માનવજાતિમાં બે એક બીજાથી વિરૂદ્ધ પ્રકારની મનેચ્છાઓ રહેલી છે. એક મનેચ્છા તેને પોતાની તરફ ખીંચે છે જ્યારે બીજી મનેચ્છા પણ વારંવાર તેને પોતાની તરફ આવવા માટે પરેશાન કરતી રહે છે. પહેલા પ્રકારની મનેચ્છા ઊચ્ચ સ્થાનથી અદ્યઃપતન તરફ લઇ જાય છે. દુર્ભાવનાઓ, મનોવૃત્તિઓ, સ્વાર્થીપણું, આત્મપ્રશંસા, કામેચ્છાઓ કે ભોગ-વિલાસ જેવી મનેચ્છાઓ માનવીને તેના ઊચ્ચ સ્થાનથી હટાવી પતનની ખાઈમાં ધકેલી દેવા માટે તત્પર હોય છે. જે માણસ આ ખેંચતાણમાં હારી ગયો તે ‘અસ્ફલિસ્સાફેલીન’ (નર્ક)માં જઇ પડયો. તેનાથી વિપરીત જેણે આ પાશુવિક વૃત્તિઓ પર કંટ્રોલ મેળવી લીધો અને પ્રાકૃતિક વૃત્તિ તરફ આગળ વધ્યો તે ‘આલા-ઇલ્લીયીન'(સ્વર્ગ)માં પોતાનું સ્થાન મેળવી લે છે. ઉન્નતિ તરફ લઇ જનારા સદ્ગુણોને દેવતાઓના ગુણો કહેવામાં આવે છે. સ્વમાન, લાગણીશીલતા આનંદિત સ્વભાવ,શિષ્ટાચારી સ્થાન, આધ્યાત્મિક્તા, આત્મખોજ અને નિર્મોહ વગેરે પ્રદર્શિત સ્થાનો છે જેનાથી બીજા પ્રકારની મનેચ્છાઓની ઉપસ્થિતિ જાહેર થાય છે.
શ્રી આરોબંદુના કથન પ્રમાણે મનુષ્ય બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. અલીજાહ બૈગોવચના કહેવા પ્રમાણે માનવી બે વિરૂદ્ધ પ્રકારની શક્તિઓનો સંગમ છે. આ બે વિરોધી શક્તિઓ વચ્ચે ખેંચતાણએ માનવીનું ભાગ્ય છે. તેનાથી કોઇપણ વ્યક્તિ અલિપ્ત નથી. એમાં વ્યક્તિ માટે બે સંભાવનાઓ રહેલી છે. કાં તો તે પોતાની સર્વોચ્ચ ભલાઇને દાબીને પશુઓની કક્ષામાં પ્રવેશ પામે અથવા પછી વિવેકપૂર્ણ પ્રયત્નો દ્વારા અને પ્રશિક્ષણ પ્રાપ્ત કરી પોતાની જાતને ઓળખી લે. આ ઓળખ ત્યારે જ શક્ય બની શકે છે જ્યારે તમે પોતાની જાતને સામુહિક વિચારોથી મુક્ત કરીને પોતાના અંતરાત્માના પ્રાકૃતિક અવાજને સાંભળવા લાગોે. સામુહિક વિચારોમાં દુનિયાની જીંદગી વિષે સામાન્ય રીતે આ ધારણા પ્રચલિત કરવામાં આવે છે કે ‘ખાઓ, પીઓ અને મજા કરો’, ‘કાલ આવે કે ન આવે’ વગેરે. આ મંઝીલમાં તેને આવી સામાન્ય ધારણાઓ અને સંગઠિત શક્તિઓનો સામનો પણ કરવો પડે છે.
મનો વિજ્ઞાનિક યુન્ગ (Jung)આ ખેંચતાણને એક દૃષ્ટાંત આપીને સમજાવે છે. એક યુવાન અભ્યાસ પૂર્ણ કર્યા પછી જાહેર ખબરના મેદાનને પોતાની આજીવિકાનું સાધન બનાવવાના વિચારો કરે છે પરંતુ જ્યારે તે સામુહિક વિચારધારાથી હટીને વિચાર કરે છે તો તેને ખ્યાલ આવે છે કે જાહેર ખબર એ જૂઠ, છેતરપીંડી, પ્રલોભનો અને નિર્લજ્જતાના પગો વડે ચાલે છે. જાહેર ખબર દ્વારા થોડા રૃપિયા તો કમાઇ લઇશ પરંતુ જે ચીજ વસ્તુઓની જાહેરાત કરીશ, સમાજ ઉપર તેની જે નુકસાન જનક અસરો પડશે તેનો હું નિમિત્ત બનીશ. આ ખેંચ તાણમાંથી તે પસાર થાય છે, અંતે નિર્ણય કરે છે કે નહિં, આ કાર્યના બદલે શિક્ષણ આપવાનું મેદાન પસંદ કરવું જોઇએ. આમ ત્યાં તે માનવીઓને ગ્રાહક અને મનેચ્છાઓની પાછળ દોડનાર બનાવવાના બદલે ઊચ્ચ માનવમુલ્યોનું સિંચન કરે છે. જો આપણે વિચારીશું અને આજુ બાજુની દુનિયામાં વસ્તા વ્યક્તિઓનો અનુભવ કરશું તો આ ખેંચતાણ જોવા મળશે.
આપણે ક્યારેક કોઇ વાત વિચાર્યા વગર એકદમ બોલી નાખીએ છીએ, પછી લાંબી મુદ્દત સુધી પછતાઇએ છીએ. ક્યારેક વ્યર્થ લાગણીઓના પ્રવાહમાં તણાઇ જઇએ છીએ. કોઇ વખત હતાશ અને ઊંડા દુઃખમાં ડૂબી જઇએ છીએ. કોઇ વખત આપણા વ્યક્તિત્વને ઉજ્વળ બનાવવામાં નિષ્ફળતા ને કારણે આત્મવિશ્વાસ ખોઇ બેસીએ છીએ અને આત્મવિશ્વાસ વધારવા માટે મનોચિકિત્સકો પાસે ચક્કર લગાવીએ છીએ. પરંતુ સદાચારી અને નેક લોકોની સોબતથી આપણે અનુભવીએ છીએ કે આજે આપણે કંઇક ખજાનો પ્રાપ્ત કર્યો છે. કાવ્યો અને ગીતો તથા શાયરીઓમાં વિયોગ, દુઃખ, નિરાશા અને નિષ્ફળતાની ફરિયાદ હકીકતમાં એ વાતની ચાડી ખાય છે કે તેમનામાં જે પ્રાકૃતિક યોગ્યતા ઉપલબ્ધ હતી અને જે તકો તેમને પ્રાપ્ત હતી તે બધી તેમને ગુમાવી દીધી છે. જો તે પોતે પોતાની જાતને સુધારતો અને શણગારતો તોે સફળતા આજે તેમના પગ ચૂમતી. પોતાની જાતથી નિરાશ, પોતાની જીંદગીથી અસંતોષ અને પોતાના કામ પ્રત્યેની ફરિયાદ કરનાર વ્યક્તિ માટે આ અત્યંત જરૂરી છે કે તે હવે પોતાની જાતમાં બદલાવ લાવે. આ બદલાવના કાર્યને અંગ્રેજીમાં ‘પર્સનાલિટી ટ્રાન્સફરમેશન’ કહે છે. પયગમ્બર મુહમ્મદ સ.અ.વ.એ જે કાર્ય કર્યું તે પણ માણસોને બદલવાનું જ કાર્ય હતું. જેની ધાર્મિક શબ્દાવલિમાં ‘તઝકિયા-એ-નફ્સ’ અર્થાત્ આત્મશુદ્ધિ કહેવામાં આવે છે.
આત્મશુદ્ધિ વાસ્તવમાં વ્યક્તિની ઉન્નતિનું નામ છે તેની જાતમાં રહેલી પ્રાકૃતિક વિશેષતાઓને પરિપૂર્ણ કરવાથી સદ્ગુણોનું સિંચન કરવાથી અને જીવન શક્તિઓ (વીલ ,)ને સંગઠિત કરવાથી વ્યક્તિની ઉન્નતિ થાય છે, શ્રેષ્ઠતા આવે છે અને વૃધ્ધિ થાય છે. કારણકે વ્યક્તિની પ્રકૃતિમાં ભલાઇ, બોધ, વિવેક, જ્ઞાન અને સમજ મુકેલી છે. ભલાઇ તરફ આગળ વધવું એ તેની પોતાની પ્રાકૃતિક જરૂરત છે અને પોતાની જાતમાં નિખાર લાવીને તે સંતોષ અનુભવે છે. વ્યક્તિ આરંભકાળમાં પ્રતિષ્ઠા અને આનંદ-પ્રમોદ, મોજ-મજાની પ્રાપ્તિના સિદ્ધાંતો ઉપર મનની શક્તિઓને સંગઠિત કરતો હોય છે, પરંતુ આત્મશુદ્ધિથી વ્યક્તિની કાયા પલટ થાય છે અને જીવન પસાર કરવાની પ્રાથમિક્તા જ બદલાઇ જાય છે. હવે તે ભૌતિક આનંદ-પ્રમોદની પ્રાપ્તિના બદલે આત્મિક (રૃહાની) શ્રેષ્ઠતા, આત્મિક આનંદ અને સાર્થક જીવન પસાર કરવાના પ્રયત્નો પ્રતિ તેનું ધ્યાન કેન્દ્રિત થઇ જાય છે. હવે જીવનની વિવિધ પ્રકારની શક્તિઓ વ્યક્તિની ઉન્નતિ માટે સંગઠિત અને ક્રિયાશીલ બની જાય છે.
વ્યક્તિની પ્રગતિનો એક અર્થ એ છે કે વ્યક્તિ એક છલાંગ લગાવવા ઇચ્છે છે, જેથી પસાર થઇ ગયેલા સમયની કમજોરીઓેની પૂર્તિ થઇ શકે. વ્યક્તિની પ્રગતિ એ નવી જીવન યાત્રાનું નામ છે, જે અંધકારમાંથી પ્રકાશ તરફ જાય છે. આ વ્યક્તિના સભાનતા પૂર્વકના પ્રયત્નો વગર શક્ય નથી. આત્મશુદ્ધિ દ્વારા પતનથી ઉંચાઇ તરફ પ્રયાણ કરે છે અને છોડમાંથી ઘટાદાર વૃક્ષ બની જાય છે. વ્યક્તિની ઉન્નતિની યાત્રા શરૃ થાય છે. વિચારોની ક્ષિતિજોનો વિસ્તાર વધારવાથી (અંગ્રેજીમાં કહેવત છે, ‘સિમ્પલ લિવીંગ એન્ડ હાઇ થિન્કીંગ અર્થાત્ સાદાઇથી જીવન ગુજારો અને વિચારોને ઊચ્ચ રાખો’) ત્યાર બાદ ઊંચાઇ તરફ ઊંડ્ડયન કરવા માટે ઉત્સાહ ઉત્પન્ન કરવાનો હોય છે. આ સમગ્ર યાત્રા દરમિયાન વિરોધના વંટોળની પરવા કર્યા વગર નજરને જમીન ઉપર અને કદમને આકાશ પર રાખવાનો હોય છે.
વ્યક્તિની ઉન્નતિ અથવા આત્મશુદ્ધિનો અર્થ અંતરાત્મામાં સંતાયેલા નેક આદમીની શોધ છે. જેમાં આત્મશક્તિઓને જાગૃત કરીને જકડી રાખનાર વિચારોથી આઝાદી મેળવવી પડે છે અને અલ્લાહ અને તેના બંદાઓ જોડે ઉત્તમ સંબંધો સ્થાપિત કરવાના હોય છે. આ તે ‘માઇલસ્ટોન’ છે જેના પરથી આ યાત્રામાં પસાર થવાનુ હોય છે.
વ્યક્તિના પરિવર્તનમાં જૈવિક માધ્યમોનો હસ્તક્ષેપ ઓછો હોય છે. પરંતુ આત્મિક માધ્યમોનો હસ્તક્ષેપ મુખ્ય હોય છે. વ્યક્તિના માતા-પિતા, નેક માણસોની સોબત, વડીલો, કુઆર્ન, પયગમ્બર હઝરત મુહમ્મદ (સ.અ.વ.) અને તેના સાથીઓ (રદી.)નો જીવન ચરિત્ર તથા આ પ્રકારના ઘણા બધા માધ્યમો મદદ કરે છે, જેથી વ્યક્તિ પોતાની ક્ષમતાની હદ સુધી પ્રગતિ પામે છે અને પૂર્ણતાના અંતિમ સ્થાન પર પહોંચી જાય છે. આ પરિવર્તનમાં આદમીના મૂળ લક્ષણો નથી બદલાતા, તેનો સ્વભાવ અને વ્યક્તિગત ઓળખચિન્હો નથી બદલાતા પરંતુ જે ચીજ બદલાય છે તે છે જીવન સંબંધિત તેનો દૃષ્ટિકોણ અને સામાજિક યોગ્યતા. પરિવર્તન કરવું, સુધરવંુ, જીવનને શણગારવું અને પરિ-પૂર્ણતાના સ્થાન તરફ પ્રગતિ કરવાનું કાર્ય એક જ વખત કરવું પર્યાપ્ત નથી. પરંતુ સતત તે માર્ગ પર આગેકૂચ કરતા રહેવું જરૂરી છે. જેવી રીતે એકસરસાઇઝ માટે એક દિવસ જઇને રોકાઇ જવાથી નહીં પરંતું નિયમિત કસરત કરતા રહેવાથી જ શારીરિક બાંધો મજબૂત બને છે. તેવી જ રીતે વ્યક્તિત્વની ઉન્નતિ માટે નિરંતર આયોજનબદ્ધ રીતે પ્રવૃત્તિમય રહેવાથી વ્યક્તિ પૂર્ણતાના સ્થાન તરફ વધતો જાય છે.
હઝરત ઉંમર રદી.નું દૃષ્ટાંત લઇ લો. તેમની આરંભિક પ્રકૃતિ અને સ્વભાવ અજ્ઞાનતા કાળમાં અને ઇસ્લામિક કાળમાં એક જ રહ્યો. જેમ કે બહાદુરી, દૂરંદેશી, નિર્ણયાત્મક શક્તિ, નેતૃત્વશક્તિ વગેરે. પરંતુ જિંદગીથી સંબંધિત તેમના દૃષ્ટિકોણના પરિવર્તને તેમની સર્વ શક્તિઓને સાચી દિશા અર્પી દીધી. એક દિવસ એવો પણ આવ્યો જ્યારે આપ દુનિયાની મહાન સલ્તનતના શાસક બની ગયા. આપ (રદી.) કહ્યા કરતા હતા કે ‘ઉંમર ઉપર એક જમાનો એવો પણ પસાર થયો કે જ્યારે તેને બકરીઓ ચરાવવાની પણ આવડત નહોતી, અને આજે નીલ દરિયાથી દઝલા અને ફુરાત સુધીના પ્રદેશોની જવાબદારી આવી પડી.’
આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન વ્યક્તિ માટે આ અનિવાર્ય છે કે તે આંતરિક સભાનતા પેદા કરે. તેને જાણવું જોઇએ કે તે ક્યાં ઉભો છે અને તેને ક્યાં જવાનું છે.
દરેક વ્યક્તિ ત્રણ ચીજોની સવારી હોય છે. એક દૃષ્ટિકોણ, બીજો ગુણો અને ત્રીજું આદતો. આ વસ્તુઓ જન્મની સાથે આવતી નથી. પરંતુ અથાગ પરિશ્રમથી પ્રાપ્ત થાય છે. જે પ્રાપ્ત પણ કરી શકાય છે અને બદલી પણ શકાય છે. બદલવા માટે પોતાનું આત્મ નિરીક્ષણ કરવું ઉન્નતિની મંઝીલનું પ્રથમ પગથિયું છે. આગળ જિંદગીને સાર્થક બનાવવા માટે આયોજન કરવાનું હોય છે. પછી આ આયોજન પ્રમાણે અમલ કરવાનું હોય છે. આ સમગ્ર સાહસપૂર્ણ પ્રક્રિયાને નિયમિત્તા સાથે નિરંતર ચાલુ રાખવાનું હોય છે. આત્મશુદ્ધિની આ પદ્ધતિ માનવત્તાની ઓળખ, વ્યક્તિત્વના શણગાર માટે યોજનાબદ્ધતા સાથે સંબંધિત છે. તથા આત્મશુદ્ધિના નવા ક્ષેત્રો છે.
આત્મશુદ્ધિનું કાર્ય શરૃ થાય છે વિચારોના પરિવર્તનથી. સભાનતા અને વિચારના પરિવર્તનના ચાર કાર્યો હોય છે.
(૧) વિચાર : વિચાર એ મગજની શોધખોળનું નામ છે. બુદ્ધિ પ્રશ્નો ઉત્પન્ન કરે છે અને જવાબ માટે જિજ્ઞાસુ હોય છે. વિચારવાથી અને ચિંતન મનન કરવાથી તે જવાબ પણ પ્રાપ્ત કરી લે છે. બ્રહ્માંડનું પૃથકકરણ એ વિચારનો જ ભાગ છે. મનુષ્ય બ્રહ્માંડ ઉપર વિચાર કરે છે જેના પરિણામે તે એ નિષ્કર્ષ પર પહોંચે છે કે એનો કોઇ સર્જનહાર છે.
(૨) કલ્પના : પૃથકકરણ પછી જે રહસ્યોનું ચિત્ર મગજમાં ઉભરે છે તેને કલ્પના સાથે સરખાવવામાં આવે છે. ખુદાની એક કલ્પના બીજી કલ્પના સાથે સરખાવવામાં આવે છે. ખુદાની એક કલ્પના બીજા ધર્મોમાં પણ છે. જ્યારે કુઆર્નનું અધ્યયન ખુદાની એક બીજી કલ્પના અર્પણ કરે છે જે બુદ્ધિના ત્રાજવામાં પૂરી ઉતરે છે.
(૩) અનુભૂતિ : જ્યારે ખુદાની એક કલ્પના મગજમાં દૃઢ બને છે તો આદમી તેનાથી મદદ અને માર્ગદર્શનની યાચના કરે છે. તેના સાથે સામિપ્ય અને અંતર બે જુદી જુદી લાગણીઓ પેદા કરે છે. માનવીય સંવેદના પણ આ કલ્પનાનો જ ભાગ છે. માણસ દારૃ, વ્યભિચાર, ચોરી વગેરે કૃત્યોને ગુનાહિત કૃત્યો હોવાની કલ્પના પ્રાકૃતિક રીતે ધરાવે છે. સભાનતા અને વિચારોમાં મૂલ્યોની શોધખોળનું નામ પણ છે.
(૪) શક્યતાઓ : પછી માણસ પોતાની યોગ્યતાઓ અને વિશેષતાઓ તે હદ સુધી ફેલાવવાનું વિચારે છે જ્યાં સુધી તેની નજર દોડે છે. આત્મિક ઉન્નતિ અને પ્રગતિની હદ જન્નત પર સમાપ્ત થાય છે. માનવ મગજ જ્યારે વિચારે છે ત્યારે તેને જન્નત અને જહન્નમની શક્યતાઓ યોગ્ય લાગે છે. એટલું જ નહિં માનવ મગજ તેની ઇચ્છા કરે છે.
આ વિચારોના પરિવર્તનના કાર્યને આયતોની તિલાવત, કિતાબની તાલીમ અને બુદ્ધિમત્તા દ્વારા પયગમ્બર મુહમ્મદ (સ.અ.વ.) અંજામ આપતા હતા. આપ (સ.અ.વ.) પછી પણ વિચારોના તંદુરસ્ત પરિવર્તન માટેના માધ્યમો આજે પણ તે જ છે.
અંતિમ અને મહત્વની વાત એ છે કે આત્મશુદ્ધિ કહો અથવા વ્યક્તિની ઉન્નતિ, તેનો સ્વભાવિક અને પ્રાકૃતિક માર્ગ-કાર્યક્ષેત્ર પર થઇને પસાર થાય છે. ખાનકાહો, દફતરો, મસ્જીદો અને મદ્રસાઓની ચાર દિવાલોની અંદર વ્યક્તિની આત્મશુદ્ધિ થઇ જાય એવું કોઇ મોડલ કુઆર્ન અને હદીસમાં આપણને નથી મળતું. એટલું જ નહિં, કાર્યક્ષેત્ર અને સંઘર્ષ અને પ્રયત્નો કરવા, ભૂલો કરવી, ઠોકર ખાવી, શરમની લાગણી અને ગુનાહોનું ભાન થવું, પશ્ચાતાપ કરવો અને પાછા ફરવું આ જ આ માર્ગના માઇલસ્ટોન છે. (ક્રમશઃ)