Thursday, May 30, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસઅંધેરી રાતમેં ભટકતે ઉન મુસાફીરોં કે નામ, જીન્હે સુબ્હકી તલાશ હૈ. (નસીમ...

અંધેરી રાતમેં ભટકતે ઉન મુસાફીરોં કે નામ, જીન્હે સુબ્હકી તલાશ હૈ. (નસીમ હીઝાઝી)

વોટ્સએપ, ફેસબુક, યુટ્યુબના વળગણમાં ફસાએલી મુસ્લિમ ઉમ્મતની યુવાનસલને ‘ઇસપની બોધકથાઓ’ અને ‘શેખસાદીની નસીહત વાર્તાઓ’ વાંચવાનો આજે જરાએ અવકાશ નથી. કદાચ મોટાભાગના યુવાઓને તો એના અસ્તીત્વનો ખ્યાલ શુદ્ધાં નહીં હોય. ખેર, ચાલો, મારે આજે તમને શેખ સાદી રહ.ની એક નસીહતવાર્તા કહીને તમારા આત્માને (જે અલ્લાહનો અમ્ર છે) થોડાક ઝંઝોડવો છે. કદાચ અટકી ગયેલો કરંટ ફરીથી ચાલુ થઈ જાય અને આતમમાં અજવાળાં પથરાવા લાગે. અમે લોકો ઢળતી સાંજના સમયમાં પહોંચી ગયા છીએ. પણ અમારા આત્મીક વારસદારો એવા તમે યુવાઓ માશાઅલ્લાહ ઉગતા સૂર્યના તેજોમય રંગરૃપની જેમ મધ્યાહન તરફ ગતિ કરી રહ્યા છો. તમારી પાસે ખૂબ લાંબો સમય છે, તમારા કામની હજી શરૃઆત થઈ રહી છે અને આવનારા લાંબા સમયમાં તમારે ખુબ ખુબ કામ કરવાનું છે. પોતાના સર્જનહારથી ભૂલી પડીને કુફ્રો-શિર્કના જંગલોમાં ભટકી રહેલી માનવજાતને તમારે આપણા સર્વના સર્જનહારની ઓળખ કરાવીને તેમના જીવનની ગાડીને સીધે પાટે ચઢાવવાનું થકવી નાંખનારૃં, નીચોવી નાંખનારૃં કામ કરવાનું છે. તમારો કમાણી કરવાનો સમય શરૃ થઈ ગયો છે એટલે અમારા જેવા તમારા શુભેચ્છકોએ તમને તમારી જવાબદારી યાદ અપાવતા રહેવાનું કામ કરવાનું છે. અમે અંતઃકરણપૂર્વક ઇચ્છીએ છીએ કે અમારા રૃહાની વારસદારો એટલા તેજોમય બનીને ઉભરે કે અંધકારમાં ગરકાવ માનવજાતને ઇશજ્ઞાન અને માનવતાના મહામુલા જ્ઞાનકરણો પહોંચાડવામાં સફળ થઈ જાય. (અલ્લાહ તમને એવી ક્ષમતા અને શક્તી પ્રદાન કરે – આમીન.)

