Thursday, September 12, 2024
Homeઓપન સ્પેસવ્યક્તિત્વ વિકાસઆત્મશુદ્ધિ : વ્યક્તિની ઉન્નતિ

આત્મશુદ્ધિ : વ્યક્તિની ઉન્નતિ

અલ્લાહતઆલાએ આ ધરતી ઉપર આશરે વીસ (૨૦) લાખ પ્રકારના જીવો (પ્રાણીઓ)નું સર્જન કર્યું છે. તેની પ્રકૃતિમાં જે તત્વો (પંચમહાભૂત)નું મિશ્રણ કર્યું છે તેના જેવું એ અન્ય કોઇ જીવમાં નથી કર્યું. મનુષ્યને ભલાઇ અને બુરાઇ બંને પ્રકારની મનેચ્છાઓ અર્પિત કરવામાં આવી છે. તે પૂણ્ય (નેકી)નો માર્ગ પર પણ અપનાવી શકે છે અને પાપ (ગુનાહ)નો માર્ગ પર પણ ચાલી શકે છે. તે સંયમના પ્રકાશથી ઝળહળિત બની શકે છે અને દુરાચાર તથા ગુનાહના કાર્યોનું આચરણ કરીને પતનની ખાઇમાં પણ ગબડી શકે છે. અને અપમાનિત તિરસ્કૃત બની શકે છે. મનુષ્યને ભલાઇ અને બુરાઇ, નેકી અને ગુનાહ, સંયમ પરહેઝગારી અને દુરાચાર વચ્ચે વિવેકબુદ્ધિનો અધિકાર અને તેના માટે જ્ઞાન અને બુદ્ધિમત્તાથી નવાજવામાં આવ્યો છે. આદમીના મનમાં દરેક પળે એક ખેંચતાણ ચાલુ રહે છે. આ સંઘર્ષમાં ભલાઇ, નેકી અને સંયમની શક્તિઓને એવી રીતે ઉભારીને ઉપર લાવવી કે તે આદત, પ્રકૃતિ અને સ્વભાવ બની જાય અને દુરાચાર, બુરાઇ અને ગુનાહની મનેચ્છાઓ ઉપર કાબૂ પ્રાપ્ત થઇ જાય. એ જ આત્મશુધ્ધિ (તઝકિયા) છે.

આત્મશુધ્ધિના ત્રણ અર્થ છે:

(૧) સાધારણ અર્થ –
આત્મશુધ્ધિનો સર્વમાન્ય સાધારણ અર્થ આ લેવામાં આવે છે કે આદમી કેટલા ઝિકરો-અઝકાર, અમુક કાર્યો, તપશ્ચર્યાને અપનાવીને એક વિશિષ્ટ પ્રકૃતિ ધારણ કરી લે જેના પરિણામે દુનિયા અને તેમાંની દરેક વસ્તુ સાથેનો સંબંધ ઓછામાં ઓછા થઇ જાય. સૂફીવાદ, સદાચાર, અનુસરણ, મુરાદીને સામાન્ય રીતે આત્મશુધ્ધિ સમજવામાં આવે છે.

(૨) શાબ્દિક અર્થ –
અરબી શબ્દકોષના આધારે આત્મશુધ્ધિ (તઝકિયા)નો અર્થ કોઇ વસ્તુની એવી કાળજી અને સંભાળ લેવી કે તે પૂર્ણતાના આરે પહોંચી જાય. આ અર્થમાં પવિત્ર અને શુધ્ધ કરવું અને ઉભારવું પણ સામેલ છે. આ રીતે આત્મશુધ્ધિનો અર્થ થશે – પાક સાફ કરવું, લક્ષ આપવું, ઊપર લઇ જવું, પરિપૂર્ણ કક્ષાએ પહોંચાડવું.

