અલ્લાહના રસૂલ સ.અ.વ. દ્વારા ઇસ્લામ તરફ બોલાવવાનું કાર્ય શરૂ થયું તો તરત તેનો વિરોધ શરૂ થઈ ગયો. ઇસ્લામ તાર્કિકતા પર આધારિત ધર્મ છે. તેથી સ્વભાવિક રીતે તેનો વિરોધ નહોતો થવો જાઈએ. છતાં ઇસ્લામે જેટલો વિરોધનો સામનો કર્યો છે, એટલો વિરોધનો સામનો કોઈ ધર્મે ક્યારેય કર્યો નથી. એવું શા માટે?
ઇસ્લામનો બુનિયાદી અકીદો અને આસ્થા છે કે માનવીએ અલ્લાહ અને અલ્લાહે મોકલેલા ઈશદૂતો પર ઈમાન રાખે. ઈમાન રાખવાનો મતલબ તેમના અસ્તિત્વનો એકરાર માત્ર નથી, તેમાં તેમનું શિક્ષણ અને માર્ગદર્શન શામેલ છે. ઈશદૂતો અલ્લાહે અવતરિત કરેલા વચનો પર અમલ કરનારા અને તેની વિસ્તૃત સમજૂતી આપનારા હોઈ દરેકે પોતાની ઇચ્છા/ મનેચ્છા ઉપર અલ્લાહ અને તેના ઈશદૂતોને પ્રાધાન્ય આપવાનું હોય છે. અલ્લાહ અને રસૂલ સ.અ.વ.ના સ્પષ્ટ આદેશ ઉપર કોઈ વ્યક્તિ રજમાત્ર પણ પોતાનો વિરોધ વ્યક્ત કરે તો તેને મુસ્લિમ કહી શકાય નહીં.
પોતાની માનસિકતા અને આચરણ સંપૂર્ણ પણે અલ્લાહ અને રસૂલ સ.અ.વ.ના સ્પષ્ટ આદેશ અને માર્ગદર્શન મુજબ ઢાળવું, જીવનના દરેક પાસા જેમાં સામાજિક, શૈક્ષણિક, આર્થિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક વગેરે ફેસલાઓ કરવા એક મુસ્લિમની જવાબદારી છે. ઇસ્લામની માન્યતાઓમાં વ્યક્તિની માલ-મિલકત, તેની ગુણવત્તા, તેના બાળકો, તેનો સમય બધું જ અમાનત છે. તેથી તે પોતાની મરજી મુજબ ખર્ચ ન કરી શકે, તેની પાસે રહેલ ગુણોને વેડફી ન શકે, યેનકેનપ્રકારેણ સત્તા હાંસલ કરવા માટે સામ-દામ-દંડ-ભેદની નીતિ ન અપનાવી શકે, કોઈનો હક/ અધિકાર છીનવી ન શકે. આ બાબતોમાં તેને અલ્લાહ અને તેના રસૂલ સ.અ.વ.એ આપેલ સિદ્ધાંત મુજબ ચાલવાનું હોવાથી માલ, સત્તા, મોભો, પદ કે સ્ત્રીની મોહમોયામાં સપડાયેલ વ્યક્તિ ઇસ્લામને અપનાવી ન શકે. પોતાનો અહમ, હઠ અને અક્કલ-હોંશિયારીને પોષવા વ્યક્તિ ઇસ્લામનો વિરોધ કરે તે સ્વભાવિક છે. આ લાલચી અને દુનિયાપરસ્ત માનસિકતા વ્યક્તિ અને વ્યક્તિઓના સમૂહોને ઇસ્લામનો વિરોધ કરવા પ્રેરે છે. તેમને ડર છે કે ઇસ્લામમાં માનનારા લોકો વધી જશે તો સત્તામાં આવી જશે, અને પરિણામે તેમનો, દુનિયાની સાધન-સંપત્તિ અને સ્ત્રોતોને એકઠું કરવાનું અને સત્તા ભોગવવાનું સ્વપ્ન ચૂરચૂર થઈ જશે. આવા લોકો ઇસ્લામોફોબિયા (ઇસ્લામનો ભય) નામ રોગથી પીડાય છે.
આ પીડિતોમાં (ઇસ્લામોફોબિયા ગ્રસ્ત) યહૂદીઓ મોટા પ્રમાણમાં શામેલ છે, ટ્રંપ, મોદી, શાહ જેવા પણ શામેલ છે. અફઘાનિસ્તાન, ઇરાક, લીબિયા અને હવે ઈરાન પર હુમલો કરવાની અને નિયંત્રણો લાદવાની માનસિકતા પાછળ આ ઇસ્લામોફોબિયા જવાબદાર છે. મોબલિંચિંગ, લવજિહાદ, ગોરક્ષા, આર્ટિકલ ૩૭૦, બાબરી મસ્જિદ, ત્રણ તલાક અને સી.એ.એ. તથા એન.આર.સી. પાછળ પણ મોદી-શાહની ઇસ્લામોફોબિયાની ગ્રસ્ત માનસિકતા જવાબદાર છે. દુનિયાના ઘણા લોકો ઇસ્લામોફોબિયાથી ગ્રસ્ત છે. તેમાં મીડિયાનું ઇસ્લામ પ્રત્યેનું અન્યાયી વલણ, તેમની ઇસ્લામની સાચી સમજ ન હોવાને આભારી છે.
કેટલાક લોકોની માન્યતા દુનિયાના અસ્તિત્વ સુધી મર્યાદિત છે અને દુનિયા પછી બીજા જીવનની શક્યતાને નકારે છે. અને દુનિયાને આપમેળે અસ્તિત્વમાં આવી જવાને સ્વિકારે છે. તેવા લોકો પણ ઇસ્લામને સમજવામાં ભૂલ કરી રહ્યા છે. તેઓ જ્ઞાન અને વિજ્ઞાનના તમામ પાસાઓથી વાકેફ નથી.
મુસ્લિમોની બહુમતી જનસંખ્યા દ્વારા સાચા સમયે ઇસ્લામની સાચી છબી લોકો સમક્ષ પ્રસ્તુત નહીં કરવાના કારણે પણ લોકોમાં ઇસ્લામ પ્રત્યે ખોટી માન્યતાઓએ જગ્યા બનાવી છે. લોકોમાંથી ઇસ્લામોફોબિયા નામના રોગને દૂર કરવાનો એક માત્ર કીમિયો છે કે તેમને કુર્આનના શિક્ષણથી અને મુહમ્મદ સ.અ.વ.ના માર્ગદર્શનથી પરિચિત કરવામાં આવે અને તેમની સમક્ષ એવો ચરિત્ર રજૂ કરવામાં આવે કે લોકો સમક્ષ ઇસ્લામ સાચા અર્થમાં પ્રસ્તુત થઈ જાય. અલ્લાહ કુઆર્નમાં ફરમાવે છે, “શું મનુષ્ય એમ સમજે છે કે અમે તેના હાડકાંને એકત્રિત કરી નહીં શકીએ? શા માટે નહીં? અમે તો તેના આંગળાના ટેરવા સુધ્ધાં બરાબર બનાવી દેવાનું સામર્થ્ય ધરાવીએ છીએ. પરંતુ મનુષ્ય એમ ઇચ્છે છે કે આગળ પણ દુરાચાર કરતો રહે. પૂછે છે, ‘‘છેવટે કયારે આવવાનો છે તે કયામતનો દિવસ?’’ પછી જ્યારે આંખો પથરાઈ જશે અને ચંદ્ર પ્રકાશહીન થઈ જશે અને સૂર્ય અને ચંદ્રને મેળવીને એક કરી દેવામાં આવશે તે વખતે આ જ મનુષ્ય કહેશે, ‘‘કયાં ભાગીને જાઉં?’’ કદાપિ નહીં, ત્યાં કોઈ શરણ લેવાનું સ્થાન નહીં હોય, તે દિવસે તારા રબ (પ્રભુ)ના જ સામે જઈને થોભવું પડશે. તે દિવસે મનુષ્યને તેનું સઘળું આગળ-પાછળનું કર્યું-કરાવ્યું બતાવી દેવામાં આવશે. બલ્કે મનુષ્ય સ્વયં જ પોતાની જાતને સારી રીતે જાણે છે, ભલે તે ગમે તેટલા બહાના રજૂ કરે..” (૭૫ઃ૩ થી ૧૫)