શેખસાદી રહ. એક નસીહતવાર્તામાં લખે છે કે એકવાર એક મોટો કાફલો માલ સામાન સાથે સફર ઉપર ચાલી રહ્યો હતો. સંજોગોવસાત હું પણ એ કાફલામાં સામેલ હતો. રાતના અમારા કાફલાએ એક પહાડીની તળેટીમાં પડાવ નાંખ્યો હતો ખાણીપીણીથી ફારીગ થઈને થાકવા પાકવા કાફલા પ્રવાસીઓ રાતની મીઠી નિંદરમાં પોઢી ગયા હતા. અમારા કાફલામાં એક પાગલ જેવો માણસ પણ સામેલ હતો. સવારના ચારેક વાગ્યેએ માણસ ઉઠીને બુમો પાડતો જંગલ તરફ નીકળી ગયો. ઘણા લોકોની ઉંઘમાં વિક્ષેપ પડ્યો. સુર્યોદય પછી એ માણસ જંગલ તરફથી પાછો આવ્યો એટલે મેં એને પાસે બેસાડી નમ્રતાથી કહ્યું “ભાઈ, વહેલી પરોઢના તુ આમ બુમો પાડતો કાફલામાંથી નીકળીને ગયો તેને લઈને ઘણા લોકોની ઉંઘ બગડી ગઈ. તે આમ શા માટે કર્યું?” તેણે ભોળપણના ભાવ સાથે કહ્યું, વહેલી પરોઢના પક્ષીઓ પોતપોતાના માળાઓમાં અને વન્ય પશુઓ તેમના રહેઠાણોમાં પોતપોતાના રાગ આલાપીને અલ્લાહ-ઈશ્વરની સ્તૃતિ કરી રહ્યા હતાં. મને થયું આ પશુ-પક્ષીઓ ઉઠીને મધૂર આલાપમાં ઈશસ્તૃતિ કરી રહ્યા છે. તો પછી તુ તો માનવી છે. અલ્લાહ-ઇશ્વરનું શ્રેષ્ઠ સર્જન છે. તેનું અતિપ્રીય પાત્ર સર્જન છે. તો શું તારી એ ફરજ નથી કે તુ પણ વહેલી પરોઢના આ સહાયક વાતાવરણમાં તારા સર્જનહારની સ્તૃતિ કરીને તારી જાતને તેની પ્રશંસા અને તેના પ્રેમનો અધિકારી બનાવે? બસ આ વિચારે મારી ઉંઘ હરામ કરી દીધી અને હું અલ્લાહ-ઇશ્વરની સ્તૃતિ કરતાં જંગલ તરફ નીકળી ગયો. આટલી વાર્તા કહ્યા પછી શેખ સાદી રહ. કહે છે કે લોકો એ માણસને પાગલ સમઝતા હતા પણ મને લાગ્યું કે આખા કાફલામાં માત્ર એ જ એકમાત્ર ડાહ્યો માણસ હતો! અલ્લાહુ અકબર.

અલ્લાહના હબીબ સ.અ.વ. એક હદીષમાં ફરમાવે છે કે “અલ્લાહનો ઝીક્ર (તેની હમ્દોષના) એટલી કરો, એટલી કરો કે ઈશવિમૂખ (કાફીરો-મુશ્રીકો) તમને પાગલ કહેવા લાગે અને મુનાફકો (ઢોંગીઓ) તમને રીયાકાર (દેખાડો કરનાર) કહેવા લાગે” (અવકામાકાલ) કુઆર્નમાં અલ્લાહ તઆલા કહે છે “સબ્બહ લીલ્લાહે માફીસ્સમાવાતે વમાફીલ અર્દ” અર્થાત્ ધરતી અને આકાશમાં જે કંઈ પણ અસ્તીત્વો છે તે પોતાના રબ અલ્લાહની પ્રશંસામાં રત છે. અલ્લાહનો ઝીક્ર, તેની યાદ, તેની સ્તૃતિ આપણી આત્મીક શક્તિને બળ પ્રદાન કરનારી વસ્તુ છે. આપણી પોતાની જાતને મહાઆનંદ (Relax)  પ્રદાન કરનારી વસ્તુ છે. આપણા તન-મન-હૃદયને અજવાળનારી વસ્તુ છે. આપણા અંદરની માનવતાને ડેવલેપ કરનારી વસ્તુ છે. વહેલી પરોઢનું વાતાવરણ અત્યંત નુરાની હોય છે. તે સમયે અલ્લાહની રેહમતોની ભરપૂર વર્ષા થતી હોય છે. એવા આહલાદક સમયમાં આપણે પણ તેની હમ્દોષના કરતા જઈને તેની રહેમતોનો મેલ ધોવાઈને સાફ થઈ જાય. આપણી આત્મીક શકતી પુર બહારમાં ખીલી ઉઠે. આપણે એવી તરોતાઝગીનો અનુભવ કરીએ જેનું વર્ણન કરવું અશક્ય છે.