મોલાના અમીન અહસન ઇસ્લાહી રહ.એ આત્મશુધ્ધિને વિશ્વશુધ્ધિ સાથે સરખાવ્યું છે. જેવી રીતે એક ખેડૂત જમીનમાં ખેતી કરતાં પહેલા તેમાં રહેલ કાંટા, ઝાડી, ઝાંખળથી સાફ કરે છે. ખાડા ટેકરા વાળી જમીન પર કોદાળો ચલાવીને તેને એક સરખી સપાટ બનાવે છે. કાંકરા પત્થર વીંણીને બહાર ફેંકે છે. પાણી સીંચીને માટીને નરમ બનાવે છે. પછી તેમાં બીજ રોપે છે. બીજની યોગ્યતાને સંપૂર્ણ રીતે કાર્યરત બનાવવા માટે ખાતર આપે છે. પ્રાણીઓ અને પક્ષીઓથી રક્ષણ કરે છે. આ સંપૂર્ણ કાર્યવાહી પછી બીજ પોતાના યોગ્ય પરિપૂર્ણ કક્ષાએ પહોંચીને ઘટાદાર વૃક્ષ બની જાય છે. અને ફળ ફૂલ આપવા લાગે છે. આ જ પ્રમાણે માનવ સ્વભાવની શુધ્ધિનું પણ છે. કુવિચારોની જડો ઉખાડી નાખવામાં આવે, સ્વભાવની વિકૃતિઓને દૂર કરીને મનોવૃત્તિઓ ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવામાં આવે. અન્યોને તકલીફ દેય આદતો સુધારીને પોતાને માનવતાનો હિતચિંતક શુભેચ્છક બનાવવામાં આવે. કુઆર્ન અને હદીસના શિક્ષણથી સુસજ્જ થઇ સ્વભાવમાં અને જીવનમાં કોમળતા, સુંવાળપન પેદા કરવામાં આવે. ઇમાનના બીજની સુરક્ષા કરવામાં આવે. જેથી મન અને શૈતાન પોતાની જાળમાં ફસાવી ન દે.

આ સઘળી મંઝીલોમાંથી જ્યારે માણસ સફળતાપૂર્વક પસાર થાય છે ત્યારે તે ‘અસ્ફલુસ્સાફેલીન’માંથી ઉંચે ઉઠઈને ‘આલા-ઇલ્લીઇન’ના સ્થાન પર પહોંચી જાય છે. કોઇ પણ વસ્તુનો અર્થ તેના વિરોધાર્થ પર સ્પષ્ટ થાય છે. આત્મશુધ્ધિ (તઝકિયા)નો વિરોધાર્થી શબ્દ બદનામી (તદસિયા) છે. કુઆર્નનું ફરમાન છે, “વિચાર કરે છે કે બદનામી–અપમાન સહીને બેટીને રાખી લે અથવા માટીમાં દાટી દે.” (સૂરઃનહલ-૫૯)
કોઇ વસ્તુને દબાવીને, ગળુ ટુંપીને, તેની તાકાત અને વિશેષતાઓને ખતમ કરી દેવું ‘તદસિયા’ કહેવાય છે અને તેનાથી વિરૂદ્ધ ‘તઝકિયા’ એટલે કોઇ વસ્તુને સાચવીને અને તેના પ્રત્યે લક્ષ કેન્દ્રિત કરીને એવી રીતે ઉછેર કરવામાં આવે કે તે પરિપૂર્ણ કક્ષાએ પહોંચી જઇને લાભકારક બની જાય.

(૩) પારિભાષિક અર્થ ઃ
માનવીની રચના સર્વોત્તમ કારીગરીથી કરવામાં આવી છે. કુઆર્નનું ફરમાન છે, “નિઃશંક અમે માનવીને સર્વોત્તમ ઢાંચા પર બનાવ્યો છે.”
બાહ્ય દેખાવ, આંતરિક ભાવનાઓ, વિચારો, ચિંતન-મનન અને દૃષ્ટિબિંન્દુઓ દરેક પ્રકારે સર્વશ્રેષ્ઠ મોડલ પર માનવીનું સર્જન કરવામાં આવ્યું છે. પરંતુ કેટલીક આંતરિક મનોવૃત્તિઓ છે જે તેને નીચે પાડવા માટે કાર્યરત છે. આત્મશુધ્ધિ માનવીના એક જાગૃત પ્રયત્નોનું નામ છે જેના લીધે તે ગુનાહિત મનોવૃત્તિઓ ઉપર કાબૂ પ્રાપ્ત કરે છે. જે આત્માનો અવાજ સાંભળે છે અને પોતાના આત્માને સંતુષ્ટ બનાવવા માટે પ્રયત્નો કરે છે. આ પ્રવૃત્તિને આધુનિક પરિભાષામાં ‘પર્સનાલિટી રિફોર્મેશન’ કહી શકાય. પરિભાષિક અર્થમાં આત્મશુધ્ધિને કુઆર્ને સૂરઃશમ્સમાં આવી રીતે પ્રાયોજીત કર્યો છે, “અને માનવ આત્માની અને તે ઝાતની કસમ! જેણે તેને ઠીક ઠાક (દુરસ્ત) કર્યો. પછી તેના ગુનાહ અને તેની પરહેઝગારી તેના ઉપર અવતરિત કરી દીધી. ચોક્કસપણે તેને સફળતા પ્રાપ્ત કરી, જેણે આત્માની સુધારણા કરી અને નિરાશ થયો તે જેણે તેને (આત્માના અવાજને) દબાવી દીધો.”

આ પંક્તિઓથી કેટલાક મૂળ સિદ્ધાંતો જાણવા મળે છે.

પહેલો : માનવીની સંરચના બે પ્રકારની વિરોધી કામનાઓ સાથે કરવામાં આવી છે. સારી અને ખરાબ, પુણ્ય અને પાપ. આમ બે પ્રકારની વૃત્તિઓ તેની પ્રકૃતિમાં અનામત તરીકે મુકી છે. એક બીજી જગ્યાએ ફરમાવવામાં આવ્યું છે, “જ્યારે તારા રબે ફરિશ્તાઓને કહ્યું, હું માટીમાંથી એક માનવી બનાવવાનો છું. પછી જ્યારે તેને સંપૂર્ણ રીતે બનાવી દઉ અને તેની અંદર મારી રૃહ ફુંકી દઉ તો તમે સૌ તેની આગળ સિજ્દામાં પડી જાઓ.”

બીજો : શુભ અને અશુભ શક્તિઓ અર્પણ કરવા છતાં અલ્લાહતઆલાએ માનવીનું મન સમતળ બનાવ્યું છે. કોઇ પાસુ તેના ઉપર વર્ચસ્વી અને ગાલિબ થઇ શકતુ નથી. ફળદ્રુપતા પ્રાકૃતિક અને વાસ્તવિક છે. જ્યારે બિન ફળદ્રુપતા એ માનવીની પોતાની કમાણી છે.
]
ત્રીજો : આત્માની ઉન્નતિ અને આત્માની અવનતિ બંને મનુષ્યના પોતાના અધિકારમાં છે. નેકી (પુણ્ય) અથવા બુરાઇ (પાપ)ના માર્ગે ચાલવાની સમાન શક્તિ તેને પ્રાપ્ત છે. પસંદગીનો અધિકાર તેને આપવામાં આવ્યો છે. આ અધિકારનો યોગ્ય અથવા અયોગ્ય ઉપયોગ પર તેની સફળતા અને નિષ્ફળતાનો આધાર રહેલો છે.

ચોથો : આત્મશુધ્ધિ (તઝકિયા)એ ઇસ્લામનો મૂળભૂત હેતુ અને લક્ષ્ય છે. જેણે તેને પ્રાપ્ત કરી લીધું તે માણસ સફળ છે. બંને જહાન (આલોક અને પરલોક)ની સફળતાનો આધાર આત્મશુધ્ધિ ઉપર જ નિર્ભર છે.

પાંચમો : બંને જહાન (આલોક અને પરલોક)માં નિષ્ફળ અને નામુરાદ છે તે લોકો જેઓ નેકી તરફ આગળ વધવાની અને ઉન્નતિના શિખર પર પહોંચવાની પોતાની પ્રાકૃતિક યોગ્યતાઓને વ્યર્થ બનાવી દે છે. તેના પછી કોઇ પણ વસ્તુ તેને પશુઓ કરતાં સારી બનાવી શકતી નથી.
ઉપરની ચર્ચાથી જાણવા મળે છે કે માનવી પોતાના વ્યક્તિત્વના વર્તમાન સ્તરથી ઉચ્ચસ્તરિય વ્યક્તિત્વ સુધી આગેકૂચ કરે. આ સફરમાં પયગંબરો અને નેક લોકોના ચારિત્ર્યનો આદર્શ નમૂનો દૃષ્ટિ સમક્ષ રહે. અમારા વર્તમાન વ્યક્તિત્વ અને ઇષ્ટ વ્યક્તિત્વ વચ્ચે જે અંતર છે તે આત્મશુધ્ધિના કાર્યથી સમાપ્ત થઇ જાય. અહીં સુધી કે અમે તે બની જઇએ જેની શક્યતાઓ અને યોગ્યતાઓ અમારી પ્રકૃતિમાં સ્થાપિત છે.
આમ આત્મશુધ્ધિ એક વિશાળ ક્ષેત્રનું કાર્ય છે. જેનંું વિસ્તારપૂર્વક વર્ણન આગળ આવશે.

આત્મશુધ્ધિ અને પ્રશિક્ષણ (તરબિયત) વચ્ચે તફાવત :

સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO)એ આઠમાં સત્રમાં પોતાની નીતિ અને કાર્યક્રમમાં ‘તરબિયત'(પ્રશિક્ષણ) શબ્દને ‘તઝકિયા’ (આત્મશુધ્ધિ)માં બદલી દીધો હતો. તેનું કારણ એ જ હતું કે ‘તરબિયત’ કરતા ‘તઝકિયા’ના શબ્દકોષના અર્થમાં વિશાળતા છે. સામાન્ય રીતે તો બંને શબ્દોને એક બીજાના પર્યાય તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ તે બંનેમાં ઘણો તફાવત છે. આ તફાવતને દૃષ્ટિ સમક્ષ રાખવો જોઇએ. ‘તઝકિયા’ શબ્દમાં પવિત્રતા અને સફાઇની સાથે ઉન્નતિ અને ઉત્થાન, પ્રગતિનો અર્થ પણ મળે છે. ‘તરબિયત’ રબ ઉપરથી બન્યો છે. જેમ કે નીચેની આયતો ઉપરથી જાણી શકાય છે,
“ફિરઓને કહ્યું, શું અમે તને અમારા પાસે બાળકની જેમ ઉછેર્યો ન હતો? તેં પોતાના આયુષ્યના ઘણાં વર્ષ અમારા પાસે વિતાવ્યા.” (સૂરઃશુઅરા-૧૮)
“અને નમ્રતા અને મહેરબાની સાથે તેમના સામે નમીને રહો અને આ દુઆ કર્યા કરો કે, પાલાનહાર! આમના ઉપર દયા કર જે રીતે તેમણે સ્નેહપૂર્વક મને બાળપણમાં ઉછેર્યો હતો.” (સૂરઃ બની ઇસરાઇલ – ૨૪)

મોલાના મોદૂદી રહ.એ ‘રબ’ શબ્દ ઉપર પોતાની કિતાબ ‘માર્કતુલ આ’રાઅ’માં ‘કુઆર્ન કી ચાર બુનિયાદી ઇસ્તેલાહેં’માં ઘણી વિસ્તારપૂર્વક પ્રકાશ પાડ્યો છે. તેમની ખોજ પ્રમાણે ‘રબ’નો બુનિયાદી અને મૂળભૂત અર્થ ‘પરવરિશ’ છે. પરવરિશ કરવી, ઉન્નતિ કરવી, વૃધ્ધિ કરવી, સમેટવું, ભેગું કરવું, પ્રાપ્ત કરવું, દેખરેખ રાખવી, પરિસ્થિતિમાં સુધાર લાવવો વગેરે ‘રબ’ના અર્થમાં સામેલ છે. રબ ઉપરથી બને શબ્દ ‘તરબિયત’ છે. તેમાં આ બધા જ અર્થો સામેલ છે. પરંતુ ‘શુધ્ધ કરવું’ અને ‘પવિત્ર’ તથા ‘સ્વચ્છ’ કરવું એ અર્થનો તેના અર્થમાં સમાવેશ નથી થઇ શકતો. આ જ કારણથી ‘તરબિયત’ના સ્થાને ‘તઝકિયા’નો પારિભાષિક શબ્દ વધારે અર્થપૂર્ણ સાબિત થાય છે.

‘તરબિયત’ (પ્રશિક્ષણ) અને ‘તઝકિયા’ (આત્મશુધ્ધિ)ની ધારણા વચ્ચેનો તફાવત એ સમયે એનાથી પણ વધારે સ્પષ્ટ થઇ જશે, જ્યારે આપ સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO)ની નીતિ અને કાર્યક્રમ ઇ.સ. ૧૯૯૫-૯૭ અને ૨૦૦૧-૦૮ના સત્ર વચ્ચે તુલના કરશો. તરબિયતના શિર્ષક હેઠળ જે કાર્યોને સામેલ કરવામાં આવ્યો છે તે છે ઃ- અઠવાડીક કાર્યક્રમો, સીલેક્ટેડ મેમ્બર્સ કેમ્પ, સભ્યપદ માટેનો કોર્ષ, યોગ્યતાઓ (લાયકાતો)ને ઉચ્ચ કક્ષાએ લઇ જવી અને અલ્લાહના માર્ગમાં દાન. જ્યારે ‘તઝકિયા’ (આત્મશુધ્ધિ)ના શિર્ષક હેઠળ (૨૦૦૧-૦૮)ના સત્રની પોલીસીમાં જે કાર્યોને આવરી લેવામાં આવ્યા છે તેઃ- ઇસ્લામી આસ્થાઓ, અજ્ઞાની વિચારધારા, જ્ઞાનની ઇસ્લામી પરિભાષા, દીલની હાલત, સમયાંતરે સમીક્ષા,સત્કર્મો, સફાઇ અને સારી આદતો, શારિરીક તંદુરસ્તી, વાંચન શોખ, અભ્યાસમાં પ્રગતી, સમયનો સદ્ઉપયોગ.
આ બંને પોલીસીઓમાં તફાવત વાસ્તવમાં દૃષ્ટિકોણના ફરકથી સ્પષ્ટ થયો. વિચાર અને દૃષ્ટિકોણનો ફરક કાર્યમાં પરિવર્તન જરૃર લાવશે. જો કાર્યક્રમના આ વિભાગો ઉપર પૂરેપૂરી રીતે અમલ થાય તો વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થશે. જેના પરિણામ સ્વરૃપ ધૈર્યવાન અને સર્વગુણ સંપન્ન વ્યક્તિત્વ અસ્તિત્વમાં આવશે.

તેનાથી વિપરીત જે પ્રકારનું વ્યક્તિત્વ ઉપસે છે તે Fractured Personality કહેવાય છે. એવી વ્યક્તિમાં આપ વિચારોની ઉચ્ચતાને તે નિહાળશો, પરંતુ તેનામાં લાગણીઓનું અસંતુલ હશે. ઇસ્લામની મજબૂત કલ્પના તો હશે, પરંતુ ધૂંધળુ (અસ્પષ્ટ) હશે. જમાઅતથી સંબંધ તો મજબૂત હશે, પરંતુ ઘરેલુ મામલાઓમાં સમસ્યાઓ હશે. કાર્યક્રમોમાં સમયસર હાજરી તો થશે પરંતુ તે વ્યક્તિ અમલના મેદાનમાં, રોજગારમાં સમયથી ઘણો જ પાછળ હશે. વિચારો જવાન પરંતુ નિર્બળ હશે. અલ્લાહના માર્ગમાં ખર્ચ કરવાનો ઉત્સાહ તો હશે પરંતુ રોજી કમાવવાની આવડત નહીં હોય. બુધ્ધિ તે જ પરંતુ દિલ કમજોર, અન્યો પ્રત્યે તો કડક અને નિર્દયી આલોચના અને પોતાના સમીક્ષાથી બેપરવા. (ક્રમશઃ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments