સમન્વય હોય છે. નિશંકપણે માણસના બાહ્ય પરિવેશ અને માનસિકતા મળીને વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. પરંતુ માત્ર બાહ્ય પરિવેશ સારા કપડાં, શુટ-બૂટ, સ્પ્રે એનાથી જ વ્યક્તિત્વ નથી બનતું, અસલ વસ્તુ છે હકારાત્મક અને સારી માનસિકતા, સારા વિચારો અને સારૂં વર્તન. ભપકાદાર કપડા અતિશ્યોક્તિભર્યો દેખાવ માત્ર હોઈ શકે છે. માણસ એના મન અને વર્તનથી જુદો પડે છે. અને એવું વર્તન એના વિચારો પર આધારિત હોય છે. માણસનું વર્તન એના કાર્યોનું પ્રતિબિંબ હોય છે જે એની શારીરિક માનસિક જરૂરિયાતોને સંતોષે છે અને માણસ એ જ કાર્યો કરશે જેમાં એને સંતોષ મળશે. આમ, એના વિચારો અને વલણ એના વ્યક્તિત્વના સ્તંભ સમાન છે. માણસના કથન કરતાં એના વિચારોનું મહત્ત્વ હોય છે. અને એવું કાલ્પનિક પણ હોઈ શકે જેને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ ન હોય. દાખલા તરીકે કવિઓ ઘણીવાર એવા કથનો કહે છે જે સાંભળી આપણે વાહવાહ તો કરીએ છીએ પરંતુ આપણે જાણીએ છીએ કે વાસ્તવમાં એ શક્ય નહીં બને. માણસના કથનો વાસ્તવિકતા સાથે સંબંધ ધરાવતો હોય અને ઇન્દ્રિયો દ્વારા સ્પર્શી શકાય એમ હોય, બુદ્ધિગમ્ય હોય તો આપણે કહી શકીએ કે વ્યક્તિના મનમાં સ્પષ્ટ ચિત્ર છે અને એ કથનને સારી રીતે સમજી શકી છે. વિભાવના કે વિચારો વાસ્તવિકતા સાથે જાેડાય ત્યારે માણસ જે અર્થ સમજે છે એના દ્વારા નિર્ણય લે છે. આમ માનસિકતા એ વસ્તુઓને સમજવાનું માધ્યમ કે સાધન છે જેના દ્વારા માનસિકતાઓ વચ્ચે ભેદ પડે છે.

દા.ત. ઇસ્લામી માનસિકતા, સામ્યવાદી માનસિકતા, મૂડીવાદી માનસિકતા વગેરે. આ માનસિકતાના આધારે માણસનું વલણ કે વૃત્તિઓ દોરાય છે. આ વલણ એને આગળ વધારનાર ઉદ્દીપક હોય છે જે એને સંતોષ તરફ લઈ જાય છે. મિજાજ કે સ્વભાવ માણસની સહજભાવ અને જૈવિક જરૂરિયાતોને સંતોષવાનું માધ્યમ બને છે. આ જ માનસિકતા અને મિજાજથી માણસનું વ્યક્તિત્વ સર્જાય છે. માણસના મિજાજ મુજબની માનસકિતા હોય તો એના વ્યક્તિત્વને વિશિષ્ટ રંગ મળે છે. પરંતુ મિજાજ મુજબની માનસિકતા ન હોય તો વિરોધાભાસી વ્યક્તિત્વ સર્જાય છે. આવી વ્યક્તિના વલણો બાળપણથી એના મિજાજથી અલગ બળો દ્વારા ખેંચાય છે, જેના લીધે એના વ્યક્તિત્વમાં વિશિષ્ટતાનો અભાવ હોય છે, એની વાતો અને કાર્યોમાં વિસંગતતાઓ હોય છે, અને એના વિચારો અને વલણથી અલગ હોય છે.

વ્યક્તિત્વ વિશેની આ બુનિયાદી વાતો પછી હવે આપણે ઇસ્લામી વ્યક્તિત્વ વિશે જાેઈશું.

ઇસ્લામ માણસને એક વિશિષ્ટ વ્યક્તિત્વ વિકસિત કરવા માટે એવી માવજત કરે છે જે બીજાથી અલગ હોય. એના અકીદા (ધાર્મિક માન્યતા) સાથે એના વિચારોની માવજત કરે છે, એના વિચારોને બૌદ્ધિક પાયો આપે છે જેના લીધે એની વિભાવનાઓ આકાર લે છે. માણસ એના અકીદાના આધારે ખરા અને ખોટા વિચારો વચ્ચે ભેદ પાડી શકે છે, આ જ અકીદાના આધારે એની માનસિકતા ઘડાય છે જે એને ખોટાપણાથી સુરક્ષિત રાખે છે, સારા વિચારોમાં પ્રમાણિક અને આકલન શક્તિમાં મજબૂત બનાવે છે.

ઇસ્લામ, માણસના કાર્યોની માવજત શરીઅતના નિયમોને આધીન કરી એની સહજવૃત્તિઓ અને જૈવિક જરૂરિયાતોને સંતોષે છે. શરીઅતના નિયમો માણસની સહજવૃત્તિઓને દાબતા નથી પરંતુ એમની વચ્ચે સુમેળ સાધે છે, એના મનને કાબૂમાં રાખે છે, એને સ્વચ્છંદ કે છાકટા બનાવવાથી રોકે છે. તે એની બધી જ જરૂરિયાતોને સુમેળપૂર્વક પૂર્ણ કરે છે જેનાથી એ શાંતિ અને સ્થિરતા પ્રાપ્ત કરે. એવું કહેવાય છે કે જ્યાં તર્ક પૂરો થાય છે ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થાય છે. ઇસ્લામે માનવજાતને કુઆર્ન આપ્યું અને એમાં કેટલીય આયતોમાં આ બ્રહ્માંડ, જીવન અને માનવને પોતાની જાત વિશે વિચારવાનું કહેવામાં આવ્યું છે. કારણ કે આ એવી નિશાનીઓ છે જે એના સર્જક સાથે માણસની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે.ઇસ્લામે ઇસ્લામી માન્યતાને બૌદ્ધિક પાયા પર બનાવી છે, જેનાથી વિચારોને માપી શકાય. ઇસ્લામી માનસિકતા ઇસ્લામના પાયા પર વિચારે છે. ઇસ્લામી મિજાજ ઇસ્લામ તરફી વલણ ધરાવે છે, એની જરૂરિયાતોને સંતોેષે છે. જે વ્યક્તિ આ માનસિકતા અને મિજાજ ધરાવતી હોય એ ઇસ્લામી વ્યક્તિત્વની માલિક છે, પછી એનાથી કોઈ ફેર નથી પડતો કે એ જ્ઞાની છે કે અજ્ઞાની, એ પોતાની ફરજાે અદા કરે છે કે નહીં કે જે આવશ્યક (મંદૂબ) નિયમો છે. પોતાનો અવૈધ ચીજાેથી બચાવે છે કે નહીં, અથવા બીજા કરવા જેવા કાર્યો કે આદેશોને માને છે અને શંકાસ્પદ કાર્યોને અવગણે છે કે નહીં. એ વ્યક્તિ ઇસ્લામી વ્યક્તિત્વ ધરાવે છે જે ઇસ્લામની બુનિયાદો પર વિચારે છે અને પોતાની ઇચ્છાઓને ઇસ્લામના આદેશો મુજબ પૂર્ણ કરે છે અને પોતાની જાતને સર્વશક્તિમાન અલ્લાહ સમક્ષ ઝુકાવી દે છે, એની પ્રશંસામાં પોતાની પ્રશંસા અને એની નારાજગીમાં પોતાની નારાજગી સમજે છે. આવી વ્યક્તિ પોતાની ઇચ્છાઓને અલ્લાહની પ્રસન્નતા મુજબ જ પૂર્ણ કરે છએ. પયગમ્બર સ.અ.વ. સાહેબે આપેલ શરીઅતના કાયદા-કાનૂન મુજબ પોતાનું જીવન વ્યતીત કરે છે, અને પોતાની જાતને અલ્લાહ સમક્ષ સમર્પિત કરી દે છે. આવી વ્યક્તિ સંસારમાં રહી પોતાની સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે. એને આ બધી જવાબદારીઓ નિભાવવા ઉપરાંત અલ્લાહને પ્રસન્ન કરવાની, એની ઇબાદત કરવાની અને એને રાજી કરવાની પણ જવાબદારી છે. બીજા ધર્મોની જેમ એને સંસારથી અલિપ્ત થઈને, જવાબદારીઓમાંથી છટકીને, તપસ્વી કે બ્રહ્મચારી બની, ગુફાઓમાં એકલા રહી બંદગી કરવાની છૂટ નથી હોતી. એણે તો આ દુનિયા અને સમાજમાં રહીને પોતાના કર્તવ્યો પૂરા કરવાના હોય છે.

ઇસ્લામી વ્યક્તિત્વ ધરાવનારના લક્ષણો ટૂંકમાં જાેઈએ.

અકીદા/ ઈમાન

મુસ્લિમ એક અલ્લાહ, હઝરત મુહમ્મદ સ.અ.વ. સહિત બધા જ પયગંબરો, ફરિશ્તાઓ, અલ્લાહની કિતાબ (કુઆર્ન), કયામતના દિવસ અને અલ કઝા વલ કદર (ભાગ્ય)માં વિશ્વાસ અને શ્રદ્ધા ધરાવે છે.સાચા મુસ્લિમ દિવસમાં પાંચ વખત ફર્ઝ નમાઝ પઢે છે. રમઝાનમાં રોઝા રાખે છે. આખા વર્ષની કમાણીમાંથી ૨.૫ ટકા ઝકાત આપે છે, અને જાે એનામાં આર્થિક શક્તિ હોય તો હજ અદા કરે છે. એ અલ્લાહની ઇબાદત કરે છે. ઇબ્ને મસૂદ રદિ.ની હદીસનું કથન છે. એમણે રસૂલુલ્લાહ સ.અ.વ.ને પૂછ્યું અલ્લાહને સૌથી વધુ કયું કાર્ય પસંદ છે? આપે કહ્યું, સમયસર નમાઝ પઢવી. પછી એમણે પૂછ્યું, એના પછી? આપે કહ્યું માતા-પિતા સાથે સદ્‌વર્તાવ કરવો. એમણે પૂછ્યું એના પછી? આપે જવાબ આપ્યો, અલ્લાહના માર્ગમાં સંઘર્ષ (જિહાદ) કરવો. મુસ્લિમ માટે પાંચ વખતની નમાઝ ઘરની સામેથી પસાર થતી નદીમાં પાંચ વખત ડૂબકી લગાવી ન્હાવા જેવી હોય છે, જેનાથી બધી ગંદકી દૂર થઈ જાય છે. (મુસ્લિમ). સાચો મુસ્લિમ નમાઝની સાથે કુઆર્ન પણ પઢે છે. કેમ કે એ જાણે છે કે હૃદયને શાંતિ માત્ર અલ્લાહની યાદથી મળે છે. (સૂરઃઅલરઅ્‌દ ૧૩ઃ૨૮).

શરીર

સાચું ઇસ્લામી વ્યક્તિત્વ ધરાવનાર વ્યક્તિ શરીરની સફાઈનું ખાસ ધ્યાન રાખે છે. હદીસમાં કહેવામાં આવ્યું છે કે પાકી/ પવિત્રતા અડધું ઈમાન છે. એ ખાવા-પીવામાં નિયંત્રણ રાખે છે. એ બગાડ કરતો નથી. એ દારૂ પીતો નથી કે ડ્રગ્સ લેતો નથી. હલાલ વસ્તુઓ આરોગે છે. એ જલ્દી ઊંઘી સવારે વહેલો ઊઠે છે. એના કપડા ચોખ્ખા હોય છે. એ દરરોજ ન્હાય છે અથવા ઓછામાં ઓછું શુક્રવારે તો નહાય જ છે. એ કપડા પર અત્તર લગાવે છે. મિસ્વાક કરી દાંત ચોખ્ખા રાખે છે; એના મોઢામાંથી વાસ ન આવે એનું ધ્યાન રાખે છે. નમાઝ પઢવા જતા પહેલાં ડૂંગળી કે લસણ ખાવાથી ફરિશ્તાઓને તકલીફ થાય છે. એના વાળ વ્યવસ્થિત ઓળેલા હોય છે. એનો બાહ્ય દેખાવ એવો હોય છે કે જેનાથી એની આસપાસના લોકોને અકળામણ ન થાય.

મન

સાચો મુસ્લિમ જ્ઞાન પ્રાપ્ત કરે છે. કેમકે જેઓ જ્ઞાન ધરાવે છે તે જ અલ્લાહથી ડરે છે. (સૂરઃફાતિર ૩૫ઃ૨૮) અને જ્ઞાની અને અજ્ઞાની સરખ નથી હોતા (સૂરઃઅલ ઝુમર -૩૯ઃ૯). સાચો મુસ્લિમ જ્ઞાન પ્રાપ્ત કરી અલ્લાહની નિશાનીઓ પર વિચાર કરે છે. અને આ જ્ઞાન પ્રાપ્તિ પારણાથી લઈ કબર સુધી કરતો રહે છે અને અલ્લાહથી દુઆ કરે છે કે, હે અલ્લાહ મારા જ્ઞાનમાં વૃદ્ધિ કર. (સૂરઃતાહા ૨૦ઃ૧૧૪). સાચો મુસ્લિમ જ્ઞાન પ્રાપ્તિ હંમેશ વ્યસ્ત હોય છે અથવા તો એ વિદ્વાન હોય છે; એ સિવાય બીજું કઇ ન હોઈ શકે.

આત્મા

જેમ શરીરને ભૂખ લાગે છે એમ આત્માને પણ ભૂખ લાગે છે. એની તૃત્પિ બંદગીથી જ શકય છે. ઇબાદતથી આત્મા તૃપ્ત થાય છે.

સમાજજીવન

સાચો મુસ્લિમ માતા-પિતા સાથે સદ્‌વર્તન કરે છે. એ પત્ની અને બાળકોને પ્રેમપૂર્વક રાખે છે. એમની સાથે સારો વ્યવહાર કરે છે અને એમની જરૂરિયાતો પૂરી કરે છે. એ સગા-સંબંધીઓ સાથે પણ સારો વ્યવહાર રાખે છે. અનસ રદિ.નું કથન છે કે રોજીમાં બરકત મેળવવા ઇચ્છતા હોવ તો સગા-સંબંધીઓ સાથે સારો વ્યવહાર કરો. એ પાડોશીઓ સાથે સારો વ્યવહાર કરે છે. એ પાડોશીનું ધ્યાન રાખે છે. સાચો મુસ્લિમ એ હોય છે જેનો પાડોશી કદી ભૂખ્યા ઊંઘતો નથી. એ ભાઈ બહેનો અને મિત્રો સાથે લડાઈ ઝઘડો કરતો નથી. એમનું ધ્યાન રાખે છે. એમને પ્રેમ કરે છે. એ સહનશીલ હોય છે.

સાચો મુસ્લિમ ધંધા-વ્યવસાયમાં પ્રમાણિક હોય છે. બેઈમાની કરતો નથી. વાયદો પૂરો કરે છે. હલાલ રોજી કમાવે છે. અવૈધ રીતે કમાતો નથી. બુખારીની હદીસમાં કહેવાયું છે કે અલ્લાહ એ સહિષ્ણુ વ્યક્તિ પર કૃપા કરે છે કે જ્યારે એ ખરીદે છે, વેચે છે અને જ્યારે ઉઘરાણીમાં નરમાશ રાખે છે. સાચો મુસ્લિમ એ છે કે જે નાહક કોઈની સાથે લડતો-ઝઘડતો નથી. અને એના હાથ અને જીભથી બીજાે માણસ સુરક્ષિત રહે છે. એ હંમેશાં બીજાની મદદ કરવા તત્પર હોય છે. એ બીજાની સફળતાની ઇષ્ર્યા કરતો નથી, એ બીજા સાથે વેર-ઝેર રાખતો નથી, કારણ કે એ જાણે છે કે અલ્લાહે દરેકને એની જરૂરિયાત મુજબની રોજી રોટી પૂરી પાડે છે. એ હંમેશાં સત્ય બોલે છે અને સત્યની પડખે ઊભો હોય છે. એ બીજા સાથે અન્યાયપૂર્વક વર્તન કરતો નથી બીજા સાથે થઈ રહેલા અન્યાયને સાંખી શકતો નથી. એ પીડિતોની સાથે ઊભો હોય છે. એ પોતે કોઈના પર અત્યાચાર કરતો નથી; પરંતુ કોઈ બીજા પર થતા અત્યાચારને પણ એ સહન કરતો નથી. એ જૂઠ બોલતો નથી. એ હંમેશાં સત્ય બોલે છે.

આમ ઇસ્લામી વ્યક્તિત્વ એક સંતુલિત વ્યક્તિત્વ હોય છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here