પણ આજના યુગમાં હવે આ કામ ઘણું મુશ્કેલ બની ગયું છે. લોકો મોડી રાત સુધી જાગીને સમય બરબાદ કરે છે (ઇલ્લામાશાઅલ્લાહ) અને જ્યારે પરોઢીએ અલ્લાહની રેહમતોની વર્ષા થતી હોય ત્યારે સોડ તાણીને સુઈ રહે છે. આજના યુગની આ ફેશન બની ગઈ છે. પણ આપણે એ ગીરોહમાંથી નથી. અલ્લામા ઇકબાલે આપણને આપણી પોઝીશન, આપણું સ્થાન બતાવતાં ખુબ સરસ શબ્દોમાં કહ્યું છેઃ

ગરચે બૂત હૈ જમાઅતકી આસ્તીનોં મે

મુઝે હૈ હુકમે અઝાં, લાઇલાહા ઇલ્લલ્લાહ

યે નગ્મા ફસ્લે ગુલો લાલાકા નહીં પાબંદ

બહાર હો કે ખીઝાં, લાઇલાહા ઇલ્લલ્લાહ

વ્હાલા યુવામિત્રો! તમે અમારી કીંમતી પુંજી છો. અમારા આશાકિરણ છો. અમારા તે આત્મીક વારસો છો જેમના માટે અમે હરદમ અલ્લાહથી દુઆ કરતા રહીએ છીએ કે અલ્લાહ તઆલા અમારા એ રૃહાની વારસાને અમારા કરતાં પણ વધુ આત્મીક દૌલતથી નવાજી દે. કારણ આવનારા સમયમાં એમણે ખુબ મોટું અને થકવી નાંખનારૃં, ચુકચુર કરી નાંખનારૃં કામ અંજામ આપવાનું છે. અલ્લામા ઇકબાલ તમારા જેવા ધગશ અને હોંશલાથી થનગનતા યુવાઓને સંબોધીને કહે છે,

ઇસી રોજો-શબમેં ઉલઝકર ન રેહજા,

કે તેરે મકીનો-મકાં ઔર ભી હૈં.

તુ શાહીન હૈં, પરવાઝ હૈ કામ તેરા,

તેરે સામને આસમાં ઔર ભી હૈ.

વ્હાલા યુવા સાથીઓ, મને ઉમ્મીદ છે કે તમે આ મહામુલી વાતોને યાદ કરતા જઈને તમારી આત્મીશક્તીને ડેવલેપ કરવાનો ભરપૂર પ્રયાસ કરશો. દુન્યવી અને ભૌતિક કામોની સાથેસાથે આત્મને અજવાળનારી આ પ્રવૃત્તિઓને પણ તમારા જીવનમાં ભરપૂર સ્થાન આપશો. અલ્લાહરબ્બુલ ઇઝ્ઝત સાથે એકાત્મના સાધીને સદ્ગુણીતાઓનો અખૂટ ભંડારો તમારા અંદરમાં ઉપલબ્ધ બતાવવાના સતત પ્રયાસોમાં લાગેલા રહેશો. આજે સવારના કુઆર્નના અભ્યાસમાં (૧૮-૫-૧૭) સૂરઃ ફુસ્સેલતની જે આયતો મારા અભ્યાસ હેઠળ આવી તેનાથી મને આ થોડીક પ્રેરણા મળી કે અમારા રૃહાની વારસોને થોડું ભાથું પહોંચાડવાનો શક્ય તે પ્રબંધ કરૃં. કદાચ મને પણ અલ્લાહનો ફઝલ અને તેની કૃપા પ્રાપ્ત થઈ જાય. સૂરઃ ફુસ્સેલતની આયત નંબર ૩૮નો અનુવાદ રજૂ કરીને મારી વાત સમાપ્ત કરીશ.

“અને અલ્લાહની નિશાનીઓમાંથી એક આ છે કે તમે જુઓે છો, ધરતી વેરાન પડેલી છે, પછી જેવું અમે તેના ઉપર પાણી વરસાવ્યું કે તરત જ તે લહેરાઇ ઉઠે છે અને ફાલે છે. નિશ્ચિતપણે જે અલ્લાહ આ મૃત ધરતીને જીવંત કરી દે છે તે મડદાંઓને પણ જીવન પ્રદાન કરનાર છે. ચોક્કસ તેને દરેક વસ્તુ ઉપર સામર્થ્ય પ્રાપ્ત છે.” (સૂરઃ ફુસ્સેલત- ૩૯)

અલ્લાહની કિતાબના આ શબ્દો ઉપર ચિંતન કરવાનું અને એનો અર્ક શોધી કાઢવાનું કામ તમને સોપું છું. વસ્સલામ. ખુદાહાફીઝ. /

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments